19 October, 2025 07:25 AM IST | Mumbai | Rohit Parikh
ગઈ કાલે ઝવેરીબજારની એક દુકાનમાંથી ખરીદી કરતા અને પોતાનો વારો આવે એના માટે એક દુકાનની બહાર લાઇનમાં ઊભેલા લોકો. તસવીરો : આશિષ રાજે
સોના-ચાંદીના ઊંચા ભાવ છતાં ધનતેરસની ઘરાકી જોઈને ઝવેરીઓ ખુશખુશાલ
ઑલ ઇન્ડિયા જેમ ઍન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ (GJC)એ ભાવમાં વધારા છતાં સોના અને ચાંદીની ખરીદીમાં વધારો નોંધાવ્યો છે. દરમાં વધારા છતાં સમગ્ર ભારતમાં વ્યૂહાત્મક ખરીદીનો માહોલ સર્જાયો હતો જેમાં ગ્રાહકો અર્થપૂર્ણ ખરીદી કરવાની તકનો લાભ લઈ રહ્યા છે. દેશભરના ઝવેરીઓની અપેક્ષા છે કે તહેવારોનું વેચાણ ૫૦,૦૦૦ કરોડ રૂપિયાને પાર કરશે. સોના-ચાંદીના ઊંચા ભાવ હોવા છતાં એનો પ્રભાવ ખરીદી પર જોવા મળતો નથી. ગઈ કાલે ધનતેરસના દિવસે મુંબઈ અને મોટા ભાગનાં શહેરોમાં સોના અને ચાંદીના સિક્કાઓની તેમ જ
હલકી જ્વેલરીની માગ ભારે પ્રમાણમાં જોવા મળી હતી.
દુકાનો વહેલી ખૂલી
ગઈ કાલે ધનતેરસ હોવાથી દેશભરના ઝવેરીઓએ તેમના શોરૂમો અને દુકાનોને વહેલાં ખોલી નાખ્યાં હતાં. દિવાળીના તહેવારો અને આવી રહેલી લગ્નની સીઝનને ધ્યાનમાં રાખીને સવારથી ગ્રાહકોની ભીડ સતત ચાલુ હતી અને બપોર સુધીમાં એ વધુ તીવ્ર બની હતી. ઝવેરીઓના કહેવા પ્રમાણે ખરીદદારોમાં યુવા વર્ગનું સ્પેશ્યલી ટકાઉ સોના અને ચાંદીના ઝવેરાત તરફ આકર્ષણ જોવા મળતું હતું. જ્યારે ઓવરઑલ લોકપ્રિય પસંદગીઓમાં હૉલમાર્ક-પ્રમાણિત સોનું, હળવા વજનના દૈનિક ઝવેરાતોની ડિઝાઇન, સોનાના સિક્કા અને વધુ ને વધુ ચાંદીના સિક્કાનો સમાવેશ થાય છે જે ભેટ, રોકાણ અને ઔપચારિક હેતુઓ માટે પસંદ કરવામાં આવી રહ્યાં છે. ધનતેરસ આજે બપોર સુધી ચાલુ રહેશે અને ઝવેરાતની દુકાનો ગઈ કાલે મધરાત સુધી ખુલ્લી રહી હતી. બજારના બદલાતા મૂડને ધ્યાનમાં રાખીને જ્વેલર્સ હવે ફૅન્સી જ્વેલરી અને ચાંદીના સિક્કાઓ જેવા નવા વિકલ્પો પર ખાસ ધ્યાન આપી રહ્યા છે જેથી ગ્રાહકોની બદલાતી માગ મુજબ વેપારમાં ગતિ આપી શકાય.
શેની ડિમાન્ડ?
