સિતારે ઝમીન પર

03 December, 2025 11:26 AM IST  |  Mumbai | Ruchita Shah

શારીરિક કે માનસિક અક્ષમતા વચ્ચે પણ પોતાની મોજ શોધી લેતા લોકો પાસેથી શીખનારા કેટલાક સામાજિક કાર્યકરો પાસેથી આવા જ અનુભવોનો રસથાળ આજે ‘ઇન્ટરનૅશનલ ડે ઑફ પર્સન્સ વિથ ડિસેબિલિટી’ નિમિત્તે માણીએ

પ્રતીકાત્મક તસવીર

યુનાઇટેડ નેશન્સ દ્વારા ૧૯૯૨થી આજના દિવસને ઇન્ટરનૅશનલ ડે ઑફ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ તરીકે ઊજવાય છે. સામાજિક વિકાસમાં ડિસેબિલિટીને પણ સામેલ કરાય એ આ વર્ષની થીમ છે. જોકે આપણે શારીરિક કે માનસિક રીતે અક્ષમ લોકોને ચાન્સ આપીએ એના કરતાં પણ ઘણી વાર તેઓ આપણને શીખવી જતા હોય છે. દિવ્યાંગોની અચીવમેન્ટ અને તેમના અનબીટેબલ કૉન્ફિડન્સ વિશે ઘણી વાર વાતો કરી છે, પરંતુ આજે વાત કરીએ તેમની સાથે લાંબો સમય વિતાવ્યા પછી તેમની પાસેથી અઢળક વાતો શીખનારા સોશ્યલ વર્કરો સાથે. તેઓ દિવ્યાંગોના વેલ્ફેર માટે કામ કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ કરવામાં તેમનું પોતાનું વેલ્ફેર એટલે કે હિત પણ થયું જ છે. તેમનામાં હિંમત વધી છે તો તેમનામાં સહેવાની ક્ષમતા પણ વધી છે. જીવન પ્રત્યેનો તેમનો દૃષ્ટિકોણ દિવ્યાંગો સાથે રહીને બદલાયો છે. આજે તેમની પાસેથી જાણીએ કે તેઓ દિવ્યાંગો સાથેના પોતાના પરિચયમાં તેમની પાસેથી શું શીખ્યા.

ડર કે ડાઉટ દૂર-દૂર સુધી નહીં

જીવનમાં આગળ વધવા માટે બધી જ સગવડ હોય છતાં ભય અથવા શંકાને કારણે લોકો પોતાની જાતને રોકી રાખતા હોય છે. જોકે મૂક અને બધિર લોકોના વેલ્ફેર માટે કામ કરતી સંસ્થા સાથે જોડાયેલા પ્રણય શાહ મૂળ માર્કેટિંગ સાથે સંકળાયેલી વ્યક્તિ છે. છેલ્લાં સાડાસાત વર્ષથી દિવ્યાંગો સાથે કામ કરતા પ્રણયને જીવનની બહુ મોટી શીખ તેમની પાસેથી મળી અને એ હતી ડર કે ડાઉટ રાખવાના નહીં. એક કિસ્સો યાદ કરતાં કહે છે, ‘હું એક ડાન્સ ઍકૅડેમીનું માર્કેટિંગ સંભાળતો. તેમની પાસે શારીરિક અને માનસિક અક્ષમતાવાળાં બાળકો પણ આવતાં. ડાન્સ થેરપી તેમની મૂવમેન્ટ માટે અને ઓવરઑલ વિકાસ માટે ઉપયોગી હોય છે. એ સમયે હું તો એક વર્કિંગ પ્રોફેશનલ તરીકે જ તેમની સાથે જોડાયેલો હતો પરંતુ એક ડાન્સ કૉમ્પિટિશનમાં માનસિક રીતે અક્ષમ બાળક પણ જોડાયો હતો. આર્થિક રીતે નબળી સ્થિતિ ધરાવતા એ બાળકને ડાન્સ માટે અમે બધાએ ભેગા થઈને સ્પૉન્સર કરેલો. તમને સાચું કહું તો બીજા બધા ડાન્સરની સામે તે ધીમો હતો, નબળો હતો અને તેને મૂવ કરવામાં પણ તકલીફ થતી હતી; પરંતુ તેણે મનોમન નક્કી કરેલું કે તેને આમાં પાર્ટિસિપેટ કરવું જ છે એટલે સપોર્ટ વિના ઊભો ન રહી શકતા આ બાળકે જાતે-જાતે પ્રૅક્ટિસ કરીને પોતાને ગ્રુપની સાથે ટક્કર આપવા માટે તૈયાર કરવાનું શરૂ કર્યું હતું. તેના એ વિલપાવર, તેની એ થાક્યા વિના મચ્યા રહેવાની દૃઢતા અને તેની એ કોઈ પણ જાતની ઇન્ફિરિયોરિટીમાં આવ્યા વિના પોતાને મજબૂતી સાથે પેશ કરવાની ધગશ સામે હું આફરીન પોકારી ગયો હતો. સાચું કહું તો મારા માટે આ એક ખૂબ મોટી શીખ હતી. આપણી પાસે બધું જ હોય પરંતુ કોઈક જરાક આપણી અપેક્ષા વિરુદ્ધ વર્તે કે ક્યાંક જરા અમથી આપણા પ્લાનમાં ફાચર પડે કે આપણે હારી-થાકીને બેસી જતા હોઈએ છીએ. કામ ન કરવાના એક્સક્યુઝિસથી ભરેલા લોકોને કહેવું છે કે દિવ્યાંગો પાસે ખરેખર જસ્ટિફાય થાય એવી દલીલો હોય છે અને તેમને તો ખરેખર ઘણી અગવડો ભોગવવી પડતી હોય છે; પરંતુ તેઓ અટકતા નથી, ડરતા નથી, મારાથી આ થશે કે નહીં એવી જાત પર શંકા કરતા નથી. તેમનામાં ગજબનાક પ્રૉબ્લેમ-સૉલ્વિંગ એબિલિટી હોય છે. બસ, મારે આ અચીવ કરવાનું જ છે એ એક જ નિશ્ચય હોય છે. આ સૌથી મોટી શીખ છે મારા જીવનની. ડર કે શંકા વિના બસ મચેલા રહો.’

