નાણાકીય બાબતો વિશે પરિવારોને ઘણું શીખવી જાય છે ફિલ્મ આન્ટી-પ્રેન્યર

04 May, 2025 01:23 PM IST  |  Mumbai | Priyanka Acharya

૫૦ વર્ષથી વધુ વયનાં ગૃહિણી જસુબહેનની વાર્તા આ ફિલ્મમાં છે. પરિવારની નાણાકીય બાબતો ફક્ત પુરુષો જ સંભાળી શકે એવી માન્યતા દૂર કરવાનો આ પ્રયાસ છે.

પ્રતીકાત્મક તસવીર

વેપાર સાહસિક એટલે કે ઉદ્યમી માટે અંગ્રેજીમાં વપરાતા ઑન્ટ્રપ્રનર શબ્દ પરથી નવી ગુજરાતી ફિલ્મનું નામ ‘આન્ટી-પ્રેન્યર’ રાખવામાં આવ્યું છે. ૫૦ વર્ષથી વધુ વયનાં ગૃહિણી જસુબહેનની વાર્તા આ ફિલ્મમાં છે. પરિવારની નાણાકીય બાબતો ફક્ત પુરુષો જ સંભાળી શકે એવી માન્યતા દૂર કરવાનો આ પ્રયાસ છે.

આગળ વધતાં પહેલાં ફિલ્મની વાર્તાને ધ્યાનમાં લેવી જરૂરી છે. જસુબહેનની હાઉસિંગ સોસાયટીના ભૂતપૂર્વ ચૅરમૅને ૪૦ વર્ષ સુધી પ્રૉપર્ટી ટૅક્સ ભર્યો નહોતો. જસુબહેને કારભાર સંભાળ્યા પછી તેમના હસ્તક ૧.૯૬ કરોડ રૂપિયાનો ટૅક્સ ભરવાનો હતો. ફક્ત ચાર મહિનાના સમયગાળામાં આવડી મોટી રકમ ભેગી કરવા માટે જસુબહેન આન્ટી-પ્રેન્યર બને છે. તેઓ શૅરબજારમાં રોકાણ શરૂ કરે છે અને આ કામમાં પાડોશીની મદદ લે છે. વિશેષતા એ છે કે કોઈ વ્યક્તિ સટ્ટો ખેલતી નથી. તેઓ શૅરબજારમાં અલગ-અલગ સ્થિતિમાં ટકી રહેવાનો અને ઉતાવળે કોઈ નિર્ણય નહીં લેવાનો અભિગમ અપનાવે છે. મોટા ભાગના લોકો જે કંપનીઓની વસ્તુઓ વાપરતા હોય એ કંપનીઓ પ્રગતિ કરે છે એવી એક સામાન્ય સમજના આધારે તેઓ ગ્રાહકોની માગનું વિશ્લેષણ કરીને યોગ્ય શૅરની પસંદગી કરે છે.

પરંપરાગત રીતે પુરુષો જ શૅરબજારમાં રોકાણના નિર્ણયો લેતા આવ્યા હોવાથી મહિલાઓમાં આ કામને લગતો ડર હતો, જેને જસુબહેને શૅરબજારને લગતી સ્પર્ધામાં ભાગ લઈને દૂર કરાવ્યો. તેમણે સ્પર્ધામાં સારીએવી રકમ જીતી અને એમાંથી મોટો પોર્ટફોલિયો તૈયાર કર્યો. પુરુષોએ કઈ રીતે તેમને સહકાર ન આપ્યો એ વાત પણ ફિલ્મમાં વણી લેવામાં આવી છે.

ફિલ્મમાંથી શું શીખવા મળે છે?

મહિલાઓનેઃ મહિલાઓ ભલે આ વિષયમાં નિષ્ણાત ન હોય, પરંતુ અભ્યાસ દ્વારા જાણકારી પ્રાપ્ત કરી જેટલું સમજાય એનાથી રોકાણ શરૂ કરી શકે છે. ઘરપરિવારમાં રોજિંદા વપરાશની વસ્તુઓની યાદી બનાવીને કંપનીઓની કામગીરીનો અભ્યાસ કરી શકાય છે.

પુરુષોનેઃ મહિલાઓને પણ નાણાકીય બાબતો વિશે જાણકારી મેળવવા માટે પ્રોત્સાહન આપવું. તેમની સાથે નાણાકીય વિષયોની વાતચીત કરવી અને તેમને પણ રોકાણને લગતા નિર્ણયો લેવા માટે સમર્થ બનાવવા. મહિલાઓની સ્વયંસ્ફુરણાનો લાભ લેવા માટે તેમને સમર્થન આપવું.

પરિવારોનેઃ બધા સાથે બેઠા હો ત્યારે નાણાકીય વિષયોની ચર્ચા કરવી. બાળકોને પણ SIP, મ્યુચ્યુઅલ ફન્ડ, નફો, શૅરબજાર, પોર્ટફોલિયો, રોકાણ વગેરેથી વાકેફ કરવાં.

યુવાનોનેઃ યુવાનીના થનગનાટ વચ્ચે ધીરજ અને શિસ્તનો ગુણ ભૂલવો ન જોઈએ. શૅરબજારમાં સાતત્ય અને શિસ્ત જરૂરી હોય છે. ખંતપૂર્વક બજારમાં ટકી રહીને પોર્ટફોલિયોને સશક્ત બનાવી શકાય છે. ટૂંકમાં ‘આન્ટી-પ્રેન્યર’ ફિલ્મ ઘણું શીખવી જાય છે. એ દરેક ભારતીય પરિવારને બતાવાયેલા અરીસા સમાન છે. આ ફિલ્મ ફક્ત મનોરંજન માટે નહીં, પરંતુ પરિવારની નાણાકીય બાબતોમાં સમગ્ર પરિવારને સાથે કેવી રીતે રાખી શકાય એ સમજવા માટે જોવા જજો.

finance news stock market share market mutual fund investment indian cinema gujarati community news Education columnists mumbai gujarati mid-day