29 June, 2025 03:43 PM IST | Tehran | Aashutosh Desai
યાતુલ્લા ખામેનેઈ
૧૧ વર્ષની ઉંમરે મૌલવી બની ગયેલા અને કટ્ટર ઇસ્લામી મૂડીવાદી વિચારધારા ધરાવતા ઈરાનના સુપ્રીમો ખામેનેઈ ઈરાનના સર્વેસર્વા છે એમ કહીએ તો ચાલે. યુવાનવયે જ બૉમ્બવિસ્ફોટમાં ઘાયલ થયા પછી જમણા હાથે લકવાગ્રસ્ત થઈ ગયા હોવા છતાં આજે ઇઝરાયલ જ નહીં, અમેરિકા જેવી મહાસત્તાને હંફાવવાનું એ અલી ખામેનેઈ માટે ખરેખર ડાબા હાથનો ખેલ કેમ છે એ આજે જાણીએ
ઈરાન એક એવો દેશ છે જ્યાં લોકશાહી રાજાશાહીની ઢબે ચાલે છે એમ કહીએ તો ખોટું નથી. ઈરાનના સર્વસત્તાધીશ એવા અયાતુલ્લા ખામેનેઈ ૮૬ વર્ષના એક એવા રાજવી કે ડિક્ટેટર છે કે એ દેશની ઊંચામાં ઊંચી સત્તા પણ તેમના પગતળે રહે છે. અર્થાત ખામેનેઈ ઈરાનના એક એવા લીડર છે જે સુપ્રીમ કોર્ટના જજની નિમણૂક કરે છે, દેશના વડા પ્રધાનની પણ નિમણૂક કરે છે અને ચાહે તો ચૂંટાઈ આવેલા કોઈ પણ રાજનેતાને પોતાની સત્તા પરથી હટાવી કે બેસાડી પણ શકે છે. ટૂંકમાં ઈરાનને શ્વાસ લેવા માટે નાકમાં ભરવી પડતી હવાની પરવાનગી પણ ખામેનેઈ પાસે લેવાની અને ઉચ્છ્વાસ કાઢવા માટેની પરવાનગી પણ ખામેનેઈ પાસે લેવી પડે છે. વારંવાર પ્રશ્ન થાય કે ઈરાનના કર્તાધર્તા ખામેનેઈ કોણ છે? તે અને તેમનું નેતૃત્વ શું ખરેખર એટલું જબરદસ્ત છે કે યુદ્ધકળામાં અને શસ્ત્ર સરંજામમાં આટલા આધુનિક ગણાતા ઇઝરાયલને પણ તે હંફાવી દે અને નેતન્યાહુએ મદદ માટે અમેરિકા સામે હાથ લંબાવવા પડે?
ખામેનેઈ પાસે પૈસા છે, શસ્ત્રો છે, ઇન્ફર્મેશન્સ પણ છે અને તેમની પાસે આખાય દેશનાં તાળાંઓની ચાવીઓ પણ છે. તેઓ ઈરાની મીડિયા કન્ટ્રોલ કરે છે, આખીયે જુડિશ્યરી સિસ્ટમને કન્ટ્રોલ કરે છે, તે દેશનાં ત્રણેય સૈન્યબળો, પોલીસ, સરકાર, અર્થવ્યવસ્થા ટૂંકમાં બધું કહેતાં બધું જ પોતાના કન્ટ્રોલમાં રાખવાનો પાવર ધરાવે છે.