આવી ઝિંદાદિલી આવે ક્યાંથી?

નિવૃત્તિ પછી સમાજને કંઈક આપવાના ભાવ સાથે લગભગ ચાલીસેક સિનિયર સિટિઝનોએ એક સંસ્થા શરૂ કરી જેને નામ આપ્યું સ્નેહલ જ્યોત દિવ્યાંગ સેવા પ્રતિષ્ઠાન. આ સંસ્થા દિવ્યાંગોને સ્કિલ ડેવલપમેન્ટમાં, તેમને કેટલાક ઑફિશ્યલ ડૉક્યુમેન્ટ જોઈતા હોય તો એમાં કે મેડિકલમાં પણ હેલ્પ કરે છે. લગભગ હજાર દિવ્યાંગો આ સંસ્થા સાથે જોડાયેલા છે. ચાર વર્ષથી સંસ્થા સાથે સામાજિક કાર્યકર તરીકે સક્રિય નમિતા તેન્ડુલકર આ સંસ્થામાં એક વ્યક્તિ પાસેથી મળેલી અદ્ભુત શીખ વિશે વાત કરતાં કહે છે, ‘મારાથી ઉંમરમાં એક વર્ષ નાના એવા ૬૦ વર્ષના સંસ્થામાં આવતા એક વડીલ છે. તેમની ઝિંદાદિલીને જોઉં છું અને મારો જીવનનો દૃષ્ટિકોણ જ બદલાઈ ગયો છે. એ ભાઈ બસ-ડ્રાઇવર હતા. પચીસ વર્ષની ઉંમરે એક અકસ્માતમાં તેમનું કમરથી નીચેનું શરીર પૅરૅલાઇઝ્ડ થઈ ગયું. એક વર્ષ બેડ પર રહ્યા. એ પછી તેઓ અમારી સંસ્થા સાથે જોડાયા. એટલે અમારાં એક તાઈએ તેમની જરૂરિયાત મુજબનું મૉડિફાઇ કરેલું એક સિલાઈ મશીન આપ્યું. તેમણે સિલાઈ કરતાં શીખી લીધું. એ પછી તેમણે પોતાની ક્ષમતા મુજબની ડિઝાઇન કરેલી એક રિક્ષા ખરીદી અને સંપૂર્ણ સ્વતંત્ર થઈને હરવા-ફરવાનું અને એમાંથી થોડીક આવક રળવાનું પણ શરૂ કર્યું. આ તકલીફો ઓછી હતી ત્યાં એક દિવસ હેલ્થ કથળી અને ખબર પડી કે તેમની બન્ને કિડની ફેલ થઈ ગઈ છે. અત્યારે તેઓ અઠવાડિયામાં ત્રણ દિવસ ડાયાલિસિસ કરાવે છે. હૉસ્પિટલમાં જાય ત્યારે બધાને હસાવે. હવે તો તેમને સંભળાવાનું પણ ઓછું થઈ ગયું છે પરંતુ તેઓ કોઈ ખેદમાં નથી. ઇન ફૅક્ટ તેઓ ખેલદિલી સાથે જીવી રહ્યા છે. ડાયાલિસિસ ન હોય એ દિવસે બોરીવલીથી દહાણુ સુધી રિક્ષા લઈને જઈ આવે. અત્યારે તેમની એક બહેન છે જેનાં લગ્ન થઈ ગયાં છે. મા-બાપ બન્ને ગુજરી ગયાં એટલે એ ભાઈ સાવ એકલા રહે છે. હવે તેમનો બર્થ-ડે છે જેના સેલિબ્રેશનમાં હું જવાની છું કારણ કે તેમનું આ દુનિયામાં કોઈ નથી. આપણા જીવનમાં આવતી નાની-નાની સમસ્યાઓમાં પણ આપણે હતાશ થઈ જઈએ છીએ જ્યારે આટલાં સંકટો વચ્ચે પણ ઝિંદાદિલીથી જીવી શકાય એ હું શીખી છું.’

