30 August, 2026 01:16 PM IST | Mumbai | Aashutosh Desai
પિતા અને ભાઈ સાથે સાઇકલ પર હિમાલયના ટ્રૅક ખૂંદી રહેલી ૭ વર્ષની ઝારા.
બાળકની એવી ઉંમર જ્યારે આપણે તેને ‘ચંપલ પહેરીને જા, પગમાં કશુંક વાગી જશે! હીંચકા જોરથી નહીં ખા, પડી જઈશ! દોડાદોડી નહીં કર, કંઈક વાગી જશે!’ જેવી ઓવર-કૅરિંગ સલાહો આપતા હોઈએ છીએ ત્યારે ચેક રિપબ્લિકનાં મૂળ રહેવાસી એવાં મા-બાપ પણ છે જેમણે પોતાની ૪ જ વર્ષની દીકરીને આકરા પ્રવાસો અને વિશ્વભ્રમણની ભેટ આપી છે.
આપણાં સામાન્ય ઘરોમાં અછો વાનાં વચ્ચે ઊછરતું આપણું બાળક સામાન્ય રીતે ૭ વર્ષનું હોય ત્યારે સ્કૂલ, રમકડાં, મિત્રો અને રજાના દિવસોની નાની-મોટી મોજમસ્તીમાં જીવતું હોય છે; પરંતુ મૂળ ચેક રિપબ્લિકની ઝારા શિફ્રાનું બાળપણ કંઈક જુદું છે. સાહસિક છે, જબરદસ્ત છે, ઍડવેન્ચરસ છે અને વિશ્વભરનાં બાળકો અને મા-બાપ માટે દૃષ્ટાંતયોગ્ય છે. તેના માટે દુનિયા માત્ર નકશા પર દોરાયેલી સરહદોનો સમૂહ જ નથી. તેના માટે દુનિયા એક વિશાળ સાહસખેલનું મેદાન છે. જંગલો, પર્વતો, બરફ, લાંબા-ટૂંકા રસ્તાઓ અને નવી-નવી સંસ્કૃતિઓથી ભરેલું સાહસના ખેલનું મેદાન.
ચેક રિપબ્લિકની મૂળ વતની અને ચેક-કૅનેડિયન નાગરિકતા ધરાવતી ઝારા પોતાના પરિવાર સાથે મલેશિયામાં રહે છે. તેના પિતા ડેવિડ શિફ્રા અને મોટો ભાઈ સાશા પણ સાહસિક જીવનશૈલી માટે જાણીતા છે. આખા પરિવારનો જાણે એક જ જીવનમંત્ર છે, ‘દુનિયાને માત્ર જોવી નથી; એને પગપાળા, સાઇકલ પર અને પર્વતોની વચ્ચે રહીને અનુભવવી છે.’
આવા અતરંગી પણ ઍડ્વેન્ચરસ પરિવારની દીકરી ઝારા માટે પહેલી વાર વિશ્વભરમાં ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે તેની ઉંમર માત્ર ૪ વર્ષની હતી. માત્ર ૪ વર્ષન અને પાંચ મહિનાની ઉંમરે તે વિશ્વની સૌથી ઊંચી ચોટી એવરેસ્ટના બેઝ-કૅમ્પ સુધી પહોંચી. આ ઉંમરે હિમાલયના એવરેસ્ટ બેઝ-કૅમ્પ સુધી પોતાના પગે ચાલીને પહોંચવું એ કોઈ સામાન્ય વાત નથી અને કોઈ નાની-મોટી સિદ્ધિ પણ નથી. ભલભલા સ્વસ્થ લોકોને પણ શ્વાસ લેવામાં તકલીફ, બ્લડ-પ્રેશર, થાક, ઊલટીઓ, અપચન જેવી અનેક મુશ્કેલીઓ થકવી નાખતી હોય છે, હિંમત તોડી નાખતી હોય છે ત્યારે ઝારાએ એક નવો જ અને અનોખો રેકૉર્ડ પણ સ્થાપ્યો. આજની આ કહાણી માત્ર ઝારાની નથી. એક એવા પરિવારની કહાણી છે જે બાળકોના ઉછેરને કુદરત, સાહસ, શિસ્ત અને આત્મનિર્ભરતા સાથે જોડે છે અને જીવે છે.
