પ્રોફેશનથી કંપની સેક્રેટરી પણ દિલથી આર્ટિસ્ટ

28 October, 2025 02:37 PM IST  |  Mumbai | Heena Patel

બોરીવલીમાં રહેતાં ઝંખના ભણસાલી આમ તો CSની પ્રૅક્ટિસ કરે છે, પણ પોતાનો ફ્રી ટાઇમ આર્ટને આપે છે. સવા વર્ષની ઉંમરે જ ઝંખનાએ પિતાની છત્રછાયા ગુમાવી દેતાં તેમનો ઉછેર મમ્મીએ એકલા હાથે કરેલો.

સાસુ, દીકરા અને પતિ સાથે ઝંખના ભણસાલી, ઝંખનાએ કરેલાં પેઇન્ટિંગ્સ અને સ્કેચ.

બોરીવલીમાં રહેતાં ઝંખના ભણસાલી આમ તો CSની પ્રૅક્ટિસ કરે છે, પણ પોતાનો ફ્રી ટાઇમ આર્ટને આપે છે. સવા વર્ષની ઉંમરે જ ઝંખનાએ પિતાની છત્રછાયા ગુમાવી દેતાં તેમનો ઉછેર મમ્મીએ એકલા હાથે કરેલો. ઝંખનાની ઇચ્છા ઇન્ટીરિયર ડિઝાઇનર બનવાની હતી, પણ મમ્મીની ઇચ્છાને માન આપીને તેમણે CSની ડિગ્રી મેળવી. એમાં સફળ કારકિર્દી બનાવ્યા બાદ હવે ઝંખના પોતાનો શોખ પૂરો કરી રહ્યાં છે

ઘણા લોકો તેમના પૅશનને જ પોતાનું કામ બનાવી લેતા હોય છે, પણ સંજોગવશ એવું કરવું બધા માટે શક્ય હોતું નથી. એમ છતાં લાઇફમાં જ્યારે પણ ચાન્સ મળે ત્યારે પોતાના શોખને પૂરા કરી લેવા જોઈએ. બોરીવલીમાં રહેતાં ૪૪ વર્ષનાં ઝંખના ભણસાલીની જ વાત કરીએ તો તેમનો આત્મા એક આર્ટિસ્ટનો છે, પણ જીવનમાં એવા સંજોગો આવ્યા કે તેમણે કારકિર્દી પ્રોફેશનલ અને કૉર્પોરેટ ફીલ્ડમાં બનાવવી પડી. જોકે એ ફીલ્ડમાં સફળ કારકિર્દી બનાવ્યા બાદ હવે તેઓ ફરી પોતાના પૅશન તરફ વળીને પોતાની સર્જનાત્મકતા વ્યક્ત કરી રહ્યાં છે. 

પિતાની છત્રછાયા ગુમાવી
ઝંખનાબહેન તેમના બાળપણ અને ઉછેર વિશે વાત કરતાં કહે છે, ‘મારો જન્મ મલાડમાં જ થયેલો છે. મારા પપ્પા પ્રદીપકુમાર પારેખ સિવિલ એન્જિનિયર હતા. મારાં મમ્મી રંજનબહેન ગૃહિણી હતાં. મારાથી ચાર વર્ષ મોટો મારો ભાઈ ધૈર્ય છે. હું સવા વર્ષની થયેલી ત્યાં મારા પપ્પા બ્રેઇન હૅમરેજને કારણે ગુજરી ગયેલા. મારાં મમ્મીની ઉંમર ત્યારે ફક્ત પચીસ વર્ષ હતી. એ ઉંમરમાં તેમના પર બે સંતાનોના ઉછેરની જવાબદારી આવી ગયેલી. હું ખૂબ જ નાની હતી એટલે મમ્મી મને અને મારા ભાઈને લઈને સુરત લઈ ગયેલી જ્યાં તેમનું પિયર હતું. હું સ્કૂલ જતી થાઉં એટલી થઈ પછી મમ્મી ફરી અમને બન્નેને લઈને મુંબઈ આવી ગઈ. એ સમયે અમે કાકા, મોટા પપ્પાના પરિવાર સાથે રહેતાં હતાં.’ 

