અમેરિકાના રીટેલ સેલ્સ-જૉબલેસ ડેટા નબળા આવતાં સોનામાં પ્રત્યાઘાતી ઘટાડો

18 January, 2025 08:02 AM IST  |  Mumbai | Mayur Mehta

સોનું વર્લ્ડ માર્કેટમાં સાપ્તાહિક ધોરણે સતત ત્રીજા સપ્તાહે વધ્યું

સોનું-ચાંદીની પ્રતીકાત્મક ફાઈલ તસવીર

અમેરિકાના રીટેલ સેલ્સના ડેટા ધારણા કરતાં નબળા આવતાં અને જૉબલેસ ડેટામાં મોટો વધારો થતાં રેટ-કટના ચાન્સ ફરી ઘટતાં સોનામાં પ્રત્યાઘાતી ઘટાડો નોંધાયો હતો. જોકે સાપ્તાહિક ધોરણે સોનું સતત ત્રીજે સપ્તાહે વધ્યું હતું.

મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ પંચાવન રૂપિયા વધ્યો હતો, જ્યારે ચાંદી પ્રતિ કિલો ૯૬૪ રૂપિયા ઘટી હતી.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકાનું રીટેલ સેલ્સ ડિસેમ્બરમાં ૦.૪ ટકા વધ્યું હતું જે છેલ્લા ચાર મહિનાનું સૌથી ઓછું વધ્યું હતું. નવેમ્બરમાં રીટેલ સેલ્સ ૦.૮ ટકા વધ્યું હતું તેમ જ ડિસેમ્બર વિશે માર્કેટની ધારણા ૦.૬ ટકા વધારાની હતી.

અમેરિકામાં નવા અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ નંબર્સ ૧૧ જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહના અંતે ૧૪ હજાર વધીને ૨.૧૭ લાખે પહોંચ્યા હતા જેના વિશે માર્કેટની ધારણા ૨.૧૦ લાખની હતી. જાન્યુઆરીમાં પ્રથમ સપ્તાહમાં નંબર્સ ૧૧ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યા હતા. અમેરિકાનો હોમબિલ્ડર્સ સે​ન્ટિમેન્ટ ઇન્ડેક્સ જાન્યુઆરીમાં વધીને નવ મહિનાની ઊંચાઈએ ૪૭ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ડિસેમ્બરમાં ૪૬ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૪૫ પૉઇન્ટની હતી.

અમેરિકાના ઇકૉનૉમિક ડેટા સ્ટ્રૉન્ગ આવતાં ડૉલર ઇન્ડેક્સ ૦.૧૯ ટકા વધીને ૧૦૯.૨૫ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઘટીને એક તબક્કે ૧૦૮.૯૦ પૉઇન્ટ રહ્યો હતો.

ચીનનો ગ્રોથરેટ ૨૦૨૪માં પાંચ ટકા રહ્યો હતો જે ગવર્નમેન્ટના ટાર્ગેટ જેટલો જ રહ્યો હતો અને ૨૦૨૩માં ગ્રોથરેટ ૫.૨ ટકા રહ્યો હતો. ચોથા ક્વૉર્ટરમાં ગ્રોથરેટ ૫.૪ ટકા રહ્યો હતો જે અગાઉના ક્વૉર્ટરમાં ૪.૬ ટકા રહ્યો હતો અને માર્કેટની ધારણા પાંચ ટકાની હતી. ચીનનું ઇન્ડ​સ્ટ્રિયલ પ્રોડક્શન ડિસેમ્બરમાં ૦.૬૪ ટકા વધીને આઠ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું જે નવેમ્બરમાં ૦.૪૬ ટકા વધ્યું હતું.

ચીનનાં ટૉપ લેવલનાં ૭૦ શહેરોમાં હોમપ્રાઇસ ડિસેમ્બરમાં ૫.૩ ટકા ઘટીને ચાર મહિનાની નીચી સપાટીએ પહોંચ્યા હતા જે નવેમ્બરમાં ૫.૭ ટકા ઘટ્યા હતા. ચીનનું રીટેલ સેલ્સ ડિસેમ્બરમાં ૩.૭ ટકા વધ્યું હતું જે નવેમ્બરમાં ત્રણ ટકા વધ્યું હતું અને માર્કેટની ધારણા ૩.૫ ટકા વધારાની હતી. ચીનમાં ફિક્સ્ડ ઍસેટ ઇન્વેસ્ટમેન્ટ ડિસેમ્બરમાં ૦.૩ ટકા વધ્યું હતું જે નવેમ્બરમાં ૦.૧ ટકા વધ્યું હતું, જ્યારે ૨૦૨૪માં ૩.૨ ટકા વધ્યું હતું.

ચીનમાં ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ૨૦૨૪માં ૨૭.૧ ટકા ઘટીને ૧૬ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યું હતુ જે ૨૦૨૩માં પણ આઠ ટકા ઘટ્યું હતું. ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ઘટતાં કન્ઝમ્પ્શન ગ્રોથ પણ ઘટ્યો હતો.

ચીનની વસ્તી ૨૦૨૪માં ૧૩.૯ લાખ ઘટીને ૧૪૦.૮ કરોડે પહોંચી હતી જે ૨૦૨૩માં પણ ૨૦.૮ લાખ ઘટી હતી. ચીનની વસ્તી સતત ત્રીજે વર્ષે ઘટી હતી. ચીનમાં ૨૦૨૪માં બર્થ નંબર્સ ૫.૨૦ લાખ વધીને ૯૫.૪ લાખે પહોંચ્યા હતા એની સામે ડેથ નંબર્સ ૧૦૯.૩ લાખ રહ્યા હતા. ચીનની વસ્તી સતત ઘટી રહી છે. ચીનમાં બર્થ નંબર્સ ૧૯૬૦થી એકધારા ઘટી રહ્યા છે, કારણ કે સરકાર વન ચાઇલ્ડ પૉલિસીને સતત પ્રમોટ કરી રહી છે.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ

ચીનના ગ્રોથરેટ અને ઇકૉનૉમિક ડેટા પ્રમાણમાં સ્ટ્રૉન્ગ આવતાં સોનાની ફિઝિકલ ડિમાન્ડ ૨૦૨૫માં સ્ટ્રૉન્ગ રહેવાની શક્યતા વધી હતી. વળી ટ્રમ્પના ટૉરિફ વૉર સામે મજબૂત લડત આપવા ચીનની સેન્ટ્રલ બૅન્કે છેલ્લા બે મહિનાથી શરૂ કરેલી સોનાની ખરીદી પણ આગળ વધશે. ભારતમાં સોનાની ઇમ્પોર્ટ ડ્યુટી ગયા બજેટમાં ઘટાડાઈ હોવાથી ભારતની પણ ફિઝિકલ ડિમાન્ડ ૨૦૨૫માં વધશે. આમ ફિઝિકલ ડિમાન્ડ અને સેન્ટ્રલ બૅન્કોની ખરીદીનો સપોર્ટ ૨૦૨૫માં સોનાને મળવાના ચાન્સ વધી રહ્યા હોવાથી તેજીનું મોમેન્ટમ ચાલુ રહેશે.

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૭૯,૨૩૯
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૭૭,૯૨૨
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૯૦,૮૨૦
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

gold silver price commodity market china united states of america business news