શહીદોની યાદ જીવંત છે અહીં

11 October, 2025 03:50 PM IST  |  Mumbai | Heena Patel

મુંબઈગરા હવે અન્ડરગ્રાઉન્ડ મેટ્રોમાં આરેથી છેક કફ પરેડ જઈ શકે છે. આ રૂટમાં એક મહત્ત્વનું સ્ટેશન એટલે હુતાત્મા ચોક પણ છે. હુતાત્માનો અર્થ શહીદ થાય. આ એ શહીદો છે જેમણે સંયુક્ત મહારાષ્ટ્ર ચળવળમાં પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું

શહીદોની યાદ જીવંત છે અહીં

હજી થોડા દિવસ પહેલાં જ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશને એના ઑફિશ્યલ હૅન્ડલ મુંબઈ મેટ્રો થ્રી પર હુતાત્મા ચોક મેટ્રો સ્ટેશનની ઝલક દર્શાવતી એક પોસ્ટ કરી હતી. સાથે જ કૅપ્શનમાં તેમણે લખ્યું હતું કે હેરિટેજ લૅન્ડમાર્ક્સથી લઈને ફાઇનૅન્શિયલ હબ્સ અને કલ્ચરલ હૉટસ્પૉટ્સથી લઈને સ્ટેડિયમ્સ સુધી આ સ્ટેશન તમને દરેક જગ્યા સાથે જોડે છે. હુતાત્મા ચોક મેટ્રો સ્ટેશનની ડિઝાઇન હેરિટેજ એરિયાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. સ્ટેશનના એન્ટ્રી-એક્ઝિટ પૉઇન્ટ્સ ઓપન ટુ સ્કાય રાખવામાં આવ્યા છે જેથી આસપાસનાં ઐતિહાસિક સ્મારકોનું સન્માન જળવાઈ રહે અને એનો જે હિસ્ટોરિકલ વ્યુ છે એ ઢંકાયા વગર સ્પષ્ટપણે દેખાય. ફોર્ટના જે ઐતિહાસિક સ્થળ પરથી મેટ્રો સ્ટેશનનું નામ પડ્યું છે એ હુતાત્મા ચોક શું છે એ વિશે જાણવું પણ ખૂબ રસપ્રદ છે.

ફોર્ટ વિસ્તારમાં અવરજવર કરતી વખતે તમારી નજર અચૂક હુતાત્મા ચોક પર પડી હશે. આ એક ઓપન સ્ક્વેર છે જેની વચ્ચોવચ હુતાત્મા સ્મારક સ્થિત છે. એમાં ખેડૂત અને મજૂરની બે પ્રતીકાત્મક આકૃતિઓ છે. તેમના હાથમાં મશાલ પણ દેખાય છે. આ સ્મારક સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલનના શહીદોનું પ્રતિનિધિત્વ કરે છે. હુતાત્મા સ્મારક પાસે એક જ્વાળા પણ છે જે સતત સળગતી રહે છે. શહીદોની યાદને જીવંત રાખવાનું એ એક પ્રતીક છે. અગાઉ ૧૯૬૦ સુધી આ વિસ્તાર ફ્લોરા ફાઉન્ટેનના નામથી જાણીતો હતો પણ પછીથી એ હુતાત્મા ચોકના નામથી ઓળખાવા લાગ્યો. સંયુક્ત મહારાષ્ટ્ર ચળવળ વિશે થાણેની સતીશ પ્રધાન જ્ઞાન સાધના કૉલેજના ઇતિહાસ વિભાગના પ્રમુખ અને અસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. બાબાસાહેબ કાંબળે પાસેથી તેમના જ શબ્દોમાં જાણીએ. 

સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલન
આને સ્વતંત્રતા બાદ ભારતના સૌથી મહત્ત્વપૂર્ણ જનઆંદોલનમાંનું એક માનવામાં આવે છે. આ આંદોલન રાજ્યોની ભાષાવાર પુનર્રચનાની માગ સાથે ઊભરેલું અને એણે ખેડૂતો, મજૂરો, બુદ્ધિજીવીઓ, સાહિત્યકારો અને રાજકીય નેતાઓને એક મંચ પર લાવીને ઊભા કરી દીધા. આ આંદોલનના મૂળમાં એક જ પ્રબળ આકાંક્ષા હતી કે મરાઠીભાષી લોકો માટે અલગ મહારાષ્ટ્ર રાજ્યનું નિર્માણ કરવામાં આવે, જેની રાજધાની મુંબઈ હોય. આ આંદોલન એક દાયકાથી પણ વધુ સમય સુધી ચાલ્યું જેમાં વ્યાપક સ્તરે વિરોધ-પ્રદર્શન અને બલિદાન થયાં અને અંતે ૧૯૬૦ની પહેલી મેના મહારાષ્ટ્ર રાજ્યની રચના થઈ.

