17 October, 2026 04:05 PM IST | Mumbai | Deepak Mehta
એસ. એસ. પેશાવર.
મનજી મુસાફર રે, ચાલો નિજ દેશ ભણી,
મુલક ઘણા જોયા રે, મુસાફરી થઈ છે ઘણી.
સ્વપુર જવાનું જહાજ આવ્યું છે, રખે ભૂલતા બાઈ.
જોજો, જહાજ થકી જાવું છે, કરજો સંભાળીને કામ,
આનંદીને એમ ગમે છે – હાવાં જઈએ પોતાને ધામ.
આપણા મધ્યકાલીન કવિ દયારામનું આવું પદ આનંદીબાઈએ તો ક્યાંથી વાંચ્યું-સાંભળ્યું હોય, પણ એ પદમાંના ભાવ જેવા જ ભાવ અમેરિકા છોડતી વખતે આનંદીબાઈના મનમાં દરિયાનાં મોજાંની જેમ આવન-જાવન કરી રહ્યા હતા. અમેરિકા આવતી વખતે તો સ્ટીમરમાં હરી-ફરીને બધું જોવા-જાણવાનો ઉત્સાહ હતો, પણ હવે તબિયત એમ કરવા દે એમ નહોતી. એટલે પોતાની કૅબિનમાં સૂતાં-સૂતાં નાનકડા ગોળ કાચની બારીમાંથી દેખાય એટલોક દરિયાનો ટુકડો જોઈને મનોમન સંતોષ માનતાં હતાં આનંદીબાઈ.
સ્ટીમર ઊપડી એ પહેલાં આનંદીબાઈના અમેરિકન મિત્રો કૅપ્ટનને, ડૉક્ટરને અને હેડ શેફને મળ્યા હતા અને આનંદીબાઈનું ખાસ ધ્યાન રાખવાની ભલામણ કરી હતી. ડૉક્ટરે કહ્યું કે હું રોજ એક વાર તો તેમને તપાસવા જઈશ જ, પણ એ સિવાય જ્યારે જરૂર લાગે ત્યારે મને બોલાવી લે. હેડ શેફે કહ્યું કે તેઓ ખાઈ શકે એવી શાકાહારી વાનગીઓ સ્ટીમર પર બનાવવી મુશ્કેલ છે, પણ હું પ્રયત્ન કરી જોઈશ અને દર બે કલાકે તેમને તાજાં ફળો, જૂસ, સૂપ વગેરે મોકલતો રહીશ. એ બધાએ કહ્યા પ્રમાણે કર્યું પણ ખરું, પણ મુશ્કેલી આવી સાવ અણધારી દિશામાંથી.
સ્ટીમરની ટિકિટ કઢાવી હતી ગોપાળરાવે અને એ વખતે તેમણે પોતાને આનંદીબાઈના પતિ નહીં પણ નોકર તરીકે ઓળખાવ્યા હતા અને સ્ટીમરના ડેક પરની અલગ ટિકિટ લીધી હતી. આમ કરવા પાછળનું કારણ શું? સમજવું મુશ્કેલ છે. આનંદીની મુસાફરીનો બધો ખર્ચ તો કોલ્હાપુરના રાજા આપવાના હતા અને કૅબિનમાં એક જણ રહે કે બે, એનાથી ભાડામાં તો ઝાઝો ફરક પડે નહીં. જોકે ગોપાળરાવ પહેલેથી જ હતા જરા ધૂની. કાટકસરમાં માનનારા. એટલે કદાચ થોડા પૈસા બચાવવા આમ કર્યું હોય. નોકર લગભગ આખો દિવસ કૅબિનમાં રહે એ વિશે તો કોઈને ખાસ વાંધો ન હોય, પણ રાતે તો આનંદીને કૅબિનમાં એકલી રાખીને ગોપાળરાવ ડેક પર જઈને સૂતા.
