શૅરબજારમાં કૅશ માર્કેટ અને ફ્યુચર્સ માર્કેટ એમ બે સેગમેન્ટ હોય છે. એ બન્નેમાં ભાવ પણ અલગ-અલગ હોય છે. આર્બિટ્રેજ ફન્ડ્સ આ તફાવતમાંથી કમાણી કરતાં હોય છે
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
શૅરબજારમાં કૅશ માર્કેટ અને ફ્યુચર્સ માર્કેટ એમ બે સેગમેન્ટ હોય છે. એ બન્નેમાં ભાવ પણ અલગ-અલગ હોય છે. આર્બિટ્રેજ ફન્ડ્સ આ તફાવતમાંથી કમાણી કરતાં હોય છે. ફન્ડ મૅનેજર્સ કૅશ માર્કેટમાં સ્ટૉક્સની ખરીદી કરીને એ જ વખતે ફ્યુચર્સ માર્કેટમાં વેચાણ કરીને જોખમમુક્ત નફો રળતા હોય છે. આર્બિટ્રેજ ફન્ડ્સ ઇક્વિટી ફન્ડ્સની શ્રેણીમાં આવે છે, પરંતુ એ શ્રેણીના જોખમોથી ઓછું જોખમ આ ફન્ડ્સમાં હોય છે, કેમ કે એમાં એક જ સમયે ખરીદી અને વેચાણ બન્ને કરવામાં આવે છે.
આર્બિટ્રેજ ફન્ડ્સની પસંદગી કયાં કારણોસર કરવા જેવી હોય છે?
1) કરવેરાની દૃષ્ટિએ વધુ લાભ
- ફિક્સ્ડ ડિપોઝિટ પર મળતું વ્યાજ રોકાણકારને લાગુ પડતા કરવેરાના સ્લૅબના આધારે કરપાત્ર બને છે. દા. ત. ૩૦ ટકાનું ટૅક્સ બ્રૅકેટ હોય તો ૩૦ ટકા લેખે કરવેરો લાગુ પડે. ડેટ મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં મળતી આવક પણ રોકાણકારને લાગુ પડતા સ્લૅબના આધારે હોય છે. આ ફન્ડમાંથી રિડેમ્પ્શન કરાવવામાં આવે ત્યારે જે સ્લૅબ હોય એ જ સ્લૅબ પ્રમાણે કરવેરો લાગુ પડે છે. બીજી બાજુ, આર્બિટ્રેજ ફન્ડ્સ કરવેરાની દૃષ્ટિએ ઇક્વિટી ફન્ડ્સની જેમ જ કરપાત્ર બને છે, જેમ કે -
જો એક વર્ષની અંદર રિડેમ્પ્શન કરાવવામાં આવે તો ૨૦ ટકા લેખે શૉર્ટ ટર્મ કૅપિટલ ગેઇન્સ ટૅક્સ.
જો એક વર્ષ કરતાં વધુ સમય બાદ રિડેમ્પ્શન કરાવવામાં આવે તો લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન્સ ટૅક્સ. ૧.૨૫ લાખનો કૅપિટલ ગેઇન કરમુક્ત હોય છે. એનાથી વધુ કૅપિટલ ગેઇન્સ ઉપર ૧૨.૫ ટકા લેખે કૅપિટલ ગેઇન ટૅક્સ લાગુ પડે છે.
2) ઓછું જોખમ અને સારું વળતર
- ડેટ મ્યુચ્યુઅલ ફન્ડ્સને વ્યાજદર સંબંધિત જોખમ તથા ક્રેડિટ ડિફૉલ્ટનું જોખમ લાગુ પડે. જો બૉન્ડની ઊપજ વધે તો ડેટ ફન્ડ્સનું મૂલ્ય ઘટે છે.
- આર્બિટ્રેજ ફન્ડ્સને ક્રેડિટ સંબંધિત જોખમ લાગુ પડતું નથી, કારણ કે તેઓ આર્બિટ્રેજ સોદાઓ દ્વારા ઇક્વિટી માર્કેટમાં રોકાણ કરતા હોય છે. લિક્વિડ ફન્ડ્સમાં મળતા વળતરની આસપાસનું વળતર એમાં મળતું હોય છે, પરંતુ એમાં કરવેરાની દૃષ્ટિએ લાભ મળે છે.
3) લિક્વિડિટી અને ફ્લેક્સિબિલિટીઃ
- ફિક્સ્ડ ડિપોઝિટમાં લૉક-ઇન પિરિયડ હોય છે. જો મુદત પૂરી થવા પહેલાં ઉપાડ કરવામાં આવે તો વ્યાજમાંથી દંડ કપાય છે.
- આર્બિટ્રેજ ફન્ડ્સમાં લિક્વિડિટી મળે છે અર્થાત્ એમાં ઉપાડ કરવામાં આવે તો ટી+2ના ધોરણે સેટલમેન્ટ થઈ જાય છે.
- ડેટ ફન્ડ્સમાં સેટલમેન્ટનો સમયગાળો ટી+1 હોય છે.
4) વ્યાજદરમાં ફેરફાર થઈ રહ્યો હોય ત્યારે
- રિઝર્વ બૅન્ક જ્યારે નીતિવિષયક વ્યાજદર વધારે ત્યારે ફિક્સ્ડ ડિપોઝિટ પર વધારે વ્યાજ મળે છે અને નીતિવિષયક વ્યાજદર ઘટાડો ત્યારે ઓછા દરે વ્યાજ મળે છે.
- નીતિવિષયક વ્યાજદર વધારવામાં આવે ત્યારે ડેટ ફન્ડ્સમાં નુકસાન થતું હોય છે, કારણ કે વ્યાજ વધે તો ડેટ ફન્ડ્સમાં ઓછું વળતર મળે અને વ્યાજ ઘટે તો ડેટ ફન્ડ્સમાં વધુ વળતર મળે છે.
- આર્બિટ્રેજ ફન્ડ્સને વ્યાજદરમાં કરવામાં આવતા ફેરફારની સીધી અસર થતી નથી.