સુપ્રીમોનો ઉદય
૧૭ જુલાઈ, ૧૯૩૯. ઈરાનના મસદ શહેરમાં રહેતા એક ધાર્મિક પરિવારમાં એક દીકરાનો જન્મ થયો. શિયા મુસ્લિમ એવા એ પરિવારમાં જન્મેલા બાળકના પિતા એક સન્માનિત ધર્મગુરુ હતા. કુલ આઠ સંતાનોમાં બીજા ક્રમે જન્મેલા એ બાળકનું નામ રાખવામાં આવ્યું સૈયદ અલી ખામેનેઈ. પિતાના સંસ્કાર દીકરામાં નાનપણથી જ એટલા ઊંડાણ સુધી રોપાયાં હતાં કે માત્ર ચાર વર્ષની ઉંમરે જ તેણે કુરાન વાંચવા માંડ્યું હતું. તેની ઉંમરના બીજા છોકરાઓ જ્યારે ગલીમાં રમતા હોય ત્યારે અલી માથે કાળી ટોપી અને ઇસ્લામિક પોશાક પહેરીને ધર્મગુરુ બનવાનાં સપનાં જોઈ રહ્યો હતો. ૧૯૫૭ની સાલમાં જ્યારે અલી ખામેનેઈ ૧૮ વર્ષની ઉંમરે પહોંચ્યો ત્યારે તેણે પિતા સામે જીદ પકડી કે તે ઇરાકના નજફ શહેર જઈને આગળની ધાર્મિક શિક્ષા મેળવવા માગે છે. પરંતુ આર્થિક હાલત સામાન્ય હોવાને કારણે ઇરાકમાં લાંબો સમય નહીં રહી શકેલા સૈયદ અલીને ફરી ઈરાન આવી રહેવું પડે છે અને તેનું ઍડ્મિશન હૌઝા-એ-ઇસ્લામિયા નામની એક ધાર્મિક સંસ્થામાં કરાવી દેવામાં આવે છે. અહીં તે પોતાની ધાર્મિક શિક્ષા પૂર્ણ કરી ઇજતિહાદની ડિગ્રી મેળવે છે. આ એક એવી ડિગ્રી છે જેને શિયા મુસ્લિમ સમુદાયમાં માસ્ટર્સ ડિગ્રીનો દરજ્જો અપાયેલો છે. આ ડિગ્રી મેળવ્યા બાદ એ વ્યક્તિ ફતવો પણ જાહેર કરી શકે છે. (સાચા ઇસ્લામ અનુસાર ફતવાનો સાચો અર્થ થાય ઇસ્લામ ધર્મના કોઈ પણ જટીલ વિષય બાબતે કુરાનને આધારે એનું નિરાકરણ લાવવું.) ઇસ્લામના ભણતરની સાથે-સાથે જ અહીં હૌઝા-એ-ઇસ્લામિયામાં અલીની જિંદગીની એક અત્યંત મહત્ત્વની મુલાકાત થાય છે. એ જ સંસ્થામાં અયાતોલ્લા રૂહોલ્લા ખામેની પણ ભણાવતા હતા.
સિનિયર ખોમેની અને જુનિયર ખામેનેઈ
ઈરાનના ઇતિહાસમાં આમ તો ઘણી તારીખો મહત્ત્વની છે. જેમ કે આપણે જાણીએ છીએ કે ઈરાન વાસ્તવમાં તો પર્શિયન ધર્મના લોકોનો દેશ પર્શિયા હતો. પરંતુ ધીરે-ધીરે એ દેશ પર આક્રાંતાઓનો જુલમ અને બળજબરીપૂર્વક કરવામાં આવેલા ધર્મપરિવર્તનને કારણે નવા દેશ તરીકે ઈરાન અસ્તિત્વમાં આવ્યું. જે લોકો ધર્મપરિવર્તન નહોતા કરવા માગતા તેમણે પોતાનું એ મૂળ વતન છોડી ભાગી જવાનું પસંદ કર્યું અને ભારતમાં આવી વસ્યા જેમને આપણે પારસીઓ તરીકે ઓળખીએ છીએ (ભારત બહારથી આવેલી અને આ દેશમાં વસેલી સૌથી વધુ નિરુપદ્રવી અને સૌથી વધુ આ દેશને ફાયદો કરાવવાવાળી કોઈ પ્રજા હોય તો એ પારસી છે). ખેર, પણ આજે આપણે ઈરાનના એટલા ઊંડા ઇતિહાસમાં નથી જવું.
