15 August, 2025 05:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)
થોડા સમય પહેલાં જ સ્વીડનમાં સ્થાયી થયેલી એક મિત્રને મેં પૂછ્યું કે હૅપીનેસ ઇન્ડેક્સમાં સ્વીડન ઘણું આગળના ક્ર્મે છે, આનું કારણ શું લાગે છે? તેણે કહ્યું કે અહીં લોકો બહુ ઓછું બોલે છે એ જ કારણ. તેણે એ જવાબ કદાચ મજાકમાં આપ્યો હતો, પરંતુ ઘણી ગેરસમજણો અને તકરારો વધુ બોલવાથી થાય છે એ આપણે જોયું જ છે. એની સાથે-સાથે જ એ પણ એટલું જ સાચું છે કે કેટલાક વાક્ચતુરોને પોતાની બોલવાની સ્માર્ટનેસથી ભલભલી બાજીઓ ઊલટાવી દેવાની પણ ફાવટ હોય છે.
આવી જ એક ઘટના યાદ આવે છે. અમે પત્રકાર મિત્રો એક બપોરે લંચ લેતાં-લેતાં એક પ્રતિભાવંત ફિલ્મ-ઍક્ટ્રેસ વિશે ચર્ચા કરી રહ્યા હતા. ત્યાં અમારા એક સિનિયર કલીગ પણ અમારી સાથે જોડાયા અને તેમણે એક કમેન્ટ કરી. તેમણે તે ઍક્ટ્રેસની સરખામણી માટે ‘ઊતરેલો ઘોડો’ શબ્દો વાપર્યા. તેમના જેવા સિનિયર પાસેથી એ શબ્દો સાંભળીને અમારી યંગ ટોળકીના સભ્યો હસી પડ્યા, પરંતુ મને અંગત રીતે તેમની એ કમેન્ટ સુરુચિનો ભંગ કરનારી લાગી.
પ્રાથમિક હસાહસ શમી એટલે મેં મારી નારાજગી વ્યક્ત કરી કે કોઈ પણ સ્ત્રી માટે આ પ્રકારનો શબ્દપ્રયોગ યોગ્ય નથી લાગતો. મંડળીના એકાદ-બે સભ્યોએ મારી વાતમાં સંમતિનો સૂર વ્યક્ત કર્યો, પરંતુ પેલા સિનિયરને પોતાની કમેન્ટમાં કંઈ ખોટું કે ઔચિત્યભંગ જેવું નહોતું લાગ્યું. તેમણે મારી પ્રતિક્રિયામાં વધુ મિત્રો જોડાય એ પહેલાં જ નવો જંગ ખોલી નાખ્યો : ‘અરે, મારી કમેન્ટ સાંભળીને હસવામાં તો તમે પણ જોડાયાં હતાં અને પાછાં કહો છો કે તમને એમાં સુરુચિભંગ લાગ્યો?’ અને તેમણે આખી ચર્ચાને આડે પાટે ચડાવી દીધી. મેં કહ્યું કે એ શબ્દો મેં પહેલી જ વાર સાંભળ્યા હતા અને તમારા જેવા સિનિયર પાસેથી એ સાંભળતાં મને હસવું આવ્યું હતું, પણ એ જે પરિપ્રેક્ષ્યમાં પ્રયોજાયા એની સામે મારો વાંધો છે અને મારો એ અણગમો મારા ચહેરા પર તમે જોયો જ હશે. જોકે તે બાહોશ અને જમાનાના જાણકાર બુઝુર્ગે મારા શબ્દોને લેશ પણ કાને ધર્યા વિના પૂરી ચર્ચા ‘કોણ હસ્યું ને કેટલું હસ્યું’ એના પર ચડાવી દીધી! મુદ્દો તો ઊડી જ ગયો!
ચાલાક વાક્પટુઓની આ જ તો તાસીર હોય છે. ક્યાંક પોતાનાથી કોઈ ચૂક થઈ ગઈ છે એમ લાગે કે તરત જ આખી વાતને બીજે પાટે ચડાવી દેવાની. મૂળ મુદ્દાનો પૂરેપૂરો છેદ ઉડાડી દેવાની ફાવટ પણ તેમને હોય છે. આવા લોકો પોતાની હોશિયારી પર ખુશ તો થતા જ હશેને?
-તરુ મેઘાણી કજારિયા