26 March, 2026 12:39 PM IST | Mumbai | Jayesh Chitalia
ફિલ્મનો સીન
એક તરફ જગતભરમાં યુદ્ધની ચર્ચા ચાલી રહી છે તો બીજી તરફ ભારતમાં યુદ્ધ ઉપરાંત ‘ધુરંધર’ ફિલ્મની ચર્ચા જોરમાં છે. શા માટે ‘ધુરંધર’ આટલી બધી ચર્ચામાં છે? ફિલ્મ તો ચર્ચામાં છે જ, એ ઉપરાંત એના વિવિધ કિરદારો અને ડિરેક્ટર પણ તથા એનું ઐતિહાસિક કલેક્શન પણ ચર્ચામાં છે. બાય ધ વે, ‘ધુરંધર’ ફિલ્મ પોતે એક નવો ઇતિહાસ બની ગઈ છે. શા માટે એક ફિલ્મની આટલી બધી બોલબાલા? અગાઉ પણ અનેક ફિલ્મો આવી છે, સુપરડુપર હિટ થઈ છે; પરંતુ ‘ધુરંધર’ જેવો ક્રેઝ ક્યારેય જોવાયો છે ખરો? જ્યાં લોકોને બે મિનિટની રીલ પણ લાંબી લાગતી હોય એવા શૉર્ટ ટાઇમ-સ્પૅનના માહોલમાં ૪ કલાક લાંબી ‘ધુરંધર’ને લોકો હોંશે-હોંશે જોવા જાય છે. શું છે આખરે આ ફિલ્મમાં? શેની અસર છે? કોનો પ્રભાવ છે?
ફિલ્મ-ઉદ્યોગમાં આ ક્રાન્તિ જેવી ઘટનાને મનોવૈજ્ઞાનિક દૃષ્ટિથી જોવાનો પ્રયાસ કરીએ. ધુરંધર’ ભારતીય પ્રજાના પ્રત્યાઘાત-પ્રતિભાવ અને આક્રોશનો જબરદસ્ત પડઘો છે, વર્ષોથી દિલમાં ધરબાયેલી આગનો વિસ્ફોટ છે; જે આતંકવાદીઓ-ત્રાસવાદીઓએ ભારતને સતાવ્યું છે, ભારતની નિર્દોષ પ્રજાના પ્રાણ લીધા છે, આપણા દેશ પર ગમે ત્યારે બૉમ્બબ્લાસ્ટ કર્યા છે, છૂપાં આક્રમણો કર્યાં છે, નિર્દોષ લોકોને તેમનો ધર્મ પૂછીને ક્રૂરતાથી માર્યા છે કે મારી નાખ્યા છે આવા એક ચોક્કસ વર્ગ સામેનો આક્રોશ અને બદલો (રિવેન્જ) છે. ‘ભારતે બહુ સહન કર્યું, હવે બસ, એમ ખુલ્લેઆમ કહેવાનો પ્રતિઘોષ છે.’
‘ધુરંધર’ તો કાલ્પનિક કથા છે, પરંતુ એની ભીતર કડવી-ઘૂંટાયેલી વાસ્તવિકતા સમાયેલી છે જે ભારતની પ્રજાએ જોવા ઉપરાંત સહન કરી છે. આ માત્ર બદલો નહીં બળવો પણ કહી શકાય. આ બદલાયેલું ભારત છે, બદલાયેલા લોકો છે. આ પરિવર્તન પામેલી વિચારધારા છે. અલબત્ત, આ ઘટનામાં અમુક દેશ પ્રત્યે પણ આક્રોશ આવી જાય છે, પરંતુ એ આક્રોશ દેશ કે એની પ્રજા સામે કરતાં ચોક્કસ વર્ગ સામે છે જે ભારત વિરુદ્ધ સતત ઝેર ઓક્યા કરે છે અને ભારતને વારંવાર ટાર્ગેટ બનાવ્યા કરે છે જેમાં ભારતની જનતાએ સતત ભયમાં જીવતા રહેવું પડે છે. યાદ કરીએ એ સમય જ્યારે આડેધડ બૉમ્બબ્લાસ્ટની ઘટનાઓ સહન કર્યા બાદ આપણે લોકલ ટ્રેનમાં બેસીએ કે એકની એક સૂચના કે ચેતવણી સતત સાંભળવા મળતી હતી કે ‘કૃપયા ધ્યાન દીજિએ, યદી આપકો કોઈ ભી વસ્તુ અપરિચિત મિલે યા દિખે તો ઉસે છુઈએ મત...’ આપણને ૨૪ કલાક ભયમાં રાખવાનો આ માહોલ એક ચોક્કસ વર્ગે બનાવ્યો હતો. આપણને ટ્રેનમાં મુસાફરી કરતાં, અજાણ્યા સામાન તરફ જોતાં કે અડતાં, પોતાનો સામાન ભૂલી જવાનો પણ ડર લાગતો હતો. કોઈ સ્કૂટર કે કાર અજાણ્યાં ઊભાં હોય તો પણ ફફડાટ થતો, બૉમ્બનિષ્ણાતોને દોડાવવા પડતા. કેટલાય સમય સુધી જ્યાં જઈએ ત્યાં ભય કે શંકા મન પર સવાર રહેતી, પરિવારોને પોતાના પ્રિયજનોની સતત ચિંતા રહેતી.