આપણે વાત કરવી છે માત્ર સાલ ૧૯૭૯ની, ૧૯૮૧ની અને ૧૯૮૯ની. સૌથી પહેલાં વાત કરીએ ૧૯૮૯ની. અયાતોલ્લા રૂહોલ્લા મુસાવી ખોમેની! ઈરાનના એકમાત્ર એવા ધાર્મિક નેતા કે જેમનું મૃત્યુ શાંતિપૂર્વક થયું હતું. તેમના પહેલાંનાં ૮૦ વર્ષો દરમિયાન તમામ ઈરાનિયન શાસકોએ કાં તો નિર્વાસનનું અપમાન સહન કરવું પડ્યું હતું કાં હત્યારાઓના હાથે તેમની હત્યા થઈ હતી. આયાતોલ્લા રૂહોલ્લા મુસાવી ખોમેની એકમાત્ર એવા નેતા હતા જેમના મૃત્યુ બાદ ઈરાની પ્રજાએ તેમને હઝરત મોહમ્મદ સાહેબ અને ઇમામો બાદ સૌથી અલૌકિક વ્યક્તિની ઉપાધિ આપી હતી. આ ખોમેની એટલે એ જ અયાતોલ્લા રૂહોલ્લા મુસાવી ખોમેની જેમની સાથે સૈયદઅલીની હૌઝા-એ-ઇસ્લામિયામાં મુલાકાત થઈ હતી.
યુવા વયે જાહેર સભામાં અલી ખામેનેઈને મારવાના ષડ્યંત્રના ભાગરૂપે થયેલા બૉમ્બવિસ્ફોટમાં જમણા હાથે લકવો થઈ ગયો હતો.
સત્તાપલટો કેવી રીતે થયો?
આયાતોલ્લા રૂહોલ્લા મુસાવી ખોમેની એવું માનતા હતા કે ઈરાનમાં ઇસ્લામિક શાસન હોવું જોઈએ. તેમનું કહેવું હતું કે આખોય દેશ ઇસ્લામિક કાનૂનને આધારે ચાલવો જોઈએ. આ જ કારણથી તેમને ઈરાનના શાસક શાહને અમેરિકા સાથે દોસ્તીનો જે સંબંધ હતો એ પણ પસંદ નહોતો. આ એ સમય હતો કે જ્યારે ઈરાન એક સેક્યુલર દેશ હતો. શાહ મોહમ્મ્દ રઝા પહલવીના શાસનમાં ઈરાન સેક્યુલરિઝમના રંગે એવો રંગાયો હતો કે પશ્ચિમી જીવનશૈલી દેશમાં કોઈ તોફાની હવાની જેમ ફેલાવા માંડી હતી.
એવા સમયમાં આયાતોલ્લા ખામેનેઈનો વિદ્યાર્થી અલી તેમની સાથે કલાકોના કલાકો બેઠા રહી ઇસ્લામ અને તેના શાસન વિશે ચર્ચા કરતો રહેતો. ધીરે-ધીરે સૈયદઅલી, આયાતોલ્લા ખોમેનીનો એવો કટ્ટર ફૉલોઅર થઈ ગયો કે હવે તે પણ માનવા માંડ્યો હતો કે ઈરાનમાં ઇસ્લામિક શાસન કઈ રીતે લાવી શકાય. આખરે આ ગુરુ-શિષ્યનું એ સપનું સાકાર થયું. અને આવી પહોંચ્યું ઈરાનના ઇતિહાસનું મહત્ત્વનું વર્ષ, ૧૯૭૯. ૧૯૭૯ની સાલમાં ઈરાનમાં એક જબરદસ્ત ઇસ્લામિક ક્રાન્તિએ જન્મ લીધો. આખોય દેશ ઇસ્લામના રંગે રંગાઈ ચૂક્યો હતો કે આયાતોલ્લા ખોમેની અને અલી ખામેનેઈ જેવા અનેક કટ્ટરપંથી મુસલમાનોને લાગવા માંડ્યું હતું કે શાસક મોહમ્મ્દ રઝા પહલવીના ચીંધ્યા રસ્તે ઈરાન ચાલશે તો દેશમાં ઇસ્લામ મુશ્કેલીમાં આવી પડશે.
