17 September, 2025 08:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ભારત પર ૫૦ ટકા ટૅરિફ લગાડ્યા છતાં પણ ઑગસ્ટમાં ભારતની નિકાસ ૬.૭ ટકા વધીને ૩૫.૧ અબજ ડૉલર થઈ હતી. આજ સમયગાળા દરમ્યાન દેશની આયાત ૧૦.૨ ટકા ઘટીને ૬૧.૫૯ અબજ ડૉલર થઈ હતી. સોમવારે જાહેર કરાયેલા સત્તાવાર ડેટામાં આ વાત કહેવામાં આવી છે.
ગયા વર્ષે ઑગસ્ટમાં નિકાસ ૩૨.૮૯ અબજ અમેરિકન ડૉલર અને આયાત ૬૮.૫૩ અબજ અમેરિકન ડૉલર હતી. ઑગસ્ટ ૨૦૨૫ દરમ્યાન વેપારખાધ ૨૬.૪૯ અબજ અમેરિકન ડૉલર હતી જે એક વર્ષ પહેલાંના સમાન મહિનામાં ૩૫.૬૪ અબજ અમેરિકન ડૉલર હતી.
એપ્રિલ-ઑગસ્ટ ૨૦૨૫-’૨૬ દરમ્યાન નિકાસ ૧૮૪.૧૩ અબજ અમેરિકન ડૉલર હતી, જ્યારે આયાત ૨૦૬.૫૨ અબજ અમેરિકન ડૉલર હતી. આંકડાઓ વિશે મીડિયાને માહિતી આપતાં વાણિજ્ય સચિવ સુનીલ બર્થવાલે જણાવ્યું હતું કે વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને વેપારનીતિની અનિશ્ચિતતાઓ છતાં ભારતના નિકાસકારોએ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે.