✕

ગુજરાતી મહિલાઓની કંઈક નવું શીખવાની ધગશ અને કળાત્મક સૂઝ પણ કમાલની છે

28 October, 2026 05:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ઉપરાંત મહારાષ્ટ્રનાં ગરમાગરમ વડાપાંઉ, મસાલેદાર મિસળપાંઉ અને લીંબુની છાંટવાળા પૌંઆનો ચટાકો હોય કે દક્ષિણ ભારતના કરકરા મસાલા ઢોસા, નરમ ઇડલી, ઉત્તપમ અને નારિયેળની ચટણી સાથેના સાંભારની જમાવટ - ગુજરાતીઓએ દરેક સ્વાદને હોંશે-હોંશે અપનાવ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

નવરાત્રિના રાસ-ગરબા પૂરા થયા. ઉપવાસ અને એકટાણાંની લગામ પણ હવે થોડી ઢીલી પડી હશે. તો ચાલો આજે સ્વાદની દુનિયામાં એક લટાર મારી આવીએ. જરા કલ્પના કરો કે રસોડામાં ઘીમાં શેકાયેલાં ગરમાગરમ થેપલાંની સોડમ પ્રસરી રહી છે. બપોરે દાળ-ભાત, શાક-રોટલીની થાળી તૈયાર છે અને સાંજ પડતાં જ ફરમાઇશ આવે છે, ‘આજે તો પંજાબી છોલે-ભટૂરે જ ખાવાં છે!’ ક્યારેક ચટાકેદાર નૂડલ્સની ફરમાઇશ આવે છે તો ક્યારેક ચીઝથી છલોછલ પીત્ઝા કે પાસ્તાની. રવિવારે પાછાં ઇડલી, વડાં, ઢોસાનો વારો આવે છે. આજનાં ગુજરાતી ઘરોમાં આવાં દૃશ્યો હવે સામાન્ય બની ગયાં છે. એક સમયે દાળ-ભાત અને શાક-રોટલીના પરિચિત સ્વાદમાં રમતું ગુજરાતી રસોડું આજે પંજાબી તડકા, દક્ષિણ ભારતીય મસાલા અને વિદેશી વાનગીઓની સોડમથી એવું મઘમઘી રહ્યું છે કે જાણે એક જ રસોડામાં આખી દુનિયાની સ્વાદસભા ભરાઈ હોય.

હવે રેસ્ટોરાંનો સ્વાદ ગુજરાતી ઘરના રસોડે

એક સમય હતો જ્યારે પીત્ઝા, પાસ્તા કે પંજાબી વાનગીઓ ખાવાની ઇચ્છા થાય તો પરિવાર સાથે રેસ્ટોરાંમાં જવાનો કાર્યક્રમ બનાવવો પડતો. સાથે સમય અને પૈસા બન્ને ખર્ચાતા. જોકે હવે ગુજરાતી મહિલાઓએ રસોડામાં જ એવી કમાલ કરી છે કે બહારની વાનગીઓનો સ્વાદ ઘરમાં જ માણી શકાય છે. રેસ્ટોરાંમાં ખાધેલી વાનગીનો સ્વાદ જીભ પર યાદ રાખીને એવી રેસિપી શોધવી, મનગમતી સામગ્રી ઉમેરવી અને પરિવારની પસંદગી પ્રમાણે એને વધુ સ્વાદિષ્ટ બનાવવી પણ એક કળા છે. દર વખતે કંઈક નવું શીખવાની અને પરિવારને નવી વાનગી બનાવીને ખુશ કરી દેવાની આ આવડત ગુજરાતી મહિલાઓની કલ્પનાશક્તિ સાથે તેમની આત્મનિર્ભરતાનું પણ સ્વાદિષ્ટ ઉદાહરણ છે.

