16 May, 2024 07:05 AM IST | Mumbai | Jayesh Chitalia
પ્રતીકાત્મક તસવીર
નો યૉર કસ્ટમર (KYC)ના મામલે ઊભી થયેલી ગૂંચવણ અથવા કોકડું હાલપૂરતું ઉકેલાઈ ગયું છે. એક એપ્રિલથી મ્યુચ્યુઅલ ફન્ડના રોકાણકારો માટે સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI)એ માત્ર આધાર-બેઝ્ડ KYCને વૅલિડ ગણવાનું નક્કી કરીને લાખો રોકાણકારોને અધ્ધર કરી દીધા હતા. ખાસ કરીને નવા રોકાણ બાબતે આ નવો નિયમ લાગુ કરી દેવામાં આવ્યો હતો, જ્યારે જૂનાં રોકાણ માટે આધાર વૅલિડેશન કરાવવાની કડક સૂચના આપવામાં આવી હતી. જ્યાં સુધી આમ ન થાય ત્યાં સુધી તેમને મ્યુચ્યુઅલ ફન્ડની યોજનાઓમાં નવા રોકાણની છૂટ રહેશે નહીં એવું પણ ઠરાવાયું હતું. આ સાથે નૉન રેસિડન્ટ ઇન્ડિયન્સ (NRI) વર્ગ માટે પણ મુસીબત ઊભી થઈ હતી, કેમ કે મોટા ભાગના NRI પાસે આધાર કાર્ડ હોતું નથી. હવે આ નવા નિયમને SEBIએ એક વર્ષ માટે સ્થગિત કરી દીધો છે.
SEBIએ માત્ર આધાર-બેઝ્ડ KYCને જ વૅલિડ ગણવાનો નિર્ણય અમલી બનાવ્યા બાદ ફન્ડ-ઉદ્યોગમાંથી અનેક ફરિયાદો-રજૂઆતો SEBI અને સરકારને પહોંચી હતી, જેને ધ્યાનમાં રાખીને SEBIએ આ અમલને એક વર્ષ માટે લંબાવી દેવાનું નક્કી કર્યું છે.
આધાર-PAN લિન્કની જરૂર નથી
SEBIએ એક મહત્ત્વની અને સંવેદનશીલ રાહતરૂપે આધાર અને PAN (પર્મનન્ટ અકાઉન્ટ નંબર)ના ફરજિયાત લિન્કિંગની જોગવાઈ પણ હાલમાં દૂર કરી દીધી છે. અર્થાત્ માત્ર આધાર બેઝ્ડ વૅલિડેશન ચાલી શકશે.
SEBIએ હાલ શું રાહત આપી?
SEBIએ KYC રજિસ્ટ્રેશન ઑથોરિટીઝ (KRA)ને જણાવ્યા મુજબ NRI માટે પાસપોર્ટ વૅલિડેશનને પાત્ર ગણવાનું નક્કી થાય એવી શક્યતા છે. આમ હાલ તો NRI વર્ગને આધાર વૅલિડેશનના નિયમમાંથી રાહત મળી ગઈ છે. આ રાહત ૩૦ એપ્રિલ ૨૦૨૫ સુધી આપવામાં આવી છે. જોકે SEBIએ NRI સહિતના રોકાણકારો માટે મોબાઇલ અને ઈ-મેઇલની વિગતો ફરજિયાત રાખી છે.
રિડમ્પ્શનની છૂટ આપવામાં આવી
એક મહત્ત્વનો નિર્ણય એ પણ લેવામાં આવ્યો છે કે ૨૦૨૪ની ૩૧ માર્ચે જેમનાં મ્યુચ્યુઅલ ફન્ડની યોજનાઓમાં રોકાણ ઊભાં હતાં તેમને KYC સંબંધી નવા નિયમ મુજબ વૅલિડેટ ન થયા હોય તો પણ રિડમ્પ્શન કરવાની છૂટ રહેશે, જેને અગાઉના એક એપ્રિલના નિયમ મુજબ અટકાવી દેવાની જાહેરાત કરવામાં આવી હતી. આમ SEBIના એક એપ્રિલના આદેશથી મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગમાં ઘણી ગૂંચવણ ઊભી થઈ હતી. તેમનો વર્કલોડ અસાધારણ વધી ગયો હતો અને એની અસર હજારો એજન્ટ્સ ઉપરાંત લાખો રોકાણકારો પર પડી હતી.
મ્યુચ્યુઅલ ફન્ડ ડિસ્ટ્રિબ્યુટર વર્ગના મતે વિવિધ માર્ગે થતા મની લૉન્ડરિંગને રોકવા સરકાર આ ઍક્ટમાં વધુ ને વધુ કડક જોગવાઈ ઉમેરતી રહેવાને કારણે સૌથી વધુ સહન જૂના, વરિષ્ઠ રોકાણકારો અને NRI ઇન્વેસ્ટર્સ તેમ જ ડિસ્ટ્રિબ્યુટર એજન્ટો, ઍસેટ મૅનેજમેન્ટ કંપનીઓને કરવાનું આવતું હોય છે. ખરેખર તો મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકાણ કરનારાઓ બૅન્ક મારફત જ એ કરતા હોય છે, જ્યાં તેમનું KYC થયું હોય છે. વધુમાં આ રોકાણકાર વર્ગ મોટા ભાગે નાનો-સામાન્ય વર્ગ હોય છે તેમના પર કડક નિયમ લાગુ કરી તેમને નિરુત્સાહ કરવા જોઈએ નહીં. ખેર, હાલમાં તો સેબીએ વ્યવહારુ પગલું ઉઠાવીને આ વિષયમાં એક વર્ષની રાહત આપીને દરેકને નવા નિયમના પાલન માટે પર્યાપ્ત સમય આપ્યો હોવાના નિર્ણયને ઉદ્યોગ તરફથી આવકાર મળી રહ્યો છે.