ઝારાએ માત્ર ૪ વર્ષની ઉંમરે એવરેસ્ટ બેઝ-કૅમ્પ સુધીની સાહસ-સફર કરી તો ખરી, પણ એ તેની પહેલી શરૂઆત નહોતી. તેની શરૂઆત તો મલેશિયાનાં જંગલોથી થઈ હતી. ઝારાને નાનપણથી જ લાંબા-લાંબા અંતર સુધી ચાલવાની ટેવ પાડવામાં આવી હતી. આટલી નાની ઉંમરે તેને દૂર સુધી ચાલવું ખૂબ ગમતું પણ હતું. ૨૦૨૩માં જ્યારે તે માત્ર ૩ વર્ષની હતી એ દરમ્યાન ઝારાએ મલેશિયાનાં જંગલોમાં કુલ ૨૨૦૦ કિલોમીટરથી વધુનું અંતર ચાલીને પસાર કર્યું હતું. નાનકીશી આ દીકરી માટે પાંચ-દસ કિલોમીટરનું દૈનિક ચાલવું એ તો જાણે દૈનિક અને સાધારણ રૂટીન હતું. એટલું જ નહીં, એવું પણ નથી કે આટલી નાની ઉંમરે આટલું બધું ચાલવાની ટેવ પાડવા માટે તેને કોઈ સૈન્ય પ્રકારની કઠોર તાલીમ આપવામાં આવી હતી. બસ, પરિવારની રોજિંદી જીવનશૈલી જ કંઈક એવી હતી જેમાં પ્રકૃતિ-કુદરત અને લાંબા અંતરની મુસાફરી સહજ રીતે સામેલ થઈ જતાં. જાણે ઝારા સાથે તેઓ પણ પોતાનું બાળપણ જીવી રહ્યા હોય.
ઝારાનો એક મોટો ભાઈ છે સાશા. તે પણ નાનપણથી જ પિતાની સાથે સાહસિક પ્રવાસો કરતો રહેતો હતો. સાશાએ અન્નપૂર્ણા સર્કિટ જેવા લાંબા હિમાલયી ટ્રેક્સ કર્યા છે અને ઊંચા-ઊંચા પર્વતીય વિસ્તારોમાં પ્રવાસનો અનુભવ મેળવ્યો છે. એ દૃષ્ટિએ જોઈએ તો નાની બહેન ઝારા માટે પર્વતોની ઊંચાઈ અને પર્વતીય વિસ્તાર એ કોઈ અજાણી દુનિયા નહોતી.
જંગલ અને પર્વતોની વાત વાંચ્યા-જાણ્યા પછી આપણને લાગશે કે ઝારા અને તેનો પરિવાર કદાચ મહત્તમ પગપાળા પ્રવાસ કરતા હશે, પણ તેમના માટે માત્ર ચાલવું એ જ રોજિંદી જિંદગીમાં અને પ્રવાસોમાં મહત્ત્વનું નથી. ચાલવા સિવાય બીજી એક સફર પણ તેમના પ્રવાસોમાં સહભાગી બને છે. એ છે સાઇકલ. લાંબા અંતરની સાઇકલયાત્રા એ પણ તેમની જીવનશૈલીનો મહત્ત્વનો ભાગ છે એમ કહીએ તો ખોટું નથી.