ભાષા આધારિત રાજ્યોની માગ (૧૯૨૦-૧૯૫૦)
ઓગણીસમી સદીના અંતમાં અને વીસમી સદીની શરૂઆતમાં જ બૉમ્બે પ્રેસિડન્સીમાં ભાષા આધારિત ઓળખનું રાજકારણ ઊભરવા લાગ્યું હતું, પણ એ સમયે સ્વતંત્રતાસંગ્રામ ચાલી રહ્યો હોવાથી એનું મહત્ત્વ પાછલી પાટલીએ ધકેલાઈ ગયું હતું. ઇન્ડિયન નૅશનલ કૉન્ગ્રેસે ભાષાના આધાર પર રાજ્યોની રચનાના સિદ્ધાંતનો સ્વીકાર તો કર્યો હતો, પણ એ સમયે આ આંદોલન હજી એના શરૂઆતી ચરણમાં જ હતું. 

૧૯૨૦માં ગાંધીએ કૉન્ગ્રેસની કાર્યકારી સમિતિઓની પુનર્રચના ભાષાના આધાર પર કરવાનું સમર્થન કર્યું, પરિણામે ૧૯૨૧ સુધીમાં કૉન્ગ્રેસ સમિતિઓની ભાષાના આધાર પર પુનર્રચના થઈ ગઈ. ગાંધીજીનું માનવું હતું કે સામાન્ય લોકોને સ્વતંત્રતાસંગ્રામ સાથે જોડવા માટે માતૃભાષાનો ઉપયોગ જરૂરી છે. પ્રાંતની ભાષાના હિસાબે સમિતિઓની રચના કરવાથી સ્થાનિક નેતાઓ તેમની ભાષામાં લોકો સાથે સંવાદ કરી શકશે. આ બદલાવ રાષ્ટ્રીય આંદોલનનું સ્વરૂપ બદલવા માટે જરૂરી હતો. 

જોકે બૉમ્બે પ્રદેશ કૉન્ગ્રેસ કમિટી (BPCC) મહારાષ્ટ્ર પ્રદેશ કૉન્ગ્રેસ કમિટી (MPCC)થી અલગ રહી અને એના પર ગુજરાતી વેપારી વર્ગનું પ્રભુત્વ હતું. અહીં સુધી કે BPCCના એક પ્રમુખ નેતા એસ. કે. પાટીલ પોતે પણ ગુજરાતી વેપારી લૉબી સાથે જોડાઈ ગયા. BPCCએ પોતાની અલગ અને વિશેષ ઓળખ બનાવી રાખતા મરાઠીભાષીઓને તેમની ભાષા, સંસ્કૃતિ અને રાજકીય પકડ ઢીલી પડી જશે એવું લાગ્યું. 

એ પછીના સમયમાં નેહરુ રિપોર્ટે (૧૯૨૮) ભાષાના આધારે પ્રાંતોના નિર્માણનું સ્પષ્ટ સમર્થન કર્યું અને એ તર્ક આપ્યો કે ભાષા અને સંસ્કૃતિ સ્વરાજનો પાયો છે. ૧૯૪૬માં બેલગામમાં આયોજિત મરાઠી સાહિત્ય સંમેલનમાં એક પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો, જેમાં એક અલગ મરાઠીભાષી રાજ્યના નિર્માણની વકીલાત કરવામાં આવી હતી. 

સંવિધાન સભામાં આ મુદ્દે વિચાર કરવા માટે ૧૯૪૮ના ડિસેમ્બરમાં દાર કમિશનની નિયુક્તિ કરવામાં આવી, જેમાં મુંબઈ સહિત સંયુક્ત મહારાષ્ટ્રની માગને ફગાવવામાં આવી હતી. જોકે કૉન્ગ્રેસે એને નકારીને જવાહરલાલ નેહરુ (J), વલ્લભભાઈ પટેલ (V) અને પટ્ટાભી સીતારામૈયા (P)ની JVP કમિટી બનાવી. આ કમિટીએ એપ્રિલ ૧૯૪૯ના પોતાના રિપોર્ટમાં ભાષાના આધારે રાજ્યોની રચનાને સૈદ્ધાંતિક રૂપે સ્વીકારી તો ખરી, પણ ઉતાવળમાં પુનર્રચના કરવાના વિરોધમાં ચેતવણી પણ આપી. 

