21 November, 2025 11:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
આ શબ્દો વાંચતાં કે સાંભળતાં આપણામાંથી મોટા ભાગના લોકોએ કંઈક અજુગતી કે અરુચિકર લાગણી અનુભવી હશે, પરંતુ બે મહિના પછી ઇન્ડિયન વીમેન પ્રીમિયર લીગ (WPL) શરૂ થઈ રહી છે અને એ અગાઉ જ જુદા-જુદા ટીમમાલિકો પોતાની ટીમ માટે ખેલાડીઓની પસંદગી કરશે ત્યારે ‘જેમિમા આટલામાં ગઈ’ કે ‘શફાલીને આટલામાં ખરીદી’ જેવાં વાક્યો સામાન્યપણે સંભળાતાં ને વંચાતાં થઈ જશે.
૧૭ વર્ષ અગાઉ ૨૦૦૮માં પુરુષ ખેલાડીઓ માટેની ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની શરૂઆત થઈ ત્યારે ધોનીને અમુક ટીમે ખરીદ્યો કે કોહલી અમુક રકમમાં વેચાયો જેવાં વાક્યો પહેલી વાર સાંભળ્યાં ત્યારથી મનમાં એક નારાજગી જન્મતી હતી. બાળપણમાં ઇતિહાસમાં ગુલામી પ્રથા વિશે ભણ્યા હતા. ગુલામોની બજારમાં હરાજી થતી, ગુલામોનાં વેચાણ અને ખરીદી થતાં અને આગળ જતાં સિવિલાઇઝ્ડ સોસાયટી દ્વારા એ અમાનુષી પ્રથા બંધ કરવામાં આવી એવી વાતો વાંચી હતી. ખરીદી અને વેચાણની વિભાવના વસ્તુઓ અને સેવાઓ સાથે તથા ખેતી કે પશુપાલનનો સંબંધ છે ત્યાં પ્રાણીઓની સાથે સંકળાયેલી રહી હતી. એટલે આમ દેશ અને દુનિયામાં કરોડો ચાહકો ધરાવતા ક્રિકેટરોની ખરીદીની વાત મનમાં ખૂંચતી હતી. એમાં બે વર્ષ પહેલાં ૨૦૨૩માં મહિલાઓ માટેની IPL શરૂ થઈ ત્યારે તો આ વિચાર વારંવાર અને વધુ દૃઢપણે મનને આમળવા લાગ્યો. સ્મૃતિ, હરપ્રીત, માનસી કે કોઈ પણ યુવતીની સાથે ‘વેચાઈ’ કે ‘ખરીદાઈ’ શબ્દો વાંચતાં પેલો ખટકો વધુ તીવ્રપણે અનુભવાય છે.
શું અંગ્રેજ શાસનની ભેટ જેવા આ ઑક્શન કે હરાજી અને ખરીદી કે વેચાણ જેવા શબ્દપ્રયોગોને બદલે કોઈ આગવા સન્માનપૂર્ણ શબ્દોનો ઉપયોગ ન કરી શકાય? વિવિધ ટીમો દ્વારા ખેલાડીઓની પસંદગી સંબંધિત સમગ્ર પ્રક્રિયાને માટે કોઈ વૈકલ્પિક ટર્મિનોલૉજી વિકસાવવી જોઈએ એવું નથી લાગતું? મને એક વિચાર આવે છે : ઑક્શનને બદલે પ્લેયર્સ રિવૉર્ડ સેરેમની (PRS) અથવા પ્લેયર્સ સિલેક્શન ઇવેન્ટ (PSE) અને કિંમતને સ્થાને રિવૉર્ડ પૉઇન્ટ્સ જેવા શબ્દોનો ઉપયોગ કરી શકાય. ‘જેમિમાને મુંબઈ ઇન્ડિયન્સે ૧,૫૦,૦૦૦ રિવૉર્ડ પૉઇન્ટ્સથી સન્માની’ કે ‘શેફાલી માટે ૧૦ લાખ રિવૉર્ડ પૉઇન્ટ્સનું સન્માન’ એવાં વાક્યો કાનને ખૂંચે નહીં અને મનને ખટકે પણ નહીં. પ્રસૂન જોશી કે તેમના જેવા ક્રીએટિવ મીડિયા પ્રોફેશનલ્સ પાસેથી જરૂર કોઈ બહેતર વિકલ્પ મેળવી શકાય. તમે પણ વિચારો.