કાયમી નોકરી નહીં, પણ છૂટક કામ કરતા હો તો આ અગત્યની બાબતો ધ્યાનમાં રાખજો

29 June, 2025 02:54 PM IST  |  Mumbai | Priyanka Acharya

મોટા ભાગના ગિગ વર્કર્સ પોતાની આવક અનિશ્ચિત હોવા વિશે પરિવારજનોને વાત કરતા નથી. તેમને પ્રોવિડન્ટ ફન્ડ કે પેન્શન જેવી બાબતો સાથે પણ લાગતું-વળગતું નથી, કારણ કે તેમનો રોજગાર છૂટક છે.

પ્રતીકાત્મક તસવીર

આજકાલ એક નવી વ્યવસ્થા અસ્તિત્વમાં આવી છે જેને ‘ગિગ ઇકૉનૉમી’ કહેવાય છે. કાયમી નોકરી નહીં પરંતુ છૂટક ધોરણે વિવિધ પ્રકારનાં કામ કરનારા યુવાનોને ‘ગિગ વર્કર્સ’ કહેવાય છે. તેઓ ગતિશીલ હોવાની સાથે-સાથે પોતાની પસંદગીથી કારકિર્દી ઘડે છે. ગિગ વર્કર્સ ડિલિવરી, વેબ ડિઝાઇનિંગ, પ્રી-વેડિંગ શૂટ, સ્ટૅન્ડ-અપ કૉમેડી અથવા ઇવેન્ટ મૅનેજમેન્ટ જેવાં કાર્યો કરતા હોય છે.

અહીં જણાવવું રહ્યું કે મોટા ભાગના ગિગ વર્કર્સ પોતાની આવક અનિશ્ચિત હોવા વિશે પરિવારજનોને વાત કરતા નથી. તેમને પ્રોવિડન્ટ ફન્ડ કે પેન્શન જેવી બાબતો સાથે પણ લાગતું-વળગતું નથી, કારણ કે તેમનો રોજગાર છૂટક છે.

મુંબઈ, પુણે અને ચેન્નઈમાં ૧૬૦ યુવા ગિગ વર્કર્સનું સર્વેક્ષણ કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે એમાંથી ૮૨ ટકા લોકો મહિનાનું બજેટ ધરાવતા નથી અને ૯૧ ટકા લોકો પાસે ફાઇનૅન્શિયલ ઇમર્જન્સી ફન્ડ નથી. જોકે નાણાકીય બાબતોમાં તેઓ ફાવે એવી અને એટલી છૂટ લઈ શકે નહીં. તેમણે ધ્યાનમાં રાખવાના કેટલાક મહત્ત્વના મુદ્દાઓ અહીં પ્રસ્તુત છેઃ

તેઓ પોતાની આવકમાંથી ૬૦ ટકા રકમ રોજબરોજના ખર્ચ માટે, ૩૦ ટકા રકમ ટૂંકા ગાળાનાં નાણાકીય લક્ષ્યો માટે અને હરવા-ફરવા માટે રાખી શકે છે. બાકીની ૧૦ ટકા રકમનું તેમણે ગમે એમ કરીને લાંબા ગાળાના ભવિષ્ય માટે રોકાણ કરવું રહ્યું.

સહજ છે કે દર મહિને તેમના વેતનની રકમ અલગ-અલગ હોય; પરંતુ જ્યારે અમુક નિશ્ચિત રકમ ઉપરાંતની આવક થાય ત્યારે એ રકમને અલગ અકાઉન્ટમાં રાખવી, જે જરૂર પડ્યે ઉપયોગમાં લઈ શકાય.

આવક બદલાવાની સાથે-સાથે રોકાણની રકમ ભલે બદલાય, પરંતુ રોકાણ કરવું જરૂરી છે. આજકાલ નાણાકીય આયોજન અને રોકાણને લગતી અનેક મોબાઇલ ઍપ ઉપલબ્ધ છે. એની મદદ લેવી અને જો એ શક્ય ન હોય તો એક ડાયરીમાં જ આવક-જાવક, બચત અને રોકાણની નોંધ કરવી. અને હા, બીજું બધું કરતાં પહેલાં જરૂરિયાત પ્રમાણેનો આરોગ્ય વીમો અને જીવન વીમો જરૂરથી લઈ લેવો.

કામ કરવામાં ભલે સ્વતંત્રતા હોય, પરંતુ મિત્રો અને પરિવારજનોથી વિમુખ થવું જોઈએ નહીં. દર મહિને મિત્રો સાથે મળીને કામધંધાની કે પછી અલકમલકની વાતો કરવી. એકબીજાના અનુભવ પરથી ઘણું શીખવા મળે છે. વળી દોસ્તારો સાથેની વાતચીતમાં કોઈ સંકોચ પણ હોતો નથી. સાથે-સાથે સ્વજનોને પણ પોતાના કામકાજ અને વેતનની બાબતે વાકેફ રાખવા. તેમની સાથે પણ વર્તમાન અને ભવિષ્યની ચર્ચા કરવી. આખરે તો તેઓ તમારા હિતમાં જ વિચાર કરે છે એ ધ્યાનમાં રાખવું.

કારકિર્દી ઘડવામાં ભલે સ્વતંત્રતા હોય, પરંતુ બધે જ મનનું ધાર્યું થતું નથી. પંખીએ આખી દુનિયામાં ઊડીને સાંજ પડ્યે માળામાં આવવાનું જ હોય છે. એને પણ હૂંફની અને સથવારાની જરૂર હોય છે. નાણાકીય બાબતોમાં તો બધાએ જવાબદારીથી રહેવું પડે છે.

finance news columnists gujarati mid day indian economy mumbai