અમેરિકા-ચીન ટૅરિફવૉર બાબતે સમાધાનની ચર્ચાથી સોના અને ચાંદીમાં પીછેહઠ

13 February, 2025 07:08 AM IST  |  Mumbai | Mayur Mehta

અમેરિકાના આજે જાહેર થનારા ઇન્ફ્લેશનના ડેટા સોના-ચાંદીની માર્કેટ માટે મહત્ત્વના રહેશે

સોના-ચાંદીની ફાઈલતસવીર

અમેરિકા અને ચીન વચ્ચે શરૂ થયેલા ટૅરિફવૉર બાબતે સમાધાન થવાની ચર્ચા ચાલુ થતાં સોના-ચાંદીમાં ઊંચા મથાળેથી પીછેહઠ જોવા મળી હતી. વર્લ્ડ માર્કેટમાં સોનું વધીને ૨૯૪૫ ડૉલર થયા બાદ ઘટીને ૨૯૦૨.૭૦ ડૉલર થયું હતું એ જ રીતે ચાંદી વધીને ૩૨.૩૧ ડૉલર થયા બાદ ઘટીને ૩૧.૫૬ ડૉલર થઈ હતી. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૧૮૪ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૮૨૩ રૂપિયા ઘટ્યો હતો.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

ડોનલ્ડ ટ્રમ્પે અમેરિકામાં આયાત થતાં ઍલ્યુમિનિયમ અને સ્ટીલ પર ટૅરિફવધારો કર્યા બાદ હવે અન્ય ચીજો પર પણ ટૅરિફ લાગુ કરવાની કમેન્ટ કરતાં ડૉલર ઇન્ડેક્સ વધીને ૧૦૮.૪૬ પૉઇન્ટ સુધી વધ્યો હતો. ઇન્ફ્લેશનના આજે જાહેર થનારા ડેટા માર્કેટની ધારણા પ્રમાણે ઘટીને આવશે તો રેટ-કટના ચાન્સ વધવાની શક્યતા હોવાથી ડૉલર ઇન્ડેક્સમાં વધારો મર્યાદિત રહ્યો હતો. જોકે અન્ય કરન્સીની નબળાઈનો સપોર્ટ ડૉલરને મળ્યો હતો.  ફેડ ચૅરમૅન જેરોમ પૉવેલ મંગળવારે અને બુધવારે બે દિવસ કૉન્ગ્રેસ સમક્ષ વક્તવ્ય આપવાના હોવાથી ઇન્ટરેસ્ટ રેટ વિશે ફેડનું સ્ટૅન્ડ શું રહેશે એ વિશે વધુ વિગતો આવી શકે છે. ખાસ કરીને ડોનલ્ડ ટ્રમ્પ દ્વારા શરૂ થયેલા ટૅરિફવૉર અને અમેરિકાનું સ્પે​​ન્ડિંગ બચાવવાના એ​ક્ઝિક્યુટિવ ઑર્ડરની ઇકૉનૉમિક ક​ન્ડિશન પર પડનારી અસર વિશે પણ પૉવેલની કમેન્ટ આવવાની શક્યતા છે.

અમેરિકાની ડેબ્ટ આસમાની ઊંચાઈએ પહોંચી હોવાથી ટ્રમ્પ અને તેના સાથી ઇલૉન મસ્ક દ્વારા ગવર્નમેન્ટ સ્પે​ન્ડિંગમાં મોટો કાપ મૂકવાની કવાયત ચાલુ થઈ ચૂકી છે. હાલ અમેરિકન ગવર્નમેન્ટ ઑથોરિટી દર વર્ષે થતાં છ ટ્રિલ્યન (લાખ કરોડ) ડૉલરના સ્પે​ન્ડિંગને બચાવવાનું લક્ષ્ય લઈને કામ થઈ રહ્યું છે. અમેરિકન ગવર્નમેન્ટની ૩૬ ટ્રિલ્યન ડૉલરની ડેબ્ટનું ઇન્ટરેસ્ટ ચૂકવવા માટે અમેરિકાને સોશ્યલ સ્પે​ન્ડિંગમાં મોટો કાપ મૂકવાની ફરજ પડી છે. ઇકૉનૉમિસ્ટો અને ઍનલિસ્ટો અમેરિકન ગવર્નમેન્ટ દ્વારા જો સ્પે​ન્ડિંગમાં મૅસિવ કાપ મૂકવાની હિલચાલ ચાલુ થશે તો અમેરિકા અને વર્લ્ડની ઇકૉનૉમી ક​ન્ડિશન ખરાબ થવાના ચાન્સ બતાવાઈ રહ્યા છે.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ

અમેરિકાના જાન્યુઆરી મહિનાના ઇન્ફ્લેશનના ડેટા આજે બુધવારે ભારતીય સમય પ્રમાણે સાંજે સાત વાગ્યે જાહેર થવાના છે. અમેરિકાનું હેડલાઇન ઇન્ફ્લેશન છેલ્લા ચાર મહિનાથી વધીને ૨.૯ ટકાએ પહોંચ્યું છે જે ચાર મહિના પહેલાં સપ્ટેમ્બરમાં ૨.૪ ટકા હતું, જ્યારે કોર ઇન્ફ્લેશન સતત ત્રણ મહિના ૩.૪ ટકા રહ્યા બાદ ગયા મહિને ડિસેમ્બરમાં ઘટીને ૩.૨ ટકા રહ્યું હતું. હેડલાઇન ઇન્ફ્લેશન ૨.૯ ટકા જ આવવાની માર્કેટની ધારણા છે, પણ કોર ઇન્ફ્લેશન ઘટીને ૩.૧ ટકા આવવાની માર્કેટની ધારણા છે. ફેડનું ઇન્ટરેસ્ટનું ડિસિઝન હંમેશાં કોર ઇન્ફ્લેશન પરથી લેવાય છે. ડિસેમ્બરમાં કોર ઇન્ફ્લેશન ૩.૪ ટકાથી ઘટીને ૩.૨ ટકા આવતાં રેટ-કટના ચાન્સ વધ્યા હતા. આ રીતે જો આજે જાહેર થનારા ડેટામાં માર્કેટની ધારણા પ્રમાણે કોર ઇન્ફ્લેશન ઘટીને ૩.૧ ટકા આવશે તો રેટ-કટના ચાન્સ વધતાં સોનાની તેજીને સપોર્ટ મળતાં વધુ ભાવ ઊંચકાશે. કોર ઇન્ફલેશન માર્કેટની ધારણા પ્રમાણે ૩.૧ ટકા આવશે તો ૨૦૨૫નો ફેડનો પહેલો રેટ-કટ જુલાઈમાં આવવાની ધારણા છે જે માર્ચમાં જ આવવાની શક્યતા વધશે.

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૮૫,૪૮૧
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૮૫,૧૩૯
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૯૪,૭૧૦
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

gold silver price commodity market donald trump finance news indian economy mutual fund investment china united states of america business news