થાળીમાં પંજાબી રંગ, રાજસ્થાની ઢંગ

ગુજરાતીઓ ખાવાના શોખીન હોય છે એ વાત કોઈ નવી નથી. ખાસ કરીને પંજાબી ભોજનની વાત આવે એટલે મોઢામાં પાણી આવી જાય. માખણથી લથબથ પરાઠા, મસાલેદાર છોલે-ભટૂરે, પનીર ટિક્કા, દાલફ્રાય તડકાનો સ્વાદ કોણ ભૂલી શકે? પંજાબી ગ્રેવીવાળા શાક સાથે અમૃતસરી કુલચા કે બટર નાન હોય તો ભોજનનો આનંદ બમણો થઈ જાય. રાજસ્થાનની દાલ-બાટી-ચૂરમા, ગટ્ટે કી સબ્ઝી, મારવાડના મસાલા રોટલા સાથે દહીંમાં નાખેલી લસણની ચટણીનો સ્વાદ પણ કંઈક અનોખો છે. ઉત્તર ભારતની ચટાકેદાર ચાટ, આલૂ ટિક્કી, વિવિધ સ્ટફિંગવાળા સમોસા અને દિલ્હીના દહીભલ્લા જેવી વાનગીઓનું નામ સાંભળતાં જ જાણે ભૂખ બેવડાઈ જાય છે. એમાં પણ બનારસી ટમેટાં-ચાટ અને કચોરી-સબ્ઝી જેવી વાનગીઓનો સ્વાદ પણ માણવા જેવો છે.

મહારાષ્ટ્રના ચટાકાથી દક્ષિણના સ્વાદ સુધી

આ ઉપરાંત મહારાષ્ટ્રનાં ગરમાગરમ વડાપાંઉ, મસાલેદાર મિસળપાંઉ અને લીંબુની છાંટવાળા પૌંઆનો ચટાકો હોય કે દક્ષિણ ભારતના કરકરા મસાલા ઢોસા, નરમ ઇડલી, ઉત્તપમ અને નારિયેળની ચટણી સાથેના સાંભારની જમાવટ - ગુજરાતીઓએ દરેક સ્વાદને હોંશે-હોંશે અપનાવ્યો છે. હૈદરાબાદી બિરયાનીમાં નાખેલાં ઘણાંબધાં શાકભાજી અને મસાલાનો સંગમ ફક્ત શોભા નથી વધારતો, શરીરને પોષણ પણ આપે છે. કાશ્મીરી પુલાવમાં કેસર, કાજુ-બદામ, કિસમિસ અને દાડમના દાણા ભોજનને શાહી અંદાજ આપે છે. કેરલમના અપ્પમ, ગોવાની વેજિટેબલ કરી અને બંગાળની આલૂ પોસ્ટો જેવી વાનગીઓ હવે માત્ર પ્રવાસ દરમ્યાન માણવાનો સ્વાદ નથી રહી; ગુજરાતી મહિલાઓની રસોઈકળા અને નવા પ્રયોગોને કારણે એ ગુજરાતી ઘરોના રસોડામાં પણ મહેકવા લાગી છે.

પીત્ઝા-પાસ્તાથી ચાઇનીઝ સુધીના વિદેશી સ્વાદની ધમાલ

દેશી વાનગીઓથી મન ભરાય ન ભરાય ત્યાં તો વિદેશી સ્વાદનો વારો આવે છે. એક સમયે પીત્ઝા ખાવા માટે રેસ્ટોરાંમાં જવું પડતું. આજે ઘરમાં જ પીત્ઝાના બેઝ પર સૉસ પાથરીને, રંગબેરંગી શાકભાજીનાં ટૉપિંગ્સ ગોઠવીને, ચીઝથી લથબથ પીત્ઝા તૈયાર થાય છે. મજાની વાત તો એ છે કે હવે આવા પીત્ઝા તો ઘરના વડીલોને પણ પસંદ પડવા લાગ્યા છે. એ સિવાય ઇટાલિયન પાસ્તા, ચાઇનીઝ નૂડલ્સ, મન્ચુરિયન, ફ્રાઇડ રાઇસ વિથ ગ્રેવી, મેક્સિકન નાચોઝ અને ટાકોઝ ઉપરાંત વિવિધ સૅન્ડવિચ અને બર્ગર પણ ગુજરાતી રસોડાની લોકપ્રિય વાનગીઓ બની ગઈ છે જે ખાવાનો આનંદ બમણો કરી દે છે. કોઈને સફેદ સૉસવાળો પાસ્તા ગમે તો કોઈને ચટપટાં નૂડલ્સ કે ક્રિસ્પી નાચોઝ સાથે ચીઝ ડિપ. આમ બાળકોની નાનકડી ફરમાઇશથી શરૂ થયેલો વિદેશી વાનગીઓનો શોખ હવે આખા પરિવારની પસંદ બની ગયો છે.