૨૦૨૩ના અંતમાં ઝારા આણિ પરિવાર જૉર્ડનની રાજધાની અમ્માનથી સાઉદી અરેબિયા થઈને ઓમાનના મસ્કત સુધી સાઇકલથી જવાની યોજના બનાવી રહ્યો હતો, પરંતુ એ સમયે ઇઝરાયલ-ગાઝા યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ અને એને કારણે સુરક્ષા વિશે મોટી ચિંતા ઊભી થઈ. આપણે હોઈએ તો શું કરીએ? પ્રવાસ માંડી વાળીએ, ખરુંને? પણ ઝારા પરિવારે પોતાનો માર્ગ બદલ્યો અને સફર આરંભી. યોજના બદલાઈ અને પરિવાર નેપાલ તરફ વળ્યો. આ જ નિર્ણય ઝારાના જીવનની એ સૌથી યાદગાર પળો, સૌથી વિશેષ પ્રવાસને લઈને આવ્યો. એવરેસ્ટ બેઝ-કૅમ્પ!
૨૦૨૩નો અંતભાગ, ડિસેમ્બર મહિનો. ઝારાની ઉંમર ત્યારે માત્ર ૪ વર્ષ. તેના પિતા ડેવિડ અને ૭ વર્ષનો ભાઈ સાશા. નેપાલના જીરી ગામથી એવરેસ્ટ બેઝ-કૅમ્પ તરફ ત્રણેએ પગપાળા પ્રવાસ શરૂ કર્યો. સામાન્ય રીતે પ્રવાસીઓ એવરેસ્ટ બેઝ-કૅમ્પ જવા માટે પ્રમાણમાં ટૂંકા, જાણીતા અને સરળ માર્ગનો ઉપયોગ કરતા હોય છે; પરંતુ ઝારાના પરિવારે જીરીથી શરૂઆત કરવાનું નક્કી કર્યું. પરિણામે તેમની યાત્રા વધુ લાંબી, શારીરિક રીતે વધુ પડકારજનક અને થકવી નાખનારી બની ગઈ; પણ પેલું કહેવાય છેને કે અમુક લોકોને ચૅલેન્જિસ લેવામાં જ કિક મળતી હોય છે. એવરેસ્ટ બેઝ-કૅમ્પ તરફના એ પ્રવાસ દરમ્યાન તે લોકોએ લગભગ ૧૭૦ કિલોમીટરનો ચડાણવાળો માર્ગ પાર કરવો પડ્યો જેમાં પાછા ફરવાનો માર્ગ પણ ઉમેરીએ તો કુલ અંતર લગભગ ૨૭૦થી ૩૦૦ કિલોમીટર જેવું થાય. ૪ વર્ષની દીકરી, જરૂર કરતાં ઓછો ઑક્સિજન અને કપરી ઊંચાઈવાળો એ પ્રવાસ. કઈ સીમા સુધીનું સાહસ હશે એનો અંદાજ આટલી જ વાતો પરથી મેળવી શકાય છે.
જોકે લાંબું અંતર એ એકમાત્ર કસોટી તો હતી જ નહીં. મૂળ કસોટી વિશેની વાત તો હજી બાકી જ હતી. એ કસોટી એટલે ઊંચાઈ. એવરેસ્ટ બેઝ-કૅમ્પ લગભગ ૫૩૬૪ મીટરની ઊંચાઈએ છે. જેમ-જેમ ઊંચાઈ વધે એમ હવામાં ઑક્સિજનનું પ્રમાણ ઘટે છે. શરીરને નવી પરિસ્થિતિ સાથે અનુકૂળ થવામાં પણ સમય લાગે. ઠંડી, પાતળી હવા, ઊભાં કપરાં ચડાણ અને લાંબા દિવસો. આ બધું એકસાથે મળીને આખા પ્રવાસને, અનુભવને મુશ્કેલ જ નહીં પણ અત્યંત મુશ્કેલ બનાવી દે છે. આ બધું જ ઝારા માત્ર ૪ જ વર્ષની હતી ત્યારે!
