સોના-ચાંદીમાં વધુ કડાકો : મુંબઈમાં સોનું સતત ચોથે દિવસે અને ચાંદી સતત પાંચમે દિવસે ઘટ્યાં

25 July, 2024 09:30 AM IST  |  Mumbai | Mayur Mehta

સોનું ચાર દિવસમાં ૪૮૨૮ રૂપિયા અને ચાંદી પાંચ દિવસમાં ૭૧૫૨ રૂપિયા ઘટ્યાં : અમેરિકા-ચીન વચ્ચે રશિયા બાબતે ટેન્શન વધતાં વર્લ્ડ માર્કેટમાં સોના-ચાંદીમાં વધતી મજબૂતી

પ્રતીકાત્મક તસવીર

અમેરિકાએ ચીનની અનેક કંપનીઓ રશિયાના ડિફેન્સ સેક્ટરને મદદ કરતી હોવાનો આક્ષેપ કરીને આ કંપનીઓ પર પ્રતિબંધ મૂકવાની ધમકી આપતાં બન્ને દેશો વચ્ચે તનાવ વધ્યો હતો. ચીન અને રશિયા એનર્જી-સપ્લાય માટે સમજૂતી-કરાર કરી રહ્યા હોવાથી ટેન્શન વધવાની શક્યતાએ સોના-ચાંદીમાં સેફ હેવન ડિમાન્ડ વધી હતી. વળી ભારતમાં સોના-ચાંદીની આયાત ડ્યુટી વધતાં ફિઝિકલ ડિમાન્ડ વધવાની પણ વર્લ્ડ માર્કેટમાં અસર જોવા મળી હતી.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકન ડૉલર ઇન્ડેક્સ બુધવારે ૦.૦૫ ટકા વધીને બે સપ્તાહની ઊંચાઈએ ૧૦૪.૫૦ પૉઇન્ટે પહોંચ્યો હતો જે મંગળવારે ૧૦૪.૨૪ પૉઇન્ટ અને ગયા સપ્તાહે ઘટીને ૧૦૩.૭૫ પૉઇન્ટ રહ્યો હતો. અમેરિકન પ્રેસિડેન્શિયલ ઇલેક્શનમાં ટ્રમ્પનું પલડું ભારી હોવાથી ડૉલરને સપોર્ટ મળી રહ્યો છે. ઉપરાંત ચાઇનીઝ યુઆન, યુરો અને પાઉન્ડ નબળો પડતાં ડૉલરને સપોર્ટ મળ્યો હતો. જોકે બૅન્ક ઑફ જપાનની આગામી સપ્તાહે યોજાનારી મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ વધવાના ચાન્સ સતત વધી રહ્યા હોવાથી યેનનું મૂલ્ય બે મહિનાની ઊંચાઈએ પહોંચ્યું હતું.

અમેરિકાનું એક્ઝિસ્ટિંગ હોમસેલ્સ જૂનમાં ૫.૪ ટકા ઘટીને ૧૯ મહિનાની નીચી સપાટીએ ૩૮.૯ લાખે પહોંચ્યું હતું. એક્ઝિસ્ટિંગ હોમસેલ્સ સતત ચોથે મહિને ઘટ્યું હતું. અમેરિકામાં હોમસેલ્સ સતત ઘટી રહ્યું હોવાથી જૂનમાં અનસોલ્ડ હોમની સંખ્યા ૩.૧ ટકા વધીને ૧૩.૨ લાખે પહોંચી હતી જે ૪.૧ મહિનાની સપ્લાય છે.

યુરો એરિયાનો પ્રિલિમિનરી મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ જુલાઈમાં ઘટીને સાત મહિનાની નીચી સપાટીએ ૪૫.૬ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જૂનમાં ૪૫.૮ પૉઇન્ટ હતો, જ્યારે સર્વિસ સેક્ટરનો ગ્રોથ જુલાઈમાં ઘટીને ચાર મહિનાની નીચી સપાટીએ ૫૧.૯ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જૂનમાં ૫૧.૯ પૉઇન્ટ હતો. મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ સેક્ટર બન્નેનો ગ્રોથ ઘટતાં પ્રાઇવેટ સેક્ટરનો પ્રિલિમિનરી ગ્રોથ જુલાઈમાં ઘટીને પાંચ મહિનાની નીચી સપાટીએ ૫૦.૧ પૉઇન્ટ રહ્યો હતો જે જૂનમાં ૫૦.૯ પૉઇન્ટ હતો.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ

સોનાની તેજીને અનેક પ્રકારના જિયોપૉલિટિકલ ટેન્શનનો સપોર્ટ હજી લાંબા સમય સુધી મળતો રહેશે. ઇઝરાયલ-હમાસ વચ્ચે છેલ્લા દસ મહિનાથી ચાલી રહેલા યુદ્ધ-સમાપ્તિની આશા સતત વધી રહી છે, પણ યુદ્ધ-સમાપ્તિની મંત્રણા આગળ વધતી નથી. ઇઝરાયલના પ્રેસિડન્ટ નેતન્યાહુએ યુદ્ધ-સમાપ્તિનો સંકેત આપ્યો છે, પણ ઇઝરાયલનાં અનેક શહેરોમાં બંધકોને મુક્તિ માટે નેતન્યાહુ પર સતત આંતરિક દબાણ વધી રહ્યું હોવાથી જ્યાં સુધી તમામ બંધકોની મુક્તિ નહીં થાય ત્યાં સુધી યુદ્ધ સમાપ્ત થવું મુશ્કેલ છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચે દસ મહિનાથી ચાલી રહેલા યુદ્ધમાં પૅલેસ્ટીનના ૩૯ હજારથી વધુ નિર્દોષ નાગરિકોનાં મોત થયાં છે. ઇઝરાયલ અને હમાસ ઉપરાંત હવે અમેરિકા અને ચીન વચ્ચે ટેન્શન સતત વધી રહ્યું છે. ચીન અને રશિયા વચ્ચે અનેક પ્રકારના સમજૂતી-કરાર થઈ રહ્યા છે જેમાં એનર્જી-સપ્લાયનો કરાર મહત્ત્વનો છે. ઉપરાંત ચીન રશિયાના ડિફેન્સ સેક્ટરમાં તમામ પ્રકારની સપ્લાય વધારી રહ્યું હોવાથી અમેરિકા વારંવાર ચીનની કંપનીઓ પર પ્રતિબંધ મૂકવાની ધમકી ઉચ્ચારી રહ્યું છે. રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ૨૯ મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. ડોનલ્ડ ટ્રમ્પ પ્રેસિડન્ટ બન્યા બાદ અનેક નવી કન્ટ્રોવર્સી ઊભી થશે જે પણ નવું ટેન્શન ઊભું કરશે. આમ, સોનાની તેજીને મૉનિટરી ઉપરાંત જિયોપૉલિટિકલ ટેન્શનનો સપોર્ટ સતત મળતો રહેશે.

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૬૯,૧૫૧
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૬૮,૮૭૪
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૮૪,૮૬૨
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news gold silver price