04 May, 2025 10:19 AM IST | Mumbai | Rajani Mehta
ઍક્ટર-ડિરેક્ટર આદિત્યરાજ કપૂર સાથે લેખક રજની મહેતા.
‘ડૅડી કો (શમ્મી કપૂર) તો સારી દુનિયા યાદ કરતી હૈ લેકિન મમ્મી કો (ગીતા બાલી) આજ તક કિસીને યાદ નહીં કિયા હૈ. મૈં રજનીભાઈ કા બહુત શુક્રિયા અદા કરતા હૂં કિ આપને ગીતા બાલીજી કો ભી યાદ કિયા.’ આંખમાં ભીનાશ અને ગળામાં ખરાશ સાથે આદિત્યરાજ કપૂરના આ શબ્દો હતા. ૨૦૧૨ની ૨૨ એપ્રિલની સાંજે શમ્મી કપૂર અને ગીતા બાલીની યાદમાં અમારી સંસ્થા ‘સંકેત’ દ્વારા એક કાર્યક્રમ ‘જનમ જનમ કા સાથ હૈ’નું આયોજન કરવામાં આવ્યું હતું. માતા-પિતાને યાદ કરતાં તેમનાં અનેક સ્મરણો વાગોળતાં આદિત્યરાજ કપૂરે સ્ટેજ પરથી આ વાત કરી હતી.
આ કાર્યક્રમ નિમિત્તે તેમની સાથે જે મુલાકાતો થઈ અને સ્ટેજ પરથી જે સંભારણાં તેમણે શૅર કર્યાં ત્યારે અનેક કિસ્સાઓ જાણવા મળ્યા જેમાં શમ્મી કપૂર અને ગીતા બાલી ઉપરાંત તેમનાં ‘સેકન્ડ મમ્મી’ નીલાદેવીના (શમ્મી કપૂરનાં બીજાં પત્ની) ઉમદા વ્યક્તિત્વનો પરિચય થયો. આ કાર્યક્રમમાં નીલાદેવી સાથે આદિત્યરાજનાં પત્ની પ્રીતિ (જે સુરેન્દ્રનગર રાજપરિવારનાં પુત્રી છે) પણ ઉપસ્થિત હતાં. બન્નેના વ્યવહાર અને વાતચીત પરથી એક ગર્ભશ્રીમંત અને ધીરગંભીર ખાનદાનનો પરિચય થયો.
આદિત્યરાજ કપૂર સાથે પહેલી જ મુલાકાતમાં મારે સારોએવો ‘રૅપો’ બંધાઈ ગયો. તેમણે કોઈ પણ જાતના છોછ વિના કેવળ માતા-પિતાના નહીં, પોતાના જીવનના અનેક પ્રસંગો વિસ્તારથી અને પૂરી નિખાલસતાથી શૅર કર્યા. એ કિસ્સાઓ તેમના જ શબ્દોમાં પ્રસ્તુત છે.
‘મારો ઉછેર સહજ રીતે થયો. હા, એટલી ખબર હતી કે પિતા ફિલ્મોમાં કામ કરે છે અને મોટા માણસ છે. પપ્પા મોટા ભાગે શૂટિંગમાં હોય એટલે મમ્મી જ અમારી પરવરિશ કરતી. કોઈ જાતનાં ખોટાં લાડકોડ નહીં. મને એક વાતનો ખટકો હતો. મોટા ભાગનાં બાળકોનાં માતાપિતા સાથે હોય, જ્યારે પપ્પાની હાજરી કેવળ ખાસ પ્રસંગો જેવા કે જન્મદિવસ કે પછી તહેવારોના દિવસે જ રહેતી. જોકે રોજબરોજની જિંદગીમાં મમ્મી અમારું સારું ધ્યાન રાખતી. પપ્પાએ કદી ભણવા બાબત કટકટ નથી કરી. મમ્મી ફરિયાદ કરે તો કહેતા કે બાળકો પર બળજબરી ન કરવી.’