તારીખ હતી ૨૦૨૪ની ૭ જાન્યુઆરી, જે દિવસે ઝારા એવરેસ્ટ બેઝ-કૅમ્પ પહોંચી. નાનકડી આ બાળકીની એ સમયે ઉંમર કેટલી? માત્ર ૪ વર્ષ પાંચ મહિના! આવી અસામાન્ય સિદ્ધિને કારણે ઝારા એવરેસ્ટ બેઝ-કૅમ્પ સુધી પહોંચનારી સૌથી નાની ઉંમરની વ્યક્તિ તરીકે ન માત્ર વિશ્વભરમાં ચર્ચાનો વિષય, બલ્કે અગાઉનો પાંચ વર્ષની ભારતીય બાળકી પ્રિશા લોકેશ નિકજૂનો રેકૉર્ડ પણ તોડ્યો. ઝારાની આ અસામાન્ય સિદ્ધિની સૌથી નોંધપાત્ર બાબત શું હતી? બેઝ-કૅમ્પ સુધીનો આખો માર્ગ ઝારાએ પગે ચાલીને સર કર્યો હતો. ન તો પિતાએ તેને પીઠ પર બેસાડી હતી કે ન ભાઈ સાશાએ ઊંચકી હતી. હા, પરિવાર સાથે એક પોર્ટર જરૂર હતો, પણ તે માત્ર ખોરાક અને અન્ય સામાનનું વહન કરતો હતો, બસ.
ઝારાના પિતા ડેવિડ ઝારાની વાત કરતાં કહે છે, ‘તે પોતાની કોઈ પણ યાત્રા દરમ્યાન એટલી ઉત્સાહિત હોય છે કે અનેક વાર મને અને તેના ભાઈ સાશાને પણ પાછળ છોડી દે છે. એવરેસ્ટ બેઝ-કૅમ્પ સમયે પણ એવું જ થયું. કેટલાક તબક્કે તેણે મને અને તેના ભાઈને પણ પાછળ છોડી દીધા હતા.’
ઝારાની આ સિદ્ધિને જો આપણે માત્ર એક અસાધારણ બાળક તરીકે જ જોઈશું તો કદાચ વાત અધૂરી રહી જશે. પરિવારની વર્ષોની જીવનશૈલીએ ઝારાના જીવનમાં બહુ મોટો ભાગ ભજવ્યો છે. મલેશિયાનાં જંગલોમાં લાંબા અંતર સુધી ચાલવાની ટેવ, પ્રકૃતિના ખોળામાં સમય પસાર કરવો, ધીમી પણ મક્કમ રીતે શારીરિક ક્ષમતા વિકસાવવી અને ઊંચાઈવાળા પ્રદેશો માટે પણ શરીરને અનુકૂળ થવા પૂરતો સમય આપવો. વાસ્તવમાં આ બધું જ ઝારાની તૈયારીનો ભાગ હતો. હિમાલયમાં પરિવારે acclimatization એટલે કે ઊંચાઈને અનુકૂળ થવાની પ્રક્રિયા પર ખાસ ધ્યાન આપવું પડે છે. બાળકોના શરીરમાં ઑક્સિજનનું પ્રમાણ સતત તપાસતાં રહેવું પડે છે. અર્થાત્, ઝારાનો પ્રવાસ અસાધારણ તૈયારી અને જવાબદારીપૂર્વકની સતત ચકાસણી-દેખરેખ સાથેનો હતો.
ઝારાના પિતા ડેવિડ માટે આ બધું માત્ર રેકૉર્ડ બનાવવા માટે જ નથી. તેમનો અભિગમ કંઈક એવો છે કે બાળકોને જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવાની અને કરતા રહેવાની તક મળવી જોઈએ. સતત આરામદાયક વાતાવરણમાં ઊછરવાને બદલે તેમને જો પ્રકૃતિ, મુસાફરી અને શારીરિક પડકારો વચ્ચે ઉછેરવામાં આવે તો એને કારણે તેમનો આત્મવિશ્વાસ વધે છે. બાળક એટલું આત્મવિશ્વાસી બને છે કે આ વિશ્વમાં તે સ્વતંત્ર રીતે પોતાનું એક અલગ વિશ્વ બનાવી શકે છે.
