18 December, 2025 01:22 PM IST | Mumbai | Kajal Rampariya
કંકોતરી-લેખનની ઝલક
ગોરેગામમાં રહેતાં ફૅશન-ડિઝાઇનર પરિણી ગાલા માટે દીકરી રુત્વીનાં લગ્ન માત્ર સામાજિક પ્રસંગ નથી પણ એક એવી ઇમોશનલ ગિફ્ટ છે જે તેને જીવનભર યાદ રહે. ૭ વર્ષથી કૅનેડામાં રહેતી તેમની દીકરી લગ્ન કરવા માટે ભારત આવવાની છે. તે વસંત પંચમીના દિવસે એટલે કે ૨૩ જાન્યુઆરીના દિવસે તેના પરણેતર નિયંત શાહ સાથે પ્રભુતામાં પગલાં માંડશે ત્યારે કંકોતરી-લેખનની વિધિને ખાસ રંગ આપવા માટે પરિણી ગાલાએ પારંપરિક રિવાજથી અલગ ઍરપ્લેનની થીમ પર સજાવટ કરી હતી. નાના-નાના ડીટેલિંગ પર પણ બહુ ધ્યાન અપાયું હતું. કંકોતરી પણ નૉર્મલ નહીં પણ બોર્ડિંગ પાસ અને પાસપોર્ટની થીમની બનાવવામાં આવી છે. મોટા ભાગનાં લગ્નોમાં જ્યાં સ્ત્રીઓ પટોળાં, બાંધણી અને ઘરચોળામાં જોવા મળે છે ત્યાં આ સિંગલ મધરે કંકોતરી-લેખનના પ્રસંગને એટલો યુનિક અને હટકે બનાવ્યો છે કે ફક્ત દીકરી માટે જ નહીં પણ આખા પરિવાર માટે લાઇફટાઇમ યાદ રહી જાય.
દીકરીનાં લવ-મૅરેજ
થીમ-બેઝ્ડ કંકોતરી-લેખનનો વિચાર તો કોઈએ નહીં કર્યો હોય તો ઘરને ઍરલાઇનમાં કન્વર્ટ કરવાનો વિચાર કઈ રીતે આવ્યો એ વિશે જણાવતાં પરિણી કહે છે, ‘મારી દીકરી રુત્વી કૅનેડામાં સેટલ્ડ છે. મારા જમાઈ નિયંત શાહ આઠ વર્ષથી ત્યાં છે. રુત્વી અને નિયંત બન્ને કૅનેડાની કૉલેજમાં મળ્યાં. નિયંતે રુત્વીને કૉલેજની લિફ્ટમાં જોઈ અને પહેલી નજરમાં જ તેને ગમી ગઈ. ગયા વર્ષે જ પ્રપોઝ કર્યું અને વાત અહીં લગ્ન સુધી પહોંચી. અત્યારે તો દીકરી અને જમાઈ કૅનેડામાં જ છે, પણ લગ્ન કરવા ભારત આવશે. અમે તેમની ગેરહાજરીમાં કંકોતરી-લેખનની વિધિ પાર પાડી હતી. મને ખબર છે કે મોટા ભાગના લોકો લગ્નનું નામ પડે એટલે તરત પટોળાં, બાંધણી અને પારંપરિક વિધિઓની કલ્પના કરે; પણ મારે મારી દીકરી રુત્વીને સરપ્રાઇઝ આપવી હતી. મારો ઉદ્દેશ્ય માત્ર લગ્ન કરવાનો નહોતો પણ એક યાદગાર અનુભવ બનાવવાનો હતો.