તારીખ હતી ૧૯૭૯ની ૧ ફેબ્રુઆરી. એક તરફ દેશના રાજવી શાહ મોહમ્મ્દ રઝા દેશ છોડીને ભાગી ગયા હતા. બીજી તરફ હવે ક્રાન્તિના રસ્તામાં એકમાત્ર રોડો બચ્યો હતો વડા પ્રધાન બખ્તિયાર. એવા સંજોગોમાં ૧૯૭૯ની ૧ ફેબ્રુઆરીના ૧૪ વર્ષના દેશનિકાલ બાદ આયાતોલ્લા ખોમેનીને લઈને આવી રહેલું પ્લેન તેહરાનમાં લૅન્ડ થાય છે. દેશમાં આવતાંની સાથે જ તેમના પ્લેન પર કે તેમના પર સરકાર હુમલો નહીં કરે એ માટે ખોમેની પોતાની સાથે પ્લેનમાં ૧૨૦ જેટલા આંતરરાષ્ટ્રીય પત્રકારોને લઈને આવ્યા હતા. તેહરાનમાં ઊતરતાંની સાથે જ તેમણે તેમના સ્વાગતમાં આવેલા કરોડો ઈરાનિયન લોકો સામે નવા ઈરાનની ઘોષણા કરી નાખી. આયાતોલ્લા ખોમેનીએ ઈરાનને નવું નામ આપ્યું, ઇસ્લામિક રિપબ્લિક ઑફ ઈરાન. અને સાથે જ એલાન થયું બખ્તિયારની સરકારને ઊથલાવી પાડી પોતાની સરકાર બનાવવા વિશેનું. ૨૫૦૦ વર્ષ જૂની ફારસી સમ્રાટોની પરંપરા જેને પર્શિયન એમ્પાયર કહેવામાં આવતું હતું, એ હવે પૂર્ણ રીતે સમાપ્ત થઈ ચૂક્યું હતું.
અમેરિકા સાથે સંબંધ બગાડ્યા
એક તરફ અમેરિકાએ ફારસી શાસક શાહ, જે ઈરાન છોડીને ભાગી ગયો હતો, તેને શરણ આપ્યું હતું. બીજી તરફ નવી સત્તા અને નવા દેશની જાહેરાત બાદ તેહરાનસ્થિત અમેરિકી દૂતાવાસ પર કેટલાક વિદ્યાર્થીઓએ કબજો જમાવી લીધો અને બાવન અમેરિકી નાગરિકોને બંદી બનાવી લેવામાં આવ્યા જેમને બચાવવા માટે અમેરિકાએ અનેક પ્રયાસો કર્યા અને એમાં સૈન્ય શક્તિનો પણ ઉપયોગ કરવામાં આવ્યો. ઈરાનમાં અમેરિકાએ એક મિલિટરી આપરેશન કર્યું જેમાં એ સંપૂર્ણ નિષ્ફળ રહ્યું અને એ સમયે ઈરાનની ડિફેન્સ મિનિસ્ટ્રી અને મિલિટરી ઑપરેશન સ્ટ્રૅટેજી સાથે ખામેનેઈ જોડાયેલા હતા. ૪૪૪ દિવસ સુધી ચાલેલું આ બંધક સંકટ આખરે અલ્જીરિયાની મધ્યસ્થીને કારણે ૧૯૮૧ની ૨૦ જાન્યુઆરીના દિવસે પૂર્ણ થયું. અમેરિકા માટે આ ઘટના એટલા મોટા અપમાન સમાન હતી કે એ દિવસથી આજ સુધી અમેરિકાને ઈરાન અને ઈરાનને અમેરિકા આંખના કણાની જેમ ખૂંચે છે.
અલીમાંથી સુપ્રીમો ખામેનેઈ સુધીની સફર
૧૯૭૯ની સાલ માત્ર ઈરાન માટે જ નહીં પરંતુ આખાય પશ્ચિમી એશિયાના દેશો માટે મહત્ત્વના વળાંકવાળી સાબિત થઈ. ઇસ્લામિક ક્રાન્તિના એ જુવાળમાં એક યુવાનેતા આખાય દેશમાં આશાના કિરણ તરીકે ઊભરી રહ્યો હતો. એવામાં ૧૯૮૧ની સાલમાં એક એવી ઘટના ઘટી કે જેને કારણે એ યુવાનેતાના જ નહીં પરંતુ આખાય ઈરાનના લલાટ પર એક નવું ભવિષ્ય અંકિત થયું.