આ બધા સાથે વળી ઝારાનું શિક્ષણ તો ચાલુ જ છે હોં. એમ નહીં સમજતા કે ભણવા-કરવાનું કંઈ નહીં અને બસ ફર્યા કરવાનું. ઝારા અને સાશા બન્ને બાળકોના શિક્ષણને પણ તેમના પિતા એટલું જ મહત્ત્વ આપે છે. મલેશિયામાં આ બન્ને બાળકોનું ઔપચારિક શિક્ષણ ચાલુ છે. અભ્યાસ સાથે સાહસ આ રીતે બન્ને વચ્ચે સંતુલન જાળવવાનો ઝારા અને પરિવાર બન્ને પ્રયાસ કરે છે.
ડેવિડ કહે છે, ‘બાળપણનો અર્થ માત્ર સુરક્ષિત ૪ દીવાલો અને ઓવર-પૅમ્પરિંગ નથી. આપણે એ ન ભૂલવું જોઈએ કે બાળકે ૯ મહિના દરમ્યાન માના ગર્ભમાં પોતાની જાતે પોતાનું શરીર અને અંગો વિકસાવ્યાં છે અને એ દરમ્યાન જે કંઈ મુશ્કેલીઓ આવી હશે એની સામે તે પોતે જ લડ્યું છે. એ જ રીતે પ્રકૃતિ કે કુદરત એ પણ એક શિક્ષક છે અને એ શિક્ષક માત્ર નિર્ધારિત અભ્યાસક્રમના જ પાઠ નથી શીખવતો, બલ્કે જિંદગીના તમામ પાઠો શીખવવા પર ધ્યાન આપે છે.’
ઘણા લોકો એવરેસ્ટ બેઝ-કૅમ્પ સુધી પહોંચવાને જીવનના અંતિમ સાહસ તરીકે ગણીને ત્યાં પહોંચવા માટે મહેનત અને તૈયારીઓ કરતા રહેતા હોય છે. બીજી તરફ કેટલાક એવા લોકો પણ હોય છે જેમની જિંદગીની સફર જ એવરેસ્ટ બેઝ-કૅમ્પથી શરૂ થતી હોય છે. ઝારા આ બીજી કૅટેગરીમાં આવતી બાળકી છે. ઝારા અને તેના પરિવાર માટે બેઝ-કૅમ્પ એ માત્ર એક અધ્યાય હતો, બસ.
પછીનાં વર્ષોમાં પરિવારે હિમાલયમાં ફરી લાંબી-લાંબી યાત્રાઓ તો કરી જ, પણ એ ઘટના શરૂઆત હતી ઝારાની જિંદગીના એક નવા અધ્યાયલેખનની. ૨૦૨૫ની શરૂઆત, જ્યારે ઝારાએ પોતાના પિતા અને ભાઈ સાથે અન્નપૂર્ણા રેન્જની અનેક ચોટીઓ અને પર્વતોની આસપાસનો આશરે ૩૦૦ કિલોમીટરથી પણ વધુનો પ્રવાસ કર્યો. આથી વિશેષ બાબત શું છે ખબર છે? તેમની આ યાત્રા શિયાળાની ઋતુમાં એટલે કે ઠંડીના દિવસો દરમ્યાન થઈ હતી અને લગભગ ૩ અઠવાડિયાં ચાલી હતી.
એવરેસ્ટ બેઝ-કૅમ્પ પછી અન્નપૂર્ણાની પર્વતમાળાઓમાં સફર આ બન્ને બાબતો એટલું કહે છે કે પગપાળા પ્રવાસ અને એ પણ કસોટીભર્યો પ્રવાસ એ આ પરિવાર માટે માત્ર એક ઍડ્વેન્ચર નથી, જીવનશૈલી જ બની ચૂક્યું છે.