પણ ૧૩ ઑક્ટોબરે રાતે આનંદીની તબિયત ઘણી બગડી. સ્ટીમરના ડૉક્ટર અને ગોપાળરાવ આખી રાત તેમની સાથે રહ્યા. સવારે ડૉક્ટરના કહેવાથી આનંદીને થોડી વાર માટે સોફા પર બેસાડી, પણ થોડી જ વારમાં તે થાકી ગઈ અને તેને ફરી સુવાડી દેવી પડી. ડૉક્ટરે તેને ઓપિયેટ (અફીણમાંથી બનતી એક દવા) આપીને સુવડાવી દીધી. અધૂરામાં પૂરું, એ દિવસે મોટું વાવાઝોડું આવ્યું અને સ્ટીમર સતત હાલકડોલક થતી રહી. આમ એક પછી એક દિવસ પસાર થતા રહ્યા અને છેવટે સ્ટીમરે લિવરપૂલ બંદરના બારામાં લંગર નાખ્યું.
હજી તો અડધી મુસાફરી પણ થઈ નહોતી. પહેલાં તો લિવરપૂલથી લંડન પહોંચવાનું હતું. પછી મુંબઈની ટિકિટ કઢાવવાની હતી અને પછી મુંબઈ સુધીની લાંબી દરિયાઈ મુસાફરી કરવાની હતી. આનંદીની ખરી કસોટી તો હવે થવાની હતી અને એ કસોટી કોને લીધે, કોની ભૂલ કે અવળચંડાઈને લીધે થઈ એ ખાતરીપૂર્વક કહેવું મુશ્કેલ છે. ૧૮૮૮માં પ્રગટ થયેલી આનંદીબાઈની જીવનકથામાં જણાવ્યું છે કે તેમની અને ગોપાળરાવની ન્યુ યૉર્કથી મુંબઈ સુધીની મુસાફરીની બધી વ્યવસ્થા થૉમસ કુક નામની કંપનીએ કરી હતી. લંડનથી મુંબઈ સુધીની મુસાફરી માટેની સગવડ બ્રિટિશ ઇન્ડિયા સ્ટીમશિપ કંપનીની S.S. Hergoda નામની સ્ટીમરમાં કરવામાં આવી હતી. આનંદી અને ગોપાળરાવ લંડન પહોચ્યાં ત્યારે તેમનો બધો સામાન પણ આ Hergoda સ્ટીમર પર ચડાવવામાં આવ્યો હતો. ત્યાં સુધી સ્ટીમર ઊપડવા વિશેની વિગતો ગોપાળરાવ જાણતા ન હોય એમ માનવું મુશ્કેલ, પણ ‘સ્ટીમર ચોક્કસ કયા દિવસે અને કયા સમયે ઊપડશે એ જાણવા’ ગોપાળરાવ એ કંપનીની ઑફિસમાં ગયા. ગોપાળરાવે એક મિત્રને લખેલા પત્રમાં જણાવેલું કે તેઓ જ્યારે લંડનથી મુંબઈની ટિકિટ લેવા ગયા ત્યારે કંપનીએ ના પાડી દીધી. કારણ, ગોપાળરાવના કહેવા પ્રમાણે એ કે આનંદી અને પોતે બન્ને હિન્દી હતા! ગોપાળરાવ પોતે લખે છે કે મેં એ ઑફિસમાં ખૂબ બૂમાબૂમ કરી મૂકી, અંગ્રેજોને ગાળો ભાંડી, હિન્દુસ્તાનમાં અંગ્રેજોનાં જેટલાં ઘર હોય એ બધાં બાળી નાખવાં જોઈએ એવી બૂમો પાડી; પણ કંપનીએ મને ટિકિટ ન આપી તે ન જ આપી.
