રંગમેળ ભલે ન થતો હોય, મહત્ત્વનો તો મનમેળ છે

19 December, 2025 12:29 PM IST  |  Mumbai | Darshini Vashi

‘મિડ-ડે’એ મુંબઈનાં એવાં ગુજરાતી કપલ્સ શોધ્યાં જેમાં  પતિ-પત્નીના સ્કિન-કલરમાં ભિન્નતા હોય અને તેમને પૂછી જોયું આ બાબતે તેમને થયેલા અનુભવો વિશે

કપલમાં દુલ્હા રિષભ રાજપૂતની સ્કિન ખૂબ જ શ્યામ હતી જ્યારે દુલ્હન શોનાલી ચૌકસે ગોરી હતી

થોડા દિવસ પહેલાં મધ્ય પ્રદેશમાં એક વિવાહ થયા હતા. આ વિવાહ અન્ય વિવાહ જેવા જ હતા છતાં એ સોશ્યલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા હતા. એનું કારણ છે પતિ-પત્નીના સ્કિન-કલરની ભિન્નતા. આ કપલમાં દુલ્હા રિષભ રાજપૂતની સ્કિન ખૂબ જ શ્યામ હતી જ્યારે દુલ્હન શોનાલી ચૌકસે ગોરી હતી. એને લીધે આ બન્નેની ઇન્ટરનેટ પર ખૂબ જ મજાક ઉડાવવામાં આવી હતી. ત્યાં સુધી કે લોકો એમ પણ કહેતા હતા કે આવાં લગ્ન માત્ર પૈસા અને સ્ટેટસ માટે થતાં હોય છે જે વધારે ટકતાં નથી. જોકે આ કપલે આવી અનેક નકારાત્મક કમેન્ટ્સને નૉર્મલ રીતે લઈને સારા શબ્દોમાં વળતો પ્રહાર પણ કર્યો હતો અને તીખી કમેન્ટ કરનારનાં મોં પણ બંધ કરી દીધાં હતાં. આ ઘટના પછી ‘મિડ-ડે’એ મુંબઈનાં એવાં ગુજરાતી કપલ્સ શોધ્યાં જેમાં  પતિ-પત્નીના સ્કિન-કલરમાં ભિન્નતા હોય અને તેમને પૂછી જોયું આ બાબતે તેમને થયેલા અનુભવો વિશે.

આટલાં વર્ષોમાં અમને ક્યારેય વિચાર પણ આવ્યો નથી

તાજેતરમાં જ લગ્નનાં ૩૮ વર્ષ પૂર્ણ કરનાર અને મુલુંડમાં રહેતાં યામિની જોશી કહે છે, ‘આપણામાં પહેલાં ખાનદાની જોતા, માણસોનો સ્વભાવ જોતા, છોકરાને કોઈ વ્યસન છે કે નહીં એ જોતા; પણ હવે આ બધી વસ્તુઓ મોટા ભાગના લોકો જોતા નથી. હવે પહેલાં રૂપ-રંગ, મિલકત અને ફૅમિલી નાની છે કે મોટી એ જોઈને વિવાહ નક્કી કરે છે. મારાં લગ્ન થયાને વર્ષો થઈ ગયાં, પણ ક્યારેય અમે સ્કિનના રંગ પર કોઈ ચર્ચા કરી જ નથી. તેમ જ અમારા દામ્પત્ય જીવનમાં ક્યારેય રંગને લઈને કોઈ પણ પ્રકારનો મતભેદ થયો પણ નથી. હું ગોરી છું અને મારા હસબન્ડ શ્યામ છે, પરંતુ ક્યારેય આ મુદ્દો અમારી વચ્ચે નીકળ્યો નથી. અમારા બન્ને વચ્ચેનો મનમેળ જોઈને લોકો એમ કહે છે કે આ કપલ તો મેડ ફૉર ઈચ અધર છે. આ રંગરૂપ તો લગ્નના શરૂઆતના દિવસોનું આકર્ષણ હોય છે. બાકી લગ્નજીવનને તંદુરસ્ત અને લાંબું ચલાવવા માટે મનમેળ જ હોવો સૌથી જરૂરી બને છે. પહેલાં હું સ્કૂલમાં ટીચર હતી ત્યારે સવારની સ્કૂલ હોવાથી હું બને તેટલી રસોઈ બનાવી જતી અને બાકીની રસોઈ મારા હસબન્ડ બનાવી લેતા. આજે હું બહારથી આવું અને મારા હસબન્ડ ઘરમાં હોય તો તે મને પાણીનો ગ્લાસ લાવીને આપે, મને કૉફી બનાવી આપે છે. ઘરના બધાની સામે રિસ્પેક્ટ આપે. મારી વાત સાંભળે. મારા સજેશન પર વિચાર કરે. એવી જ રીતે હું પણ તેમના મનની બધી વાત સમજી જાઉં છું. તે કંઈ ન બોલે તો પણ હું સમજી જાઉં છું કે તેમને શું જોઈએ છે. સુખ-દુઃખમાં તેમના પડખે ઊભી રહું છું. મારા મતે આ બાબત જ સુખી લગ્નજીવનની નિશાની હોય છે. જીવનની પાછલી એજમાં એકબીજા પ્રત્યેની લાગણી અને સન્માન જ કામ આવતાં હોય છે, ત્યારે આ રૂપ-રંગ કોઈ કામ આવતાં નથી.’