મમ્મીએ જૉબ શરૂ કરી
સંતાનોના ઉછેરમાં મમ્મીના સંઘર્ષ વિશે જણાવતાં ઝંખનાબહેન કહે છે, ‘મુંબઈ આવ્યા પછી મમ્મીએ નોકરી શોધવાનું શરૂ કરી દીધેલું. સદ્ભાગ્યે મારી મમ્મીએ MA-MEdનો અભ્યાસ કરેલો હતો એટલે ટીચિંગ ફીલ્ડમાં તેમને જૉબ મળી જાય એમ હતું. મારા મોટાં ફઈ શેઠ જી. એચ. હાઈ સ્કૂલમાં શિક્ષિકા હતાં. એ સ્કૂલમાં વેકેન્સી હોવાથી મારી મમ્મીએ ત્યાં શિક્ષિકા તરીકે કામ કરવાનું શરૂ કર્યું. મારાં મમ્મી શાળામાં તો ભણાવવા જતાં પણ સાથે-સાથે પ્રાઇવેટ ટ્યુશન પણ લેતાં. એટલે સવારે સાડાઆઠ વાગ્યે ઘરેથી નીકળી જાય અને રાત્રે સાડાનવ વાગ્યે ઘરે આવતાં. સવાર-સાંજ ટ્યુશન લેતાં અને બપોરે બારથી છ સ્કૂલમાં જતાં. તેમના માથે અમારા બન્નેની સ્કૂલની ફી અને બીજા ખર્ચની જવાબદારી હતી. મેં જુનિયર કેજી અને સિનિયર કેજી સુરતમાં અંગ્રેજી માધ્યમમાં કરેલું, પણ બન્ને સંતાનની ફી પોસાય એમ ન હોવાથી મુંબઈ આવીને પહેલા ધોરણથી મારું ઍડ્‍મિશન ગુજરાતી માધ્યમની સ્કૂલમાં કરાવેલું.’ 

બાળપણની એકલતા
પિતાની છત્રછાયા તો પહેલાં જ ગુમાવી દીધેલી અને મમ્મીને પણ કામ કરવા માટે ઘરની બહાર રહેવું પડતું એવામાં એક બાળક તરીકે કેવું એકલવાયું લાગતું એનો અનુભવ શૅર કરતાં ઝંખનાબહેન કહે છે, ‘સ્કૂલમાં કોઈ પણ ફંક્શન હોય તો તે આવી ન શકે, અમને કોઈ વાત શૅર કરવી હોય કે કંઈ પ્રૉબ્લેમ થયો હોય તો પણ કહી ન શકીએ. તેની પાસે એટલો ટાઇમ જ નહોતો. નાની હતી ત્યારે મને ભણાવવાનું કામ પણ મારી કાકીએ કર્યું છે. પેરન્ટ્સને લઈ જવાના હોય ત્યારે હું કાકીને સ્કૂલમાં લઈ જતી. એ પછી તો જૉઇન્ટ ફૅમિલીમાંથી ન્યુક્લિયર ફૅમિલી થઈ ગયેલું. એ સમયે હું છઠ્ઠા ધોરણમાં આવેલી. એટલે પછી ભણતર સાથે ઘરના કામકાજની પણ જવાબદારી મારા માથે આવી ગયેલી.’ 

કારકિર્દીની શરૂઆત
કંપની સેક્રેટરી (CS) બનવાની જર્ની વિશે વાત કરતાં ઝંખનાબહેન કહે છે, ‘હું સ્કૂલમાં ભણવામાં અને ડ્રૉઇંગ બન્નેમાં સારી હતી. ઘરે બેસી સ્કેચ બનાવવા, રંગોળી બનાવવી, ઘર માટે ડેકોરેટિવ પીસ બનાવવા વગેરે બહુ ગમતું. મને ઇન્ટીરિયર ડિઝાઇનર બનવાની ખૂબ ઇચ્છા હતી. એ માટે મેં મારી મમ્મી સાથે ઝઘડો પણ કરેલો. મારા ફ્રેન્ડ્સ પણ મારી મમ્મીને સમજાવવા આવેલા કે મને ઇન્ટીરિયર ડિઝાઇનિંગમાં આગળ વધવા દે. જોકે મારી મમ્મીની એવી જીદ હતી કે હું ચાર્ટડ અકાઉન્ટન્ટ (CA) કે કંપની સેક્રેટરી (CS) જેવું કોઈ સારું પ્રોફેશનલ ફીલ્ડ પસંદ કરું. એટલે પછી મેં CS પસંદ કરીને એ ભણવાનું શરૂ કર્યું. એક તો CSનું ભણવાનું અઘરું હોય. સ્ટડી માટે ખાસ્સો એવો સમય આપવો પડે. મારે ઘરનું પણ કામ જોવાનું હોય. આગલા દિવસે મારી એક્ઝામ હોય તો પણ ઘરની રસોઈ બનાવવાની જવાબદારી મારી જ હોય. મારી મમ્મીનું એમ કહેવું હતું કે બધાં જ કામ મૅનેજ કરતાં આવડવું જ જોઈએ. મને ઇન્ટર ક્લિયર કરતાં ચાર અટેમ્પ્ટ લાગેલા. હું ફાઇનલ ક્લિયર કરું એ પહેલાં જ મારાં લગ્ન થઈ ગયેલાં.’

