૩૮ વર્ષે ઘોડેસવારી નહોતી આવડતી  એ પોલો પ્લેયર કઈ રીતે બન્યાં?

30 November, 2021 04:16 PM IST  |  Mumbai | Sejal Patel

કફ પરેડમાં રહેતાં પૅશનથી ભરપૂર બિઝનેસવુમન રીના શાહે જે ઉંમરે પોલો પ્લેયર બનવાનું ઠાન્યું એ જોઈને તેમની જબરી મજાક ઉડાડવામાં આવતી હતી

હૉર્સ-રાઇડિંગ આપણે સમજીએ છીએ એટલું સહેલું તો નથી જ. એમાંય ચોક્કસ વય વટાવ્યા પછી તમે એ શીખતા હો તો મુશ્કેલી વધુ પડે. શરૂઆતના દિવસોમાં જ ત્રણ-ચાર વાર તેઓ ઊંધા માથે પડ્યાં

કફ પરેડમાં રહેતાં પૅશનથી ભરપૂર બિઝનેસવુમન રીના શાહે જે ઉંમરે પોલો પ્લેયર બનવાનું ઠાન્યું એ જોઈને તેમની જબરી મજાક ઉડાડવામાં આવતી હતી. બૉડીમાં ઠેર-ઠેર ફ્રૅક્ચર અને જડબામાં ૧૨ ટાંકા પછી પણ હાર ન માનનારી ઇન્ડિયાની આ પહેલી વુમન પોલો પ્લેયરની જર્ની કોઈ પણ મહિલા માટે પ્રેરણાદાયી બનશે

કહેવાય છે કે મન હોય તો માળવે જવાય અને એનું ઉત્તમ ઉદાહરણ છે કફ પરેડમાં રહેતાં ૪૮ વર્ષનાં રીના શાહ. પૅશન, નીડરતા અને મહેનત તેમની નસ-નસમાં દોડે છે. ગુજરાતી હોવાથી બિઝનેસ તેમની રગ-રગમાં છે, પરંતુ ગુજરાતી મહિલાઓમાં બહુ જવલ્લે જોવા મળે એવો સ્પોર્ટ્સનો કીડો પણ તેમનામાં ઠાંસી-ઠાંસીને ભર્યો પડ્યો છે. જે ઉંમરે સ્પોર્ટ્સ પર્સન રિટાયર થવાનું‌ વિચારતો હોય એ ઉંમરે તેમણે એક નવી જ સ્પોર્ટમાં ઝંપલાવ્યું. એ પણ એવી સ્પોર્ટ કે જેમાં ભારતમાં એકેય સ્ત્રી હતી જ નહીં. વાત થઈ રહી છે પોલોની. પોલોમાં આજે પણ ભારતમાં આંગળીના વેઢે ગણી શકાય એટલી પ્રોફેશનલ પોલો પ્લેયર્સ છે ત્યારે આ ગુજરાતણે નવ વર્ષ પહેલાં ૩૮ વર્ષની ઉંમરે પોલો પ્લેયર બનવાનું સપનું જોયું અને પૂરું પણ કર્યું. પ્રોફેશનલ પોલો પ્લેયર હોવા ઉપરાંત રીના શૂ-ડિઝાઇનર છે અને તેનું રિનાલ્ડી ડિઝાઇન લેબલ હૉલીવુડમાં બહુ ફેમસ છે. હૉલીવુડની નાઓમી કૅમ્પબેલ અને નતાશા પોર્ટમન જેવી અભિનેત્રીઓ અને ઇન્ડિયામાં શિલ્પા શેટ્ટી અને કરીના કપૂર જેવી અઢળક અભિનેત્રીઓ માટે શૂઝ ડિઝાઇન કરી ચૂકેલાં રીનાને ઍડ્રિનાલિન રશ થાય એવી સ્પોર્ટ્સ પહેલેથી જ બહુ ગમતી. પર્વતારોહણ અને કાર રેસિંગ જેવાં ઍડ્વેન્ચર કરવાનું તેમને બહુ ગમે. જોકે તેમના જીવનમાં વળાંક આવ્યો ૩૮ વર્ષની ઉંમરે. પહેલી વાર તેઓ મહાલક્ષ્મી રેસકોર્સમાં પોલો ગેમ જોવા ગયાં અને ત્યાં જ કેવી રીતે દિલ રહી ગયું એની વાત કરતાં રીના કહે છે, ‘હું મારા ફ્રેન્ડ સાથે જોવા ગયેલી. લાઇવ પોલો ગેમ પહેલી વાર જોયેલી અને ઘોડાઓને ઊછળકૂદ કરતા જોઈને મનમાં ગાંઠ વાળી કે આ ગેમ રમતાં શીખવું જ છે. ગેમ પૂરી થયા પછી હું કેટલાક પ્લેયર્સને મળી. મેં તેમને કહ્યું કે મારે ગેમ શીખવી છે તો બધા હસી પડ્યા. સૌથી પહેલો સવાલ આવ્યો, આન્ટીતમને હૉર્સ-રાઇડિંગ આવડે છે? મને નહોતું આવડતું. એટલે ત્યાંના ટ્રેઇનરોએ મને કહ્યું કે બહેન આ કંઈ બૅડ્મિન્ટન નથી કે રૅકેટ ખરીદ્યું ને મંડ્યા રમવા. આ બહુ ચૅલેન્જિંગ ગેમ છે. મને થયું આમને કેમ સમજાવું કે ચૅલેન્જિંગ છે એટલે જ તો મારે શીખવી છે. હાર માને એ બીજા. હું એક વડીલને ઓળખતી હતી જેમની પાસે ઘણાબધા હૉર્સ હતા અને રાઇડિંગ શીખવતા હતા. મેં તેમની પાસે ઘોડેસવારી શીખવા જવાનું શરૂ કર્યું.’