તારીખ હતી ૧૯૮૧ની ૨૭ જૂન, ઈરાનના તેહરાન શહેરમાં એક મસ્જિદમાં એક યુવાનેતા ભાષણ આપવા માટે આવ્યો હતો. તેના એ ભાષણમાં પત્રકારના વેશમાં આવેલો એક યુવાન સ્ટેજની સામે એક ટેપરેકૉર્ડર મૂકે છે. અચાનક એ ટેપરેકૉર્ડર પેલા યુવાનેતાનું ભાષણ રેકૉર્ડ કરવાને બદલે હજારો લોકોનો જીવ લેનારા ખતરનાક હથિયારમાં પરિવર્તિત થઈ જાય છે. જી હા, એ ટેપરેકૉર્ડર એક એવો બૉમ્બ હોય છે જે પેલા નેતાની સાથે અનેક લોકોનો જીવ લેવા માટે પ્લાન્ટ કરાયેલો હોય છે જેથી ઇસ્લામિક ક્રાન્તિનો પાયો હચમચાવી શકાય. બ્લાસ્ટમાં એ યુવાનેતાનો જીવ તો બચી જાય છે પરંતુ તે ખરાબ રીતે ઘાયલ થઈ જાય છે. તાબડતોબ તેનું ઑપરેશન કરવામાં આવે છે, પરંતુ ડૉક્ટર્સ કહે છે કે તેનો જમણો હાથ સંપૂર્ણપણે ડૅમેજ થઈ ચૂક્યો છે અને હવે એ હાથે તે કોઈ કામ નહીં કરી શકે. પરંતુ એ સમયે આખાય ઈરાનમાં કોઈને નહોતી ખબર કે પથારીમાં પડેલા એ ઘાયલ યુવાનેતાની કિસ્મત અને જિંદગી આ એક ઘટના પછી ખૂબ મોટો વળાંક લેવા જઈ રહી હતી.
આ એક ઘટનાએ ખામેનેઈને ઈરાનિયન લોકોની નજરોમાં વધુ મોટો નેતા બનાવી દીધો. તેણે એક હાથે લખવાનું અને બીજાં કામો શીખવાનું શરૂ કર્યું. ધાર્મિક ભાષણો અને નમાજોમાં આગેવાની તેણે ફરી શરૂ કરી અને સાથે જ ઈરાનની નવી સરકારમાં પણ ફરી સક્રિય કામ કરવા માંડ્યો. આ રીતે ઈરાન પ્રત્યેના સમર્પણની ભાવનાનો દેખાડો બમણી તાકાતથી તેણે કરવા માંડ્યો. પરંતુ એટલામાં જ ૧૯૮૧ના ઑગસ્ટ મહિનામાં તેહરાનના એક બિલ્ડિંગમાં સરકારી મીટિંગ દરમિયાન ફરી એક ધમાકો થયો. આ વખતના બૉમ્બ-બ્લાસ્ટમાં ઈરાનના રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનનું મૃત્યુ થયું. ફરી એક વાર ખામેનેઈ વધુ મજબૂતી સાથે દેશની જનતા સામે ઊભા રહ્યા અને તેમણે આખાય દેશને હિમ્મત બંધાવી.
આખરે ૧૯૮૧ના ઑક્ટોબરમાં જ્યારે દેશના નવા રાષ્ટ્રપતિ માટે ચૂંટણી થઈ ત્યારે અલી ખામેનેઈ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી અને તેમની સહમતીમાં થયેલા ૯૫ ટકા વોટિંગ સાથે તેઓ ઈરાનના નવા રાષ્ટ્રપતિ તરીકે જીતી ગયા.
નવા રાષ્ટ્રપતિ ખામેનેઈની સરકારમાં હુસેન મુસવી વડા પ્રધાન તરીકે આરૂઢ થયા. પણ એ સમયે કદાચ ખામેનેઈને ખબર નહોતી કે ચૂંટણીમાં તેમને મદદ કરનાર આ નેતા મુસવી જ નજીકના ભવિષ્યમાં તેમને ભારી પડવાનો છે. એક તરફ ઇસ્લામિક રાષ્ટ્રના રાષ્ટ્રપતિ તરીકે ખામેનેઈ ચાહતા હતા કે દેશની સેના, અદાલતો અને સરકાર ત્રણે પર ધર્મગુરુઓનું નિયંત્રણ હોવું જોઈએ, જ્યારે બીજી તરફ વડા પ્રધાન મુસવી ઉદારમતવાદી નીકળ્યા. તેઓ ચાહતા હતા કે દેશની આર્થિક નીતિઓમાં ઉદારીકરણ અને સમાજમાં થોડી આઝાદી લાવવી જોઈએ. પરંતુ ખામેનેઈ કટ્ટર ઇસ્લામી સિદ્ધાંતોને વળગીને બેઠા હતા. આ કારણથી ધીરે-ધીરે ઈરાનની રાજનીતિ બે ધારાઓમાં વહેવા માંડી. એક તરફ કટ્ટર ઇસ્લામી મૂડીવાદી અને બીજી તરફ ઉદારમતવાદી.
