15 August, 2026 12:15 PM IST | Mumbai | Heena Patel
આ મેદાનમાં શરૂ થયું હતું ૧૯૪૨નું હિન્દ છોડો આંદોલન, જ્યાં પહેલી વાર ગુંજ્યો કરો યા મરોનો નારો
એક સમયે મુંબઈના ગોવાલિયા ટૅન્ક મેદાનમાં સ્વતંત્રતાની ચળવળના પડઘા સંભળાતા હતા એ સ્થળ આજે મુંબઈના રોજિંદા જીવનનો હિસ્સો બની ગયું છે. ઐતિહાસિક ગોવાલિયા ટૅન્ક મેદાન કેવી રીતે ઑગસ્ટ ક્રાન્તિ મેદાન બન્યું, સમય સાથે અહીં શું બદલાયું અને આજે આ સ્થળની ઓળખ કેવી છે એની સફર રસપ્રદ છે
મુંબઈના હૃદયમાં આવેલું ઑગસ્ટ ક્રાન્તિ મેદાન માત્ર એક જાહેર મેદાન નથી, ભારતના સ્વતંત્રતા-સંગ્રામનું એક એવું ઐતિહાસિક સાક્ષી છે જ્યાંથી અંગ્રેજ શાસન સામે ‘હિન્દ છોડો’ આંદોલનની શરૂઆત થયેલી અને ગાંધીજીએ ‘કરો યા મરો’નો નારો આપેલો. આ ચળવળે દેશના સ્વતંત્રતા-સંગ્રામને નિર્ણાયક વળાંક આપ્યો. સમય બદલાયો, દેશ આઝાદ થયો અને મુંબઈ પણ અનેક રીતે બદલાયું; પરંતુ આ મેદાન આજે પણ એ ઐતિહાસિક ક્ષણની યાદ પોતાના હૃદયમાં સાચવીને ઊભું છે. ૧૫ ઑગસ્ટે દેશ તિરંગાની આન, બાન અને શાન સાથે સ્વતંત્રતા-પર્વની ઉજવણી કરે છે ત્યારે આવો જાણીએ જ્યાંથી આઝાદીની જ્યોત વધુ પ્રખર બની હતી એ ઑગસ્ટ ક્રાન્તિ મેદાનનો ઇતિહાસ શું કહે છે અને આજે એ કેવું દેખાય છે?
ઇતિહાસ શું કહે છે?
હિન્દ છોડો આંદોલન એ ભારતીય સ્વતંત્રતા-સંગ્રામનો સૌથી મોટો અને જબરદસ્ત અસરકારક જનઆંદોલન સમાન સંઘર્ષ હતો. આ ઐતિહાસિક આંદોલનની શરૂઆત મહાત્મા ગાંધીની આગેવાની હેઠળ ૧૯૪૨ની ૮ ઑગસ્ટે મુંબઈના ગોવાલિયા ટૅન્ક મેદાન ખાતે અખિલ ભારતીય કૉન્ગ્રેસ સમિતિના અધિવેશનમાં કરવામાં આવી હતી. આ જ સભામાં ગાંધીજીએ દેશવાસીઓને જાગૃત કરવા માટે ‘કરો યા મરો’નો અમર નારો આપ્યો હતો અને અંગ્રેજોને તાત્કાલિક હિન્દ છોડી દેવાની ચેતવણી આપી હતી. ‘ભારત છોડો’ શબ્દની રચના સ્વતંત્રતાસેનાની યુસુફ મેહર અલી દ્વારા કરવામાં આવી હતી જે આખા દેશમાં આઝાદીનો મુખ્ય મંત્ર બની ગયો હતો. આ આંદોલન શરૂ થવા પાછળ બ્રિટિશ સરકારની નીતિઓ જવાબદાર હતી, જેમાં મુખ્યત્વે ક્રિપ્સ મિશનની નિષ્ફળતા અને દ્વિતીય વિશ્વયુદ્ધના કારણે દેશમાં સર્જાયેલી ભારે મોંઘવારી તથા અનાજની અછતનો સમાવેશ થાય છે. આ સંજોગો વચ્ચે બ્રિટિશ સરકારે આંદોલનને કચડી નાખવા માટે ૯ ઑગસ્ટની વહેલી સવારે જ ઑપરેશન ઝીરો અવર હેઠળ મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના તમામ શીર્ષ નેતાઓની ધરપકડ કરી લીધી. દેશના તમામ મુખ્ય નેતાઓ જેલમાં હોવાથી આંદોલન અટકી પડે એવી સ્થિતિ સર્જાઈ હતી અને બ્રિટિશ પોલીસે આખા મેદાનને ઘેરી લીધું હતું. આવી ભયાનક પરિસ્થિતિ વચ્ચે મહિલા સ્વતંત્રતાસેનાની અરુણા અસફ અલી ભારે પોલીસ-બંદોબસ્ત અને ટિયરગૅસના પ્રહાર વચ્ચે પણ નીડરતાથી આગળ આવ્યાં. તેમણે બ્રિટિશ આદેશોને ફગાવીને મેદાન પર ભારતીય રાષ્ટ્રીય કૉન્ગ્રેસનો તિરંગો ધ્વજ ફરકાવી દીધો. આ ધ્વજવંદને જનતામાં નવું જોર ભરી દીધું. દેશને સંદેશો મળ્યો કે નેતાઓ જેલમાં હોવા છતાં લડત અટકશે નહીં. સામાન્ય જનતાએ પોતે જ લડતની કમાન હાથમાં લઈ લીધી હતી. આ આંદોલનમાં વિદ્યાર્થીઓ, મજૂરો, ખેડૂતો અને મહિલાઓ સહિત સમાજના તમામ વર્ગોએ અભૂતપૂર્વ ઉત્સાહ બતાવ્યો, ઠેર-ઠેર હડતાળો પાડી અને સરકારી કચેરીઓ તથા રેલવેલાઇનોને બંધ કરી દીધી. બ્રિટિશ સરકારે લાઠીચાર્જ, ગોળીબાર અને સામૂહિક ધરપકડો દ્વારા આશરે એક લાખથી વધુ લોકોને જેલમાં પૂરીને ભારે દમન ગુજાર્યો હતો. જોકે આ લડત ભલે એ સમયે અસફળ દેખાતી હતી, એણે અંગ્રેજોને સ્પષ્ટ સંદેશ આપી દીધો હતો કે હવે હિન્દુસ્તાન પર લાંબો સમય શાસન કરવું શક્ય નથી અને આ જ જનક્રાન્તિએ ૧૯૪૭માં ભારતની આઝાદીનો મજબૂત પાયો નાખ્યો હતો. આ આંદોલનની શરૂઆત જ્યાંથી થઈ એ ગોવાલિયા ટૅન્ક મેદાન એટલે વર્તમાનનું ઑગસ્ટ ક્રાન્તિ મેદાન. ૧૯૪૭ની ૧૫ ઑગસ્ટે ભારતદેશ આઝાદ થયો ત્યારે આખા દેશની સાથે મુંબઈના આ ઐતિહાસિક મેદાનમાં પણ આઝાદીની ભવ્ય ઉજવણીના ભાગરૂપે સત્તાવાર રીતે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.
ગોવાલિયા ટૅન્ક નામ ક્યાંથી?
ગોવાલિયા ટૅન્કનો ઉપયોગ શરૂઆતમાં ગાયોને નવડાવવા માટે થતો હતો. ગોવાલિયા શબ્દ ઢોરમાલિકો પરથી આવ્યો છે. ઢોરના માલિકો ગાયોને આ તળાવના પાણીમાં નવડાવવા માટે લાવતા હતા. હાલમાં જે મેદાન ત્યાં અસ્તિત્વમાં છે એ આ તળાવની ઉપર જ બનાવવામાં આવ્યું છે. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં એટલે કે અંદાજે ૧૮૮૦ના દાયકાની આસપાસ મુંબઈમાં નળ દ્વારા પાણી પહોંચાડવાની વ્યવસ્થા શરૂ થતાં ગાયો અને પશુઓને નવડાવવા માટેની આ ટાંકીની જરૂરિયાત રહી નહોતી. આથી એ સમયગાળા દરમ્યાન પાણીની આ ટાંકીને પૂરી દેવામાં આવી હતી અને એના પર મેદાન બનાવવામાં આવ્યું હતું.
ઑગસ્ટ ક્રાન્તિ મેદાન
આ ઐતિહાસિક ઘટના ઑગસ્ટ મહિનામાં બની અને આ મેદાન ભારતના સ્વતંત્રતા-સંગ્રામની ચળવળનું નિર્ણાયક પ્રતીક બન્યું એટલે સ્વતંત્રતા પછી ગોવાલિયા ટૅન્ક મેદાનનું નામ બદલીને ઑગસ્ટ ક્રાન્તિ મેદાન કરવામાં આવ્યું. આગળ જતાં ૧૯૭૨માં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ આ મેદાનને પાર્કમાં ફેરવી દીધું. ઑગસ્ટ ક્રાન્તિ મેદાન આજે એક જાહેર પાર્ક તેમ જ રમતગમતના મેદાન તરીકે ઉપયોગમાં લેવાય છે. અહીં બાળકો માટે ખાસ રમતનું મેદાન અને વરિષ્ઠ નાગરિકોને બેસવા તેમ જ શાંતિથી બે પળ વિતાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સ્થાનિક લોકો માટે અહીં વૉકિંગ પાથ બનાવવામાં આવ્યા છે જ્યાં લોકો સવાર-સાંજ વૉક માટે આવે છે. સ્થાનિક યુવાનો અને બાળકો માટે અહીં ક્રિકેટ, ફુટબૉલ અને વૉલીબૉલ જેવી રમતો રમવા માટે ખુલ્લી જગ્યાઓ ઉપલબ્ધ છે. આ જ મેદાનના એક ભાગમાં દેશના આઝાદીના ઇતિહાસની યાદ અપાવતો અને શહીદોને શ્રદ્ધાંજલિ આપતો ઐતિહાસિક ગાંધી મેમોરિયલ સ્તંભ ગૌરવભેર ઊભો છે. આ સ્તંભનું નિર્માણ ૧૯૭૦માં કરવામાં આવ્યું હતું. મહાત્મા ગાંધીની ૧૦૦મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે બીજી ઑગસ્ટે આ સ્તંભનું સત્તાવાર ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.