30 November, 2025 03:17 PM IST | Mumbai | Laxmi Vanita
તારા પ્રસાદ
ભારતને આઇસ સ્કેટિંગમાં સ્થાન અપાવવા માટે આઇસ ફિગર સ્કેટર તારા પ્રસાદે અમેરિકાની સિટિઝનશિપ છોડીને ભારતનો પાસપોર્ટ પસંદ કર્યો છે. ૨૦૧૯થી આ ઍથ્લીટ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે. ભારતમાં આવનારા સમયમાં આઇસ સ્કેટિંગમાં ઍથ્લીટ્સનો કાફલો તૈયાર થાય એ હેતુસર આ રમતવીર મથી રહી છે
૨૦૧૯માં તારા પ્રસાદે અમેરિકાનું નાગરિકત્વ છોડીને ભારતીય પાસપોર્ટ લીધો. ૨૦૨૦માં તેણે સૌપ્રથમ વખત આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું.
ભારતમાં આઇસ સ્પોર્ટ્સ હજી શરૂઆતના તબક્કામાં છે; કારણ કે કુદરતી હવામાન, પૂરતી આઇસ રિંક્સ અને પૂરતી તાલીમ-વ્યવસ્થાના અભાવને લીધે આ રમત વ્યાપક નથી બની શકી. આમ છતાં દિલ્હી, દેહરાદૂન અને લદ્દાખ જેવા વિસ્તારોમાં નવી રિંક્સ, સરકારનું વધતું ધ્યાન અને આંતરરાષ્ટ્રીય સ્તરની નાની-મોટી ઇવેન્ટ્સ સાથે પરિસ્થિતિ ધીમે-ધીમે બદલાઈ રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે યોગ્ય રોકાણ, તાલીમ-સુવિધાઓ અને લાંબા ગાળાના દૃષ્ટિકોણ સાથે ભારત આઇસ હૉકી અને આઇસ સ્કેટિંગ જેવી શિયાળાની રમતોમાં પોતાનું સ્થાન બનાવી શકે છે. જોકે હાલની પરિસ્થિતિ સ્પષ્ટ કરે છે કે આ ક્ષેત્રના વ્યાપક વિકાસ માટે હજી લાંબો રસ્તો કાપવાનો બાકી છે. આવા સંજોગોમાં આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું નામ પ્રકાશિત કરતી એક મહત્ત્વપૂર્ણ પ્રતિભા તરીકે સામે આવે છે તારા પ્રસાદ, જે ફિગર સ્કેટિંગમાં પોતાના સતત પ્રયત્નો દ્વારા આઇસ સ્પોર્ટ્સને નવી ઓળખ આપે છે. અમેરિકામાં જન્મેલી અને ઊછરેલી હાલ ૨૫ વર્ષની તારા પ્રસાદે ફિગર સ્કેટિંગ ઍથ્લીટ તરીકે અમેરિકન સિટિઝનશિપ છોડીને ભારતનું પ્રતિનિધિત્વ પસંદ કર્યું. ફિગર સ્કેટિંગ એટલે શું? ફિગર સ્કેટિંગ એટલે બરફ પર સંગીતની સાથે નૃત્ય અને ઍથ્લેટિક કલાપ્રદર્શનનું સંયોજન. ભારતમાં આ સ્પોર્ટ અલ્પવિકસિત છે, પરંતુ આવનારા સમયમાં આઇસ સ્કેટિંગમાં ઍથ્લીટ્સનો કાફલો બની શકે છે. જાણીએ આ ઍથ્લીટને જેની કહાણી આજે ભારતના અન્ય ઍથ્લીટ્સ માટે પ્રેરણા બની રહી છે.
કોણ છે તારા પ્રસાદ?
વર્ષ ૨૦૦૦ની ૨૪ ફેબ્રુઆરીએ તારા પ્રસાદનો જન્મ અમેરિકાના આયોવા સ્ટેટના સીડર રૅપિડ્સ નામના શહેરમાં થયો હતો. તેનાં માતા-પિતા મૂળ તામિલનાડુનાં છે અને તેનો મોટા ભાગનો પરિવાર તામિલનાડુમાં રહે છે. ૭ વર્ષની વયે તારાએ સ્કેટિંગ શરૂ કર્યું. શરૂઆતમાં સ્કેટિંગ માત્ર એક રમત-પ્રવૃત્તિ હતી. ૧૩ વર્ષની ઉંમરે તારા ડબલ જમ્પ્સની તાલીમ લેવા લાગી અને ધીરે-ધીરે એનાં જટિલ પાસાં પણ શીખવા લાગી. શરૂઆતમાં તેણે અમેરિકાની સ્થાનિક સ્પર્ધાઓમાં ભાગ લીધો. તેણે હજી સુધી આ સ્પોર્ટ્સને પોતાની કરીઅર બનાવવાનું નહોતું વિચાર્યું. વચ્ચે ટૂંક સમય માટે અભ્યાસ માટે આ સ્પોર્ટ્સથી બ્રેક લીધો ત્યારે તેના મનમાં આ સ્પોર્ટને લઈને એકદમ સ્પષ્ટતા આવી ગઈ હતી. સ્પષ્ટતા એ જ કે આઇસ ફિગર સ્કેટિંગમાં તેને આગળ વધવું હતું અને બીજું એ કે પોતાના મૂળ વતન પાછા ફરીને ભારતનું પ્રતિનિધિત્વ કરવું છે જેના માટે તેણે પોતાની અમેરિકન સિટિઝનશિપ છોડવી પડે એમ હતી. તેના માટે આ નિર્ણય બહુ જ સરળ હતો, કારણ કે તેનો આખો પરિવાર અહીં હતો અને ભારત સાથે તેને બહુ જ ગાઢ લાગણી હતી. ૨૦૧૯માં તેણે અમેરિકાના નાગરિકત્વને છોડીને ભારતીય પાસપોર્ટ લીધો. ૨૦૨૦માં તેણે સૌપ્રથમ વખત આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. તારામાં સ્પોર્ટ્સમૅનશિપનાં મૂળ તો તેની મમ્મીએ જ રોપી દીધાં હતાં. તેની મમ્મીએ ભારતમાં હર્ડલિંગ સ્પોર્ટમાં રાષ્ટ્રીય સ્તરના સ્પર્ધકોમાં નામ મેળવ્યું હતું. તારા તેના ઘણા મીડિયા-ઇન્ટરવ્યુમાં કહી ચૂકી છે કે ‘સ્કેટિંગ મારા માટે માત્ર રમત નથી. મારા મૂળ સાથેનો ગાઢ સંબંધ, સંસ્કૃતિ, ઓળખ અને સપનાની ઉજવણી છે.’
