27 June, 2026 08:18 PM IST | Mumbai | Heena Patel
મુંબઈના ઐતિહાસિક માહિમ કિલ્લાને ફરી મળશે એની ઓળખ
મુંબઈના સમૃદ્ધ ઇતિહાસનો સાક્ષી બનેલો માહિમ કિલ્લો વર્ષોની ઉપેક્ષા અને સમયની ધૂળ નીચે દબાઈ ગયો હતો. હવે એ ફરી એક વાર પોતાની ખોવાયેલી ભવ્યતા પાછી મેળવવા તરફ આગળ વધી રહ્યો છે. તાજેતરમાં BMC અને કસ્ટમ્સ વિભાગ વચ્ચે થયેલા કરારે આ ઐતિહાસિક વારસાને ફરી જીવંત બનાવવાનો માર્ગ મોકળો કર્યો છે
BMC અને કસ્ટમ્સ વિભાગે અંદાજે ૮૦૦ વર્ષ જૂના ઐતિહાસિક માહિમ કિલ્લાના સંરક્ષણ અને સમારકામ માટે એક મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટૅન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ કરારથી મુંબઈના સૌથી જૂના હયાત કિલ્લાઓમાંથી એક એવા માહિમ ફોર્ટને ફરી જીવંત કરવાનો અને એને જાહેર હેરિટેજ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાનો માર્ગ મોકળો થયો છે. આશરે ૩૭૯૬ સ્ક્વેર મીટર એરિયામાં ફેલાયેલા આ કિલ્લાની માલિકી તો કસ્ટમ્સ વિભાગ પાસે જ રહેશે, પણ આ કરાર હેઠળ હવે BMCને આ ગ્રેડ વન હેરિટેજ સ્મારકના જીર્ણોદ્ધાર અને સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે. આ માટે શરૂઆતમાં ૨૦ કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે, જેનો ઉપયોગ કિલ્લાનાં જાળવણી-કામો પાછળ થશે. સમારકામના ભાગરૂપે BMC કિલ્લાના નબળા ભાગોને મજબૂત કરશે, કિલ્લાના જે ભાગો પડી ગયા છે એને ઇતિહાસની ખાસિયતો જળવાઈ રહે એ રીતે ફરી બનાવશે, કિલ્લાની અંદર આવેલા ઐતિહાસિક કૂવાનું ખોદકામ કરીને એને પુનઃ સ્થાપિત કરશે, કિલ્લાની આસપાસ આંતરિક પૅડેસ્ટ્રિયન પાથવે વિકસાવશે અને દરિયાઈ ધોવાણથી એના પાયાને બચાવવા માટે રક્ષણાત્મક રીટેનિંગ વૉલ બનાવશે.
માહિમ ફોર્ટનો ઇતિહાસ
વર્ષોની બેદરકારીને કારણે વર્તમાનમાં ખંડેર હાલતમાં આવી ગયેલા માહિમ ફોર્ટનો ઇતિહાસ ભવ્ય રહ્યો છે. માહિમ ખાડીના કિનારે અડીખમ ઊભેલો માહિમ ફોર્ટ મુંબઈના સમૃદ્ધ ઐતિહાસિક વારસાનું જીવંત પ્રતીક છે. આ કિલ્લાનો ઇતિહાસ તેરમી સદીથી શરૂ થાય છે જ્યારે યાદવ વંશના રાજા ભીમદેવ (રાજા બિંબા)એ માહિમ ખાડી પર ચાંપતી નજર રાખવા અને આ વિસ્તારની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ ભવ્ય કિલ્લાનું નિર્માણ કર્યું હતું. સમયની સાથે આ કિલ્લો અનેક શાસકોના ઉતાર-ચડાવનો સાક્ષી બન્યો છે જે એના વ્યૂહાત્મક મહત્ત્વને કારણે સદીઓ સુધી સત્તાના કેન્દ્રમાં રહ્યો હતો. ચૌદમીથી સોળમી સદી દરમ્યાન આ કિલ્લો ગુજરાત સલ્તનતના નિયંત્રણ હેઠળ આવ્યો, જે દરમ્યાન એના રક્ષણાત્મક માળખાને વધુ મજબૂત બનાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ ૧૫૩૪માં પોર્ટુગીઝોએ આ કિલ્લા પર કબજો જમાવ્યો