17 October, 2026 10:50 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ઇન્ટરનૅશનલ મૉનેટરી ફન્ડ (IMF)
ઇન્ટરનૅશનલ મૉનેટરી ફન્ડ (IMF) દ્વારા ગુરુવારે જાહેર કરવામાં આવેલા નવા અહેવાલ મુજબ ભારત વર્ષ ૨૦૨૭માં જપાનને પછાડીને વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની જશે. સંસ્થાએ સ્પષ્ટ કર્યું છે કે ભારત ખૂબ જ ઝડપથી આર્થિક વિકાસ સાધી રહ્યું છે. IMFએ આગામી વર્ષ ૨૦૨૬ માટે ભારતના આર્થિક વિકાસદરનો અંદાજ વધારીને ૭ ટકા કર્યો હતો, જ્યારે બીજી તરફ જપાનનો વિકાસદર માત્ર ૦.૭ ટકા રહેશે.
આ રિપોર્ટમાં સૌથી મહત્ત્વની બાબત એ છે કે હવે વૈશ્વિક સ્તરે ભારતનો દબદબો સતત વધી રહ્યો છે. જપાનની આર્થિક સ્થિતિ લાંબા સમયથી ચાલતી મોંઘવારી અને વૃદ્ધ વસ્તીને કારણે સતત કથળી રહી છે. સ્થાનિક ઉદ્યોગોને મોટો ફટકો પડ્યો છે. આ ઉપરાંત ઈરાન યુદ્ધને કારણે પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો અને ડૉલર સામે યેનના સતત ઘટતા મૂલ્યને કારણે જપાન હવે વૈશ્વિક રૅન્કિંગમાં ભારત અને બ્રિટન એમ બન્નેથી પાછળ ધકેલાઈને છેક છઠ્ઠા ક્રમે પહોંચી જાય એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.