18 April, 2026 04:45 PM IST | Mumbai | Deepak Mehta
ચર્ની રોડ સ્ટેશન સામે આવેલી સૈફી હૉસ્પિટલ
મહેરબાન, કદરદાન, મહેમાન. આજે આપુન મુંબઈ શહેરના કેટલાક રસ્તા પર ફરવા નીકરવાના છઈએ, પન આપુન એક ખાસ કિસમનાં ચશ્માં પહેરીને નીકરવાના છઈએ. એના એક કાચમાંથી દેખાસે ઈસવીસન ૧૮૯૦ના દેખાવ અને બીજા કાચમાંથી દેખાસે આજના ૨૦૨૬ના દેખાવ. આપરે ચાલવાનું સુરુ કરસુ તે વારથી વારાફરતી આય બન્ને કાચની નજરે રસ્તાના દિદાર કરસુ. મુંબઈના બોહરાઓની જિંદગાનીનું જિગર છે ભીંડીબજાર. અહીં તેમનાં ઘર, તેમની દુકાનો, તેમની પેઢીઓ અને તેમની મસ્જિદો જાને કે એકમેકને વલગીને ઊભાં છે. એટલે આપરી સવારી પહેલ્લે જ જવાની છે ભીંડીબજાર. મુને માલમ છે કે અમારા કેટલાક જિગરી દોસ્તોને ભીંડીની ભાજી બિલકુલ ભાવતી ના. તે દોસ્તોને અરજ ગુજારવાની કે આય રસ્તાને અને ભીંડી, ભીંડા, ઓકરા કે લેડીઝ ફિંગર સાથે કઈ બી લાગતુંવરગતું નથી છે. દખ્ખણ હિન્દુસ્તાનમાં એક ઝાડ થાય છે એનું મરાઠી નાવ છે ભેન્ડી. કેહે ચ કે એક જમાનામાં આય વિસ્તારમાં ભેન્ડીનાં બહુબધાં ઝાડ હુતાં. પછી એ ઝાડ દૂર કરીને રસ્તો બનાવિયો, રસ્તા પર બજાર ઊભી કીધી. આય બજારનું નામ પરિયું ભેન્ડીબજાર. વખત જતાં એ બનિયું ભીંડીબજાર. કારણ વોરાઓ અને બીજા ગુજરાતીઓ ‘ભેન્ડી’ને ‘ભીંડી’ કે ‘ભીંડા’ નામથી ઓરખે.
અહીં બહોરાઓના ફિરકાનાં બે પાક મથક આવેલાં છે : સૈયદ તાહેર સૈફુદ્દીનનો મકબરો અને સૈફી મસ્જિદ. અહીં સમય વહેતો નથી પણ એનાં પડ એકની ઉપ્પર એક ચરતાં જાય છે.
૧૮૯૦, સવારના ૬ : કોઈ બી ઘેરમાંથી અલાર્મનો અવાજ સંભરાતો નથી છે. કોઈ કારખાનાના ઇન્જિનની ધડબડાટી કાને પરતી ના. પન અહીંની સાંકરી ગલીઓમાં ઘૂમી રિયો છે મસ્જિદોમાંથી ઊઠતો અઝાનનો આવાઝ. હજી અહીં વિજરી આવેલી નહીં હુતી, પન વહેલી સવારના ઝાંખા અજવારામાં લોકોની ચહલપહલ શુરુ થઈ જતી. એમાં મોટા ભાગે હોય સફેદ કપડાં પહેરેલા મરદો જે નમાઝ પઢવા માટે મસ્જિદ તરફ જતા હોય. અહીં નીચે લાકડાના બારનાવાલી દુકાનો અને ઉપર જ ઘેર. બે કે ત્રણ માળ કરતાં ઊંચું એક બી મકાન જોવા મલે ના.