પપ્પા-મમ્મીનાં લવ મૅરેજ હતાં. પપ્પાનું મગજ ગરમ પરંતુ મમ્મી હંમેશાં શાંતિથી કામ લે. વેકેશનમાં અમે સૌ ફરવા જતાં. એ દિવસો યાદગાર હતા. મમ્મીનો દેહાંત થયો ત્યારે તેની ઉંમર હતી ૩૫ વર્ષ. She died too young. એ સમયે મારી ઉંમર હતી ૧૦ વર્ષની અને નાની બહેન કંચનની બે વર્ષની. ત્યારે મૃત્યુ શું છે એની ખબર નહોતી, પણ હું મમ્મીને ખૂબ મિસ કરતો. જેમ-જેમ મોટો થતો ગયો તેમ ખબર પડતી ગઈ કે ગીતા બાલી એક અભિનેત્રી તરીકે કેવાં ટૅલન્ટેડ હતાં. તેમની ફિલ્મો જોઈ, તેમના વિશે વાતો સાંભળી ત્યારે ખબર પડી કે શમ્મી કપૂરને ‘સ્ટાર’ બનાવવામાં ગીતા બાલીનો મોટો ફાળો હતો.’
આદિત્યરાજ કપૂર વાત કરે ત્યારે તેમની આંખો અને અવાજમાં મમ્મી પ્રત્યેનો અહોભાવ છલકાયા કરે. ગીતા બાલીએ ટૂંકી કારકિર્દીમાં ‘બડી બહન’, ‘બાવરે નૈન’, ‘અલબેલા’, ‘જાલ’ અને ‘બાઝી’ જેવી ફિલ્મોમાં અભિનય કરીને સાબિત કર્યું હતું કે તે હોનહાર અભિનેત્રી હતાં. તેમની અદામાં એક નટખટપન સાથે સંવેદનાનું મિશ્રણ હતું જેની ભાગ્યે જ નોંધ લેવાઈ છે. શમ્મી કપૂરની ફિલ્મી કારકિર્દીની શરૂઆત થઈ ત્યારે લગાતાર ૭ ફિલ્મો ફ્લૉપ થઈ. તેમની કાયાપલટ થઈ ‘તુમસા નહીં દેખા’થી. એ પછીની ફિલ્મોમાં તેમના બેબાક, આશિકાના મિજાજવાળા રોલને કારણે તેમને ‘Rebel Star’નું બિરુદ મળ્યું હતું. એક સીધાસાદા, ચીલાચાલુ ફિલ્મી હીરોને બદલે ધમાલમસ્તી કરતા હીરોની ઇમેજ સ્થાપિત કરવામાં ગીતા બાલીનો મોટો ફાળો હતો.
આદિત્યરાજ એ વાત કરતાં મને કહે છે, ‘તમે ‘જબ સે તુમ્હે દેખા હૈ’ (ગીતા બાલી – પ્રદીપકુમાર) જોઈ છે? એમાં પિકનિકનો એક સીન છે. એ દૃશ્યમાં ગીતા બાલી જે રીતે ડાન્સ કરે છે એ જોઈ એમ જ લાગે કે શમ્મી કપૂર ડાન્સ કરે છે. She was very vibrant. She injected that into Daddy. ‘અલબેલા’માં માસ્ટર ભગવાન સાથેના તેમના ડાન્સ જુઓ તો ખબર પડે કે તેમનામાં કેટલી એનર્જી હતી. તેમનાં સ્ટેપ્સ અને એક્સપ્રેશનમાં કેવી મસ્તી હતી.
‘હું આર. કે. ફિલ્મ્સમાં રાજ કપૂરનો અસિસ્ટન્ટ હતો ત્યારની વાત છે. મને સ્ક્રિપ્ટ લખવાનો શોખ હતો. એક દિવસ દેવ આનંદે મને બોલાવ્યો. કહે, ‘તારી પાસે કોઈ સારી સ્ક્રિપ્ટ હોય તો સંભળાવ.’ મેં ડીટેલમાં વાત કરી. મને કહે, ‘આમાં થોડા ફેરફાર કરવા પડશે. બોલ, તારે કંઈ પૂછવું છે?’ મેં કહ્યું, ‘ના. પણ અંકલ, મારે ગીતા બાલી વિશે જાણવું છે.’
‘તરત તેમણે ઑફિસમાંથી દરેકને બહાર જવાનું કહ્યું. કેવળ સુનીલ (પુત્ર) હાજર હતો. દેવ આનંદ કહે, ‘‘બાઝી’ રિલીઝ થઈ ત્યારે લોકો મને નહીં, ગીતાને જોવા આવતા હતા. She was an amazing actress.’
