સોનામાં ઐતિહાસિક તેજીનો સિલસિલો યથાવત‍્: સતત પાંચમા દિવસે નવી ટોચ

24 October, 2024 08:24 AM IST  |  Mumbai | Mayur Mehta

મુંબઈમાં છેલ્લા છ દિવસમાં સોનામાં ૨૭૬૨ રૂપિયા અને ચાંદીમાં ૯૦૬૨ રૂપિયાનો ઉછાળો : અમેરિકામાં પ્રેસિડે​ન્શિયલ ઇલેક્શન નજીક આવતાં સસ્પેન્સ વધતાં સેફ હેવન ડિમાન્ડ વધી

સોના-ચાંદીની પ્રતીકાત્મક તસવીર

સોનામાં ઐતિહાસિક તેજીનો સિલસિલો એકધારો આગળ વધી રહ્યો છે અને બુધવારે પણ વર્લ્ડ માર્કેટમાં સોનું સતત પાંચમા દિવસે નવી ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચીને ૨૭૫૦ ડૉલરની સપાટી પાર કરી હતી. વર્લ્ડ માર્કેટમાં સોનું વધીને ૨૭૫૮.૯૦ ડૉલરની સપાટીએ પહોંચ્યું હતું જે નવી ઑલટાઇમ હાઈ સપાટી છે. ચાંદી પણ સોનાની પાછળ વધીને ૩૪.૯૧ ડૉલરે પહોંચી હતી.

મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૪૪૧ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૪૯૦ રૂપિયા વધ્યો હતો. મુંબઈમાં સોના-ચાંદીનો ભાવ સતત છઠ્ઠે દિવસે વધ્યો હતો. સોનું છ દિવસમાં ૨૭૬૨ રૂપિયા વધ્યું હતું, જ્યારે ચાંદીનો ભાવ છ દિવસમાં ૯૦૬૨ રૂપિયા વધ્યો હતો.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકન ડૉલર ઇન્ડેક્સ ૦.૧૦ ટકા વધીને અઢી મહિનાની ઊંચાઈએ ૧૦૪.૧૯ પૉઇન્ટે પહોંચ્યો હતો. ફેડના એક કરતાં વધુ ઑફિશ્યલ્સ દ્વારા રેટ-કટની ગતિ ધીમી રહેવી જોઈએ એવી કમેન્ટ આવતાં ડૉલરમાં મજબૂતી વધી હતી. ડૉલર ઇન્ડેક્સ એક સપ્તાહ અગાઉ ૧૦.૩૨૭ પૉઇન્ટ હતો. કનાસ, ડલાસ અને મિનિયોપૉલિસના ફેડ પ્રેસિડન્ટે ગ્રૅજ્યુઅલી અને મોડેસ્ટ રેટ-કટ તરફેણ કરી હતી. અમેરિકન પ્રેસિડેન્શિયલ ઇલેક્શનમાં હાલ મોટા ભાગનાં સર્વેક્ષણમાં ટ્રમ્પનું પલડું ભારે થતાં આગામી દિવસોમાં ઇન્ફ્લેશન અને ડેફિસિટ વધશે એવી શક્યતાએ ડૉલર ઇન્ડેક્સ અને ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ સતત વધી રહ્યાં છે. ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ પણ ૦.૦૨૬ ટકા વધીને ત્રણ મહિનાની ઊંચાઈએ ૪.૨૪ ટકાએ પહોંચ્યાં હતાં.

વર્લ્ડની કરન્સી માર્કેટમાં ડૉલરની સતત વધી રહેલી મજબૂતીને કારણે અનેક દેશોની કરન્સી એકધારી નીચી જઈ રહી છે. જોકે દરેક કરન્સી નીચી જવા માટેનાં લોકલ કારણો પણ મોજૂદ છે. જપાનમાં કરન્સી-ડેપ્રિયેશન સામે સરકારની ઉદાસીનતાને કારણે યેનનું મૂલ્ય ડૉલર સામે ત્રણ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યું હતું. ન્યુ ઝીલૅન્ડની સેન્ટ્રલ બૅન્ક નવેમ્બર મીટિંગમાં ૭૫ બેસિસ પૉઇન્ટનો રેટ-કટ લાવશે એવી ચર્ચાને પગલે ન્યુ ઝીલૅન્ડનો ડૉલર બે મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો. ચીનની સેન્ટ્રલ બૅન્કે ઉપરાઉપરી રેટ-કટ લાવતાં યુઆન પણ સતત નબળો પડી રહ્યો છે. જે દેશોની કરન્સી નીચી જઈ રહી છે ત્યાં સોનાના ભાવ પણ ઊંચા બોલાઈ રહ્યા છે.

ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડ (IMF)એ વર્લ્ડનો ઇકૉનૉમિક ગ્રોથરેટ ૨૦૨૪ અને ૨૦૨૫ બન્ને વર્ષ માટે ૩.૨ ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો જે ૨૦૨૩માં ૩.૩ ટકા રહ્યો હતો. ત્રણ મહિના અગાઉ આપેલા રિપોર્ટની સરખામણીમાં ૨૦૨૫નો ગ્રોથરેટ ૦.૧ ટકા ઘટાડ્યો હતો. અમેરિકાનો ગ્રોથરેટ ૨૦૨૪માં ૨.૮ ટકા અને ૨૦૨૫માં ૨.૨ ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો, અમેરિકાનો ગ્રોથરેટ ૨૦૨૩માં ૨.૯ ટકા હતો. ચીનનો ગ્રોથરેટ ૨૦૨૪માં ૪.૮ ટકા અને ૨૦૨૫માં ૪.૫ ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો. ચીનનો ગ્રોથરેટ ૨૦૨૩માં ૫.૨ ટકા હતો. આમ વર્લ્ડની ટૉપ લેવલની બન્ને ઇકૉનૉમીનો ગ્રોથરેટ ૨૦૨૪ અને ૨૦૨૫માં ઘટવાનો અંદાજ મુકાયો હતો. ભારતનો ગ્રોથરેટ ૨૦૨૪માં સાત ટકા અને ૨૦૨૫માં ૬.૫ ટકા રહેવાનો અંદાજ મુકાયો હતો જે ગ્રોથરેટ ૨૦૨૩માં ૮.૨ ટકા હતો. અમેરિકા, ચીન, ભારતની સાથે જપાનનો ઇકૉનૉમિક ગ્રોથ પણ ઘટવાનો અંદાજ મુકાયો હતો. યુરો એરિયા, બ્રિટન, કૅનેડા, સાઉદી અરેબિયા અને સાઉથ આફ્રિકાનો ગ્રોથરેટ ૨૦૨૪ અને ૨૦૨૫ બન્ને વર્ષમાં વધતો રહેવાનો અંદાજ મુકાયો હતો.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ

અમેરિકાના પ્રેસિડેન્શિયલ ઇલેક્શન સુધી અનિશ્ચિતતાનો માહોલ સતત ચાલુ રહેવાનો છે, કારણ કે જો ટ્રમ્પ પ્રેસિડન્ટ બનશે તો અમેરિકન ઇકૉનૉમિક ક​ન્ડિશન, ડૉલર ઇન્ડેક્સ, અમેરિકા-ચીનના વ્યાપારિક સંબંધો, રશિયા-યુક્રેન અને મિડલ ઈસ્ટ વૉર તમામનું ભાવિ એકસાથે નક્કી થશે. કમલા હૅરિસ પ્રેસિડન્ટ બનશે તો હાલની સ્થિતિમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. સોનું હંમેશાં અનિશ્ચિતતાના કાળમાં સતત વધતું રહે છે. આથી અમેરિકાના પ્રેસિડેન્શિયલ ઇલેક્શનના રિઝલ્ટ સુધી સોનું અને ચાંદી બન્નેના ભાવ વધતાં રહે એવી શક્યતા બુલંદ છે.\

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૭૮,૬૯૨

સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૭૮,૩૭૭

ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૯૮,૮૬૨

(સોર્સઝન્ડિયન બુલિયન બૅન્ડ જવેલર્સ અસોસિએશન લિમિટેડ) 

gold silver price commodity market indian economy india business news