21 February, 2026 03:35 PM IST | Mumbai | Deepak Mehta
નિવૃત્તિ પછી સ્વદેશમાં ફૉર્જેટે બંધાવેલો ‘કાવસજી જહાંગીર હૉલ’
પોલીસ-કમિશનર ફૉર્જેટે પોતાના જાનના જોખમે કંપની સરકારના લશ્કરના દેશી સૈનિકોનો બળવો શરૂ થાય એ પહેલાં જ દાબી દીધો. છતાં બ્રિટિશ લશ્કરના વડા પોતાની જીદ છોડતા નહોતા: નક્કી, દિવાળીના તહેવારના દિવસોમાં કોટમાં આવેલી બજારના દેશી લોકો બળવો પોકારશે. ફૉર્જેટ આ વાત માનતા નહોતા છતાં કોટ વિસ્તારના લોકોને ચેતવવા ખાતર તેમણે બૉમ્બે પોલીસના મકાનના કમ્પાઉન્ડમાં એક ખાસ પ્રકારનો ફાંસીનો માચડો (Gibbet) ઊભો કરાવ્યો અને શહેરના કેટલાક આગેવાનોને ત્યાં બોલાવી જાહેર કર્યું કે જો કોઈ પણ ઇસમ બળવો કરવાનો વિચાર સુધ્ધાં કરશે તો તેને ધોળે દિવસે, રાહદારીઓની હાજરીમાં, આ માંચડા પર લટકાવીને તાબડતોબ ફાંસી આપવામાં આવશે. આવી ચેતવણી પછી કોટ વિસ્તારના ‘દેશી’ લોકો તો સપનામાંય ‘બળવો’ કરવાનો વિચાર નહીં કરે એમ ફૉર્જેટને લાગ્યું. પણ બીજી બાજુથી બીક વધી રહી છે એમ પણ તેને લાગ્યું. ફૉર્જેટના ખબરીઓએ તેમને જણાવ્યું કે રોજ રાતે કેટલાક ‘દેશી’ સૈનિકો એક ઘરમાં ભેગા થઈ કશીક ગુસપુસ કરી રહ્યા છે. ફૉર્જેટે પોતાના ખબરીઓને તાબડતોબ તપાસ કરી રિપોર્ટ આપવા જણાવ્યું. બ્રિટિશ આર્મીના દેશી સૈનિકો સાથે જેને ઘરોબો હતો એવો એક માણસ તે ગંગાપ્રસાદ. એ ‘ભગત’ હતો, ગોર હતો અને વૈદ પણ હતો એટલે ઘણા સૈનિકોને તેનામાં પુષ્કળ વિશ્વાસ. ધોબી તળાવથી થોડે દૂર આવેલા સોનાપુર વિસ્તારના એક ઘરમાં લગભગ રોજ રાત્રે તે જતો અને મોડી રાતે ઘરે પાછો જતો. આ ખબર મળતાં જ તાબડતોબ ફૉર્જેટે આ ગંગાપ્રસાદની ધરપકડ કરી અને પોલીસની જાણીતી-માનીતી રીતે તેની પાસેથી બધી બાતમી મેળવી લીધી. બીજી જ રાતે વેશપલટો કરીને ફૉર્જેટ પહોંચ્યા સોનાપુર વિસ્તારમાં આવેલા પેલા ઘરે. ત્યાં બેઠેલા ‘દેશી’ સિપાઈઓ જે ગુસપુસ કરતા હતા એ બધી સાંભળી લીધી. આ સિપાઈઓ ભેગા મળીને દિવાળીના દિવસો દરમ્યાન બળવો કરવાનું કાવતરું ઘડી રહ્યા હતા. એ વખતે લૂંટફાટ કરીને બનતી ઝડપે મુંબઈ છોડી ભાગી જવાની યોજના ઘડતા હતા પણ આ કાવતરું ઘડનારાઓ હતા તો કંપની સરકારના લશ્કરના સૈનિકો. એટલે ફૉર્જેટ પોતે સીધી રીતે તેમની સામે કશાં પગલાં લઈ શકે એમ નહોતું. બ્રિટિશ લશ્કરના અફસરો ફૉર્જેટની વાત માનવા તૈયાર નહોતા. એટલે ફૉર્જેટ લશ્કરના વડા મેજર બેરોને મળ્યો અને બધી વાતથી તેમને વાકેફ કર્યા. તેઓ છૂપા વેશે ફૉર્જેટ સાથે સોનાપુર વિસ્તારના મકાનમાં જવા તૈયાર થયા. ત્યાંની વાતો સાંભળીને મેજર બેરો તો ડઘાઈ જ ગયા. તેમણે તાબડતોબ એ ખબર જનરલ શૉર્ટને પહોંચાડ્યા. બધી વાત સાંભળ્યા પછી શૉર્ટ બોલ્યા: ‘છેવટે ફૉર્જેટે આપણને બધાને ઊંઘતા પકડી પાડ્યા!’ સંબંધિત સૈનિકો પર તાબડતોબ લશ્કરી અદાલતમાં કામ ચલાવવામાં આવ્યું. બે મુખ્ય આરોપી ડ્રિલ હવાલદાર સૈયદ હુસેન અને સિપાઈ મંગલ ગુડેરાને સઝા-એ-મૌત ફરમાવવામાં આવી અને તેમના છ સાગરીતોને આજીવન બ્રિટિશ રાજના પ્રદેશમાંથી તડીપાર કરવામાં આવ્યા. બે સૈનિકોને દેહાંત દંડની શિક્ષા માટે પોલીસ-કમિશનરની ઑફિસની બહાર ફૉર્જેટે જે ફાંસીનો માંચડો ઊભો કરાવેલો એનો ઉપયોગ કરવામાં ન આવ્યો પણ કોટની બહારના એસ્પ્લેનેડ મેદાન (આજનું આઝાદ મેદાન)માં બે લશ્કરી તોપ લાવવામાં આવી. દિવાળીના દિવસે બન્ને ગુનેગારોને તોપના મોઢા સાથે મુશ્કેટાટ બાંધવામાં આવ્યા અને પછી તોપના ગોળા વડે તેમના શરીરના ફુરચેફુરચા ઉડાડી દેવામાં આવ્યા. એ પછી મુંબઈના રહેવાસીઓ કે લશ્કરના દેશી સૈનિકોમાંથી કોઈએ સપનામાં પણ બળવો કરવાનો વિચાર કર્યો નહીં. બીજા ત્રીસ ગુનેગારોને પણ તડીપારની સજા થઈ હતી, પણ લોકોની લાગણી વધુપડતી ઉશ્કેરાય નહીં એટલે નામદાર ગવર્નર લૉર્ડ એલ્ફિન્સ્ટને તેમને માફી આપી.
હા, આજે આપણને તોપને મોઢે ગુનેગારને બાંધીને ફાંસીની સજા આપવાનું ક્રૂર અને ઘાતકી લાગે પણ એ વખતે યરપમાં તો સજા આપવાની આવી રીતો પ્રચલિત હતી જ. આપણા દેશમાં મોગલ સામ્રાજ્યમાં પણ આવી કે આના કરતાં વધુ ઘાતકી રીતો પ્રચલિત હતી. જેમ કે ગુનેગારને જીવતેજીવત ભીંતમાં ચણી લેવો કે તેના હાથ-પગ પર મોટા ખીલા ઠોકીને તેને ભીંત સાથે જીવતો જડી દેવો. લૉર્ડ એલ્ફિન્સ્ટનનું માનવું હતું કે જો મુંબઈમાં બળવો થયો હોત તો એને પૂના, હૈદરાબાદ અને મુંબઈ ઇલાકાનાં બીજાં શહેરોમાં ફેલાતાં વાર ન લાગી હોત. અને પછી બળવાની એ જ્વાલા મદ્રાસ સુધી પહોંચી હોત. બળવો શમી ગયો અને કંપનીના રાજને બદલે તાજનું રાજ સ્થપાયું એ પછી ૧૮૫૯ના મે મહિનાની ૨૩ તારીખે લખાયેલા એક પત્ર દ્વારા નામદાર ગવર્નરે ફૉર્જેટનો ખાસ આભાર માન્યો હતો. એમાં કહેવામાં આવ્યું હતું: ‘મિસ્ટર ફૉર્જેટે જે કામ સફળતાપૂર્વક પાર પાડ્યું એ કામ અસાધારણ હિંમત, ચોકસાઈ અને નિર્ણયશક્તિ માગી લે એવું હતું. કપરી કસોટીના કાળમાં મિસ્ટર ફૉર્જેટમાં રહેલા આ બધા જ ઉમદા ગુણો પૂરેપૂરા ખીલી ઊઠ્યા હતા.’