૨૦૨૬, સવારના ૬ : એ જ અઝાન આજે બી સંભલાય છે. સફેદ કપડાં પહેરેલા મરદો મસ્જિદ તરફ જતા દેખાય છે, પણ સાથે વહેલી સવારના ટ્રાફિકનો અવાજ બી હવામાં ઘૂમરાય છે. સવારનું ઝાંખું અજવારું કેવું હોય એ આજનાં બચ્ચાંઓને તો માલૂમ બી નહીં. આખ્ખી રાત LEDની લાઇટોનો અને જાહેરાતનાં પાત્યાંનો ઝગમગાટ પથરાયેલો રહે છે. પેલાં બે-ત્રણ મજલાનાં મકાન બી જોવા ની મળે. એની જગા લીધી છે ઊંચાં-ઊંચાં ૨૫-૩૦ મજલાનાં કે તેથી બી વધુ ઊંચાં મકાનોએ. એમાંનાં ઘણાં બિલ્ડિંગ સૈફી બુરહાની અપલિફ્ટમેન્ટ ટ્રસ્ટે રીડેવલપમેન્ટ સ્કીમ હેઠળ બાંધેલાં છે. હવે જ્યારે મરદો મસ્જિદમાં જવા ઘેરથી નીકરે છે ત્યારે લાકરાનાં પગથિયાં પર ટપ ટપ અવાજ થતો નથી છે, કારણ હવે એ લોકો ઘેરથી લિફ્ટમાં નીચે ઊતરે છે. લિફ્ટમાં અને લૉબીમાં બધે મજેદાર કાલીન બિછાવેલા હોય પછી પગરખાંનો અવાજ કેમનો કાને પરે?
૧૮૯૦, સવારના ૮ : શેઠ પોતે કે તેમનો ભરોસામંદ ગુમાસ્તો કમ્મરેથી ચાવીનો ઝૂડો કાઢીને દુકાનને મારેલાં બે-ત્રણ ખંભાતી તાળાં એક પછી એક ખોલે. લાકડાનાં ફોલ્ડિંગ બારણાંને ધક્કો મારીને ખોલતો જાય. શેઠ દુકાનમાં દાખલ થઈ બાસ્તા જેવી ધોલી ચાદર પાથરેલી ગાદી પર બેસે. વજનના કાંટા પાસે પિત્તળનાં વજન ગોઠવે. નીચે સૌથી મોટું વજન, ઉપર સૌથી નાનું. લાકડાના ઇસ્કોતરામાંથી ચોપડા કાઢી વહી ખાતું ખોલે. દુકાનમાં ચારે બાજુ અહીં-તહીં માલસામાન. અનાજના કોથળા, કાપડના તાકા. મરી-મસાલાની ગુણો. એ વખતે જુદા-જુદા પ્રકારના માલ માટે જુદી-જુદી દુકાનો લગભગ નહીં. શેઠ, નોકરો અને ઘરાકો બધા બેસે ભોંય પર બિછાવેલી ગાદી પર.
૨૦૨૬, સવારના ૧૦ : હજી દુકાનો તો ખૂલે છે, પણ અગાઉ જેટલી વહેલી નહીં. ઘણીખરી દસેક વાગ્યે ખૂલે. લાકડાનાં બારનાં નહીં, લોઢાનાં રોલિંગ શટર્સ. શટર પછી પારદર્શક કાચનાં બારનાં. દુકાનમાં ત્રણ-ચાર જાતનો સામાન નહીં. એક દુકાનમાં હાર્દવેરનો સામાન, બીજીમાં ઇલેક્ટ્રૉનિક્સનો. કોઈ દુકાનમાં વલી ઇમ્પોર્ટેડ ખાવા-પીવાની વસ્તુઓ, કોઈમાં કપડાં. અને એ બધું વેચવા માટે કાઉન્ટર. દુકાનના એક ખૂણામાં કાચની નાનકડી કૅબિન. સામે QR કોડ ચોડેલો હોય. હવે રોકડ લેવડ ઘણી ઓછી. એટલે પહેલાં જેવી તોતિંગ તિજોરી ભાગ્યે જ જોવા મળે.
૧૮૯૦, બપોર : નમાજનો ટાઇમ થાય એટલે દુકાનો ટપોટપ બંધ થવા લાગે. શેઠ-નોકર બધા પગ ઉપાડે મસ્જિદ તરફ. મસ્જિદ આવતાં-જતાં ઓળખીતા-પાળખીતા વેપારીઓ સાથે વાતો
થાય : મસ્કતથી વહાણ ક્યારે આવવાનું છે? એમાં કોનો માલ? કેટલો? ઝાંઝીબારના કાઈ ખબરઅંતર? અને કરાચીની મોટી બજારમાં આગ લાગેલી એ સાચી વાત? નુકસાનનો કોઈ અંદાજ?
૨૦૨૬, બપોર : હવે શેઠ-નોકર વારાફરતી નમાજ માટે જાય કે એક-બે બિનમુસ્લિમ નોકર હોય તો દુકાન બંધ ન થાય. આવતાં-જતાં હવે કોઈ એકબીજાને દેશાવરના ખબર પૂછતું નથી, કારણ કે દુનિયાના કોઈ પણ ખૂણે જે કાંઈ બી બને એના ખબર હાથમાંનો મોંઘોદાટ મોબાઇલ આપતો રહે છે. છતાં હજી ઘણાખરા દુકાનમાલિકો સૈફી મસ્જિદમાં નમાજ પઢવા ગયા વગર ન જ રહે.
