પૈસાદાર લોકોને નુકસાન થાય ત્યારે કોણ-કોણ રાજી થતું હોય છે?

13 April, 2025 04:17 PM IST  |  Mumbai | Jayesh Chitalia

તેમને પૈસા હોવા છતાં શૅરબજારમાં કોઈ રસ જ ન હોય એવું પણ બને. તેથી આવા લોકો પોતે શૅરબજારમાં નાણાં ગુમાવ્યાં નથી એનો પણ આનંદ લેતા હોય છે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

તાજેતરમાં અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના નામે શૅરબજારોમાં ભારે મૂડી ધોવાણ થયું, કરોડો લોકોનાં નાણાં ડૂબ્યાં, નુકસાન થયું, અનેક લોકોના વેપારને ભારે અસર થઈ, ગ્લોબલ મંદીની વાતો પ્રસરવા લાગી, કરોડો લોકો દુખી-દુખી થયા. પરંતુ આ સાથે કરોડો લોકો રાજી પણ થયા. તમને થશે કે રાજી થયા? એ વળી કોણ લોકો? શા માટે રાજી થયા? રાજી થનારાઓને શું લાભ થયો?

આમ તો સવાલો વાજબી છે, પણ જવાબો માણસોની માનસિકતા-વિચારધારા તરફ લઈ જાય છે. આવા સમયમાં રાજી એ લોકો થાય છે, જેમને શૅરબજારમાં કમાણી કરનારાઓની ગુપ્ત ઈર્ષ્યા થતી હોય છે. આમ તો ઘણા કિસ્સાઓમાં આ રાજી થનારાઓને તેમની સાથે સીધો કોઈ સંબંધ  હોતો નથી. તેઓ તેમના શત્રુ પણ હોતા નથી. તેમ છતાં માનવીઓના મનમાં છુપાઈને બેઠેલી અદેખાઈ સહજપણે બહાર આવે છે. સાલા બહુ મજા કરતા હતા, બહુ પોતાને ખાં સમજતા હતા, બહુ પૈસા-પૈસા કરતા હતા, વગેરે જેવાં વિધાનો એ લોકો માટે ચર્ચાતાં થાય છે. આમાં એક બહુ મોટો વર્ગ એવો પણ હોય છે જે શૅરબજારમાં રોકાણ કરતો હોતો નથી અથવા તેમની પાસે શૅરબજારમાં રોકાણ કરવા માટે નાણાં હોતાં નથી, તેમને પૈસા હોવા છતાં શૅરબજારમાં કોઈ રસ જ ન હોય એવું પણ બને. તેથી આવા લોકો પોતે શૅરબજારમાં નાણાં ગુમાવ્યાં નથી એનો પણ આનંદ લેતા હોય છે.

માણસ એવું પ્રાણી છે જેને બીજાઓને આર્થિક નુકસાન થાય એ જોવાની-સાંભળવાની પણ મજા આવે છે. સમાજના અમુક વર્ગમાં અમીર અને સફળ વિરોધી તત્ત્વો ઘર કરી બેઠાં હોય છે. સમાજવાદીઓ, સામ્યવાદીઓ સહિત મૂડીવાદી વિરોધી વર્ગને સંપત્તિવાન લોકોને પડતા મારની મજા આવતી હોય છે. બીજાઓના, ખાસ કરીને મોટા વર્ગના અહંકારને કે મોટાઈને નુકસાન થાય એવી વાતો ચોક્કસ વર્ગોમાં રસપ્રદ વિષય બની વ્યંગ અને નિંદા સાથે ચર્ચાતી રહે છે.

અનેક લોકો શૅરબજાર કે સંપત્તિની વાતોથી તેમનામાં રહેલા પૂર્વગ્રહને કારણે પણ રાજી થાય છે, માણસ નામનું પ્રાણી એવું વિચિત્ર અને ક્રૂર પણ હોય છે કે જે બીજાનાં દુઃખો જોઈ સુખ ફીલ કરે છે. અલબત્ત, બીજાનાં દુઃખ-દર્દ જોઈ દુખી થનારા કે કરુણા ફીલ કરનારા પણ હોય છે. જોકે આવા માણસોના મનમાં પણ ખરેખર શું ચાલી રહ્યું હોય એ કહી કે કળી શકાય નહીં.  જેમ કમાણી કે લાભની વાત હોય ત્યાં બીજા લઈ ગયા, અમે રહી ગયાની લાગણી હોય છે એમ બીજા લૂંટાયા, અમે બચી ગયા જેવી લાગણી પણ હોય છે. જેમ માણસ પોતાના ફ્લૅટમાં વીજળી જતાં અંધારું થઈ જવા પર બહાર આવી જુએ છે અને આખા મકાનમાં વીજળી ગઈ છે એવી ખબર પડતાં હાશકારો અનુભવે છે કે હાશ, મારા એકલાના ઘરની લાઇટ નથી ગઈ... માણસ છે ભાઈ, માણસનું કંઈ કહેવાય નહીં...

stock market share market donald trump finance news indian economy business news columnists gujarati mid-day mumbai jayesh chitalia