પ્રજ્ઞાચક્ષુ દીકરીઓએ શીખવ્યું કે..

શ્રીમતી કમલા મહેતા દાદર સ્કૂલ ફૉર ધ બ્લાઇન્ડના ટ્રસ્ટી અને સેક્રેટરી ભરત ગડા બહુ નિયમિતપણે પોતાની સંસ્થાના કાર્યમાં રત છે. આ સિવાય પણ દિવ્યાંગો સાથે જોડાયેલી સંસ્થાઓમાં કામ કરી ચૂકેલા ભરતભાઈ પોતાના અનુભવથી કહે છે, ‘માત્ર પાંચ મિનિટ આંખ બંધ કરીને તમારા પોતાના ઘરમાં, જે ઘરના ખૂણેખૂણાથી તમે વાકેફ છો ત્યાં ઊભા થઈને ચાલવાની અને કૉન્ફિડન્ટ્લી રહેવાની કોશિશ કરો. તમે લડખડાશો. તમને સાચું કહું છું કે જોઈ ન શકવું એ બહુ મોટી ખોટ છે પરંતુ આ દીકરીઓના મોઢે મેં એ ખોટનો વસવસો નથી જોયો. ઇન ફૅક્ટ તેમનામાં કૉન્ફિડન્સ છે. બ્લાઇન્ડ હોવા છતાં જૉબ કરે અને ટ્રેનમાં એકલી ટ્રાવેલ કરે. તમે હાથ મિલાવો અને તમારા સ્પર્શ પરથી સમજી જાય કે તમે કોણ છો. તેમનામાં ઈશ્વરે એક્સ્ટ્રા સેન્સ આપી છે એ વાત સાવ સાચી છે, પરંતુ એનાથીયે વધુ સાચી વાત છે કે તેમણે પોતાના સંજોગોને સ્વીકારીને એમાંથી રસ્તો કાઢ્યો છે. તેમણે જીવવાના અને જીવનમાં આગળ વધવાના ફાયરને અંદર જાળવી રાખ્યો છે. આજના સમયમાં નાની-નાની વાતમાં ઍન્ગ્ઝાયટી અને ડિપ્રેશનની વાતો કરવા માંડતી નવી પેઢીએ દિવ્યાંગો સાથે કમ્પલ્સરી સમય વિતાવવો જોઈએ. જીવનને જોવાનો નવો દૃષ્ટિકોણ તમને મળશે. જોઈ નથી શકતા પરંતુ સપનાંઓ પૂરાં કરવાની તેમની મહત્ત્વાકાંક્ષાઓ મોટા ભાગની દીકરીઓમાં મેં જોઈ છે. સંસ્થામાં રહેતી આર્થિક રીતે પણ સંઘર્ષ કરતા પરિવારમાંથી આવતી હોય છે અને સાથે આંખોમાં અંધારાં સાથેની જિંદગી હોવા છતાં તેમના અંદરનું તેજ ઝળહળતું રહ્યું છે. એ આંતરજ્યોતિનો ઝળહળાટ હું શીખ્યો છું અને આજે પણ એ મારા માટે સતત પ્રેરણા પૂરી પાડવાનું કામ કરે છે.’

columnists gujaratis of mumbai mumbai exclusive gujarati mid day