25 May, 2026 10:23 AM IST | Mumbai | Kajal Rampariya
ડૉ. જતીન દમણિયા
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની રીલ્સ પર એજ ઇઝ જસ્ટ અ નંબર એવું વાંચવું બહુ સહેલું છે, પણ વિલે પાર્લેમાં રહેતા ૮૫ વર્ષના મૂળ સુરતી ડૉ. જતીન દમણિયાએ આ વાક્યને સાચું સાબિત કર્યું છે. આ ઉંમરે પણ ક્લિનિકમાં રેગ્યુલર પ્રૅક્ટિસ, સ્વિમિંગ અને ડાન્સ જેવી પ્રવૃત્તિ કરવા ઉપરાંત હરવા-ફરવામાં પણ તેઓ ક્યાંય પાછા પડતા નથી. આ ફૅમિલી ફિઝિશ્યનની લાઇફસ્ટાઇલ જેટલી કલરફુલ છે એટલી યુવાની પણ નહીં હોય. ૮૫ વર્ષની ઉંમરમાં પણ આવી લાઇફસ્ટાઇલ જીવવા પાછળનું સીક્રેટ શું છે એ તેમની પાસેથી જ સાંભળીએ.
મૂળ સુરતી દશા પોરવાળ જ્ઞાતિના ડૉ. જતીન દમણિયા તેમની રસપ્રદ પ્રોફેશનલ જર્ની વિશે કહે છે, ‘અમે મૂળ સુરતના એટલે ખાવા-પીવાનો વૈભવ તો લોહીમાં વણાયેલો હતો. મારા પિતાજી ચંદુલાલ દમણિયા હરવા-ફરવાના અને સ્વાદિષ્ટ ભોજનના જબરા શોખીન હતા. તેઓ સાઉથ મુંબઈના સી. પી. ટૅન્ક વિસ્તારમાં પ્રૅક્ટિસ કરતા હતા. સમાજમાં પિતાજીનો જે મોભો હતો, લોકોને મદદ કરવાની તેમની જે વૃત્તિ હતી અને એના બદલામાં સમાજ તરફથી તેમને જે આદર અને અદ્ભુત પ્રતિભાવ મળતો હતો એ જોઈને જ મારા બાળમાનસ પર ઊંડી અસર થઈ હતી. બસ, ત્યારથી જ મેં નક્કી કરી લીધું હતું કે મારે પણ પિતાજીની જેમ ડૉક્ટર જ બનવું છે અને લોકોની સેવા કરવી છે. મેં મારું બારમા ધોરણ સુધીનું શિક્ષણ વિલ્સન કૉલેજમાંથી પૂરું કર્યું. ત્યાર બાદ તબીબી અભ્યાસ માટે હું અમદાવાદ ગયો અને ત્યાંની પ્રતિષ્ઠિત મેડિકલ કૉલેજમાંથી મેં મેડિકલની ડિગ્રી મેળવી. ૧૯૬૫માં હું ડૉક્ટર તરીકે પાસ આઉટ થયો. અભ્યાસ પૂરો થયા પછી મેં ભાવનગરની સિવિલ હૉસ્પિટલમાં મારી ઇન્ટર્નશિપ પૂરી કરી. ત્યાર બાદ મુંબઈ આવીને તાડદેવ પર ભાટિયા હૉસ્પિટલમાં થોડો સમય કામ કરીને અનુભવ મેળવ્યો અને આખરે વિલે પાર્લેમાં મારું પોતાનું ક્લિનિક શરૂ કર્યું.’
છેલ્લા પાંચ દાયકામાં આવેલી મેડિકલ ક્રાન્તિએ તેમને કઈ રીતે પ્રભાવિત કર્યા એ વિશે જતીનભાઈ કહે છે, ‘મારું માનવું છે કે સમય સાથે પોતાની જાતને અપગ્રેડ કરતા રહેવું જોઈએ. આજથી ૫૦-૬૦ વર્ષ પહેલાંની વાત કરું તો મેડિકલ સાયન્સમાં બહુ સુવિધાઓ નહોતી. દવાના નામે માંડ ૪ નામ આવડતાં હતાં, પણ આજે વિજ્ઞાને અદ્ભુત પ્રગતિ કરી છે. હવે દવાઓ બદલાઈ ગઈ છે, રોગના નિદાન માટે ઇન્વેસ્ટિગેશનની પદ્ધતિ બદલાઈ અને ટ્રીટમેન્ટ આપવાની પદ્ધતિ આધુનિક થઈ, દરદીઓ પ્રત્યેનો અપ્રોચ પણ માનવીય બન્યો. ૧૯૭૦ના દાયકાથી લઈને આજ સુધી મેડિકલ ક્ષેત્રનાં તમામ રેગ્યુલર લેક્ચર્સ અને કૉન્ફરન્સ અટેન્ડ કરું છું જેથી નવી ટેક્નૉલૉજી અને સંશોધનોથી માહિતગાર રહી શકું.’