શીખવામાં અડચણો...

હૉર્સ-રાઇડિંગ આપણે સમજીએ છીએ એટલું સહેલું તો નથી જ. એમાંય ચોક્કસ વય વટાવ્યા પછી તમે એ શીખતા હો તો મુશ્કેલી વધુ પડે. શરૂઆતના દિવસોમાં જ ત્રણ-ચાર વાર તેઓ ઊંધા માથે પડ્યાં અને ઊભી થયેલી મુશ્કેલીઓની વાત કરતાં રીના કહે છે, ‘ત્રણ વાર પડી અને ઇન્જરી પણ થઈ. એમ છતાં હું રોજ ગ્રાઉન્ડમાં જાઉં. મારે શીખવું પણ હતું અને બીજી તરફ ડર પણ લાગતો. રોજ જાઉં, બેસું અને પાછી આવી જાઉં. એક મહિનો આમ જ ગયો અને પછી થયું કે નક્કી કર્યું છે તો કરીને જ જંપવું. જે થશે એ જોવાઈ જશે. એક વરસ મને ઘોડેસવારી શીખતાં લાગ્યું. બીજા વર્ષે મેં સરને કહ્યું કે હવે મને પોલો શીખવો. મુશ્કેલી એ હતી કે ઇન્ડિયામાં કોઈ સારી પોલો સ્કૂલ છે જ નહીં અને ઇન્ડિયામાં સમ ખાવા પૂરતી એકેય છોકરી આ સ્પોર્ટમાં નહોતી આવેલી. એટલે મારે બહાર નજર દોડાવવાની હતી. હું સૅન્ટા બાર્બરા ગઈ અને નાનો કોર્સ કર્યો જ્યાં પોલોની બેઝિક્સ શીખવા મળી. એનું બૅટ કઈ રીતે પકડવાનું અને બૉલ કઈ રીતે સ્વિંગ કરવાનો અને જાતને બચાવીને કઈ રીતે રમવાનું. આમ જુઓ તો આ ઘોડા પર હૉકી રમવાની ગેમ છે, પણ ઘોડો ક્યારે શું કરે એનો કન્ટ્રોલ તમારા પાસે હોવો બહુ જરૂરી છે. અહીં પણ લોકોએ મારી બહુ મજાક ઉડાવી. યંગસ્ટર્સ કહેતા, આન્ટી, તમારે શું કામ શીખવું છે, શાંતિ રાખોને. મને પણ ક્યારેક થઈ જતું કે હું પણ ખાલીપીલી મારી મજાક કરાવવા કેમ જાઉં છું? પણ પછી તરત જ જાતને હોલ્ડ કરતી. સૅન્ટા બાર્બરાથી શીખ્યા પછી હું વર્લ્ડની બેસ્ટ પોલો સ્કૂલમાં શીખવા માટે આર્જેન્ટિના ગઈ. ત્યાં એક વર્ષ શીખી. અહીંની