05 February, 2025 07:38 AM IST | Mumbai | Mayur Mehta
સોનું-ચાંદીની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ડૉનલ્ડ ટ્રમ્પે કૅનેડા-મેક્સિકોથી આયાત થતી ચીજો પર લાગુ કરેલો ટૅરિફવધારો એક મહિનો મુલતવી રાખતાં સોના-ચાંદી પ્રત્યાઘાતી ઘટ્યાં હતાં. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૩૦૬ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૪૮૦ રૂપિયા વધ્યો હતો. મુંબઈમાં સોનાનો ભાવ સતત પાંચમા દિવસે વધ્યો હતો, પાંચ દિવસમાં સોનાનો ભાવ ૨૬૯૭ રૂપિયા વધ્યો હતો.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
ટ્રમ્પે કૅનેડા-મેક્સિકોથી આયાત થતી ચીજો પર લગાડેલી ટૅરિફ એક મહિના મુલતવી રાખી હોવાની જાહેરાત કરતાં ડૉલર ઇન્ડેક્સ ઘટીને ૧૦૮.૬૩ પૉઇન્ટે પહોંચ્યો હતો જે સોમવારે વધીને ૧૦૯.૮૮ પૉઇન્ટે પહોંચ્યો હતો. ટ્રમ્પે ચીન સાથે ટૅરિફ વિશે વાતચીતનાં દ્વાર ખુલ્લાં હોવાની જાહેરાત કરતાં ડૉલર ઇન્ડેક્સ વધુ ઘટી શકે છે. ડૉલર ઇન્ડેક્સ ઘટતાં ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ પણ ઘટ્યાં હતાં.
અમેરિકાનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ જાન્યુઆરીમાં વધીને ૫૦.૯ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ડિસેમ્બરમાં ૪૯.૨ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૪૯.૮ પૉઇન્ટની હતી. મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથમાં સતત ૨૬ મહિના ઘટાડો થયા બાદ પ્રથમ વખત વધારો થયો હતો. મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં નવા ઑર્ડર, એમ્પ્લૉયમેન્ટ અને પ્રોડક્શન તમામ વધતાં ઓવરઑલ ગ્રોથ વધ્યો હતો.
ચાંદીની ઇન્ડસ્ટ્રિયલ ડિમાન્ડ સતત વધી રહી હોવાથી વૈશ્વિક ચાંદીની માર્કેટ સતત પાંચમા વર્ષે ખાધમાં રહેવાની ધારણા છે. ચીનમાં ઇલેક્ટ્રિક વેહિકલનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો હોવાથી અને ભારતમાં સોલર એનર્જી સેક્ટરમાં ઝડપી પ્રગતિ થઈ રહી હોવાથી ચાંદીનો આ બન્ને સેક્ટરમાં વપરાશ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. ૨૦૨૫માં ચાંદીનું પ્રોડક્શન ત્રણ ટકા વધશે જેને કારણે ૨૦૨૫માં ૧૪.૯ કરોડ ઔંસની ખાધ રહેશે જે ૨૦૨૪થી ૧૯ ટકા ઓછી હશે.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
ડૉનલ્ડ ટ્રમ્પે કૅનેડા અને મેક્સિકોથી આયાત થતી ચીજો પર લગાડેલી પચીસ ટકા ટૅરિફ એક મહિનો મુલતવી રાખી હતી. આ નિર્ણય બાદ તરત જ ટ્રમ્પે ચીનથી આયાત થતી ચીજો પર લગાડેલી ૧૦ ટકા ટૅરિફ વિશે વાતચીતનાં દ્વાર ખુલ્લાં હોવાનું કહ્યું હતું. ટ્રમ્પની રણનીતિ પ્રેશર લાવીને ધાર્યું કામ પાર પાડવાની છે જે રણનીતિ પહેલી ટર્મમાં પણ ટ્રમ્પે અપનાવીને ઘણાં લક્ષ્યો પાર પાડ્યાં હતાં. ટ્રમ્પે સત્તાનાં સૂત્રો સંભાળ્યા બાદ ૧૦૦ એક્ઝિક્યુટિવ ઑર્ડર પર સહી કરી હતી જેમાંના ઘણા ઑર્ડર પર સહમત થયા બાદ ઑર્ડર પાછા ખેંચાય એવા છે. ટ્રમ્પે ટૅરિફવધારો અમલી કર્યો એની અસરે ઇન્ફ્લેશન વધશે એવી ધારણાએ સોના-ચાંદી, ક્રૂડ તેલ, બ્રૅન્ટ ક્રૂડ, નૅચરલ ગૅસ સહિત અનેક કૉમોડિટીના ભાવ રૉકેટગતિએ વધ્યા હતા. ડૉલર ઇન્ડેક્સ પણ ઊછળ્યો હતો, પણ ટ્રમ્પે ટૅરિફવધારો એક મહિનો મુલતવી રાખ્યાના સમાચારના ગણતરીના કલાકોમાં ડૉલર સહિત તમામ કૉમોડિટીના ભાવ ઘટવા લાગ્યા હતા. કહેવાનું તાત્પર્ય એ છે કે સોના-ચાંદીમાં ઝડપી તેજી બાદ હવે કરેક્શનનો દોર શરૂ થશે, આથી સાવચેતી રાખવી જરૂરી છે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૮૩,૦૧૦
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૮૨,૬૭૮
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૯૩,૭૯૩
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)