મમ્મીની શીખ
ભણતર પૂરું થયા પહેલાં લગ્ન કેમ થઈ ગયાં એ​ વિશે જણાવતા ઝંખનાબહેન કહે છે, ‘મારી ઉંમર ૨૭ વર્ષની થઈ ગઈ હતી. મારાં લવ-મૅરેજ છે. મારા હસબન્ડ કરણને ઘરેથી લગ્ન કરવા માટે પ્રેશર આવી રહ્યું હતું એટલે અમે બન્નેએ ઘરે જાણ કરી દીધી હતી. મારી કે કરણની ફૅમિલીમાંથી એવો કોઈ વાંધો આવ્યો નહીં. મારી મમ્મીનું ફક્ત એટલું જ કહેવું હતું કે તું જેની સાથે પણ લગ્ન કરી રહી છે એ છોકરા સાથે જીવન વિતાવવાને લઈને મક્કમ હોવી જો​ઈએ, લગ્ન પછી રડતાં- રડતાં મારી પાસે આવવાનું નહીં, લગ્ન પછી પણ તારે ઇન્ડિપેન્ડન્ટ જ રહેવાનું છે; પતિ ભલે કરોડો રૂપિયા કમાતો હોય, તારે જૉબ કે પોતાની પ્રૅક્ટિસ કરવાની જ છે.’ 

સાસરિયાંનો સપોર્ટ
CSનું ભણતર પૂરું કરવામાં ઝંખનાબહેનને સાસરિયાંનો ખૂબ સાથસહકાર મળેલો. એ વિશે તેઓ કહે છે, ‘મેં મારું CSનું ફાઇનલ એક જ અટેમ્પ્ટમાં ક્લિયર કરી નાખેલું. એ પછી મેં ઇન્ટર્નશિપ શરૂ કરી. ઇન્ટર્નશિપ જેવી પતી એટલે એક મહિનામાં મારા દીકરાનો જન્મ થયો. એ પછી તે બે-અઢી વર્ષનો થાય ત્યાં સુધી હું ઘરે જ હતી. એ પછી મેં પોતાની પ્રૅક્ટિસ ચાલુ કરી. ઇન્ટર્નશિપ કરતી ત્યારે ટ્રેનમાં ટ્રાવેલ કરવું પડતું. પ્રેગ્નન્સીમાં પણ હું ટ્રાવેલ કરતી. એ સમયે કોઈ દિવસ મારાં સાસુ-સસરાએ મને એમ નથી કહ્યું કે તું છોડી દે. ઇન્ટર્નશિપ પછી પણ મેમ્બરશિપ લેવા માટે કેટલીક ટ્રેઇનિંગ કમ્પ્લીટ કરવી પડે. એ માટે પણ બહાર જવું પડે. મારો દીકરો સાવ નાનો હતો તેને છોડીને હું બહાર જઈ શકતી, કારણ કે તેનું ધ્યાન રાખવા મારાં સાસુ હતાં. મેં પ્રૅક્ટિસ ચાલુ કરી ત્યારે પણ મારા સસરા કહેતા કે તું ચિંતા નહીં કર, તારાં સાસુ ઘરે બધું સંભાળી લેશે. જોકે મને એ વાતનું ખૂબ દુઃખ છે કે મારો દીકરો નવ મહિનાનો હતો ત્યારે મારાં મમ્મી ગુજરી ગયેલાં. તે માનસરોવરની યાત્રા પર ગયેલાં અને ત્યાં જ તેમને હાર્ટ-અટૅક આવી ગયેલો.’ 

ફૉલો કરી રહ્યાં છે પૅશન
ઝંખનાબહેન અત્યારે તેમની પોતાની ફર્મ સફળતાપૂર્વક ચલાવી રહ્યાં છે. મમ્મીની જીદને કારણે તેમણે CS કર્યું અને હવે તેઓ તેમના આ પ્રોફેશનને એન્જૉય કરી રહ્યાં છે. જોકે જીવનના આ તબક્કે તેઓ તેમનો આર્ટનો શોખ પણ સાથે-સાથે પૂરો કરી રહ્યાં છે. એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘સોમવારથી શુક્રવાર સુધી સવારે ૧૧થી સાંજે છ વાગ્યા સુધી ઑફિસ હોય. શનિવારે હું વર્ક ફ્રૉમ હોમ લઈ લઉં. રવિવારે હું કામ બંધ રાખું. હું અત્યારે લિસ્ટેડ કંપની હૅન્ડલ કરું છું એટલે મારું વર્ક-પ્રેશર બહુ જ હાઈ હોય છે. એવા સમયે હું સ્કેચ કરવા બેસું, મંડલા આર્ટ કરું, ડેકોરેટિવ પીસ બનાવું તો મને બહુ રિલૅક્સ ફીલ થાય. દિવાળી હોય તો રંગોળી કરવા બેસી જાઉં. નવરાત્રિ હોય તો આરતી, મંડપ ડેકોરેશન કરું. એટલે મને કોઈ ને કોઈ ક્રીએટિવ વસ્તુ કરવા જોઈએ. વર્કના સ્ટ્રેસ વચ્ચે આ બધી વસ્તુ મારા માટે મેડિટેશન જેવું કામ કરે છે.’

columnists borivali exclusive mumbai news mumbai gujaratis of mumbai