પોલો ટીમ્સ પણ વર્લ્ડમાં બેસ્ટ છે. ત્યાંથી પાછા આવ્યા પછી કૉન્ફિડન્સ આવ્યો. જોધપુરમાં હું મારી પહેલી પ્રોફેશનલ પોલો રમી. જોધપુરના મહારાજા પણ જોઈને ખુશ થઈ ગયા. એ પછી મજાક કરનારા ઘટ્યા અને સપોર્ટ અને સરાહના કરનારા વધ્યા. જોકે ત્યાં સુધીની જર્નીમાં બહુ લેગપુલિંગ સહન કર્યું. ટ્રેઇનિંગ લીધા પછીનાં ત્રણ વર્ષ હું ઘણું રમી. જયપુર, જોધપુર, દિલ્હીમાં પોલો રમવા જતી. બૅન્ગકૉક, અમેરિકા, યુરોપ અને ઇંગ્લૅન્ડ જઈને ત્યાંના બેસ્ટ પ્લેયર્સ સાથે ટ્રેઇનિંગ પણ લીધી અને રમી પણ.’

ડિસિપ્લિન્ડ લાઇફ

પોલો રમવું હોય તો ફિઝિકલી ખૂબ ફિટ રહેવું પડે. સવારથી ટ્રેઇનિંગ શરૂ થઈ જાય. ગ્રાઉન્ડમાં રમવા ઉપરાંત ફિઝિકલ ટ્રેઇનિંગ માટે જિમ અને ડાયટ પણ બહુ મોટો પાર્ટ હતો એની વાત કરતાં રીના કહે છે, ‘પોલોની ટુર્નામેન્ટ નજીક હોય ત્યારે થકવી નાખે એવું વર્કઆઉટ હોય, યોગ અને સ્ટ્રેચિંગ કરવાનું અને ડાયટ પણ ટ્રેઇનરે તૈયાર કરી આપેલી હોય એ જ. આ તમામ છતાં ગેમ દરમ્યાન મને ખૂબ ઇન્જરી થઈ છે. એક વાર તો આખો ઘોડો મારી પર આવી ગયેલો. ફ્રૅક્ચર્સ પણ અનેક થયાં છે. હાડકું સંધાય એટલો સમય બ્રેક લેવાનો અને પાછું ગ્રાઉન્ડમાં પહોંચી જવાનું. એ પછી મને થયું કે મારી પોતાની ટીમ તૈયાર કરું. ત્રણ પ્રોફેશનલ હાયર કરીને મેં રિનાલ્ડી પોલો નામની ટીમ તૈયાર કરી. ૨૦૧૬માં જ્યારે મારી ટીમ સાથે હું રમવા ઊતરી ત્યારે એ ટુર્નામેન્ટમાં ૪૯ પુરુષોની વચ્ચે હું એકલી સ્ત્રી હતી. સાચું પૂછો તો આવા સમયે થોડોક ડર પણ લાગે અને અહીં સુધી હું પહોંચી શકી એ પ્રાઉડ મોમેન્ટ પણ લાગે.’