૧૮૫૭ના બળવાના ઘા લગભગ રૂઝાવા આવ્યા હતા ત્યાં મુંબઈએ અને એટલે પોલીસ-કમિશનર ફૉર્જેટે નવી અને સાવ જુદી જાતની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. આ પરિસ્થિતિ એ અસાધારણ સમૃદ્ધિની પરિસ્થિતિ. ૧૮૬૧ના એપ્રિલની ૧૨ તારીખે અમેરિકામાં આંતરવિગ્રહ શરૂ થયો. પરિણામે મૅન્ચેસ્ટરની કાપડ મિલોને અમેરિકન રૂ (કપાસ) મળતું બંધ થયું. એટલે એ મિલોએ હિન્દુસ્તાનથી અને ખાસ કરીને મુંબઈથી ઊંચા ભાવે કપાસ ખરીદવાનું શરૂ કર્યું. પરિણામે હિન્દુસ્તાનના કપાસના ભાવ આસમાને ગયા. કહેવાય છે કે મુંબઈ શહેરના જ નહીં, મુંબઈ ઇલાકાના ઘણા લોકોએ ઘરનાં ગાદલાં-ઓશીકાં ફાડીને એમાંનું રૂ પણ વેચી નાખ્યું હતું. મુંબઈમાં પૈસાની રેલમછેલ થઈ. કપાસના વેપારીઓને લોન આપવા રાતોરાત નવી બૅન્કો ઊભી થઈ. નવી-નવી કંપનીઓ ઊભી થઈ. શૅરની લે-વેચથી મુંબઈનું શૅરબજાર ધમધમવા લાગ્યું.
૧૮૬૩ના એપ્રિલમાં કવિ દલપતરામ મુંબઈની મુલાકાતે આવેલા ત્યારે મુંબઈની જાહોજલાલી જોઈ આભા થઈ ગયા હતા. તેમણે લખ્યું:
લંકાની લક્ષ્મી બધી,
છે મુંબઈ મોઝાર
જેણે મુંબઈ જોઈ નહીં,
અફળ ગયો અવતાર
બરાબર આ જ વખતે ૧૮૬૨માં મુંબઈને નવા ગવર્નર મળ્યા, સર બાર્ટલ ફ્રેરે. એ હતા ઉદારમતવાદી. શૅરબજારના બેતાજ બાદશાહ ગણાતા પ્રેમચંદ રાયચંદને ફ્રેરે સાથે સારો સંબંધ બંધાયો. નવી બૅન્કો, નવા વેપારીઓ, નવી રેક્લેમેશન યોજનાઓને ગવર્નરે ટેકો આપ્યો. તો બીજી બાજુ એ વખતે ફૂટી નીકળેલી ઢગલાબંધ ‘રેક્લેમેશન’ કંપનીઓ દરિયો પૂરીને નવી જમીન મેળવવામાં પડી હતી. દેશાવરમાંથી મજૂરો, વેપારીઓ, આડતિયાઓ વગેરેનાં ધાડેધાડાં મુંબઈ આવવા લાગ્યાં. વસ્તી વધતી ગઈ. આ બધાંને લીધે પોલીસ-કમિશનર ફૉર્જેટનું કામ ઘણું વધ્યું એટલું જ નહીં, કામનું સ્વરૂપ પણ બદલાયું. પહેલાં ચોર-ડાકુ પકડવાના હતા, મુંબઈમાં બળવો ન ફાટી નીકળે એનું ધ્યાન રાખવાનું હતું. હવે વેપારવણજમાં હેરાફેરી કરી લોકોને ખંખેરતા વેપારીઓને પકડી પાડવાના હતા. રાતોરાત પૈસાદાર થઈ ગયેલા લોકોની સાથે તેમને ખંખેરી નાખનારા ઉસ્તાદો પણ મન ફાવે એમ આખા શહેરમાં આવન-જાવન કરતા હતા. વધતી વસ્તી સાથે નાનામોટા ગુના પણ વધ્યા જ. એ બધા સાથે કામ પાર પાડવાનું હતું પોલીસ-કમિશનર ફૉર્જેટે. વળી આ જ અરસામાં ફૉર્જેટને માથે એક વધારાની જવાબદારી આવી: મુંબઈના મ્યુનિસિપલ કમિશનરનો વધારાનો હોદ્દો પણ તેમને સોંપવામાં આવ્યો.