યાદ કરીએ નસીરુદીન શાહની ‘અ વેનસ્ડે’ ફિલ્મને જેણે કૉમન મૅનને સ્ટુપિડ કહીને સામાન્ય પ્રજાની કથા અને વ્યથા કહી હતી. એમાં દર્શાવાયેલા ચોક્કસ આતંકવાદીઓના સંવાદોએ ભારતની પ્રજામાં આગ પ્રગટાવી હતી : હમ તો યૂંહી મારતે રહેંગે, ક્યા કર લોગે તુમ...’ એમ કહીને એ લોકો તારીખ અને વર્ષ સાથે ભારત સરકાર અને પ્રજાના જખમ પર નમક નાખતા અને પડકારતા હતા. ‘અ વેનસ્ડે’ને ભલે ‘ધુરંધર’ જેવી સફળતા મળી નહોતી, પરંતુ એણે લોકો ભૂલી ન શકે એવી ધારદાર અને યાદગાર છાપ તો ચોક્કસ છોડી હતી. બીજી એક ફિલ્મ ‘ઉરી’ને પણ યાદ કરવી પડે. ‘હાઉ’ઝ ધ જોશ...’ આ સંવાદ એક આક્રોશ તરીકે લાંબો સમય ગુંજતો રહ્યો હતો. આવા તો અનેક દાખલા આપણી સામે છે. ભારતની પ્રજાની વિચારધારા અને માનસિકતામાં જે પરિવર્તન છેલ્લા દોઢ દાયકામાં આવતું ગયું છે એના પુરાવા આવી ફિલ્મોમાં પ્રતિબિંબિત થાય છે.
આ ફિલ્મો દેશભક્તિની ફિલ્મો કરતાં દેશદાઝની વધુ કહી શકાય અને એનાથી પણ વધુ રિવેન્જની-પ્રતિશોધની વધુ કહી શકાય.
માનવીય લાગણી અને સ્વભાવની કે માનસિકતાની વાત કરીએ તો ફિલ્મોમાં જ્યારે પણ વિલનના જુલમ બતાવવામાં આવે ત્યારે શ્રોતાઓના લાગણીતંત્રને ચોક્કસ અસર થાય છે અને એક છૂપો ક્રોધ તેમની અંદર જનમ લઈ લે છે. પછી જ્યારે તે વિલન સામે હીરો બદલો લઈને તેને માત કરે છે ત્યારે આ જ શ્રોતાઓમાં આનંદ ઉછાળા મારે છે, ત્યારે જ સીટી વાગે છે. આમ તો એ સામાન્ય કાલ્પનિક વાર્તાવાળી ફિલ્મો હોય છે તો પણ માનવીય સંવેદનાને અસર કરે છે; જ્યારે ‘ધુરંધર’, ‘ઉરી’, ‘અ વેનસ્ડે’, ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ જેવી ફિલ્મો તો હકીકત-આધારિત છે. એમાં ક્યાંક ચોક્કસ ફિક્શન કે કલ્પનાનો આશરો ભલે લેવાયો હોય, પરંતુ એની મૂળ કથામાં હકીકત છે. ફિલ્મો એક એવું માધ્યમ છે જેની સમાજ પર વ્યાપક અને ઊંડી અસર થાય છે. અલબત્ત, એ ફિલ્મ કયા આધારે બની છે, એનું લક્ષ્ય શું છે, એનો સંદેશ શું છે, એ માનવીય લાગણીતંત્રને કેટલી સ્પર્શે છે એ મહત્ત્વનું રહે છે. આવી નાની-નાની પ્રતિક્રિયાઓ બહુ મોટી ક્રાન્તિને જન્મ આપવાની શક્તિ ધરાવતી હોય છે. એમને માત્ર કોઈ નેતૃત્વ, કોઈ જોરદાર જોશ, કોઈ ચિનગારી જોઈતાં હોય છે.
વિશ્વ અત્યારે યુદ્ધની આગમાં લપેટાતું જઈ રહ્યું છે જેની અસર જેમને યુદ્ધમાં કોઈ રસ નથી, જેઓ આ યુદ્ધનો કોઈ ભાગ નથી એમ છતાં તેમના પર પડી રહી છે. કરોડો લોકો વિના વાંકે સહન કરી રહ્યા છે. અરે, યુદ્ધ કરનારા દેશોની પ્રજાના પણ બહુ મોટા વર્ગને આની સામે વાંધો-વિરોધ હશે. છતાં તેમના ભાગે પણ આની વેદના આવી છે. આ તમામ સંજોગો અને માહોલ વચ્ચે ભારત આપોઆપ એક એવા દેશ તરીકે ઊભરી રહ્યું છે જે વિશ્વને સંદેશ આપી શકે છે. ભારતની પ્રજા નવા ઉમંગ અને ઉદ્દેશ સાથે જાગ્રત અને સક્રિય થઈ રહી છે. ‘નયા ખૂન હૈ, નયી ઉમંગેં, અબ હૈ નયી કહાની... હમ હિન્દુસ્તાની...’ આ ગીતને નવેસરથી યાદ કરવાનું દિલ થાય કે નહીં? તમે જ વિચારો અને નક્કી કરો.