એ પછી પોટ્ટી શ્રીરામુલુએ તેલુગુભાષીઓ માટે અલગ આંધ્ર પ્રદેશ રાજ્ય બનાવવાની માગને લઈને ૫૮ દિવસ સુધી અનશન કર્યું અને ૧૯૫૨ની ૧૬ ડિસેમ્બરના તેમનું નિધન થઈ ગયું. એનાથી પૂરા ક્ષેત્રમાં વ્યાપક હિંસા ભડકી ગઈ એટલે દબાવમાં આવીને નેહરુએ ૧૯૫૩ના ડિસેમ્બરમાં ફઝલઅલી રાજ્ય સ્ટેટ રીઑર્ગેનાઇઝેશન કમિશનની રચના કરી. આ કમિશને મહારાષ્ટ્રની એ માગ કે જેમાં મુંબઈનો પણ સમાવેશ હતો એનો અસ્વીકાર કરી દીધો. જોકે તેમણે બોમ્બેને દ્વિભાષી રાજ્ય (મરાઠી અને ગુજરાતી)ના રૂપમાં રાખવાની ભલામણ કરી. ૧૯૫૬માં મોટા પાયે વિરોધ થયા છતાં ભારત સરકારે દ્વિભાષી બૉમ્બે રાજ્યની રચના કરી. આ નિર્ણયથી મહારાષ્ટ્રિયનોમાં વધુ રોષ ફેલાયો અને સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિનો સંકલ્પ વધુ મજબૂત થઈ ગયો. 

સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિની રચના (૧૯૫૬)
૧૯૫૦ના દાયકાના મધ્ય સુધી એ સ્પષ્ટ થઈ ગયું હતું કે આંદોલનને ટકાવી રાખવા માટે ફક્ત એક સંયુક્ત રાજકીય મોરચો પર્યાપ્ત નથી. એટલે ૧૯૫૫માં સંયુક્ત મહારાષ્ટ્ર કૃતિ સમિતિની રચના કરવામાં આવી જેના નેતા હતા એસ. એમ. જોશી, સેનાપતિ બાપટ, આચાર્ય અત્રે, એસ. એ. ડાંગે અને પ્રબોધનકાર ઠાકરે. એ સાથે જ અન્ય પ્રમુખ હસ્તીઓ જેમ કે ક્રાન્તિસિંહ નાના પાટીલ, દાદાસાહેબ ગાયકવાડ, એસ.કે. લિમયે, આર. ડી. ભંડારે, અહિલ્યા રાંગણેકર વગેરે સામેલ હતા જેમાંથી મુંબઈના અનેક ટેક્સટાઇલ મજૂર આંદોલન સાથે જોડાયેલા હતા. ૧૯૫૬માં વિવિધ પાર્ટીઓ, સંગઠનો અને સાંસ્કૃતિક નેતાઓના એક વ્યાપક ગઠબંધને મળીને સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિની રચના કરી. આ ગઠબંધનની વિશેષતા એની વિવિધતા હતી. એમાં સમાજવાદીઓ, કમ્યુનિસ્ટો, પ્રજા સમાજવાદી પક્ષ, ખેડૂત અને કામદાર પક્ષ, રિપબ્લિકન પાર્ટી અને ત્યાં સુધી કે કેટલાક કૉન્ગ્રેસી નેતાઓ પણ સામેલ થયા. 