એવામાં એક નવી મુસીબત ઈરાન સામે આવીને ઊભી રહી, ઈરાન-ઇરાક યુદ્ધ. સોલ્જર્સ સાથે નમાજ પઢવાથી લઈને સરહદી મોરચે પોતે જવા સુધીની હિમ્મત દેખાડતાં તેમણે સેનાનું મનોબળ એવું વધાર્યું કે ઈરાનના એ રાષ્ટ્રપતિએ ઇસ્લામિક રેવલ્યુશનરી ગાર્ડ કૉર્ઝ (IRGC)ની સ્થાપના કરી. આજે પણ ઈરાનની સેનામાં IRGCને સૌથી તાકતવર સેના માનવામાં આવે છે.
રાષ્ટ્રપતિ બન્યો સુપ્રીમ પાવર ઑફ ઈરાન
૧૯૮૯ની ૩ જૂનના સૈયદઅલી ખામેનેઈના ગુરુ અને ઈરાનમાં કટ્ટર પંથના પ્રણેતા આયાતોલ્લા ખોમેનીનું નિધન થઈ ગયું. તેમના ઉત્તરાધિકારી તરીકે ખામેનેઈએ પહેલાં આયાતોલ્લા મુન્ત્ઝીરી પર પસંદગી ઉતારી હતી. પરંતુ તેમની ઉદારવાદી નીતિઓને કારણે ૧૯૮૯ના માર્ચ મહિનામાં જ તેમને હટાવી દેવામાં આવ્યા. ૩ જૂનના દિવસે ખામેનેઈનું નિધન થયું અને ૧૯૮૯ની ૪ જૂનના દિવસે ઈરાનના મુખ્ય અને મોટા નેતાઓની એક મીટિંગ થઈ, જેમાં સામે આવ્યું એક નામ - સૈયદઅલી ખામેનેઈ!
ઉત્તરાધિકારી તરીકે ખામેનેઈ આરૂઢ થાય એમાં એક મોટી મુશ્કેલી હતી. ઈરાનના સંવિધાનમાં નિર્દેશ કરાયા અનુસાર ઉત્તરાધિકારી મર્ઝા-એ-તકલીદ હોવો જોઈએ. અર્થાત, ઉત્તરાધિકારી સૌથી ઊંચા ધાર્મિક દરજ્જાનો હોવો જોઈએ. જ્યારે કે ખામેનેઈ એ સમયે માત્ર હુજ્જત અલ-ઇસ્લામ હતા અર્થાત મધ્યમ દરજ્જાના ધર્મગુરુ. આથી ખામેનેઈના નામ સામે જોરદાર વિરોધ થયો. ત્યાં સુધી કે ખુદ ખામેનેઈએ કહ્યું કે તેઓ આ સત્તાને લાયક નથી, પરંતુ તેમની કટ્ટરપંથી વિચારધારા, ક્રાન્તિ સમયની આગેવાની અને ખામેનેઈના વિચારોની નજીદીકીને કારણે સંવિધાનમાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો. ઉમેરવામાં આવ્યું કે આ પોસ્ટ માટે નેતામાં ધાર્મિક સમજ હોવાની સાથે સમકાલીન રાજનૈતિક સમજ હોવી પણ જરૂરી છે. અને મધ્યમ દરજ્જાના એ ધાર્મિક ગુરુ સૈયદઅલી ખામેનેઈ ઇસ્લામિક રિપબ્લિકન ઑફ ઈરાનના સુપ્રીમ લીડર તરીકે સત્તારૂઢ થયા.