ગુજરાતી મહિલાઓની સ્વાદભરી આત્મનિર્ભરતા

આ બદલાવ પાછળ માત્ર સ્વાદના શોખની વાત નથી, ગુજરાતી મહિલાઓની કંઈક નવું શીખવાની ધગશ અને કળાત્મક સૂઝની પણ કમાલ છે. યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકે તો જાણે રસોઈની આખી દુનિયા જ ઘરના રસોડામાં લાવી દીધી છે. રેસ્ટોરાંમાં કોઈ વાનગી ભાવી જાય એટલે ઘરે આવીને તરત એની રેસિપી શોધવાની અને પછી રસોડામાં અખતરા શરૂ કરવાના. ઘણી વાર તો આ વાનગીમાં મસાલો કેટલો રાખવો, તેલ કેટલું વાપરવું અને શાકભાજી કઈ ઉમેરવી એનો નિર્ણય પણ ગુજરાતી મહિલાઓ પોતાની રીતે કરે છે. એટલે ક્યારેક દેશી-વિદેશી વાનગીઓ બનાવતી કોઈ મહિલા પૂછે કે આજે શું બનાવું? તો મજાકમાં એમ કહેવાય છે કે તું પહેલાં વાનગી તો બનાવ, આપણે નામ પછી રાખી લઈશું. ક્યારેક સ્વાદ એવો જામી જાય કે ઘરના સભ્યો આંગળાં ચાટતાં રહી જાય. રસપ્રદ વાત તો એ છે કે કેટલીક મહિલાઓએ પોતાની રસોઈકળાને કમાણીનું સાધન પણ બનાવી લીધું છે. હોમમેડ પીત્ઝા, પાસ્તા, બર્ગર, પંજાબી વાનગીઓ અને ચટાકેદાર નાસ્તાના ઑર્ડર લઈને તેઓ ઘરેથી જ વ્યવસાય ચલાવે છે. આમ જે ગુજરાતી રસોડું એક સમયે માત્ર પરિવારની ભૂખ ભાંગતું હતું એ આજે મહિલાઓની કુશળતા, આત્મવિશ્વાસ અને આર્થિક સ્વાવલંબનની નવી ઓળખ પણ બની રહ્યું છે.

અંતિમ વિચાર 

ગુજરાતી રસોડામાં આજે પણ દાળ-ભાત, રોટલી-શાક, કઢી-ખીચડી, ઢોકળાં અને થેપલાંની મહેક અકબંધ છે; પરંતુ હવે એની સાથે દેશ-વિદેશના સ્વાદની પણ જમાવટ થવા લાગી છે. ગુજરાતી મહિલાઓએ રસોડાને માત્ર રસોઈ પૂરતું સીમિત રાખ્યું નથી, પરંતુ એને નવીનતા અને આત્મનિર્ભરતાનું કેન્દ્ર બનાવ્યું છે. ગુજરાતીઓની વાત જ નિરાળી છે. થાળીમાં દાળ-ભાત હોય, મનમાં છોલે-ભટૂરેની ઇચ્છા જાગે અને ફરમાઇશ કરે પીત્ઝાની તો ગુજરાતી રસોડું એને પણ રાજીખુશીથી આવકારી લે છે. ગુજરાતી પરિવારના રસોડાની ઓળખ અકબંધ છે અને હવે તો એમાં આખી દુનિયાના સ્વાદની પણ મહેક ભળી ગઈ છે.

- રાજેશ ચાવડા

columnists gujarati mid day food and drink food news street food Gujarati food indian food mumbai food lifestyle news life and style