૧૮૯૦, સાંજના ૪ : ગરમી ઓછી થવા લાગે એટલે શેઠના હાથમાંનો પંખો ધીમો પડવા લાગે. દુકાનના એક ખૂણામાં પ્રાઇમસ સળગાવી એક નોકર ઍલ્યુમિનિયમની કીટલીમાં કડક મિઠ્ઠી ચા બનાવે. પિત્તળનાં કે જર્મન સિલ્વરનાં કપ-રકાબીમાં દુકાનમાંના સૌને (ગ્રાહકોને પણ) ચા અપાય. એ વખતે મુનીમજી માંડ હાથમાંથી ચોપડો-કલમ અળગાં કરે. શેઠ, નોકર બધા માને કે સાચો હિસાબ રાખવો એ ઈમાનનો જ હિસ્સો છે. એ વખતે વેપારીઓમાં એક કહેતી બહુ જાણીતી : ‘હિસાબ કોડીનો, બક્ષિશ લાખની.’
૨૦૨૬, સાંજના ૪ : હવે બહારની ગરમી-ઠંડી અસર કરતી નથી. ઘણી દુકાનોમાં સફેદ AC લાગ્યાં છે. જ્યાં ન હોય ત્યાં સીલિંગ ફૅન ફરતા રહે છે. તેમની જેમ જ કાચની કૅબિનમાં બેઠેલા શેઠની નજર પણ ચારે તરફ ફરતી રહે છે. હિસાબ-કિતાબની મહેનત હવે મુનીમજીએ કરવી પડતી નથી. એ કામ કમ્પ્યુટર કરે છે. જોકે હજી એક વસ્તુ નથી બદલાઈ : દુકાનદાર અને ઘરાકનો એકબીજા પરનો વિશ્વાસ.
૧૮૯૦, સાંજના ૫ : ઘરાકી વધતી જાય. આસપાસના જ નહીં, દૂરના ગ્રાહકો પણ આવે. ઇસકોલ કે કૉલેજમાં ભણતા શેઠના છોકરાઓ કબીલાનો ધંધો શીખવા દુકાને આવે. નોકરો તેમને કામ શીખવતી વખતે પણ ‘નાના શેઠ’ કહી માન આપે. વીજળીના દીવા હજી આવ્યા નહોતા એટલે સાંજના ૭ પહેલાં તો દિવસનો કારોબાર આટોપી લેવાય. નોકર એક પછી એક લાકડાનાં ફોલ્ડિંગ બારણાં બંધ કરે. મોટાં ખંભાતી તાળાં મારે. બધાં તાળાં એક પછી એક ખેંચીને શેઠ ખાતરી કરી લે કે બધાં તાળાં બરાબર બંધ થયાં છે કે નહીં. હાથમાંની કપડાની થેલીમાં સાચવીને ચાવીનો ઝૂડો મૂકી દે અને પછી શેઠ ઘર તરફ રવાના થાય. છૂટા પડતા પહેલાં શેઠ-નોકર દરેક એકબીજાને ‘ખુદા હાફિઝ’ કહે જ કહે.
૨૦૨૬, રાતના દસ : હવે કોઈ દુકાન અંધારું થાય એ સાથે બંધ થતી નથી. ઘણી તો રાતના ૧૦-૧૧ વાગ્યા સુધી ખુલ્લી રહે. નીચે દુકાન અને ઉપર ઘર એવું હવે રહ્યું નથી, કારણ કે બે-ત્રણ માળના ઘરની જગ્યા ઊંચા-ઊંચા ટાવરોએ લઈ લીધી છે.
૧૮૯૦-૨૦૨૬ : ભીંડીબજારમાં આવવા-જવા માટેનું સાધન હતું ઘોડાથી ચાલતી ટ્રામ, પણ મોટા ભાગના લોકો પગપાળા અવરજવર કરે. પછી ઇલેક્ટ્રિક ટ્રામ આવી. પછી એ પણ ગઈ. પછી બસ આવી. હવે તો ખાસ્સો લાંબો જે. જે. ફ્લાયઓવર આ વિસ્તારની નજીકથી પસાર થાય છે. આજે ભીંડીબજારમાં ફરીએ ત્યારે આપણે એકસાથે ભૂતકાળ અને વર્તમાનમાં ચાલતા હોઈએ છીએ. ના, અહીંનો ભૂતકાળ ખોવાયો નથી, બદલાયો છે.
