✕

ભજન જૅમિંગ : ભક્તિનો જેન-ઝી અવતાર

03 November, 2026 03:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મંદિરમાંથી નીકળીને મ્યુઝિક-કૉન્સર્ટના મંચ સુધી પહોંચ્યાં છે ભજનો. આધ્યાત્મિકતાનો અનોખો અનુભવ.

પ્રતીકાત્મક તસવીર

બાંદરાના રંગશારદા ઑડિટોરિયમમાં સાંજ ઢળી રહી છે. વિશાળ સ્ટેજ, રંગબેરંગી લાઇટ્સ, ધમધમતાં સ્પીકર્સ, લાઇવ બૅન્ડ અને સામે હાથમાં મોબાઇલની ફ્લૅશલાઇટ ચાલુ કરીને ઊભેલા હજારો યુવાનો. કોઈ ઝૂમી રહ્યું છે તો કોઈ આંખો બંધ કરીને સંગીતના તાલમાં ડૂબી ગયું છે. દૂરથી જુઓ તો કોઈ રૉક કૉન્સર્ટ ચાલતી હોય એવું લાગે, પરંતુ કાન દઈને સાંભળો તો વાત કંઈક જુદી જ લાગે. અહીં ‘જય રાધા માધવ’ કે ‘શિવ શંભો શિવ’ જેવા નાદ ગુંજી રહ્યા છે. 

 આ કોઈ સામાન્ય મ્યુઝિક-કૉન્સર્ટ નથી. આ છે આજના યુવાનોમાં ઝડપથી લોકપ્રિય થઈ રહેલો નવો ટ્રેન્ડ ‘ભજન જૅમિંગ કે‌ ભક્તિ ક્લબિંગ’. 

એક જમાનામાં ભજન એટલે મંદિરના આંગણે કે ગામના ચોતરે ઢળતી સાંજે ઢોલ, મંજીરા અને કરતાલથી ગવાતાં નરસિંહ કે મીરાંનાં પદો, ભજન એટલે સવારની પ્રાર્થના. ત્યાર પછી ભજન એટલે આસિત-હેમા દેસાઈ કે પુરુષોત્તમ ઉપાધ્યાય, ભજન એટલે રૂપા બાવરી કે અનુપ જલોટા. આજે હાર્મોનિયમ અને મંજીરા સાથેની ભજનસંધ્યામાં ડ્રમ્સ, ગિટાર, પિયાનો, બાસ ગિટાર અને ઇલેક્ટ્રૉનિક સાઉન્ડનો પ્રવેશ થયો છે. ભક્તિ હવે માત્ર બેસીને સાંભળવાની કે આંખો બંધ કરીને પ્રાર્થના કરવાની બાબત નથી રહી. અહીં ભક્તિ સાથે ઉછાળા મારતું નૃત્ય છે, એનર્જેટિક ક્રાઉડ છે અને સોશ્યલ મીડિયામાં ફરતી રીલ્સ છે. ટૂંકમાં, ભજનનો ભાવ જૂનો છે, એની રજૂઆત તદ્દન નવી છે. ભક્તિ હવે ‘કૂલ’ છે.

 સવાલ એ છે કે યુવાનોને અચાનક ભજનોમાં આટલો રસ કેમ પડ્યો? શું આધુનિક જીવનની દોડધામ વચ્ચે તેમને માનસિક શાંતિની જરૂર છે કે પછી વેસ્ટર્ન મ્યુઝિક ઇન્ફ્લુઅન્સમાં ઊછરેલી આ પેઢી પોતાની સાંસ્કૃતિક ઓળખને નવા સ્વરૂપે શોધી રહી છે? આ નવા ઇન્ડો-વેસ્ટર્ન સ્વરૂપમાં પોતાને ઈઝિલી રિલેટ કરી શકે છે તેથી?

આજના જેન-ઝીને માત્ર ઉપદેશ કરતાં અનુભવમાં વધુ રસ છે. તેમને કોઈ કહે કે બે કલાક શાંતિથી બેસીને ભજન સાંભળો તો કદાચ તેઓ મોબાઇલમાં બીજી ઍપ ખોલી નાખે, પરંતુ એ જ ભજન લાઇવ બૅન્ડ અને ધમાકેદાર સાઉન્ડ સાથે રજૂ થતું હોય તો એ ક્રાઉડમાં તેઓ કલાકો સુધી જોડાયેલા રહેશે. અલબત્ત, અહીં એક નાજુક ભેદ સમજવા જેવો છે. કૉન્સર્ટમાં હાજર રહેવું અને ભક્તિનો અનુભવ કરવો એ બન્ને એક બાબત નથી. એમ તો ભજનમંડળીમાં બેઠેલી કોઈ વ્યક્તિનું મન ભગવાનમાં લાગ્યું છે કે નહીં એ પણ આપણે ક્યાંથી જાણી શકવાના? તેથી જ કોઈ યુવાન ભલે સંગીતને કારણે પણ પહેલી વાર ભજન તરફ આકર્ષાય તો તેને ‘ખોટો દેખાડો’ કહીને નકારી ન કઢાય. 

