સાત લાખ રૂપિયા સુધી આવક તો ટૅક્સ ઝીરો

02 February, 2023 08:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવા ટૅક્સ સ્લૅબની પણ જાહેરાત કરાઈ

પ્રતીકાત્મક તસવીર


નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આવકવેરાની બાબતે ન્યુ ટૅક્સ રેજિમ દાખલ કરીને ઘણું મોટું પરિવર્તન કર્યું છે. અત્યાર સુધી જૂની ટૅક્સ રેજિમ મુખ્ય હતી, પણ હવે એના સ્થાને નવીને મુખ્ય બનાવવામાં આવી છે. જોકે કરદાતાઓ જૂની રેજિમની પસંદગી કરી શકશે. આ જ કારણ છે કે સરકારે જૂની પદ્ધતિમાં કોઈ મોટો ફેરફાર કર્યો નથી, જ્યારે નવીમાં નોંધપાત્ર ફેરફારો કર્યા છે. 
નાણાપ્રધાને બજેટ-ભાષણમાં જણાવ્યા મુજબ નવી ટૅક્સ રેજિમ હેઠળ સાત લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા કરદાતાઓને કરવેરો લાગુ નહીં પડે. આ જ રીતે નવી રેજિમમાં ૫૦,૦૦૦ રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન આપવામાં આવ્યું છે. 
અહીં જણાવવું રહ્યું કે ન્યુ ટૅક્સ રેજિમમાં કરમુક્તિની બેઝિક મર્યાદા ૨.૫ લાખથી વધારીને ૩ લાખ કરવામાં આવી છે, જ્યારે ઓલ્ડ રેજિમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઓલ્ડ રેજિમમાં ૬૦ વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિઓ માટે બેઝિક મર્યાદા ૨.૫ લાખ છે, જ્યારે ૬૦ અને ૮૦ વર્ષની વચ્ચેનાઓ માટે ૩ લાખ અને ૮૦ વર્ષથી ઉપરના કરદાતાઓ માટે પાંચ લાખની મર્યાદા છે. ન્યુ ટૅક્સ રેજિમમાં એવો કોઈ તફાવત રાખવામાં આવ્યો નથી. રિબેટને લીધે હાલ પાંચ લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા લોકોએ કરવેરો ભરવાનો વારો આવતો નથી. ન્યુ ટૅક્સ રેજિમમાં આ મર્યાદા હવે સાત લાખ રૂપિયાની કરવામાં આવી છે. 
ન્યુ ટૅક્સ રેજિમનો અમલ ૧ એપ્રિલ, ૨૦૨૦થી કરવામાં આવ્યો હતો. એમાં ડિડક્શન્સ અને એક્ઝૅમ્પ્શન્સ મળીને કુલ ૭૦ લાભ મળતા નથી. આ લાભમાં એચઆરએ એક્ઝૅમ્પ્શન્સ, એલટીએ એક્ઝૅમ્પ્શન્સ તથા કલમ ૮૦સી હેઠળ ૧.૫ લાખ રૂપિયા સુધીનાં ડિડક્શન મળે છે. 
આવકવેરાની મુખ્ય રાહતની જાહેરાતો
• હવેથી ન્યુ ટૅક્સ રેજિમ મુખ્ય રેજિમ બનશે. જોકે નાગરિકો જૂની રેજિમનો પણ ઉપયોગ કરી શકશે.
• વ્યક્તિગત કરદાતા માટે ન્યુ ટૅક્સ રેજિમમાં છ સ્લૅબ હતા જે ઘટાડીને પાંચ કરવામાં આવ્યા.
• ન્યુ ટૅક્સ રેજિમમાં નવ લાખની આવક ધરાવનારાએ ફક્ત ૪૫,૦૦૦ રૂપિયાનો કરવેરો ભરવાનો આવશે, જે આવકના પાંચ ટકા હશે
• ન્યુ ટૅક્સ રેજિમમાં સર્વોચ્ચ સરચાર્જ ૩૭ ટકાથી ઘટાડીને ૨૫ ટકા કરાયો છે. આ ફેરફાર બે કરોડ રૂપિયા કરતાં વધુની આવક ધરાવતા હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ્સને લાગુ પડશે. જેમનો પગાર ૫.૫ કરોડ રૂપિયા હશે તેમને આશરે ૨૦ લાખ રૂપિયાની બચત થશે. 

business news national news union budget nirmala sitharaman income tax department