જનરલ પ્રૅક્ટિશનર અને ફૅમિલી ફિઝિશ્યન જતીનભાઈ તેમના દરદીઓ સાથેના સંબંધો વિશે કહે છે, ‘લાંબા ગાળાની પ્રૅક્ટિસને કારણે આજે મારા ૮૦ ટકા જેટલા પેશન્ટ્સ સાથે મારો ઘર જેવો સંબંધ બની ગયો છે. તેઓ મને માત્ર ડૉક્ટર નથી ગણતા, પોતાના પરિવારના વડીલ માને છે. મારા પેશન્ટ્સ મારા આખા પરિવારને નામ સાથે ઓળખે છે અને હવે તેઓ મારા મિત્રો બની ગયા છે.’
જતીનભાઈ પોતે ખાણી-પીણીના એટલા શોખીન છે કે તેઓ દરદીને પણ ફોર્સ નથી કરતા. એ વિશે તેઓ કહે છે, ‘સામાન્ય રીતે ડૉક્ટર પાસે જાઓ એટલે તેઓ ખાવા-પીવાની બાબતમાં પ્રતિબંધોનું લિસ્ટ પકડાવી દેતા હોય છે, પણ આ બાબતે મારું ગણિત ઊલટું છે. હું પાકો સુરતી છું એટલે સ્વાભાવિક રીતે જ ખાવા-પીવાનો ભારે શોખીન. મને જુદાં-જુદાં ફરસાણ અને અવનવી વાનગીઓ અજમાવવાનો ભારે શોખ છે. માર્કેટમાં કોઈ પણ નવી ડિશ કે વાનગી આવે એટલે મને એ ચાખવાની તાલાવેલી જાગે. હું વાનગી ટેસ્ટ કરું અને પછી અમે ચર્ચા પણ કરીએ કે આ નવી આઇટમ ખરેખર ખાવા જેવી છે કે નહીં. હું મારા દરદીઓને ક્યારેય સ્ટ્રિક્ટ ડાયટ ફૉલો કરવાનું કહેતો નથી. ખાવા-પીવામાં કડક રિસ્ટ્રિક્શન્સ રાખવાને બદલે હું હંમેશાં મર્યાદામાં ખાવાની સલાહ આપું છું. હું એક જ ફિલસૂફીમાં માનું છું કે હરો, ફરો, ભાવતું ચરો અને મોજ કરો. મારા ૩૦થી ૪૦ ટકા દરદીઓ તો ક્લિનિક પર આવીને હસતાં-હસતાં કહે છે કે ડૉક્ટરસાહેબ, તમે ખાવા-પીવા પર કોઈ પ્રતિબંધ નથી મૂકતા એટલે જ અમને તમારી પાસે આવવું બહુ ગમે છે. જોકે એક ડૉક્ટર તરીકે હું એ પણ સમજાવું છું કે ૩૦થી ૪૦ વર્ષની ઉંમરની વચ્ચે જ શરીરમાં મોટા ભાગના રોગોનાં મૂળ રોપાય છે. તેથી આ ઉંમરે લાઇફસ્ટાઇલ પર થોડું ધ્યાન આપવામાં આવે, નિયમિત કસરત કરવામાં આવે તો ડાયાબિટીઝ અને થાઇરૉઇડ જેવા લાઇફસ્ટાઇલ ડિસીઝથી બચી શકાય છે. હું પોતે ગમે એટલું ખાઉં; પણ ફિટનેસ માટે રેગ્યુલર મેડિકલ ચેકઅપ કરાવું છું, એક્સરસાઇઝ કરું છું, સ્વિમિંગ અને ટેબલ ટેનિસ જેવી ઇન્ડોર ગેમ્સ નિયમિત રમીને કૅલરી બર્ન કરું છું.’
તબીબી વ્યવસાય સિવાય સુંદર હિસ્સો ડાન્સ સાથે જોડાયેલો છે એમ જણાવીને ડાન્સનું પૅશન કઈ રીતે જાગ્યું એ વિશે જતીનભાઈ કહે છે, ‘મારી દીકરી કાજલ માત્ર પાંચ વર્ષની હતી ત્યારથી અમે તેને ડાન્સની પ્રૅક્ટિસ કરાવતા હતા. તેની પ્રતિભા જોઈને બૉલીવુડનાં ડ્રીમ ગર્લ હેમા માલિનીજીએ તેને પોતાની અસિસ્ટન્ટ તરીકે રાખી લીધી હતી. આખી દુનિયામાં તેણે અઢળક ડાન્સ-પર્ફોર્મન્સ આપ્યા છે. ૩ દાયકા પહેલાં તેણે અંધેરીમાં ડાન્સ ઍકૅડેમીની શરૂઆત કરી. તેના ડાન્સને જોઈ-જોઈને મને અને મારી વાઇફ હેમાંગિનીને પણ ડાન્સ ગમવા લાગ્યો. દીકરી ક્લાસ ચલાવતી હતી એટલે ડાન્સ પ્રત્યેની રુચિ અમારામાં કેળવાઈ. પરિણામે છેલ્લાં પચીસ વર્ષથી હું અને મારી વાઇફ પણ તેના ઑફિશ્યલ સ્ટુડન્ટ્સ બની ગયાં છીએ. છેલ્લાં ૨૦ વર્ષનો અમારો રેકૉર્ડ છે કે દર ગુરુવારે અમે બન્ને એક કલાક સ્પેશ્યલ કપલ-ડાન્સ શીખીએ છીએ. આ અમારો ક્વૉલિટી ટાઇમ છે. વર્ષમાં એક વાર સ્ટેજ-શો પણ કરીએ છીએ. અમે રેગ્યુલર બૉલીવુડ ડાન્સ તો કરીએ જ, સાથે ક્લાસિકલ પણ શીખીએ. અમારા ડાન્સ-ગ્રુપમાં ૬૫થી ૮૫ વર્ષ સુધીની ઉંમરનાં પાંચ કપલ છે. અમે સ્ટેજ પર ફ્યુઝન ડાન્સ કરીએ છીએ, જેમાં બે-ત્રણ અલગ-અલગ ડાન્સ-સ્ટાઇલનું ફ્યુઝન હોય છે. અમે સ્ટેજ પર થિરકીએ છીએ ત્યારે ઑડિયન્સ પણ દંગ રહી જાય છે. ઘણા લોકો મને પૂછે છે કે આ ઉંમરે પણ આટલી એનર્જી ક્યાંથી આવે છે? ત્યારે હું હંમેશાં કહું છું કે એનર્જી કોઈ દવાથી નથી આવતી, એ માનસિક રીતે આવે છે. થાક શું છે એ અમે ક્યારેય સમજ્યા જ નથી. હકારાત્મક વિચારસરણી અને સક્રિયતા જ માણસને યુવાન રાખે છે. અમે ગિરગામ રહેતા હતા ત્યારે પપ્પાને રાત્રે ખાલી એટલું જ કહીએ કે પપ્પા, ચોપાટી જવું છે. તો પપ્પા કપડાં બદલીને તરત જ ચાલતા થઈ જતા. એ જ સ્ફૂર્તિ મારામાં પણ આવી છે. આ જ કારણે મન ક્યારેય થાકતું નથી.’