બીજા દિવસે ૨૦ ઑક્ટોબરે ગોપાળરાવ એક હિતેચ્છુ મિત્ર મિસ્ટર પેટીસનને મળ્યા. ટિકિટ ખરીદવા માટે જરૂરી એટલી રકમ પેટીસને ગોપાળરાવને આપી. બીજા જ દિવસે લખેલા એક પત્રમાં ગોપાળરાવ લખે છે કે મિસ્ટર પેટીસને મને ૮૦ કે ૯૦ પાઉન્ડ આપ્યા. એ લઈને ગોપાળરાવ ટિકિટ લેવા ગયા. ત્યાં સુધીમાં Hergoda સ્ટીમર તો ઊપડી ગઈ હતી એટલે ૨૧મી તારીખે લંડનથી ઊપડતી સ્ટીમરની ટિકિટ લીધી. એ સ્ટીમર તે ‘પેશાવર.’ પી ઍન્ડ ઓ કંપનીની આ સ્ટીમર ૧૮૭૧માં બંધાઈ હતી. એ જમાનામાં આ સ્ટીમર બાંધવાનો ખર્ચ થયો હતો ૧,૧૩,૫૦૦ પાઉન્ડ. કંપની એને મુખ્યત્વે ગ્રેટ બ્રિટન અને હિન્દુસ્તાન વચ્ચેની સફરો માટે વાપરતી. જૂની થયા પછી ઈસવીસન ૧૯૦૦ની ૯ માર્ચે પી ઍન્ડ ઓ કંપનીએ આ સ્ટીમર મુંબઈના હાજી કાસમ જુસબને વેચી દીધી. હાજીએ એનું નામ બદલીને ‘અશરફ’ રાખ્યું. હા જી, આ હાજી કાસમ તે પેલી ‘વીજળી’ સ્ટીમરવાળો જ હાજી કાસમ અને આ ‘અશરફ’ પણ મડાગાસ્કરના બારામાં દાખલ થતાં પથ્થરો સાથે ભટકાઈને તૂટી ગઈ.
ગોપાળરાવની વાતમાં ઘણી વિસંગતિઓ જોવા મળે છે. પહેલું તો એ કે આ વાત છે ૧૮૮૬ની. ત્યાં સુધીમાં તો ઘણા હિન્દીઓ ગ્રેટ બ્રિટનની મુસાફરી કરી ચૂક્યા હતા એટલે હિન્દુસ્તાની હોવાને કારણે ટિકિટ આપવાની ‘ના’ પડાઈ હોય એમ માનવું મુશ્કેલ છે. બીજું, આનંદી અને ગોપાળરાવ ગ્રેટ બ્રિટન પહોંચ્યાં ત્યારે તેમનો બધો સામાન Hergoda સ્ટીમરમાં કંપનીએ ચડાવી દીધો હતો. જો કોઈ હિન્દુસ્તાનીને પ્રવાસ કરવા દેતી ન હોય તો કંપની એ સામાન પોતાની સ્ટીમર પર ચડાવે જ શું કામ? બીજું, આનંદી માંદી જરૂર હતી, પણ તે કોઈ ચેપી રોગથી પીડાતી નહોતી એટલે માંદગીને કારણે ટિકિટ આપવાની ના પડાઈ હોય એ પણ શક્ય લાગતું નથી. સંભવ એ છે કે કોઈક કારણસર ઝઘડો થયો હોય, ગોપાળરાવ અંગ્રેજો વિશે એલફેલ બોલ્યા હોય અને તેથી ઉશ્કેરાઈને તેમને ટિકિટ આપવાની ના પડાઈ હોય.
બીજી સ્ટીમરની ટિકિટ ખરીદવા ગોપાળરાવ એક અંગ્રેજ હિતેચ્છુ પાસેથી આર્થિક મદદ લે છે. પણ તેને બીજા જ દિવસે લખેલા પત્રમાં એ રકમ ચોક્કસ કેટલી હતી એની તેમને ખાતરી નથી! તેઓ લખે છે કે ૮૦ કે ૯૦ પાઉન્ડની મદદ મળી. એક જ દિવસમાં માણસ ચોક્કસ કેટલી રકમ લીધી હતી એ ભૂલી જાય એમ માનવું મુશ્કેલ છે.