તારાનું મુખ્ય ધ્યેય
તારાનું મુખ્ય ધ્યેય વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ક્વૉલિફાય થઈને ૨૦૨૬માં વિન્ટર ઑલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવાનું છે. તે સાઉથ કોરિયન ફિગર સ્કેટર કિમ યુ જેણે આ સ્પર્ધાનાં ચારેય મોટાં ટાઇટલ્સ જીત્યાં છે અને અમેરિકન-ઇન્ડિયન અમી પારેખ જેણે ભારતને આઇસ સ્કેટિંગમાં રજૂ કર્યું હતું તેને ગુરુ માને છે. તેના સ્કેટિંગ કૉસ્ચ્યુમમાં ભારતીય રંગ, કાપડ અને સંસ્કૃતિને સ્થાન આપીને તે માત્ર ખેલાડી નહીં પરંતુ ભારતીય પ્રતિનિધિ તરીકે પણ અનોખો સંદેશ આપે છે
આઇસ સ્કેટિંગ કારર્કિદીની હાઇલાઇટ્સ
તારાએ ૨૦૨૦માં ભારત માટે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીના પ્રારંભમાં જ સ્પષ્ટ કર્યું કે તે માત્ર સ્પર્ધામાં ભાગ લેવા નહીં પણ ભારતનું નામ બરફ પર પ્રતિષ્ઠાપૂર્વક રજૂ કરવા આવી છે. શરૂઆતનાં વર્ષોમાં જ તેણે ભારતની નૅશનલ ફિગર સ્કેટિંગ ચૅમ્પિયનશિપમાં સતત ૩ વખત ચૅમ્પિયન બનીને પોતાનું પ્રભાવશાળી સ્થાન મજબૂત કર્યું. દેશની અંદરથી મળેલી આ ઓળખ જ તેના આંતરરાષ્ટ્રીય પ્લૅટફૉર્મ પરના પ્રયત્નો માટે મજબૂત આધાર બની. યુરોપ અને એશિયાની વિવિધ સ્પર્ધાઓમાં તેણે ભારત માટે ટૉપ થ્રીમાં સ્થાન હાંસલ કર્યું. તેની કલાત્મક અભિવ્યક્તિ, સંગીત પરની સંવેદનશીલતા અને સતત સુધરતા ટેક્નિકલ મૂવ્સને કારણે આંતરરાષ્ટ્રીય જજિઝની પૅનલો પર તેણે અનુકૂળ છાપ છોડી છે. તેના સ્કેટિંગ કૉસ્ચ્યુમમાં ભારતીય રંગ, કાપડ અને સંસ્કૃતિને સ્થાન આપીને તે માત્ર ખેલાડી નહીં પરંતુ એક ભારતીય પ્રતિનિધિ તરીકે પણ અનોખો સંદેશ આપે છે. પડકારો તેના રસ્તાથી ક્યારેય દૂર નથી રહ્યા. ભારતમાં મર્યાદિત તાલીમ-સુવિધાઓ, ઓછી આઇસ રિંક્સ અને યોગ્ય તાપમાન-નિયંત્રણવાળી જગ્યા શોધવામાં આવેલી મુશ્કેલીઓ તેની કારકિર્દીનો હિસ્સો રહી છે. છતાં તારા પ્રસાદે અમેરિકા, યુરોપ અને ભારત વચ્ચેની સતત મુસાફરી કરીને પોતાને વિશ્વસ્તર પર પ્રતિસ્પર્ધી તરીકે જાળવી રાખી છે. તેનું ધ્યેય માત્ર પોતાની સિદ્ધિઓ સુધી મર્યાદિત નથી. તે ભારતના યુવા સ્કેટર્સ માટે માર્ગ બનાવવા અને આઇસ સ્પોર્ટ્સની સંભાવનાઓ દેખાડવા પ્રતિબદ્ધ છે.