પણ આ બોહરા (કે વહોરા) છે કોણ? એ લોકો છે શિયા મુસ્લિમ પરંપરાનો એક અગત્યનો ભાગ. તેમનો ઉદ્ભવ થયો ગુજરાતમાં. ૧૧મીથી ૧૩મી સદી દરમ્યાન ઘણા હિન્દુ વેપારીઓએ ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો. ‘બોહરા’ કે ‘વહોરા’ નામ પોતે જ તેમના વેપારી સ્વભાવનું પ્રતિબિંબ છે. ગુજરાતીમાં ‘વહોરવું’ એટલે ‘વેપાર કરવો.’ આ જમાતનો મુખ્ય ધંધો વેપારનો, પછી ભલે તે નાનકડી હાટડી ચલાવતો હોય કે દેશ-પરદેશ સાથે કરોડોનો ધીકતો ધંધો કરતો હોય. જેમ-જેમ મુંબઈ શહેર બંદર તરીકે વિકસતું ગયું તેમ-તેમ દેશના જુદા-જુદા ભાગોમાંથી વેપારીઓ મુંબઈ આવવા લાગ્યા. સુરત, અમદાવાદ અને કાઠિયાવાડનાં બંદરો પરથી બહોરાઓ મુંબઈ આવવા લાગ્યા અને અહીં પોતાનું મજબૂત થાનક બનાવ્યું. જોતજોતામાં મુંબઈના કોટની બહાર આવેલા ‘નેટિવ ટાઉન’માં તેમની ગણના મુંબઈના મુખ્ય વેપારીઓમાં થવા લાગી.
ભીંડીબજારમાં આવેલાં બે સ્થળો બોહરા જીવનનાં કેન્દ્રબિંદુ જેવાં છે : એક, સૈયદના તાહેર સૈફુદ્દીનસાહેબનો મકબરો અને બીજી સૈફી મસ્જિદ. ગુજરાતી અને ઉર્દૂના મિશ્રણ જેવી ‘લિસાન અલ-દાવત’ તેમની મુખ્ય ભાષા છે. બોહરા સમુદાયની ખાસ ધ્યાન ખેંચે એવી બાબત છે સંયોજન અને શિસ્ત. દાઈઅલ-મુતલાક આ જમાતના ધાર્મિક અને વ્યાવહારિક જીવન પર અંકુશ ધરાવે છે અને મજબૂત જમાત-પ્રણાલી તેમના રોજિંદા જીવનનો અનિવાર્ય ભાગ છે. બીજી બાજુ અદ્યતન જ્ઞાન-વિજ્ઞાનનો ઉપયોગ કરવામાં પણ આ જમાત પાછળ પડતી નથી. ચર્ની રોડ સ્ટેશન સામેની ૧૪ માળની મલ્ટી-સ્પેશ્યલિટી ‘સૈફી હૉસ્પિટલ’ આ જમાતની પોતાનું જે કંઈ ઉત્તમ હોય એ માત્ર જમાત પૂરતું મર્યાદિત ન રાખતાં બધા ફિરકા, સંપ્રદાય, ધર્મના લોકો માટે સુલભ કરવાની ખાસિયતનું એક ઉદાહરણ છે. એ જગ્યાએ એક જૂની, ખખડધજ નાનકડી ઇમારત હતી એ વરસો સુધી આ લખનારે ચર્ની રોડ સ્ટેશન સામે ઊભેલી નજરોનજર જોઈ છે. એ ઇમારતની જગ્યાએ આ બહુમાળી હૉસ્પિટલ ઊભી કરવાનો મૂળ વિચાર સૈયદના મહમ્મદ બુરહાનુદ્દીનસાહેબનો. ૨૦૦૫ના જૂનની ચોથી તારીખે આ હૉસ્પિટલનું ઉદ્ઘાટન કરતાં વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહે કહ્યું હતું કે ‘દાઉદી બહોરા જમાત માનવસેવાને જ પ્રભુસેવા માનીને જે ઉમદા કામો કરતી આવી છે એનું આ એક વધુ જ્વલંત ઉદાહરણ છે. આ હૉસ્પિટલનું ધ્યેય દોલતમંદ લોકોની જ નહીં, પોતાના ફિરકાના લોકોની જ નહીં; પણ હરકોઈ જરૂરતમંદની, હરકોઈ મજહબની બીમાર વ્યક્તિની સારવાર કરીને તેને સાજા કરવાનું છે.’