૭ લાખ રૂપિયા સુધીના નવા સ્લૅબને લીધે વર્ષે ૧૫,૦૦૦ રૂપિયાનો જ લાભ?

02 February, 2023 09:31 AM IST  |  Mumbai | Snehal Majmudar

આ વર્ષના અંદાજપત્રમાં દેખીતી રીતે આવકવેરાનો બોજ વધારવામાં આવ્યો નથી એટલે સર્વત્ર રાહત વર્તાય છે. જોકે જોગવાઈઓનું સૂક્ષ્મ અર્થઘટન અને વિશ્લેષણ થશે ત્યારે અણધારી બાબત પ્રકાશમાં આવી શકે.

સ્નેહલ મુઝુમદાર

જાણીતા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ સ્નેહલ મુઝુમદારે ‘મિડ-ડે’ને બજેટ વિશેના તેમના પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે Count that day as won when the earth turning on its axis imposes no further taxes એમ આદમ્સે કહ્યું  છે. આ વર્ષના અંદાજપત્રમાં દેખીતી રીતે આવકવેરાનો બોજ વધારવામાં આવ્યો નથી એટલે સર્વત્ર રાહત વર્તાય છે. જોકે જોગવાઈઓનું સૂક્ષ્મ અર્થઘટન અને વિશ્લેષણ થશે ત્યારે અણધારી બાબત પ્રકાશમાં આવી શકે.
કેટલાંય વર્ષો સુધી અમુક બચત યોજનાઓ કે વીમા યોજનાઓને આકર્ષક બનાવવા કે કરદાતાઓનું રોકાણ અમુક ક્ષેત્રમાં વધે એ માટે આવકવેરાની જોગવાઈઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. એને કારણે સમયાંતરે કરવેરાનું માળખું અત્યંત ક્લિષ્ટ બનતું ગયું. છેલ્લાં કેટલાંક વર્ષોથી સરકારની વિચારધારણા રહી છે કે કરવેરાના કાયદાની ક્લિષ્ટતા ઘટાડવા અને એને વધુ યોગ્ય અને ન્યાયી બનાવવા એક બાજુ આવકવેરા હેઠળ મળતી વિવિધ રાહતો અને કપાતો ઓછી કરવી અને બની શકે તો નાબૂદ કરવી અને બીજી બાજુ કરવેરાના દર ઘટાડવા. આ ઉપરાંત કરવેરાના કાયદાને સામાજિક ન્યાયનું સાધન ન બનાવવું. 
સ્નેહલભાઈના જણાવ્યાનુસાર આ દિશામાં બે-એક વર્ષ પહેલાં નાણાપ્રધાને એક નવી વૈકલ્પિક યોજના દાખલ કરી હતી, જેમાં મહદ્ંશે આવકવેરાની રાહતો અને કપાતો બાકાત રાખવામાં આવી હતી અને એની સામે એ યોજના હેઠળ આવકવેરાના દર પણ ઘટાડવામાં આવ્યા હતા. અનેક કારણોસર એ નવી વૈકલ્પિક યોજનાને ધાર્યો પ્રતિસાદ ન મળ્યો. અનેક કરદાતાઓ જૂની યોજના પ્રમાણે જ આવકવેરો ભરતા રહ્યા, જેમાં મુખ્ય કારણ જૂની યોજના હેઠળ આવકવેરો ભરવાનો ઓછો આવતો હતો. નવી વૈકલ્પિક યોજનાને વધુ આકર્ષક બનાવવા અંદાજપત્ર ૨૦૨૩માં નાણાપ્રધાને કરદાતાને આવકવેરાની સામે મળતી મુક્તિમર્યાદામાં વધારો કર્યો છે. અત્યાર સુધી જૂની તેમ જ નવી વૈકલ્પિક યોજનામાં કરમુક્ત આવકની મર્યાદા અઢી લાખ રૂપિયાની હતી અને પાંચ લાખ રૂપિયા સુધીની આવક પર રિબેટને કારણે આવકવેરો લાગતો ન હતો. અંદાજપત્રની સૂચિત જોગવાઈઓ પ્રમાણે માત્ર નવી વૈકલ્પિક યોજના માટે આ મુક્તિમર્યાદા વધારીને ત્રણ લાખ રૂપિયા કરવામાં આવી છે. આ ઉપરાંત રિબેટની જોગવાઈઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેને કારણે નવી યોજના હેઠળ  સાત લાખ રૂપિયા સુધીની આવક પર આવકવેરો ભરવો નહીં પડે.  નવી વૈકલ્પિક યોજના હેઠળ આવકવેરાના છ પ્રકારના દર હતા જે ઘટાડીને હવે પાંચ પ્રકારના કરવામાં આવ્યા હોવાનું જણાવતાં સ્નેહલભાઈ કહે છે કે આને કારણે ૯ લાખ રૂપિયા સુધીની આવક ધરાવનારનો ૧૫ હજાર રૂપિયાનો અને ૧૫ લાખ રૂપિયાની આવક ધરાવનારનો ૨૭ હજાર રૂપિયાનો આવકવેરો બચશે. અત્યાર સુધી નવી વૈકલ્પિક યોજના હેઠળ પગાર સામે સ્ટાન્ડર્ડ ડિડક્શન મળતું નહોતું. અંદાજપત્રની જોગવાઈ અનુસાર નવી વૈકલ્પિક યોજના હેઠળ સ્ટાન્ડર્ડ ડિડક્શન પ્રાપ્ત થશે.
આવકવેરાની કલમ ૫૪ હેઠળ ૧૦ કરોડ રૂપિયાની મર્યાદા
નાણાપ્રધાને કેટલાક દિવસો પહેલાં નિર્દેશ કર્યો હતો કે મધ્યમ વર્ગને અંદાજપત્ર ૨૦૨૩માં રાહત આપવામાં આવશે. એકંદરે અંદાજપત્રની આવકવેરાની જોગવાઈઓ મધ્યમ વર્ગ માટે આવકાર્ય રહી છે.

business news national news nirmala sitharaman union budget 2022