ગાયક-સંગીતકાર હૃદય ગટ્ટાનીનો AUM - The Soul Connect શો આવા નવતર પ્રયોગનું ઉત્તમ ઉદાહરણ છે. હરિદ્વારની ગંગા આરતીમાં વિવિધ ઉંમરના, વિવિધ ક્ષેત્રના લોકોને અને ફૉરેનર્સને પણ એકસાથે ભક્તિમાં જોડાયેલા જોઈને તેમને આ પ્રયોગનો વિચાર સ્ફુર્યો. વેસ્ટર્ન ઑપેરા અને સંસ્કૃત મંત્રોના સમન્વય દ્વારા એક અલગ જ સંગીતમય અનુભવ સર્જવાનો પ્રયાસ તેમની ટીમે કર્યો. તાજેતરમાં મુંબઈમાં ૨૪ ઑક્ટોબરે NMACC ખાતે તેમનો શો યોજાઈ ગયો.

આવા પ્રયોગો એક મહત્ત્વનો સવાલ ઊભો કરે છે : આધુનિકતા સ્વીકારવા પરંપરાને બદલવી જરૂરી છે કે પરંપરાને જાળવી રાખીને એની અભિવ્યક્તિમાં નવીનતા લાવવી જરૂરી છે? સંગીતની દુનિયામાં ફ્યુઝન કંઈ નવી વાત નથી. ભારતીય શાસ્ત્રીય સંગીત અને જૅઝથી લઈને લોકસંગીત અને રૉક મ્યુઝિક સુધીમાં ફ્યુઝનના અનેક પ્રયોગો થયા છે. ‘ભજન જૅમિંગ’ પણ એ જ પ્રકારનું એક નવું સ્વરૂપ ગણી શકાય. ફરક એટલો છે કે અહીં સંગીતના કેન્દ્રમાં મનોરંજનની સાથે ધાર્મિક ભાવના પણ જોડાયેલી છે. કેટલાક લોકો પ્રશ્ન કરે છે કે જો કોઈ યુવાન ભજનના શબ્દો કરતાં લાઇટ્સ અને બાસના તાલ માટે કાર્યક્રમમાં આવે તો શું એને ભક્તિ કહી શકાય? સામે મારી દલીલ છે કે જો એ જ યુવાન કાર્યક્રમમાંથી પાછા ફરતી વખતે કોઈ મંત્ર ગણગણતો જાય તો શું એને આધ્યાત્મિકતાનો આરંભ ન ગણી શકાય?

ભક્તિનું મૂલ્યાંકન માત્ર એના બાહ્ય સ્વરૂપથી કરવું મુશ્કેલ છે. મંદિરની શાંતિમાં બેઠેલી વ્યક્તિ જે ભાવ અનુભવી શકે એ જ ભાવ કોઈ અન્ય વ્યક્તિ સામૂહિક કીર્તનમાં પણ અનુભવી શકે છે. બીજી તરફ ધાર્મિક શબ્દોનો ઉપયોગ માત્ર મનોરંજન માટે કે નફો મેળવવા માટે થાય અને એના મૂળ ભાવનો આદર ન જળવાય તો વિરોધ થવો સ્વાભાવિક છે. ભજન જૅમિંગનું ભવિષ્ય કદાચ આ સંતુલન પર જ નિર્ભર રહેશે. સંગીતની આધુનિકતા ભક્તિના મૂળ ભાવને ઢાંકી ન દે અને ભક્તિના નામે મનોરંજનને જ આધ્યાત્મિકતા ગણવાની ભૂલ ન થાય એ જોવું રહ્યું. 

 છેવટે સમય બદલાય છે, પેઢીઓ બદલાય છે અને અભિવ્યક્તિનાં માધ્યમો પણ બદલાય છે. ભક્તિનો ભાવ કોઈ એક વાદ્ય, સ્થળ કે પદ્ધતિનો મોહતાજ નથી. જૂની પેઢી માટે મંજીરા અને હાર્મોનિયમ ભક્તિનું માધ્યમ હતાં, નવી પેઢી માટે ગિટાર અને ડ્રમ્સ એ જ ભૂમિકા ભજવે છે.

બાય ધ વે

તમને ખબર છે કે ભજન જૅમિંગની શરૂઆત આપણા દેશમાં કોણે કરી? કેવી રીતે થઈ? એ કિસ્સો ખરેખર રસપ્રદ છે. રાઘવ અને પ્રાચી નામનાં ભાઈ-બહેનની ‘બૅકસ્ટેજ સિબલિંગ્સ’ તરીકે ઓળખાતી જોડી આ પ્રયોગનું કારણ છે. પિતા સાથે બાળપણમાં હનુમાન ચાલીસા ગાનારાં આ બન્નેએ ભજનને યુવાનોની પસંદગી પ્રમાણે રજૂ કરવાનો પ્રયત્ન કર્યો. નાની રૂમમાં શરૂ થયેલું ‘ભજન જૅમિંગ’ ધીમે-ધીમે મોટા કાર્યક્રમો સુધી પહોંચ્યું. તેમના સંગીતમાં પરંપરાગત ભક્તિ અને આધુનિક મ્યુઝિકનો સંગમ જોવા મળે છે. તેમનું કહેવું છે કે ભજનને નવું બનાવવાની જરૂર નથી, પરંતુ નવી પેઢી સુધી પહોંચાડવાની રીત બદલવાની જરૂર છે. એટલે જ તેમણે જેન-ઝી માટે કર્યું નવું સર્જન. ભક્તિને આપ્યું નવું બીટ્સ વર્ઝન. 

યોગેશ શાહ શ્રી ખડાયતા સમાજ-બૉમ્બેના ભૂતપૂર્વ પ્રમુખ છે અને એશિયાટિક સોસાયટી ઑફ મુંબઈની લિટક્લબ સાથે સંકળાયેલા છે.

- યોગેશ શાહ

bandra indian music culture news national news life and style lifestyle news columnists