ઇઝરાયલ અને અમેરિકા સાથેના સંબંધ
એક સમય હતો જ્યારે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ખૂબ ગહેરી દોસ્તીનો સબંધ હતો. ૧૯૭૯ ખરેખર જ ઈરાનના ઇતિહાસમાં અત્યંત મહત્ત્વની તારીખ છે. આ સાલ પહેલાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે એટલી ગહેરી દોસ્તી હતી કે વેપાર, તેલ અરે હથિયાર સુધ્ધાં બાબતે બન્ને દેશો વચ્ચે મજબૂતાઈથી આપલેના વ્યવહાર ચાલતા હતા, પરંતુ ૧૯૭૯ની ઇસ્લામિક ક્રાન્તિ પછી ખામેનેઈ ઈરાનના સુપ્રીમ લીડર બન્યા અને તેમણે દેશ પર બે મહત્ત્વની શરતો ઘડી. એક શૈતાન-એ-આઝમ, જે અમેરિકા માટે હતી. અને બીજી શૈતાન-એ-સગીર, જે ઇઝરાયલ માટે હતી. આ બન્ને શરતો એટલે શું અને શા માટે?
ઈરાનમાં થયેલી ૧૯૭૯ની ઇસ્લામિક ક્રાન્તિ એ માત્ર સત્તા પરિવર્તન નહોતું, એ વાસ્તવમાં પશ્ચિમી સામ્રાજ્યવાદ વિરુદ્ધ એક ધાર્મિક પ્રતિરોધ હતો. ખામેનેઈ માનતા હતા કે રાજવી શાહ અમેરિકા અને ઇઝરાયલની કઠપૂતળી બની ચૂક્યા હતા. અને એમાંય ઇઝરાયલને તેઓ ઇસ્લામિક વિશ્વની વિરોધી તાકાતોનું મહોરું માનતા હતા. તેમનું માનવું હતું કે ઇઝરાયલે ફિલિસ્તીનીઓની (પૅલેસ્ટીન) જમીન હડપી લીધી, મુસ્લિમોને ત્રાસદી પહોંચાડી અને અમેરિકી હિતો માટે તેણે પશ્ચિમી એશિયાને અસ્થિર કરવાનો પ્રયત્ન કર્યો. ત્યાર બાદ ખામેનેઈ સુપ્રીમો બન્યા અને વર્ષો સુધી એ દુશ્મની અને ઘૃણા તો એમની એમ રહી પરંતુ પ્રત્યક્ષ રીતે બન્ને દેશ એકમેક સાથે યુદ્ધમાં ઊતર્યા નહીં. પરંતુ ઈરાને એથી અલગ એક હથિયાર અજમાવ્યું. અને એ હતું પડદા પાછળ રહી ઇઝરાયલમાં પરિસ્થિતિઓ અસ્થિર બનાવી રાખવી, જેને તમે પ્રૉક્સીવૉર પણ કહી શકો.
એ માટે ઈરાને અનેક દાવપેચ અજમાવ્યા. જેમ કે મિડલ ઈસ્ટમાં ઇઝરાયલ સામે લડવા માટે તેણે અનેક જગ્યાએ પ્રૉક્સીઆર્મી બનાવી. લેબૅનનમાં હિઝબુલ્લા, યમન અને સિરિયામાં હુતી વિદ્રોહી અને ગાઝા અને પૅલેસ્ટીનમાં હમાસ. આ બધી પ્રૉક્સીઆર્મી પરોક્ષ રીતે ઈરાનના નેજા હેઠળ હતી. આ બધી જ આર્મીનું એક જ કામ છે. મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઇઝરાયલ જેવા દેશોનો પ્રભાવ ઓછો કરવો. આ માટે ઈરાને આ બધી જ આર્મીને હથિયાર, ટ્રેઇનિંગ, ભંડોળ અને બાકીની બધી જ જોઈતી મદદ કરી. ઇઝરાયલને આ બધી ગતિવિધિઓ જોઈ પોતાના વિરુદ્ધ યુદ્ધ જેવી પરિસ્થિતિ જણાવા લાગી.