અમને ઘરમાં લક્ષ્મી-નારાયણની જોડી કહે છે

મારા હસબન્ડ શ્યામ છે અને હું ગોરી છું, પણ અમને એનાથી કોઈ ફરક પડતો નથી; અમને તો લક્ષ્મી-નારાયણ અથવા તો રાધા-કૃષ્ણની જોડી કહીને બોલાવવામાં આવે છે’ એમ જણાવતાં વિદ્યાવિહારમાં રહેતાં ૪૮ વર્ષનાં કિના દેસાઈ કહે છે, ‘અમારાં લગ્નને ૨૭ વર્ષ થયાં છે. અમારાં અરેન્જ્ડ મૅરેજ છે. બધાને એમ જ લાગે છે કે અમારાં લવ-મૅરેજ થયેલાં છે. સૌથી પહેલાં મારા પપ્પાએ મારા હસબન્ડને મારા માટે પસંદ કર્યા હતા. મારા પપ્પા જ્યારે તેમને પહેલી વખત મળ્યા તો તેમને લાગ્યું કે છોકરો મારી દીકરી માટે બેસ્ટ પાત્ર રહેશે. ત્યાર બાદ હું તેમને મળવા ગઈ. મને તેમનો સ્વભાવ અને ગુણ એકદમ આકર્ષી ગયા. ત્યારે મારા મનમાં રંગનો કોઈ વિચાર આવ્યો પણ નહોતો. રંગ ભલે કોઈ પણ હોય, પણ સ્વભાવ કેવો છે એ મહત્ત્વનું હોય છે. આજે મારી સાથે મારી મમ્મી મારા ઘરમાં રહે છે છતાં ક્યારેય મારા હસબન્ડે કોઈ વિરોધ કર્યો નથી. વિરોધ તો દૂરની વાત, તે તો મારા કરતાં પણ વધારે મારી મમ્મીનું ધ્યાન રાખે છે. સાચું કહું તો અમારા સ્કિન-ટોનને લઈને અમને ક્યારેય કોઈ નેગેટિવ કમેન્ટ મળી નથી. હા, મજાકમાં ક્યારેક મારા હસબન્ડ જ કહેતા હોય છે કે તું તો બહુ ગોરી છે.’

શ્યામ રંગ હોવો કોઈ ખામી નથી

વાશીમાં રહેતા ૪૫ વર્ષના જિતેન ઓઝા કહે છે, ‘અમારાં લગ્ન ૨૦૧૨માં થયાં હતાં. એટલે કે ૧૩ વર્ષ થઈ ગયાં, પરંતુ અમે એકબીજાની સાથે છેલ્લાં ૧૭ વર્ષથી છીએ. અમે બન્ને એક જ જગ્યાએ નોકરી કરતાં હતાં. ત્યાં અમને પ્રેમ થઈ ગયો અને પછી અમારાં લગ્ન થયાં અને આજે અમને એક દીકરી પણ છે. જોકે આટલાં વર્ષોમાં ક્યારેય પણ સ્કિન-કલરનો મુદ્દો અમારી વચ્ચે આવ્યો નથી. મારી વાઇફ ખૂબ જ રૂપાળી છે પણ તેના મનમાં ક્યારે એવું આવ્યું નથી કે મારા હસબન્ડ શ્યામ છે. એક શ્યામ હોય અને એક રૂપાળું હોય એનો અર્થ એવો નથી કે એ પર્ફેક્ટ કપલ નથી. શ્યામ રંગ હોવો કોઈ ખામી નથી. પર્ફેક્ટ કપલ ત્યારે કહેવાય જ્યારે તેમની વચ્ચે અન્ડરસ્ટૅન્ડિંગ હોય.,એકબીજાની વચ્ચે રિસ્પેક્ટ હોય, પ્રેમ હોય. અને રહી વાત રંગની તો શ્યામ રંગ તો સાક્ષાત શ્રી કૃષ્ણના આશીર્વાદ જ કહેવાય. મારા મતે સ્કિન-કલરને લગ્ન સાથે કોઈ લેવાદેવા જ નથી.’

મનમેળ જરૂરી છે, બાકી બીજું મળે કે ન મળે એ જરૂરી નથી

મલાડમાં રહેતા ૪૯ વર્ષના તેજસ જાની કહે છે, ‘લગ્નજીવનનો પાયો વિશ્વાસ અને સમજણ પર રહેલો હોય છે. જો એ કાયમ હોય તો રંગ તો શું, દુનિયાની કોઈ તાકાત તમારા લગ્નજીવનમાં અંતરાય ઊભી કરી શકતી નથી. અમારાં અરેન્જ્ડ મૅરેજ છે અને લગ્ન થયાંને પણ વર્ષો વીતી ગયાં છે, પણ સ્કિનનો રંગ અમારી ડિક્શનરીમાં ક્યારેય આવ્યો જ નથી. અમે બન્નેએ જ્યારે લગ્ન કરવાની હા પાડી ત્યારે અમે અમારા સ્કિન-કલર વિશે વિચાર્યું પણ નહોતું એટલે કે એ અમારો મુદ્દો હતો જ નહીં. મારે ઘર સંભાળે, પરિવારમાં ભળી જાય એવી સમજુ પત્ની જોઈતી હતી, જે ગુણ મને તેનામાં દેખાયા એટલે મેં લગ્ન માટે હા પાડી. આજે અમે હૅપીલી મૅરિડ કપલ છીએ અને અમારા સ્કિનના કલરને લઈને અમને કોઈએ નકારાત્મક કમેન્ટ પણ કરી નથી. આજે હું યુવાનોને એ જ કહેવા માગું છું કે તમે લગ્ન કરવા માટે જે પાત્ર શોધો છો એમાં રૂપ-રંગને મહત્ત્વ ન આપીને મનની સુંદરતા પર વધુ ધ્યાન આપશો તો લગ્નજીવન સુખમયી બની રહેશે.’

gujaratis of mumbai mumbai columnists exclusive