સ્પોર્ટ્સના શોખીન અને સામાજિક પ્રવૃત્તિઓમાં અગ્રેસર ડૉ. દમણિયા વાતના દોરને આગળ વધારતાં કહે છે, ‘રમતગમત સાથે મારો નાતો ઘણો જૂનો છે. મારી મેડિકલ કૉલેજના દિવસોમાં હું ટેબલ ટેનિસ અને કૅરમમાં હંમેશાં પ્રાઇઝ મેળવતો. સ્વિમિંગમાં તો જુહુ જિમખાનાના ઑલમોસ્ટ બધા જ ગોલ્ડ મેડલ મારી પાસે છે. ૧૯૮૦માં જુહુ જિમખાનાનું ભૂમિપૂજન થયું ત્યારે મેમ્બર બન્યો હતો. ત્યાર બાદ ૨૦૧૧માં જિમખાનાના એ વખતના પ્રેસિડન્ટે સિનિયર સિટિઝન્સ માટે એક અલગથી ફોરમ બનાવવાનો આઇડિયા આપ્યો અને મેં પ્રભાવિત થઈને તક ઝડપી લીધી. શરૂઆતના પાંચ મેમ્બર્સમાં હું હતો અને અત્યારે સેંકડો મેમ્બર્સનું મોટું ગ્રુપ બની ગયું છે. પછી ૨૦૧૫થી ૨૦૨૦ સુધી હું જુહુ જિમખાનાની એ કમિટીનો ચૅરમૅન રહ્યો. ચૅરમૅન તરીકે મેં એવી-એવી ઇવેન્ટ્સ અને ટૂર્સ ઑર્ગેનાઇઝ કરી છે જે જિમખાનાના ૫૦ વર્ષના ઇતિહાસમાં ક્યારેય કોઈએ વિચારી પણ નહોતી. ૨૦૧૫ની એ વાત હું ક્યારેય નહીં ભૂલી શકું જ્યારે હું અમારા મેમ્બર્સને ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ISRO)ની વિઝિટે લઈ ગયો હતો. સામાન્ય માણસ કલ્પના પણ ન કરી શકે કે તેને ISROની અંદર જઈને રૉકેટ જોવાનો મોકો મળશે. આ માટે મેં સ્પેશ્યલ દિલ્હી જઈને ૩૦ અધિકારીઓ પાસેથી હાઈ-લેવલ પરમિશન લીધી હતી. રોમાંચની પરાકાષ્ઠા તો એ હતી કે અમે જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે એના બરાબર એક અઠવાડિયા પછી જ ISRO એક નવું રૉકેટ લૉન્ચ કરવાનું હતું. અમને એ લૉન્ચિંગ એરિયામાં સીક્રેટ ઝોન જોવા મળ્યો. એ હાઇલી સીક્રેટ એરિયા હોવાને કારણે ત્યાં સામાન્ય રીતે કોઈને પરમિશન નથી મળતી, પણ મારી મહેનત રંગ લાવી અને અમને પરમિશન મળી ગઈ. જુહુ જિમખાનાના તમામ સભ્યો માટે એ મુલાકાત લાઇફટાઇમ મેમરી બની ગઈ. એ સાચે જ એક થ્રિલિંગ અને એક્સાઇટિંગ મોમેન્ટ હતી. હું આજે પણ જિમખાનામાં રેગ્યુલર સ્વિમિંગ કરવા જાઉં છું.’
ISROની એ સફળ વિઝિટ પછી ટૂર ઑર્ગેનાઇઝ કરવામાં આત્મવિશ્વાસ સાતમા આસમાને પહોંચી ગયો અને અહીંથી શરૂ થઈ ટ્રાવેલ-જર્ની એમ જણાવતાં જતીનભાઈ કહે છે, ‘મારી ટ્રાવેલ-જર્ની સાચે જ અનસ્ટૉપેબલ બની ગઈ. હું જ્યાં પણ જવાનું નક્કી કરું એની એ ટુ ઝેડ માહિતી અગાઉથી મેળવી લઉં છું. આ કામમાં મારો દીકરો કૌશલ અને દીકરી કાજલ મને હેલ્પ કરે. મારા એક-બે ટ્રાવેલર મિત્રો પણ છે જેમની પાસેથી હું બેસ્ટ હોટેલો અને રૂટ્સની વિગતો કઢાવી લઉં. હરવા-ફરવાનો આ શોખ પણ મને મારા પપ્પા ચંદુલાલ પાસેથી જ વારસામાં મળ્યો છે. ISRO પછી અમે ઉત્તર પ્રદેશના કાશી, અયોધ્યા, વારાણસી પછી કાશ્મીર અને સાઉથ ઇન્ડિયાની મોટી-મોટી ટ્રિપ્સ ઑર્ગેનાઇઝ કરી. આ સિવાય અમે માથેરાન, મલાડ અને