આખરે ૨૦૧૦નું દશક આવતા સુધીમાં તો આખાય વિશ્વને એવો ડર સતાવવા માંડ્યો કે શું ઈરાન ચોરીછૂપીથી ન્યુક્લિયર બૉમ્બ બનાવી રહ્યું છે? ઈરાન ભલે એમ કહેતું રહ્યું કે તેમનો ન્યુક્લિયર પ્રોગ્રામ માત્ર વીજળી અને મેડિકલ રિસર્ચ માટે છે પરંતુ શંકા ત્યારે ખાતરીમાં પલટાઈ ગઈ જ્યારે ઈરાનિયન નેતાઓ ખુલ્લેઆમ ઇઝરાયલને ખતમ કરી દેવાની ધમકીઓ ઉચ્ચારવા માંડ્યા. ઇઝરાયલને હવે આ બાબત પોતાના અસ્તિત્વ પર જોખમ જણાવા લાગી હતી. એને લાગવા માંડ્યું હતું કે જો ઈરાન પાસે ન્યુક્લિયર બૉમ્બ આવ્યો તો ન માત્ર ઇઝરાયલ પર ખતરો છે પરંતુ ઈરાન જેવી જ ઇસ્લામિક ક્રાન્તિ આખાય મિડલ ઈસ્ટના દેશોમાં ફેલાવા માંડશે.
ખાતમો અમેરિકા જ કરી શકે?
આખરે ખામેનેઈ આટલા શક્તિશાળી કઈ રીતે છે કે શસ્ત્રો અને ટેક્નિકમાં આટલું ઍડ્વાન્સ ગણાતું ઇઝરાયલ પણ તેનો ખાતમો કરી શકવા માટે અક્ષમ સાબિત થઈ રહ્યું છે? શા માટે ઇઝરાયલે અમેરિકાની મદદ માગવી પડી અને કહેવું પડ્યું કે અમેરિકા ખામેનેઈને શોધીને તેનો ખાતમો બોલાવે?
ઇઝરાયલ, પૅલેસ્ટીન, ગાઝા પટ્ટી જેવા અનેક વિસ્તારોનાં મહત્તમ ઘરો કે શેરીઓમાં જમીનની નીચે બંકરો અને ટનલ્સ બનાવવામાં આવ્યાં છે જેથી હુમલો થાય કે તરત સામાન્ય નાગરિક પણ એ બંકરમાં છુપાઈ શકે. એ જ રીતે ઈરાનમાં પણ ન આ ટેક્નિક ભલીભાંતિ અપનાવી લેવામાં આવી છે. ઈરાનના સુપ્રીમો આ યુદ્ધ દરમિયાન સુરક્ષિત રહે એ માટે તેમની સૌથી વિશ્વસનીય આર્મી એવી IRGC સતત તેમની સાથે રહેતી હતી એટલું જ નહીં, ખામેનેઈને આ આર્મીએ કોઈ એક જગ્યાએ સ્થિત નહીં રાખતાં અલગ-અલગ વિસ્તારનાં અલગ-અલગ બંકરોમાં છુપાવ્યાં અને તેમની આસપાસ ઇન્ટરનેટ, મીડિયા વગેરે ન રહે એની તો ખાતરી રાખી. સાથે જ સરકાર કે બહારની કોઈ વ્યક્તિ તેમને સીધા રૂબરૂ મળી નહીં શકે કે વાતચીત નહીં કરી શકે એની પણ તકેદારી રાખી. આ કારણથી ઇન્ટરનેટ અને GPSના આ આધુનિક જમાનામાં પણ ખામેનેઈનો પત્તો મેળવવો અને નુકસાન પહોંચાડવું ઇઝરાયલ માટે અશક્ય જણાઈ રહ્યું હતું. જ્યારે અમેરિકા પાસે એવાં-એવાં મિસાઇલ્સ અને બૉમ્બ છે જે જમીનના ઊંડાણ સુધી પણ હુમલો કરી શકે. ખેર, પરિસ્થિતિ હાલપૂરતું તો થાળે પડી હોય એમ જણાઈ રહ્યું છે. બાકી ઇઝરાયલ એક અગ્રેસિવ અપ્રોચ ધરાવતો દેશ છે અને ઈરાન એક કટ્ટર ઇસ્લામિક દેશ. બન્ને વચ્ચે આ થાળે પડેલી પરિસ્થિતિ ક્યાં સુધી જળવાઈ રહે એ તો ભવિષ્ય જ કહેશે.