ફૉર્જેટે કડક હાથે કામ લઈ મુંબઈમાં કાયદો અને વ્યવસ્થામાં પુષ્કળ સુધારા કર્યા એ વિશે આભાર વ્યક્ત કરવા મુંબઈના વેપારીઓએ ૧૩૦૦ પાઉન્ડ જેટલી રકમ ભેગી કરી ફૉર્જેટને ‘થેલી’ આપી. તો કૉટન મર્ચન્ટ્સ અસોસિએશને ૧૫૦૦ પાઉન્ડ જેટલી રકમ તેમને ભેટ ધરી. બૅકબે રેક્લેમેશન કંપનીએ પોતાના પાંચ શૅર ફોર્જેટને ભેટ આપ્યા. એ શૅરનો ભાવ જ્યારે આસમાને ગયો ત્યારે એ વેચીને ૧૩,૫૮૦ પાઉન્ડ જેટલી રકમ ફૉર્જેટને મોકલી આપી (એ જમાનામાં સરકારની મંજૂરી લીધા પછી સરકારી નોકરો આવી ભેટો સ્વીકારી શકતા). પણ હા, ફૉર્જેટના મનની એક વાત તેના મનમાં જ રહી ગઈ. તેને હતું કે ૧૮૫૭ના બળવા વખતે પોતે જે કાંઈ કર્યું એને ધ્યાનમાં લઈને ઉપરીઓ તેને ‘સર’નો નહીં તો બીજો કોઈ ઇલકાબ આપશે. સરકારે વખાણ કર્યાં, વધારાનું પેન્શન મંજૂર કર્યું પણ કોઈ ઇલકાબ ફૉર્જેટને આપ્યો નહીં. કેટલાક માને છે કે એનું કારણ એ કે ફૉર્જેટ પાક્કો અંગ્રેજ બચ્ચો નહીં, ઍન્ગ્લો-ઇન્ડિયન ઓલાદ હતો.
છેવટે ૧૮૬૪ના એપ્રિલમાં ફૉર્જેટે નિવૃત્તિ લીધી અને ઇંગ્લૅન્ડ પાછા જવાની તૈયારી કરી. એ વખતે કોઈક કારણે સર કાવસજી જહાંગીરે તેને બહુ મોટી રકમ ભેટ આપી. એટલે ગ્રેટ બ્રિટન ગયા પછી ફૉર્જેટે ૨૬ એકર જેટલી જમીન ખરીદી. એના પર બાંધવાના મકાનનો નકશો પોતે બનાવ્યો અને એ પ્રમાણે જે ભવ્ય ઇમારત ઊભી થઈ એને નામ આપ્યું ‘કાવસજી જહાંગીર હૉલ’. તેણે બંધાવેલી ઇમારતમાં ભારતીય સ્થાપત્યનાં ઘણાં લક્ષણો જોવા મળતાં હતાં. ૧૮૯૦ના જાન્યુઆરીની ૨૭ તારીખે લંડનમાં ફૉર્જેટનું અવસાન થયું.
મુંબઈની ફૉર્જેટ સ્ટ્રીટ પર આંટો મારવા આપણે નીકળેલા. અને પહોંચી ગયા છેક લંડન.
હવે? ન જાણ્યું જાનકીનાથે... તો આપણે તે વળી કોણ જાણનારા?