13 May, 2025 07:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલી ટૅરિફ-વૉરને ૯૦ દિવસ સુધી રોકવા કરાર થયો છે અને બન્ને દેશો પરસ્પર ટૅરિફમાં ૧૧૫ ટકાનો ઘટાડો કરશે. અમેરિકાએ જણાવ્યું હતું કે તે ચીની માલ પરની ટૅરિફ ૧૪૫ ટકાથી ઘટાડીને ૩૦ ટકા કરશે, જ્યારે ચીને કહ્યું હતું કે તે અમેરિકાની આયાત પરની ટૅરિફ ૧૨૫ ટકાથી ઘટાડીને ૧૦ ટકા કરશે.
વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ મંદીના ભયને વેગ આપી રહેલા અને નાણાકીય બજારોને અડચણરૂપ બનાવનારા નુકસાનકારક વેપારયુદ્ધનો અંત લાવવા માગતા હોવાથી વૈશ્વિક શૅરબજારમાં તેજી જોવા મળી હતી.
ડોનલ્ડ ટ્રમ્પ સત્તામાં પાછા ફર્યા બાદ તેમણે ચીન પર ખાસ કરીને ભારે ટૅરિફ ડ્યુટી લગાવી હતી. ત્યાર બાદ પહેલી વાર સ્વિટ્ઝરલૅન્ડના જિનીવામાં યોજાયેલી બેઠકમાં અમેરિકા અને ચીનના વરિષ્ઠ આર્થિક અધિકારીઓ વચ્ચે પ્રથમ સામસામે વાતચીત થઈ હતી.
જિનીવામાં ચીની અધિકારીઓ સાથેની વાટાઘાટો પછી બોલતાં અમેરિકાના નાણાપ્રધાન સ્કૉટ બેસન્ટે જણાવ્યું હતું કે ‘બન્ને પક્ષો ૯૦ દિવસ માટે ટૅરિફ ઘટાડવા સંમત થયા છે. બન્ને દેશોએ તેમનાં રાષ્ટ્રીય હિતોનું ખૂબ સારી રીતે પ્રતિનિધિત્વ કર્યું હતું. બન્નેને સંતુલિત વેપારમાં રસ છે. બન્ને પ્રતિનિધિમંડળો વચ્ચે સર્વસંમતિ હતી કે કોઈ પણ પક્ષ અલગ થવા માગતો નથી. ખૂબ ઊંચી ટૅરિફ સાથે જે બન્યું એ પ્રતિબંધ સમાન હતું અને કોઈ પણ પક્ષ એવું ઇચ્છતો નથી. અમે વેપાર ઇચ્છીએ છીએ.
આ કરાર બાદ વિશ્વનાં મુખ્ય ચલણો સામે ડૉલર વધ્યો હતો અને સમાચાર પછી વૈશ્વિક શૅરબજારો ઊછળ્યાં હતાં. ગયા મહિને અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકાની વેપાર ખાધને ઘટાડવાના હેતુથી ટૅરિફ પગલાંમાં વધારો કરવાથી શરૂ થયેલી મંદીની ચિંતાઓને દૂર કરવામાં આ કરારે મદદ કરી હતી.