01 April, 2026 02:35 PM IST | Mumbai | Varsha Chitaliya
નવલકથા વાંચતાં.
અંધેરીના ૮૬ વર્ષનાં ડૉ. હસુમતી શાહ અત્યારે વ્યાવસાયિક પ્રૅક્ટિસ નથી કરતાં પણ સર્જ્યન અને વર્ષો જૂના દરદીઓ વચ્ચે સેતુ બનીને સેવા કરે છે. તબીબી સંશોધનનાં પ્રકાશનો વાંચી તમામ જાણકારી મેળવી લે. દરદીને ભરોસો આપવા ઑપરેશન થિયેટરમાં પણ ઉપસ્થિત રહે. ફુરસદના સમયે કવિતા લખે અને નવલકથાઓ વાંચે
તબીબી ક્ષેત્રની નવી-નવી શોધ વિશે જાણવાની ઉત્સુકતાને ૮૬ વર્ષની ઉંમરે પણ બરકરાર રાખનાર અંધેરીનાં ડૉ. હસુમતી શાહ દુનિયા કરતાં હટકે જીવન જીવવામાં માને છે. આ યુગમાં વિજ્ઞાને કેવી પ્રગતિ કરી છે એની માહિતી આપતાં પ્રકાશનો વાંચે તો ક્યારેક નવલકથાઓ વાંચવામાં ખોવાઈ જાય. કવિતા લખે અને દરદીઓને દવા પણ લખી આપે. પરિવારમાં ડૉક્ટરો-એન્જિનિયરો છે અને તપસ્વીઓ પણ છે. માનવકલ્યાણ માટે વિજ્ઞાન અને ધર્મનો સમન્વય આવશ્યક છે, બન્ને એકબીજાના વિરોધી નહીં પણ પૂરક છે એવી તેમની માન્યતા. જમાના કરતાં એક કદમ આગે ચાલવામાં માનતાં આ દાદીએ પેશન્ટની ચાર પેઢી જોઈ લીધી છે.
ઑપરેશન થિયેટરમાંથી બહાર નીકળતાં.
પેશન્ટ અને સર્જ્યન વચ્ચે સેતુ
હસુમતીબા કહે છે, ‘વ્યાવસાયિક નિવૃત્તિ લઈ લીધી છતાં પરિવાર અને લોકોના સાથ-સહકારથી આ ઉંમરે દરદીઓને સારવારમાં મદદરૂપ થઈ શકું છું. તાડદેવમાં રહેતાં મારા એક પેશન્ટની ઉંમર ૯૬ વર્ષ અને જુહુમાં રહેતાં પેશન્ટની ઉંમર ૧૦૦ વર્ષ છે. ૮૦ વર્ષની ઉપરની વયના તો ઘણા છે. પેશન્ટની ચોથી પેઢી જોઈ લીધી. હવે પ્રૅક્ટિસ નથી કરતી તોય ફોન કરે. સર્જરી વખતે તમે હાજર રહેજો એવી વિનંતી કરે. મોટા ડૉક્ટરને બતાવીને આવે પછી રિપોર્ટ વૉટ્સઍપ પર મોકલીને પૂછે કે સારવાર બરાબર ચાલે છેને? સર્જરી કરાવવી જોઈએ? એક પેશન્ટની ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં બાયપાસ સર્જરી થવાની હતી ત્યારે સર્જ્યનની સાથે ઑપરેશન થિયેટરમાં જવાની પરવાનગી મેળવી હતી. લગભગ તમામ જૂના પેશન્ટ મને રિપોર્ટ બતાવવા આવે. તેમના માટે મારો ઓપિનિયન મહત્ત્વનો છે. હું તેમને સમજાવું કે શસ્ત્રક્રિયા કરાવવી જરૂરી છે, પ્રોસીજર એક કલાક ચાલશે, આ રીતે સારવાર કરાવવાથી સારું થઈ જશે. પેશન્ટ અને સર્જ્યન વચ્ચે સેતુની જેમ કામ કરું છું એ નિવૃત્તિ પછીની સેવા છે. નાણાવટીના ડૉક્ટરો સાથે પણ ઘનિષ્ઠ સંબંધો છે. કેટલાક જૂના પેશન્ટના ઘરે પણ જાઉં છું. જોકે ઘણાને ના પાડવી પડે છે, કારણ કે હવે કમરનો દુખાવો રહે છે.’