દેવ આનંદ જલદી કોઈનાં વખાણ ન કરે એટલે આ બહુ મોટી વાત હતી. મને કહે, ‘તારું નાક તેના જેવું જ છે.’ પછી હસતાં-હસતાં કહે, ‘પણ તારો બાપ બહુ (ગાળ) હતો. તેણે મને ખૂબ હેરાન કર્યો હતો. શૂટિંગમાં આવીને મને ડિસ્ટર્બ કરે, કારણ કે He wanted to take Geeta for outing. They were passionately mad in love.’
‘ડૅડીએ મને કહ્યું કે મારી ઇમેજ બનાવવામાં ગીતાનો મોટો ફાળો છે. તેણે મને નવી સ્ટાઇલ આપી, નવો ગેટઅપ આપ્યો. મારી સફળતામાં તેની દૂરંદેશીએ મોટો ભાગ ભજવ્યો છે. એક સફળ અભિનેત્રી હોવા છતાં મમ્મીએ લગ્ન પછી કામ કરવાનું છોડી દીધું અને ઘર અને બાળકોના ઉછેરમાં વ્યસ્ત થઈ ગઈ. અફસોસ કે અમને તેનો ઝાઝો સાથ ન મળ્યો.’
આદિત્યરાજ કપૂરની આંખ અને અવાજમાં માતાની ખોટનો વિષાદ તરવરતો હતો. મેં વિષયાંતર કરતાં પૂછ્યું, ‘તમે કેમ ફિલ્મલાઇનમાં આગળ ન વધ્યા? શમ્મીજીએ કદી આગ્રહ ન કર્યો?’ આદિત્યરાજે કહ્યું, ‘તે એક બાબત બહુ જ ક્લિયર હતા. મારા પર કોઈ દબાણ નહોતું. ૧૮ વર્ષની ઉંમરે મને કંઈક નવું કરવાનો થનગનાટ હતો. હું શમ્મી કપૂરનો દીકરો હતો. મારે અભિનેતા બનવા સ્ટ્રગલ કરવાની જરૂર નહોતી. મારે કૉર્પોરેટ લાઇનમાં આગળ જવું હતું. ટાઇ અને સૂટ પહેરીને કંઈક નવું કરવું હતું. મેં મારી ઇચ્છા જાહેર કરી તો તેમણે એટલું જ કહ્યું, ‘Are you sure?’ મેં હા પાડી. મારી આંખોમાં જે સપનાં હતાં એની ચમક જોઈ તેમણે આશીર્વાદ આપ્યા. દરેક પિતાની ઇચ્છા હોય કે પુત્ર આગળ વધે, નામ કમાય. પોતે સુપરસ્ટાર હતા એટલે મનમાં તો હશે જ કે હું તેમના પગલે ચાલું. કપૂર ખાનદાનનું લેબલ અમારી પાસે હતું. તે જાણતા હતા કે મને તેમના માટે ફરિયાદ હતી કે મારા અને પરિવાર માટે તેમણે ઓછો સમય આપ્યો છે. તેમ છતાં તેમણે મોટું મન રાખ્યું.
‘તમે ‘Indiana Jones’ જોઈ છે? એમાં બાપ-દીકરો બાઇક પર જતા હોય છે. દીકરો બાપને ફરિયાદ કરતાં કહે છે, ‘You were never a good father.’ બાપ જવાબ આપે છે, ‘મેં કોઈ દિવસ તને વહેલા ઊઠવા કહ્યું છે? હોમવર્ક કરવા કહ્યું છે? આમ ન કર, તેમ ન કર એવી ટોક-ટોક કરી છે? નહીંને? બસ, તો પછી હું એક સારો બાપ છું. ફરિયાદ શું કામ કરે છે?’ મારે પણ એ જ કહેવું છે. હું ડૅડીને મિસ કરું છું, પણ મારી પહેલી મમ્મી અને બીજી મમ્મીએ (નીલાદેવી) તેમની ખોટ નથી સાલવા દીધી.’
ગીતા બાલીના નિધનનાં થોડાં વર્ષો બાદ શમ્મી કપૂર અને નીલાદેવીનાં લગ્ન થયાં. શું બન્ને એકમેકના પ્રેમમાં હતાં? આ લગ્ન એકતરફી કુરબાની હતી કે પછી એ સગવડિયાં લગ્ન હતાં?
વિસ્તારથી એ વાતો કરીશું આવતા રવિવારે.