ગઈ કાલે ધનતેરસ નિમિત્તે ગયા વર્ષની સરખામણીમાં વૉલ્યુમમાં ૧૦થી ૧૫ ટકા ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ એકંદર મૂલ્યમાં તીવ્ર વધારો થયો છે એટલે અમને અપેક્ષા છે કે તહેવારોનું વેચાણ ૫૦,૦૦૦ કરોડ રૂપિયાને પાર કરશે એમ જણાવતાં GJCના ચૅરમૅન રાજેશ રોકડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોના અને ચાંદીના ઊંચા ભાવ હોવા છતાં વ્યૂહાત્મક ખરીદી અને વહેલાં લગ્નની ખરીદીને કારણે ગ્રાહકો ખરીદી કરવા મજબૂતીથી બહાર આવ્યા છે. સોનાના સિક્કા માગમાં અગ્રણી છે, હૉલમાર્ક-પ્રમાણિત હળવા વજનનાં ઝવેરાત પણ સારું પ્રદર્શન કરી રહ્યાં છે. ચાંદીની વસ્તુઓ, ખાસ કરીને સિક્કા અને પૂજાની વસ્તુઓ ગયા વર્ષની સરખામણીમાં લગભગ ૪૦ ટકા વધ્યાં છે. ચાંદી હવે ગ્રાહકોની દ્વિતીય પસંદગી રહી નથી, પરંતુ મૂલ્ય પ્રત્યે સભાન ખરીદદારો માટે એક સ્માર્ટ, ઉત્સવપૂર્ણ રોકાણ છે જેમાં એક ગ્રામથી પચાસ ગ્રામ સુધીનાં વિવિધ મૂલ્યોની ખરીદી જોવા મળી હતી અને તહેવારોમાં હજી એ ડિમાન્ડ ચાલુ રહેશે. જ્વેલરીમાં હવે હૉલમાર્ક પ્રમાણપત્ર ટોચની પ્રાથમિકતા છે. બજારમાં એકંદર ઉત્સવપૂર્ણ ઊર્જા દેખાય છે અને મધરાત સુધી દુકાનો ખુલ્લી રહી છે. ધનતેરસ આજે બપોર સુધી ચાલુ રહેશે જેમાં અમે અપેક્ષા રાખીએ છીએ કે આ ગતિ આગળ વધશે.’
મૂલ્ય વધ્યું, વૉલ્યુમ ઘટ્યું
આ ધનતેરસથી ગ્રાહક-પરિપક્વતાનું એક નવું સ્તર ઉજાગર થયું છે એમ જણાવતાં GJCના વાઇસ-ચૅરમૅન અવિનાશ ગુપ્તાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગયા વર્ષની સરખામણીમાં સરેરાશ મૂલ્યમાં લગભગ વીસથી ૨૫ ટકાનો વધારો થયો છે, ભલે બુલિયનના ઊંચા ભાવને કારણે એકંદર વૉલ્યુમ ઘટ્યું હોય. ખાસ કરીને નાનાં શહેરોમાં ચાંદીના સિક્કાના વેચાણમાં ૩૫થી ૪૦ ટકા વધારો જોવા મળી રહ્યો છે જ્યાં ખરીદદારો બજેટ-ફ્રેન્ડ્લી રોકાણો અને ઔપચારિક ભેટો પસંદ કરી રહ્યા છે. જ્યારે પોતાના ઘર માટે કે પરિવારજનો માટેની ખરીદીમાં ૧૫ ટકાનો વધારો જોવા મળે છે. હાલના યુવાનો વ્યક્તિગત તબક્કાઓને યાદગાર બનાવવા માટે હલકા દાગીના પસંદ કરી રહ્યા છે. ડિજિટલ જોડાણ અને પ્રારંભિક તહેવારોની ઝુંબેશની પહોંચ વધી છે અને નાનાં શહેરોમાં ઝવેરીઓ વેચાણમાં મહાનગરો કરતાં વધુ મજબૂત વૃદ્ધિ નોંધાવી રહ્યા છે. આ વર્ષ ફક્ત પરંપરા વિશે નથી; એ વિચારશીલ, મૂલ્ય-આધારિત ઉજવણી વિશે છે.’