અને તેમણે પોતાની જરૂરિયાત મુજબ કિલ્લાનું પુનર્નિર્માણ કરીને એમાં અનેક ફેરફારો કર્યા હતા. મુંબઈના ઇતિહાસમાં ૧૬૬૧નું વર્ષ મહત્ત્વપૂર્ણ વળાંક સાબિત થયું જ્યારે પોર્ટુગીઝ રાજકુમારી કૅથરિન ઑફ બ્રેગેન્ઝા અને ઇંગ્લૅન્ડના રાજા ચાર્લ્સ દ્વિતીયના લગ્નપ્રસંગે બૉમ્બેના ટાપુઓ દહેજમાં બ્રિટિશરોને સોંપવામાં આવ્યા, જેના પરિણામે માહિમ કિલ્લો પણ બ્રિટિશ શાસન હેઠળ આવી ગયો. અંગ્રેજોએ કબજો મેળવ્યા બાદ ૧૬૮૪માં સર થૉમસ ગ્રૅન્થમના નેતૃત્વ હેઠળ કિલ્લાની દીવાલો અને એની કિલ્લેબંધીને અત્યંત મજબૂત બનાવવામાં આવી હતી. એ સમયે પોર્ટુગીઝો અને મરાઠાઓની હિલચાલ પર નજર રાખવા માટે આ કિલ્લાનો ઉપયોગ એક વ્યૂહાત્મક ચોકી તરીકે થતો હતો. આમ ગુજરાતની સલ્તનતથી લઈને પોર્ટુગીઝ અને બ્રિટિશ શાસન સુધી દરેક શાસકે પોતાની રીતે આ કિલ્લામાં ફેરફારો અને મજબૂતીકરણ કર્યું છે. આજે આ માહિમ કિલ્લો માત્ર પથ્થરોની એક જૂની ઇમારત નથી, એ મુંબઈના આશરે ૮૦૦ વર્ષના ગૌરવશાળી ઇતિહાસનો સાક્ષી છે. મહારાષ્ટ્ર સરકારે ૧૯૭૫માં માહિમ ફોર્ટને રાજ્ય સંરક્ષિત સ્મારક તરીકે જાહેર કર્યો હતો. વર્ષોથી થયેલા અતિક્રમણ અને જાળવણીના અભાવે કિલ્લાનું મૂળ સ્વરૂપ ખોવાઈ ગયું છે, જે રીસ્ટોરેશન પ્રોજેક્ટ હાથ ધરીને ફરી મેળવવાના પ્રયત્નો થઈ રહ્યા છે.
કસ્ટમ્સ હાઉસ
માહિમ ફોર્ટ કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટની માલિકી હેઠળ કેમ આવે છે એ જાણવું પણ રસપ્રદ છે. ૧૬૬૧માં દહેજરૂપે મળેલી બૉમ્બેની ભેટમાં માહિમ ફોર્ટ પણ અંગ્રેજોને મળ્યો હતો. એ પછી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ માહિમ ખાડીના વ્યાપારી મહત્ત્વને પારખીને કિલ્લાની બાજુમાં જ એક કસ્ટમ્સ હાઉસ સ્થાપ્યું હતું. આ કસ્ટમ્સ હાઉસનો મુખ્ય હેતુ માહિમ ખાડીમાંથી પસાર થતા માલસામાન પર ટૅક્સ ઉઘરાવવાનો અને દરિયાઈ વેપાર પર દેખરેખ રાખવાનો હતો. અંગ્રેજોના શાસન દરમ્યાન આ કિલ્લો લાંબા સમય સુધી લશ્કરી મથક અને વેપારી કર ઉઘરાવવાના કેન્દ્ર તરીકેની બેવડી ભૂમિકા ભજવતો રહ્યો. દેશ આઝાદ થયા પછી પણ આ જમીન અને કિલ્લાનો વહીવટ કસ્ટમ્સ વિભાગ હસ્તક જ રહ્યો, કારણ કે એ એની ઑફિસ અને સ્ટાફ ક્વૉર્ટર્સ તરીકે વપરાતો હતો. ત્યાર બાદ ૧૯૭૫માં એને સ્ટેટ પ્રોટેક્ટેડ મૉન્યુમેન્ટ જાહેર કરવામાં આવ્યું હોવા છતાં કાયદાકીય રીતે ૩૭૯૬ ચોરસ મીટરની આ પ્રૉપર્ટી આજે પણ કેન્દ્ર સરકારના કસ્ટમ્સ વિભાગની માલિકી હેઠળ જ છે. માહિમ ફોર્ટ રીસ્ટોરેશન પ્રોજેક્ટ હેઠળ ફોર્ટની અંદર એક ખાસ કસ્ટમ્સ મ્યુઝિયમ બનાવવામાં આવશે જેમાં મુંબઈના સમુદ્રી વેપાર, કસ્ટમ્સ હાઉસ તરીકેના આ ફોર્ટના ઇતિહાસ અને પ્રાચીન કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવશે.