વિરોધ-પ્રદર્શન, સત્યાગ્રહ અને શહાદત (૧૯૫૫-’૫૬)
૧૯૫૫-’૫૬માં આંદોલનમાં તીવ્ર ઉછાળો આવ્યો. સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિએ મુંબઈ અને મહારાષ્ટ્રનાં અન્ય શહેરોમાં જન સત્યાગ્રહ, પ્રદર્શન અને હડતાળોનું આયોજન કર્યું. ૧૯૫૫ની ૨૧ નવેમ્બરે બૉમ્બે વિધાનસભામાં ત્રણ અલગ-અલગ મરાઠી રાજ્યોની રચનાનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો જેમાં સંયુક્ત મહારાષ્ટ્રમાં વિદર્ભ અને મરાઠવાડ સામેલ હતાં, મહાગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્ર સામેલ હતાં અને બૉમ્બેને યુનિયન ટેરિટરી તરીકે રાખવામાં આવ્યું. એના વિરોધમાં લગભગ ચાર લાખ મજૂર અને મધ્યમ વર્ગના લોકો હડતાળ પર ઊતરી ગયા. ફ્લોરા ફાઉન્ટન પર પોલીસ સાથે ચણભણ થઈ જેમાં ભીડે બે બસ અને એક પોલીસ ચોકી સળગાવી દીધી હતી. પોલીસે શરૂઆતમાં લાઠીચાર્જ અને ટિયર ગૅસનો ઉપયોગ કર્યો, પછી ગોળીબાર કર્યો. એમાં ૧૩ જણ શહીદ થઈ ગયા. એવું અનુમાન છે કે આંદોલન દરમ્યાન વિભિન્ન સ્થળો પર સુરક્ષા બળોએ કુલ ૧૦૬ લોકોને ગોળી મારી હતી. આ ઘટનાએ જનમાનસને હચમચાવી દીધું અને સંયુક્ત મહારાષ્ટ્રની માગણીને એક નવી શક્તિ આપી.

નિરંતર આંદોલન અને વિરોધ (૧૯૫૬-૧૯૬૦)
૧૯૫૬ પછીનાં વર્ષો સતત આંદોલન અને સંઘર્ષથી ભરેલાં રહ્યાં. સમિતિએ ખેડૂતો, મજૂરો, છાત્રો અને મધ્યમવર્ગીય પરિવારોને સંગઠિત કર્યા અને નિયમિત સત્યાગ્રહ, વિરોધમોરચા અને હડતાળોના માધ્યમથી આંદોલનને જીવતું રાખ્યું. મુંબઈની ટેક્સટાઇલ મિલોનાં ટ્રેડ યુનિયનોએ વિશેષ ભૂમિકા ભજવી. રંગમંચ, કવિતા, પત્રકારિતા અને લોકપ્રિય ગીતોમાં સંયુક્ત મહારાષ્ટ્રની ભાવના ભરી દેવામાં આવી. ડૉ. બી. આર. આંબેડકરે પણ રાજ્યોની ભાષાવાર પુનર્રચનાને આવશ્યક માની હતી પણ સાથે તેમણે રાજકીય એકતાને કમજોર થતી રોકવા માટે એક બંધારણીય ઢાંચાની અંદર જ એની પુનર્રચના પર જોર આપ્યું હતું. 

અંતે મહારાષ્ટ્રને સફળતા મળી
અનેક વર્ષોના સંઘર્ષ બાદ સરકારે ફેરવિચાર કરવો પડ્યો. દ્વિભાષી બૉમ્બે રાજ્યની વ્યવસ્થા સફળ ન રહી, કારણ કે મહારાષ્ટ્રિયન અને ગુજરાતી બન્ને સમુદાય એનાથી અસંતુષ્ટ હતા. વધતા વિરોધ, વ્યાપક અસંતોષ અને સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિની રાજકીય શક્તિએ કેન્દ્ર સરકારને કાર્યવાહી કરવા માટે મજબૂર કરી દીધા. અંતે ૧૯૬૦ની પહેલી મેએ દ્વિભાષી બૉમ્બે રાજ્યને બે અલગ રાજ્યોમાં વિભાજિત કરી દેવામાં આવ્યું : મહારાષ્ટ્ર અને ગુજરાત. મુંબઈને મહારાષ્ટ્રની રાજધાની જાહેર કરવામાં આવી. આ દિવસ દર વર્ષે મહારાષ્ટ્ર દિવસના રૂપમાં મનાવવામાં આવે છે. હુતાત્મા ચોક પર સ્થિત સ્મારક એ ૧૦૬ લોકોને યાદ કરે છે જેમણે સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલનના શાંતિપૂર્ણ પ્રદર્શન દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો. 

સંયુક્ત મહારાષ્ટ્ર ચળવળ ગુજરાતી લોકો કે ગુજરાત રાજ્ય વિરુદ્ધ નહોતી પરંતુ મજૂરો અને પૂંજીપતિઓ વચ્ચેના સંઘર્ષનું પ્રતીક છે જેમાં ભાષાના આધારે રાજ્ય બનાવવાની માગ કામ, ઉદ્યોગ અને આર્થિક અધિકારોની લડત સાથે જોડાયેલી હતી. 

columnists mumbai news whats on mumbai things to do in mumbai news