આજના સમયમાં જ્યારે આપણાં મોટા ભાગનાં બાળકોના બાળપણનો મોટો હિસ્સો સ્ક્રીન, મોબાઇલ અને શહેરની બંધિયાર ૪ દીવાલો વચ્ચે વીતે છે ત્યારે ઝારાનું બાળપણ સાવ અલગ આયામો ખોલીને એક સ્વતંત્ર અને સાહસી હવામાં શ્વાસ લેતા બાળકનું ચિત્ર દોરે છે. તેનાં રમકડાંમાં કદાચ સાઇકલ છે, તેના ખેલમેદાનોમાં જંગલ છે અને પ્રવાસના રસ્તાઓ નદીઓ અને પર્વતમાળાઓ છે.
દુનિયા કેટલી મોટી છે એ જાણવા માટે ક્યારેક નકશો જોવો પૂરતો નથી. રસ્તા પર નીકળવું પણ પડે છે. ઝારા અત્યારે હજી માત્ર ૭ વર્ષની છે. તેની સામે આખું જીવન પડ્યું છે. તેણે અત્યાર સુધી જે રસ્તાઓ પાર કર્યા છે એ અસાધારણ છે, પરંતુ કદાચ તેની સાચી સફર હવે શરૂ થઈ રહી છે. આજે તે સાઇકલ ચલાવે છે. ઝારાની સફર લદ્દાખના ઊંચા-નીચા રસ્તાઓ અને સતત બદલાતા વાતાવરણ વચ્ચે સાઇકલ પર પણ વીતી અને હિમાલયની પર્વતમાળાઓમાં પણ. ૭ વર્ષની છોકરી માત્ર રમત ખાતર અડધો કલાક પણ સાઇકલ ચલાવે તો આપણે કહીએ કે બસ દીકરા, હવે મૂકી દે, થાકી જશે; પણ ઝારા અડધા દિવસના સાઇક્લિંગ પછી પણ તેના પિતા ડેવિડને કહે છે કે ચાલો, થોડા વધુ આગળ સુધી ચલાવી નાખીએ.
સપાટ મેદાનોથી લઈને જંગલો અને જંગલોથી નીકળીને હિમાલયની પર્વતમાળાઓમાં સાઇક્લિંગ એ ઝારાની નવી ઓળખ બની રહી છે. શક્ય છે કે આવતી કાલે કદાચ કોઈ નવા ખંડમાં, કોઈ નવા પર્વત પર કે કોઈ નવા રસ્તા પર તેની સાઇકલનાં પૈડાં ફરી રહ્યા હશે અને દુનિયા ફરી રહેલી તે દીકરી માટે પૂછશે, પેલી નાનકડી ઝારા હમણાં હવે ક્યાં પહોંચી?
૩૧ જુલાઈએ ઝારાએ સમુદ્રથી ૫૦૦૦ મીટર ઊંચાઈએ ૧૭૦ કિલોમીટર લાંબો ટ્રૅક સાઇક્લિંગ કરનારી દુનિયાની સૌથી નાની ઉંમરની વ્યક્તિનો રેકૉર્ડ પોતાના નામે કર્યો છે. તેના પિતા ડેવિડે કહ્યું હતું કે ‘અમે જ્યારે પિક પર પહોંચ્યા ત્યારે તાપમાન માઇનસમાં હતું, બરફ પડી રહ્યો હતો અને ઑક્સિજન-લેવલ સમુદ્રસ્તરે હોય એનાથી લગભગ અડધું હતું. એ પછી અમે કારાકોરમની ઘાટીના ઢોળાવ પર લગભગ ૭૯ કિલોમીટર સાઇક્લિંગ કર્યું હતું.’