ટૂરિસ્ટ એક્સ્પીરિયન્સ
માહિમ ફોર્ટનું તો રીસ્ટોરેશન થઈ જ રહ્યું છે, પણ એની સાથે-સાથે પર્યટકોનો એક્સ્પીરિયન્સ પણ વધુ બહેતર બનાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. આ વિશે માહિતી આપતાં મુંબઈના જાણીતા કન્ઝર્વેશન આર્કિટેક્ટ વિકાસ દિલાવરી કહે છે, ‘ફોર્ટની આસપાસ સુંદર વૉકિંગ ટ્રૅક (પ્રૉમનેડ) બાંધવામાં આવશે અને દરિયાકિનારે બેસીને સમય વિતાવી શકાય એવું વાતાવરણ તૈયાર કરવામાં આવશે. પર્યટકોને બાંદરા-વરલી સી-લિન્ક અને સમુદ્રનો અદ્ભુત નજારો મળી રહે એ માટે ફોર્ટની નજીક એક ખાસ વૉચટાવર જેવો વ્યુઇંગ ડેક વિકસાવવામાં આવશે. પ્રવાસીઓ દરિયાકિનારે સ્થાનિક કોળી સંસ્કૃતિ અને સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ માણી શકે એ માટે ખાસ સી-ફૂડ પ્લાઝા બનાવવામાં આવશે. માહિમ ફોર્ટને કેન્દ્રમાં રાખીને આસપાસનાં ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો જેમ કે માહિમ દરગાહ અને સેન્ટ માઇકલ ચર્ચને જોડતી એક ધાર્મિક-પર્યટન સર્કિટ વિકસાવવાનું આયોજન છે.’
તમને જણાવી દઈએ કે માહિમ ફોર્ટ રીસ્ટોરેશન પ્રોજેક્ટના લીડ હેરિટેજ કન્સલ્ટન્ટ વિકાસ દિલાવરી જ છે. તેમના જણાવ્યા અનુસાર માહિમ ફોર્ટના રીસ્ટોરેશનમાં મૂળ સ્થાપત્યશૈલી જળવાઈ રહે એ રીતે આધુનિક ટેક્નિક અને ઇજનેરીનો ઉપયોગ કરવામાં આવશે. આનો મુખ્ય ઉદ્દેશ કિલ્લાના બંધારણને મજબૂત કરવાનો છે, જેથી એ આવનારાં વર્ષો સુધી ટકી રહે.
માહિમ ફોર્ટને એની ઓળખ મળશે
નોંધનીય છે કે માહિમ ખાડીના પશ્ચિમ કિનારે આવેલા ૩ કિલ્લાઓ એટલે કે વરલી ફોર્ટ, માહિમ ફોર્ટ અને બાંદરા ફોર્ટ બ્રિટિશકાળમાં દરિયાઈ સુરક્ષાની એક મજબૂત કડીસમાન હતા. આ ત્રિપુટી આજે સમયના વહેણ સાથે સાવ અલગ તબક્કે છે. બાંદરા ફોર્ટ આજે હેરિટેજ-લવર્સ અને ફોટોગ્રાફર્સ માટેનું ફેવરિટ ડેસ્ટિનેશન છે તો વરલી ફોર્ટ પણ એની ઐતિહાસિક સુંદરતા સાથે મુલાકાતીઓને આવકારે છે, પરંતુ આ જ ત્રિપુટીનો એક ભાગ એવો માહિમ ફોર્ટ જાણે ઇતિહાસનાં પાનાંમાં ક્યાંક ખોવાઈ ગયો હતો. દાયકાઓ સુધી અતિક્રમણ અને બેદરકારીને કારણે એની ભવ્યતા માત્ર અવશેષોમાં જ સચવાયેલી જોવા મળતી હતી. જોકે હવે આ બદલાતા સમયમાં માહિમ ફોર્ટ માટે આશાનું એક નવું કિરણ દેખાઈ રહ્યું છે. અત્યારે ચાલી રહેલા રીસ્ટોરેશન પ્રોજેક્ટ્સ દ્વારા આ કિલ્લાને માત્ર પુનર્જીવિત જ નથી કરવામાં આવી રહ્યો, એની ખોવાયેલી ઐતિહાસિક ઓળખને ફરીથી મુંબઈના નકશા પર ચમકાવવાનો એક મોટો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.