કંકોતરી-લેખન લગ્નની સફરનો પહેલો માઇલસ્ટોન હોય છે. મોટા ભાગે આ વિધિમાં ટિપિકલ પોશાક હોય, પણ મારે એને યુનિક બનાવવી હતી. કંકોતરી-લેખનનો પ્રસંગ ૭ ડિસેમ્બરે યોજાયો હતો અને આખો પ્રસંગ ઍરલાઇનની થીમ પર ડિઝાઇન કરવામાં આવ્યો હતો. મને થયું કે દીકરી-જમાઈને સરપ્રાઇઝ આપવા હું અહીં એ રીતે સેલિબ્રેશન કરું કે તેને લાઇફટાઇમ યાદ રહી જાય. એટલે મેં ઍરલાઇન થીમ પર આખો પ્રસંગ સેલિબ્રેટ કરવાનું પ્લાનિંગ કરી લીધું. પહેલાં તો મેં આવું ડેકોરેશન કરતા લોકો પાસેથી આઇડિયા લીધો અને બજેટ કઢાવ્યું. મારો વિચાર તેમની પાસેથી જ કરાવવાનો હતો, પણ આ બધું મારા બજેટની બહાર જતું હોવાથી મેં પોતે જ એને એક્ઝિક્યુટ કરવાનું મન બનાવ્યું.’
ડીટેલિંગ જાણવા જેવું
ડેકોરેશનના ડીટેલિંગ વિશે વાત કરતાં બે દીકરી અને એક દીકરાનાં મમ્મી પરિણી કહે છે, ‘મારા વેવાઈએ તો તેમના ઘરે આણંદમાં ટ્રેડિશનલ રીતરિવાજથી જ કંકોતરી-લેખન કર્યું હતું, પણ મને થોડું અલગ કરવાની ઇચ્છા હોવાથી પ્લાનિંગ કરવામાં એક મહિનો લાગ્યો. એને એક્ઝિક્યુટ કરવામાં ત્રણ દિવસનો સમય ગયો. મારા આ પ્લાનિંગમાં મારા અને મારી દીકરીઓના ફ્રેન્ડ્સ, પાડોશી અને પરિવારના સભ્યોએ બહુ મદદ કરી છે. ઘરમાં ઍરલાઇન જેવો સેટઅપ કેવી રીતે કરવો એની મથામણ હતી. મેં પ્લેનના કટિંગ્સ બનાવડાવ્યાં અને લગાવ્યાં, કાર્પેટ રનવે જેવો બનાવ્યો, ભગવાનને પણ ઍરલાઇનની થીમ પર જ શણગાર્યા. બધા ભગવાનને બ્લુ આઉટફિટ પહેરાવ્યાં, કંકુ કરવાની ડિશ પણ જાણે પ્લેનમાં ઍરહૉસ્ટેસ નાસ્તો લઈને આવે એવી રીતે સજાવી. કંકોતરી પાસપોર્ટની થીમ પર બનાવી અને પ્રી-વેડિંગ ફંક્શન્સ એટલે કે મામેરું, કાર્નિવલ અને સંગીત માટે ત્રણ અલગ-અલગ બોર્ડિંગ પાસ બનાવ્યા. પાસપોર્ટમાં વીઝા અપ્રૂવ થાય એવું સેક્શન બનાવ્યું હતું જ્યાં જેને નોતરું આપવાનું છે તેમનું નામ લખવાનું હતું. કંકોતરી અને સેટઅપ ઍરલાઇનની વાઇબ આપે તો કૉસ્ચ્યુમ કેમ નહીં? મારા પ્રસંગમાં ૪૦ મહેમાન આવવાના હતા અને મેં બધાને આ થીમ વિશે જણાવીને ક્રૂ-મેમ્બર્સ જેવા કૉસ્ચ્યુમ પહેરીને આવવા કહ્યું. જ્યારે મેં આ વાત તેમની સામે માંડી તો તેઓ એક્સાઇટ થઈ ગયા. તેમને આતુરતા થવા લાગી કે આ કંઈક નવું છે. એ જોઈને મારો ઉત્સાહ વધ્યો. મેં બ્લુ કલરની થીમ ડિસાઇડ કરી. આ કલર ડિસાઇડ કરવા પાછળનું કારણ પણ એ જ હતું કે બ્લુ સૌથી કૉમન કલર છે, એ તો બધા પાસે હોય જ. તેથી લેડીઝે બ્લુ સાડી પહેરી. પુરુષો પાસે પણ બ્લુ અને વાઇટ કલર બહુ કૉમન હોવાથી બધાના વૉર્ડરોબમાં એ તો હોવાનો જ છે. તેથી એ આઉટફિટ પહેરાવીને મેં તેમને પાઇલટ બનાવ્યા. મારા પપ્પા ઘરના મોભી હોવાથી તેમને કૅપ્ટન બનાવ્યા. બાકી બધા ક્રૂ-મેમ્બર્સ બન્યા. ગેટ-અપને રિયલિસ્ટિક દેખાડવામાં અમે રીતસર આઇડી કાર્ડ્સ પણ પહેર્યાં, મેં મૉમનું આઇડી પહેર્યું હતું.