પુત્ર રાજાભાઈના પરિવાર સાથે.
ગામનાં પ્રથમ મહિલા ડૉક્ટર
સાઠના દાયકામાં તબીબી પ્રૅક્ટિસ કરતી મહિલાઓની સંખ્યા ઘણી ઓછી હતી. એમાંય નાનાં શહેરોમાં ગુજરાતી પરિવારોમાં આટલું ભણેલી છોકરી દીવો લઈને શોધો તોય ન મળે. જોકે હસુમતીબાની વાત નિરાળી હતી. બાળપણથી જમાના કરતાં એક કદમ આગળ ચાલવાની જીદ અને પરિવારનો ટેકો હતો. તેમના પિતા જજ અને ભાઈ ડૉક્ટર. ભાઈને જોઈ તેમણે તબીબી અભ્યાસ કરવાની ઇચ્છા વ્યક્ત કરી. હસુમતીબા કહે છે, ‘પિતા સિવિલ જજ હતા આથી દર ત્રણ વર્ષે અલગ-અલગ શહેરમાં બદલી થયા કરતી. અમદાવાદ, બરોડા, પાલનપુરમાં શાળાનો અભ્યાસ કર્યો. મોટો ભાઈ MBBSનું ભણતો હતો. હું પણ ભણવામાં હોશિયાર હતી આથી બાપુજીએ મેડિકલમાં જવા પ્રોત્સાહિત કરી. એ સમયે છોકરીઓ ઓછું ભણતી, એમાં હૉસ્ટેલમાં રહીને ભણવાની વાત લોકોને હજમ ન થઈ. ઇન્દોરની વિક્રમ યુનિવર્સિટીથી મેડિકલનો અભ્યાસ કર્યો. ૧૯૬૪ની સાલમાં અમારા ગામ રાધનપુરની પ્રથમ મહિલા ડૉક્ટર બની. દરમિયાન ભાઈનો પરિવાર મુંબઈ સ્થાયી થયો. ડિગ્રી મેળવ્યા પછી હું પણ મુંબઈ આવી અને નાણાવટી હૉસ્પિટલમાં પ્રૅક્ટિસ શરૂ કરી. દસ વર્ષ પછી ઘરમાં જ પોતાનું ક્લિનિક શરૂ કર્યું.’
ઇજિપ્તમાં પિરામિડ સામે.
ઢગલાબંધ પ્રેમપત્રો લખ્યા
હસુમતીબાની કહાનીમાં ઘણા ટ્વિસ્ટ છે. નાણાવટી હૉસ્પિટલની નોકરી અને પોતાનું ક્લિનિક શરૂ કર્યું એ વચ્ચેના સમયગાળામાં તેમણે પિતા સામે બળવો કર્યો. થયું એવું કે મોટા ભાઈના મિત્ર શશિકાન્ત સાથે તેમને પ્રેમ થઈ ગયો. તેઓ દેરાવાસી જૈન અને એન્જિનિયરિંગનું ભણેલા શશિકાન્તભાઈ સ્થાનકવાસી જૈન. જોકે લગ્નની વાત જ્ઞાતિના લીધે નહીં પણ શશિકાન્તભાઈના માથે જે જવાબદારી હતી એના કારણે અટકી. તેમણે નાની વયે અવસાન પામેલા ભાઈની ચાર દીકરીઓને દત્તક લીધી હતી. આર્થિક પરિસ્થિતિ નબળી અને ઉપરથી ચાર-ચાર દીકરીઓને ઉછેરવાની અને પરણાવવાની જવાબદારી માથે લઈને ફરતા કુંવારા પુરુષને દીકરીનો હાથ સોંપતાં પિતાનો જીવ ન ચાલે એ સ્વાભાવિક છે. હસુમતીબાએ તો હઠ પકડી કે પરણું તો આને જ. પિતાએ મળવાની ના પાડી. દીકરીઓ સાથે નિભાવી લઈશ એવું પિતાને સમજાવતાં ચાર વર્ષ લાગ્યાં. આખરે બન્નેના કુટુંબની સંમતિથી લગ્ન થયાં. શશિકાન્તભાઈને તેમણે ૧૯૬૩થી ૧૦૬૬ના ગાળામાં ૧૮૦૦ પ્રેમપત્રો લખ્યા છે. આજે પણ એ પત્રો સાચવી રાખ્યા છે.