ઑલ ગર્લ્સ ટીમ

છોકરીઓ આ ગેમમાં કેમ નથી આવતી એનાં અનેક કારણો વિશે રીના કહે છે, ‘એક તો આ ગેમ હાર્ડ છે. ખૂબ ઇન્જરી થાય. વળી ભારતમાં તો પોલો હવે ડાઇંગ ગેમ થઈ ગઈ છે. મેં વુમન પ્લેયર્સને રસ પડે એ માટે વિશ્વભરની વિમેન પોલો પ્લેયર્સ માટે બૉમ્બેમાં ૨૦૧૯માં ઑલ વિમેન વન ડે ટુર્નામેન્ટ કરેલી. મને છે કે યંગસ્ટર્સ આ ગેમમાં રસ લેતા થાય.’

હવે નેક્સ્ટ ગોલ છે બીચ પોલો અને સ્નો પોલો

પોલો અને શૂ-ડિઝાઇનિંગની આવડતને કમ્બાઇન કરીને રીનાબહેને પોલોની ઍક્સેસરીઝ રેન્જ બહાર પાડી છે. રિનાલ્ડી ડિઝાઇન્સ દ્વારા પોલો શૂઝ, વિવિધ ટાઇપના બેલ્ટ્સ જેવી ઍક્સેસરીઝ એક્સપોર્ટ થાય છે. પોલોમાં હવે પોતાની સક્રિયતા ઘટી છે એ વિશે રીના કહે છે, ‘છેલ્લા થોડાક સમયમાં મને બહુ જ ઇન્જરીઝ થઈ છે. લગભગ ડઝનેક ફ્રૅક્ચર થયાં છે અને તાજેતરમાં જડબામાં ૧૨ ટાંકા આવ્યા છે. બૅકમાં થયેલી ઇન્જરી હવે વધુ હેરાન કરી રહી છે. એમ છતાં મારે હજી પોલો પર પૂર્ણવિરામ નથી મૂકવું. મારાં બે સપનાં છે. મારે બીચ પોલો રમવું છે અને સૅન મોરિસમાં સ્નો પોલો પણ રમવું છે. આ બે ડ્રીમ પૂરાં કર્યા પછી પોલોમાંથી ધીમે-ધીમે નિવૃત્ત થઈ જઈશ. બાકી ઘોડાઓ મને ખૂબ ગમે છે અને હૉર્સ-રાઇડિંગ છેક સુધીચાલુ રાખીશ. મારી પાસે બે ઘોડા છે.’

કરીઅરમાં વળાંક

પોલો ઘટાડ્યા પછી પણ નિવૃત્તિ લેવાનો તેમનો કોઈ વિચાર નથી. ઇન ફૅક્ટ, તેમણે અત્યારે જ બીજો કરીઅર ઑપ્શન તૈયાર કરી રાખ્યો છે. તેમણે મ્યુઝિકના પૅશનને સાથે-સાથે ડેવલપ કર્યું છે અને પ્રોફેશનલ ડીજે તરીકે કામ શરૂ કર્યું છે. રીના કહે છે, ‘હાલમાં વીક-એન્ડમાં હું ગોવામાં ડીજેનું કામ કરું છું અને પ્રોફેશનલ ડીજે તરીકે જીવીશ ત્યાં સુધી કામ કરીશ.’ આજે પણ ઇન્ડિયામાં વુમન પોલો પ્લેયરની સંખ્યા ખૂબ જ જૂજ હોવાથી રીના શાહ વધુને વધુ યુવતીઓ આ ગેમમાં રસ લે અને ટ્રેઇન થાય એવું ઇચ્છે છે.

sejal patel columnists