એ જમાનામાં લંડનથી મુંબઈ સુધીની દરિયાઈ મુસાફરી સહેલી તો નહોતી જ. જિબ્રાલ્ટર પહોંચતાં પહેલાં સ્ટીમરે મોટા વાવાઝોડામાંથી પસાર થવું પડ્યું. ખરાબ હવામાનને કારણે આનંદીની તબિયત વધુ બગડી. માલ્ટા રોકાઈને ફળ, શાકભાજી, તાજું પાણી વગેરે ભરીને સ્ટીમર આગળ વધી. ૧૮૮૬ની ૩ નવેમ્બરે સ્ટીમર સુએઝ કૅનલમાં દાખલ થઈ. રાતા સમુદ્રમાંથી પસાર થતી વખતે બીજી મુશ્કેલી ઊભી થઈ. ગરમી એકાએક ખૂબ વધી ગઈ. એને કારણે આનંદીની તબિયત પર માઠી અસર થઈ, પણ હવે હિન્દુસ્તાન પાછા પહોંચાશે એવી આશાને કારણે તે થોડી આનંદમાં રહેવા લાગી. ગોપાળરાવના જણાવ્યા પ્રમાણે સ્વદેશ પહોંચ્યા પછી પોતે શું-શું ખાવાની છે એની વાત આનંદી અવારનવાર કર્યા કરતી.
અને છેવટે આવ્યો ૧૮૮૬ની ૧૭ નવેમ્બરનો દિવસ. આનંદીને લઈને આવેલી સ્ટીમર મુંબઈના બારામાં નાંગરી. આનંદીબાઈના મિત્રોને બીક હતી કે તે બંદર પર ઊતરશે ત્યારે કેટલાક લોકો તેનો વિરોધ કરવા ભેગા થશે, કારણ કે પરંપરાગત માન્યતા પ્રમાણે આનંદીએ સમુદ્ર ઉલ્લંઘનનું પાપ કર્યું હતું. જોકે એવું કશું થયું નહીં. ઘણા મિત્રો અને શુભેચ્છકો આવકારવા માટે બંદર પર એકઠા થયા હતા. આનંદીએ મેળવેલી સિદ્ધિથી તેના ચાહકો ખુશ હતા. વળી એક હિન્દી અને હિન્દુ તરીકેની બધી જ મર્યાદા સાચવીને તેણે અમેરિકામાં વસવાટ કર્યો અને ડૉક્ટરની ડિગ્રી મેળવી તેથી તેના ચાહકો ખુશ હતા. જોકે તેની ખૂબ નબળી તબિયત જોઈને એ લોકો ચિંતામાં પડી ગયા.
આનંદીએ મનોમન વિચારી રાખેલું કે હિન્દુસ્તાન પાછા ફર્યા પછી સૌથી પહેલાં ગોપાળરાવની સાથે પોતે નાશિક જશે, કારણ ત્યાં ગોપાળરાવનાં મા રહેતાં હતાં. ત્યાંનું ઘર બંધ કરીને રાચરચીલું કોલ્હાપુર ખસેડવાની તૈયારી કરવાની હતી, કારણ કે આનંદી સાસુને પોતાની સાથે રાખવા માગતી હતી. આ ઉપરાંત તેનો આગ્રહ હતો કે નોકરીની ફરજ પર વહેલામાં વહેલી તકે હાજર થઈ જવું.
છતાં ત્રણેક અઠવાડિયાં મુંબઈમાં રહેવું પડ્યું. છેવટે ૧૮૮૬ની ૯ ડિસેમ્બરે આનંદી અને ગોપાળરાવ પુણે પહોંચ્યાં. ત્યાર પછી આનંદીની તબિયત વધુ ને વધુ બગડતી ગઈ. હવે મુસાફરી કરવાનું શક્ય જ રહ્યું નહોતું. છેવટે માત્ર ૨૧ વર્ષની ઉંમરે, ૧૮૮૭ની ૨૬ ફેબ્રુઆરીએ પુણેમાં જ આનંદીનું અવસાન થયું. જે ઘરમાં જન્મીને પહેલો શ્વાસ લીધો હતો એ જ ઘરમાં તેણે છેલ્લા શ્વાસ લીધા.
આનંદી ગોપાળ જોશીની માત્ર ૨૧ વર્ષની જીવનયાત્રા જોયા-જાણ્યા પછી કવિ મનસુખલાલ ઝવેરીના શબ્દો યાદ આવે:
માનવીનાં રે જીવન,
ઘડી અષાઢ ને ઘડીક ફાગણ,
એક સનાતન શ્રાવણ.