સેલવાસ જેવી નાની ટ્રિપ્સ પર પણ અવારનવાર જઈએ છીએ. પાલઘર નજીક આવેલા વાડા વિસ્તારમાં મારું પોતાનું એક સુંદર ફાર્મહાઉસ છે. નવેમ્બર-ડિસેમ્બરમાં ત્યાં સ્પેશ્યલ સુરતી પોંક બને છે. હું જિમખાનાના મેમ્બર્સને ત્યાં લઈ જાઉં છું, જાતજાતની ગેમ્સ રમાડું છું અને હેલ્ધી હર્બલ જૂસની સગવડ કરું છું. ઘણી વાર તો અમે સાથે મ્યુઝિશિયન્સને પણ લઈ જઈએ છીએ અને ફાર્મહાઉસ પર રાત્રે બે-ત્રણ કલાકનો લાઇવ મ્યુઝિકનો શાનદાર પ્રોગ્રામ રાખીએ છીએ. આ ફેબ્રુઆરીમાં અમે વિયેટનામ ગયા હતા. આ મારી પહેલી ઇન્ટરનૅશનલ ટૂર હતી અને ૧૧ દિવસની આ ટ્રિપ ૧૦૦ ટકા સક્સેસફુલ રહી. મારી ટૂરમાં ૮૦ ટકા જિમખાનાના મેમ્બર્સ હોય અને બાકીના મારા ફૅમિલી-ફ્રેન્ડ્સ હોય. વિયેટનામના હાનોઈમાં એક અદ્ભુત ટાપુ છે. ત્યાં અમે ખૂબ મજા કરી. અમે અમારી સાથે ૩ રસોઈયાને પણ લઈ ગયા હતા, જેથી સિનિયર સિટિઝનોને શુદ્ધ શાકાહારી અને સ્વાદિષ્ટ ગુજરાતી ભોજન મળી રહે. ત્યાં સાપા હિલ-સ્ટેશન છે. હું ગૅરન્ટી સાથે કહી શકું કે એના જેવું સુંદર હિલ-સ્ટેશન ક્યાંય નથી. અમે ત્યાં બે રાત રહ્યા. વિયેટનામની વિખ્યાત ગોલ્ડન હોટેલમાં રોકાયા હતા, જ્યાં નાની-મોટી તમામ વસ્તુઓ ગોલ્ડપ્લેટેડ છે. ત્યાં રહેતી મારી એક પરિચિત વ્યક્તિએ આ ટૂરને સફળ બનાવવામાં બહુ મદદ કરી હતી. હવે ચોમાસું પૂરું થયા પછી અમારો ઉજ્જૈન, ઇન્દોર અને ભોપાલ ફરવાનો પ્લાન છે.’
ગુજરાતી સાહિત્યના પ્રેમી ડૉ. જતીન દમણિયા કહે છે, ‘ઈશ્વરની કૃપાથી મારો સુખી અને સંતોષી પરિવાર છે. ૧૯૬૮માં મેં મારું પોતાનું ક્લિનિક ખોલ્યું, ૧૯૬૯માં મારાં હેમાંગિની સાથે લગ્ન થયાં અને ૧૯૭૦માં કાજલનો જન્મ થયો. મારી પત્ની હેમાંગિનીને પણ ડાન્સનો શોખ છે. તે બહેનોનું અલગ ડાન્સ-ગ્રુપ પણ છે. તેણે પાંચ વર્ષનો હવેલી કીર્તનનો પ્રોફેશનલ કોર્સ કર્યો હોવાથી તે હવેલી કીર્તનના ક્લાસ પણ ચલાવે છે. દીકરી કાજલનાં મૅરેજ રાજીવ થાણાવાલા સાથે થયાં છે. રાજીવ TCSમાં હેડ મૅનેજરપદેથી રિટાયર થઈને નૉન-વાયલન્ટ કમ્યુનિકેશન ક્ષેત્રે કામ કરે છે, જે દરેક ફીલ્ડમાં માણસે પરસ્પર સંબંધો સાચવવા માટે કઈ રીતે યોગ્ય કમ્યુનિકેશન કરવું એ શીખવે છે. આ ઉપરાંત તેમને માઇક્રો-ફોટોગ્રાફીનો પણ શોખ છે. પૌત્રી મહેક લંડનમાં જૉબ કરે છે. દીકરા કૌશલનો ટેક્સટાઇલનો બિઝનેસ છે. તેની વાઇફ અમી હાઉસવાઇફ છે.’
હેમાંગિનીબહેન હંમેશાં ગર્વથી કહે છે, ‘મારા હસબન્ડનું વ્યક્તિત્વ બહુ જ સરસ છે. અમે અમારી લાઇફ ખૂબ જ સારી રીતે, મોજથી અને પૂરા સંતોષથી જીવી રહ્યા છીએ. સૌથી મોટી વાત એ છે કે તેમને જીવનમાં ક્યારેય કોઈ ખોટી આદત કે વ્યસન લાગ્યું નથી. મારે જેવો માણસ જોઈતો હતો ઈશ્વરે મને બિલકુલ એવો જ જીવનસાથી આપ્યો છે.’