ફિલ્મોનો શોખ
શાહ દંપતી શરૂઆતમાં સાંતાક્રુઝ રહેતું હતું. શશિકાન્તભાઈનો કન્સ્ટ્રક્શનનો બિઝનેસ ચાલવા લાગ્યો. બે પાંદડે થતાં અંધેરીમાં રામઝરૂખા સોસાયટીમાં ઘર લીધું. હસુમતીબાએ હૉસ્પિટલની નોકરી છોડી ઘરમાં ક્લિનિક શરૂ કર્યું. પતિ-પત્ની ફિલ્મ જોવાનાં જબરાં શોખીન. દર શુક્રવારે પિક્ચર જોવા જાય. મનોજ કુમારની ‘પૂરબ ઔર પશ્ચિમ’ જોઈ તેમણે મોટા દીકરાનું નામ ભારત પાડ્યું. ‘જાનવર ઔર ઇન્સાન’ ફિલ્મમાં શશી કપૂરના પાત્રના નામ પરથી બીજા દીકરાનું નામ રાજા રાખ્યું. બન્ને ભાઈઓને વર્ષો સુધી ખબર નહોતી પડવા દીધી કે સાથે રહેતી દીકરીઓ તેમની સગી બહેનો નથી. વર્ષો સુધી બાંધકામ-સાઇટ પર કામ કરવાથી શશિકાન્તભાઈને ફેફસાંનું કૅન્સર થઈ જતાં ૨૦૨૧માં ૮૪ વર્ષની વયે અવસાન પામ્યા. મોટા દીકરાનું પણ માત્ર ૫૩ વર્ષની ઉંમરે ઊંઘમાં મૃત્યુ થયું. બે આઘાત જીરવી ગયા. રાજાભાઈનો પરિવાર અમેરિકામાં સ્થાયી છે. મુંબઈમાં મમ્મી એકલાં કેમ રહેશે એની ચિંતા થતાં તેઓ હસુમતીબાને અમેરિકા લઈ ગયાં. જોકે ૧૧ મહિનામાં બાને ઘર યાદ આવ્યું. ૧૯૭૬થી એ જ ઘરમાં રહે છે.
પતિ શશિકાન્તભાઈ સાથે.
નવલકથા વાંચવાનો શોખ
હસુમતીબા એકલાં રહે છે. બે વર્ષ અગાઉ પડી જવાથી સ્પાઇનમાં ફ્રૅક્ચર થયું હતું તોય હિંમત નથી હાર્યાં. હેલ્પર રાખી છે પણ હાઇજીનનાં અતિશય આગ્રહી હોવાથી જાતે કામ કરવાનું પસંદ કરે છે. કવિતા લખવાનો અને નવલકથાઓ વાંચવાનો ખૂબ શોખ છે. ‘પાટણની પ્રભુતા’ અને ‘જય સોમનાથ’ અનેક વાર વાંચી છે. ગુજરાતી સાહિત્ય અને જૈન ધર્મનાં અઢળક પુસ્તકો વસાવ્યાં છે. ઐતિહાસિક સ્થળોએ ફરવા જવું બહુ ગમે. ગયા વર્ષે ઇજિપ્તના પિરામિડ અને મમી જોવાની જીદ પકડી હતી. થોડા-થોડા સમયે દીકરો મુંબઈ આંટો મારી જાય. મમ્મી માટે પાંચ વર્ષમાં રાજાભાઈ ૩૬ વખત ભારત આવ્યા છે.