કંકોતરી-લેખનમાં ભગવાનની સાક્ષીએ કંકુનાં છાંટણાં કરીને એને પરિવારને આપવાની હોય છે. અમે એ બધી જ વિધિ કરી, પણ એમાં થીમ પ્રમાણે એક ચીજ ઍડ કરી. જ્યારે તમે ઍરપોર્ટમાં બોર્ડિંગ પાસ લઈને એન્ટર થાઓ ત્યારે સ્ટૅમ્પ મારે એ રીતે મેં પણ મારી દીકરી અને જમાઈના નામનો પહેલો અક્ષર એટલે નિયંતના N અને રુત્વીના R સાથે તેઓ NRI કપલ બનવા જઈ રહ્યાં હોવાથી હૅશટૅગ બનાવ્યું #NRiKiShaadi. કંકોતરીની વિધિ થયા બાદ દરેક સભ્યએ કંકોતરીમાં હૅશટૅગવાળો સ્ટૅમ્પ માર્યો. એમાંય એક સરપ્રાઇઝ એલિમેન્ટ હતું સેલ્ફી કૉર્નર. એ ફ્રેન્ડ્સ અને ફૅમિલી માટે સૌથી મોટું આકર્ષણ બન્યું હતું. મેં મારી દીકરીના ફોટોનું કટઆઉટ સ્ટૅન્ડ તૈયાર કરાવ્યું હતું અને બાજુમાં બે લગેજની બૅગ ગોઠવી હતી. તે ભલે કૅનેડામાં હતી પણ તેની હાજરી અમે અહીં અનુભવી અને તેના માટે પણ આ ક્ષણ યાદગાર રહી. આ તૈયારીઓમાં મારી નાની દીકરીએ પણ કૅનેડામાં બેઠાં-બેઠાં બહુ હેલ્પ કરી.’
લગ્ન પણ છે ખાસ
રુત્વી અને નિયંત વલસાડમાં ૨૩ જાન્યુઆરીએ ડેસ્ટિનેશન વેડિંગ કરશે. એની ખાસિયત જણાવતાં પરિણી કહે છે, ‘મારી દીકરી અને જમાઈએ કૅનેડામાં રજિસ્ટર્ડ મૅરેજ કરી નાખ્યાં છે, પણ તેઓ પોતાના રૂટ્સથી જોડાયેલાં હોવાથી હિન્દુ રીતરિવાજથી લગ્ન કરવાની ઇચ્છા હતી તેથી અમે તેમની ઇચ્છા પૂરી કરી રહ્યા છીએ. લગ્ન પ્રૉપર ટ્રેડિશનલ રીતે થશે, પરંતુ મંડપનો સેટઅપ પાણીની વચ્ચે કરવામાં આવશે. ત્યાં વેદિક મંત્રોચ્ચારની સાથે જૈન મંત્રોનું પઠન પણ થશે કારણ કે અમે જૈન છીએ અને જમાઈ ઠાકોરજીને માને છે. લગ્ન દરમિયાન એક આધ્યાત્મિક અને શાંતિપૂર્ણ માહોલ માટે અમે ગંગા આરતી જેવો એક ખાસ સેગમેન્ટ પણ રાખ્યો છે જેથી એવું લાગશે જાણે તમે વારાણસી પહોંચી ગયા હો. વેન્યુમાં ઍમ્ફીથિયેટર હોવાથી બેસવાની
ગોઠવણ એવી છે જે તમને રાજસ્થાનમાં હોવાની અનુભૂતિ કરાવશે. મારી જર્ની સિંગલ મધરની હોવાથી ટફ તો રહી છે પણ હું નથિંગ ઇઝ ઇમ્પૉસિબલમાં માનું છું. તો હું ઇચ્છું છું કે મારી દીકરીને બધાના જ આશીર્વાદ મળે અને જીવનમાં તે સુખી રહે, એ માટે તેના પિતા પણ આશીર્વાદ આપવા આવશે.’