04 August, 2026 06:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અજિત ગાલા
દાન આપીને બદલાની આશા રાખવી એ દાન નથી પણ વેપાર છે. આજના સમયમાં ઘણી વાર લોકોમાં એવી ફરિયાદ સાંભળવા મળે છે કે અમે તો જીવનમાં કેટલીયે વાર રક્તદાન કર્યું છે, પરંતુ જ્યારે અમારાં પોતાનાં સગાંસંબંધી કે સ્વજનને લોહીની જરૂર પડી ત્યારે બ્લડ-બૅન્કમાંથી સમયસર લોહી ન મળ્યું. આ ફરિયાદ સાંભળવામાં કદાચ વાજબી લાગે, પણ જો એને માનવતા અને દાનના મૂળ સિદ્ધાંતની દૃષ્ટિએ વિચારવામાં આવે તો આ વિચારસરણી સામે જટિલ પ્રશ્નો ઊભા થાય છે.
સૌપ્રથમ તો આપણે દાન શબ્દનો સાચો અર્થ સમજવાની જરૂર છે. દાન એ સત્કર્મ છે જે કોઈ પણ સ્વાર્થ કે બદલાની અપેક્ષા વગર કરવામાં આવે છે. આપણે મંદિરમાં કીમતી વસ્તુ કે નાણાંનું દાન કરીએ છીએ તો શું આપણને ક્યારેય એવો વિચાર આવે છે કે જરૂર પડશે ત્યારે એ દાન આપણને પાછું મળશે? ના, તો પછી રક્તદાનમાં આપણે રિટર્નની આશા કેમ રાખીએ છીએ?
રક્તદાન એ કોઈ બૅન્કની ફિક્સ્ડ ડિપોઝિટ કે ઇન્શ્યૉરન્સ પૉલિસી નથી જ્યાં તમે આજે રક્ત જમા કરાવો અને ભવિષ્યમાં ગૅરન્ટી સાથે એને વ્યાજ સાથે પાછું મેળવો. રક્તદાન એ તો એક અજાણ્યા માનવીને અપાતું જીવનદાન છે. તમે જ્યારે રક્તદાન કરો છો ત્યારે તમારું લોહી કોના શરીરમાં જઈને નવી જિંદગી આપશે એ તમને ખબર પણ નથી હોતી. એ નિઃસ્વાર્થ ભાવ જ રક્તદાનને પવિત્ર બનાવે છે.
બીજી તરફ બ્લડ-બૅન્કની વ્યવહારુ સ્થિતિ અને તબીબી મર્યાદાઓને પણ સમજવી જરૂરી છે. લોહી એ કોઈ ફૅક્ટરીમાં બનતી વસ્તુ નથી કે એને ઇચ્છો ત્યારે અને અનંત સમય સુધી સ્ટોર કરી શકાય. રક્તની પણ એક નિશ્ચિત એક્સપાયરી ડેટ હોય છે. આ ઉપરાંત દરદીને કયા બ્લડ-ગ્રુપના લોહીની જરૂર છે એ પણ અનિવાર્ય બાબત છે. ઘણી વાર ચોક્કસ કે રૅર ગ્રુપના લોહીની અછત હોવાના કારણે બ્લડ-બૅન્ક ઇચ્છવા છતાં ત્વરિત લોહી આપી શકતી નથી. આ વ્યવસ્થાકીય મર્યાદાને કારણે રક્તદાનની ઉમદા ભાવના પર શંકા કરવી યોગ્ય નથી.
આ ઉપરાંત ઘણા લોકોને એવો પણ ભ્રમ હોય છે કે રક્તદાનના નામે ધંધો થઈ રહ્યો છે કારણ કે બ્લડ-બૅન્ક ચાર્જ લે છે; પરંતુ વાસ્તવમાં લોહી એકઠું કર્યા પછી એને HIV અને હેપેટાઇટિસ જેવા ગંભીર રોગોથી મુક્ત કરવા માટેનું ટેસ્ટિંગ, લોહીમાંથી કમ્પોનન્ટ્સ અલગ કરવા અને એને સુરક્ષિત રાખવા માટે સ્પેશ્યલ કૂલિંગ સિસ્ટમ પાછળ મોટું આર્થિક રોકાણ અને પ્રોસેસિંગ ખર્ચ લાગે છે. આ તબીબી સુરક્ષા અને વ્યવસ્થાકીય મર્યાદાઓને કારણે રક્તદાનની ઉમદા ભાવના પર શંકા કરવી યોગ્ય નથી.
જો દરેક વ્યક્તિ એવું વિચારવા લાગે કે મને રિટર્નમાં લોહી મળશે તો જ હું રક્તદાન કરીશ તો સમાજમાંથી નિઃસ્વાર્થ સેવાભાવના જ નષ્ટ થઈ જશે. રક્તદાન કરતી વખતે એ જ ભાવ હોવો જોઈએ કે આજે મારું લોહી કોઈકની જિંદગી બચાવી રહ્યું છે અને કાલે જો મને જરૂર પડશે તો કોઈ અન્ય ભલો માણસ રક્તદાન કરીને મારી કે મારા સ્વજનની જિંદગી બચાવશે.