હળવા ઝવેરાતની ડિમાન્ડ વધી
ઑલ ઇન્ડિયા જ્વેલર્સ ઍન્ડ ગોલ્ડસ્મિથ ફેડરેશન (AIJGF) દ્વારા દેશભરનાં સરાફા બજારોમાં કરવામાં આવેલા સર્વે મુજબ આ વર્ષે ધનતેરસ પર સોના–ચાંદીના સિક્કાઓના વેચાણમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે, જ્યારે સોનાનાં આભૂષણોના વેચાણમાં થોડો ઘટાડો થવાની સંભાવના છે. આ માહિતી આપતાં AIJGFના રાષ્ટ્રીય અધ્યક્ષ પંકજ અરોરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોના–ચાંદીના રેકૉર્ડ ઊંચા ભાવને કારણે મધ્યમ તથા ઉચ્ચ વર્ગના ગ્રાહકો હવે રોકાણ તરીકે સિક્કાઓને વધુ પસંદ કરી રહ્યા છે. બીજી બાજુ, ભારે જ્વેલરીની માગ ઘટી રહી છે. લગ્ન સીઝનના ખરીદદારો પણ હવે ભારે આભૂષણોની જગ્યાએ હળવાં ઘરેણાં તરફ વળી રહ્યા છે.’
ભાવમાં તોતિંગ વધારો
ગયા વર્ષે દિવાળી દરમ્યાન સોનાનો ભાવ ૮૦,૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ હતો જે આ વર્ષે વધીને ૧,૩૦,૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામને પાર કરી ગયો છે. એ સંદર્ભમાં AIJGFના રાષ્ટ્રીય સચિવ નીતિન કેડિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આમ આ વર્ષે ભાવમાં લગભગ ૬૦ ટકાનો વધારો થયો છે. એ જ રીતે ૨૦૨૪માં ચાંદીની કિંમત ૯૮,૦૦૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી જે હવે ૧,૮૦,૦૦૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામને પાર પહોંચી ગઈ છે. આમ ચાંદીમાં આશરે પંચાવન ટકાનો વધારો થયો છે. ધનતેરસથી દિવાળી સુધીના તહેવારની સીઝનમાં સૌથી વધુ માગ બુલિયન અને સિક્કાઓની રહેશે એવી સંભાવના છે. દેશભરમાં આશરે પાંચ લાખ નાના–મોટા જ્વેલર્સ સક્રિય છે. જો દરેક જ્વેલર સરેરાશ ૫૦ ગ્રામ સોનું વેચે તો કુલ પચીસ ટન સોનાનું વેચાણ થશે, જેની હાલની કિંમતે અંદાજે ૩૨,૫૦૦ કરોડ રૂપિયા થાય છે. એ જ રીતે જો દરેક જ્વેલર સરેરાશ બે કિલો ચાંદી વેચે તો આશરે ૧૦૦૦ ટન ચાંદીનું વેચાણ થશે જેની કિંમત અંદાજે ૧૮,૦૦૦ કરોડ રૂપિયા છે. આ રીતે દેશભરના સરાફા બજારોમાં કુલ ૫૦,૦૦૦ કરોડ રૂપિયાથી વધુના વેપારનો અંદાજ છે.’
રજતમઢ્યા મોદીજી
ધનતેરસના પવિત્ર દિવસે લોકોમાં સોના-ચાંદીની ખરીદીનું પરંપરાગત મહત્ત્વ હોવાથી જ્વેલર્સ ગ્રાહકોને આકર્ષવા માટે અનેક નુસખા અજમાવતા હોય છે. દિલ્હીમાં એક જ્વેલરે ધનતેરસના દિવસે નરેન્દ્ર મોદીની ચાંદીની મૂર્તિ શોરૂમમાં મૂકી હતી.