09 May, 2025 08:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આ અઠવાડિયું શરૂ થયું ત્યારથી કોઈ પણ આપત્તિ કે આકસ્મિક પરિસ્થિતિ માટે સજ્જ રહેવાની એંધાણીઓ મળી રહી હતી. દેશના અનેક વિસ્તારોમાં આકસ્મિક કોઈ આપત્તિજનક પરિસ્થિતિ ઊભી થાય તો એનો સામનો કઈ રીતે કરવો એ માટે નાગરિકોને સજ્જ બનાવવા મૉક-ડ્રિલ થઈ રહી હતી. ત્યાં મંગળવારની મધરાતે દેશવાસીઓ ઊંઘી ગયા હતા ત્યારે દેશના રક્ષકોએ દેશના દુશ્મનોને પાઠ શીખવવાનું મહત્ત્વનું કામ ચૂપચાપ પાર પાડી દીધું! ગયા મહિને પહલગામમાં થયેલા ભયંકર આતંકવાદી હુમલાની ટીસ એ ગોઝારા હુમલામાં જાન ગુમાવનારા નિર્દોષોની સાથે-સાથે જ કરોડો દેશવાસીઓએ પણ અનુભવી છે. અને હવે આવાં આતંકવાદી આક્રમણોનો અંત આવવો જ જોઈએ એવી માગ દેશભરમાંથી ઊઠી હતી. એટલે જ ઑપરેશન સિંદૂરે એ પીંખાઈ ગયેલા પરિવારો સહિત તમામ દેશવાસીઓને ન્યાય મળ્યાનો સંતોષ આપ્યો છે કદાચ! અલબત્ત, યુદ્ધ વિશેનો ફફડાટ પણ અનુભવાય જ. દરમિયાન ૨૦૨૫ની સાઇરનના સૂર અને અંધારપટ વિશેની સૂચનાઓ સાંભળતાં સાડાપાંચ દાયકા પહેલાંનો એક સમયખંડ મારી આંખો સામે આળસ મરડીને બેઠો થઈ ગયો. ૧૯૬૨ની ચીન સાથેની અને ૧૯૬૫ તથા ૧૯૭૧ની પાકિસ્તાન સાથેની લડાઈઓ વખતે અમે કલકત્તામાં હતા. નવ-દસ વર્ષની બાળકી અઢાર વર્ષની કિશોરી બની એ ગાળામાં. સ્કૂલને બદલે તે કૉલેજની વિદ્યાર્થિની બની ગઈ હતી. એ જમાનામાં છાપાં અને રેડિયો એટલાં જ માધ્યમો હતાં. સમાચાર બુલેટિનના સમયે પરિવારના અને આસપાસનાં ઘરોના લોકો પણ એકધ્યાન થઈ રેડિયો પર કાન માંડી ગોઠવાઈ જતા. સાઇરન વાગતી અને અંધારપટ પણ થતાં. એ દિવસોમાં સાંજ પડતાં જ કલકત્તા શહેર આખું જાણે નવરું ધૂપ થઈને બેસી જતું. આમેય ત્યાં દિવસ ટૂંકો અને અંધારું તો એટલું વહેલું થઈ જાય કે જાણે રાત સાંજને ગળી ગઈ હોય એમ લાગે.
મને યાદ છે, અંધારપટના એ દિવસોમાં અમે સ્કૂલેથી આવીને લેસન પહેલાં પતાવી લેતા. અંધારામાં ઘરની બહારના ચોકમાં બેસીને પુરુષો યુદ્ધની વાતો કરતા. સ્ત્રીઓ અને બાળકો પોતપોતાના વર્તુળ બનાવીને નિરાંતે વાતો કરતાં. સ્ત્રીઓ આઝાદી પછી તરત થયેલા હુલ્લડની ડરામણી યાદો તાજી કરતી. મારો-કાપોના નારાઓ વચ્ચે કેટલા ડરામણા માહોલમાં રહેતા હતા બધા! અને સાથે જ કોઈક મહામના પરિવારના સખાવતી રસોડે કેવા બધા સાથે જમતા અને ગુજરાતી-મારવાડી પરિવારો વતનથી દૂર પણ એકમેકમાંથી કેવી પોતાપણાની હૂંફ પામતા એનાં મૂલ્યવાન સંભારણાં વાગોળતા. અમે બધી બહેનપણીઓ પણ સાથે મળીને રમતો રમતી, યુદ્ધજન્ય અનર્થો અને અહિતથી બેખબર!