20 September, 2026 01:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇલસ્ટ્રેશન
‘નીતુ...’ મમ્મીના ઘાંટાએ મારી ચૅટની મજા બગાડી નાખી. હું ડ્રૉઇંગરૂમમાંથી સીધી રસોડામાં ગઈ.
‘મમ્મી પ્લીઝ, ડોન્ટ કૉલ મી નીતુ... યુ નો વૉટ, માય નેમ ઇઝ નિતલ. તને ભૂલવાની આદત છે, પણ એની સાબિતી વારંવાર આપવાની કોઈ જરૂર નથી. લાસ્ટ ટાઇમ જ્યારે મારી કૉલેજફ્રેન્ડ આવી હતી ત્યારે તારા નીતુ...નીતુ...ના બરાડાને લીધે આજે આખી કૉલેજ મને RKની મૉમ કહીને બોલાવે છે.’
હું ગુસ્સાથી ભભૂકતી હતી અને તે તો બધાં ટિફિન ફટાફટ ભરવા લાગી.
‘આ RK કોણ છે?’ તે રોટલી ગણતાં-ગણતાં બોલી.
‘ઓહ ગૉડ, ડૅમ ઇટ. RK મીન્સ રણબીર કપૂર, પણ પાછી એમ ન પૂછતી કે કોણ રણબીર? મારી કૉલેજનો કોઈ છોકરો નથી તે. બાય ધ વે, હું તારી આગળ આ ભાગવત શું કામ માંડું છું? ઍન્ડ મૉમ લિસન, હવે આ ઑર્થોડૉક્સ થિન્કિંગ તારાં ટિફિન્સના વધેલા એઠવાડની જેમ ફેંકી દે અને મારા પર શંકા કરવાનું બંધ કરી દે. બોલ, શું કામ હતું?’ કોરા વાળની લટોને મેં આટલું બોલતાં તો કેટલીયે વાર ગૂંચવી નાખી.
‘સાડાઅગિયાર થઈ ગયા છે... બપોરનાં ટિફિન રવાના કરવાનો સમય થઈ ગયો છે. તને ખબર તો છે કે મારાથી એકલપંડે ૨૦ ટિફિન સચવાતાં નથી. મને તારી મદદની થોડી જરૂર તો પડે જને...’ તે તેના કામમાં મશગૂલ હતી.
‘મમ્મી, આ તો છેલ્લા ૧૦ દિવસથી મારે વેકેશન પડ્યું. બાકી તો તું જાતે જ ટિફિન ભરતીને... ને હવે અચાનક થાકવા લાગી તું? અને હું તો કહું છું કે આ ધંધા બંધ કર પ્લીઝ.’
‘વીસેવીસ છોકરાઓને એકઝાટકે કહી દઉં કે કાલથી ટિફિન બંધ?’ મારી સામે તેણે વેધક નજર કરી અને હું ફરી ગૂંચવાઈ ગઈ.
‘તારા પપ્પાને આ ઘર ચલાવવા પૈસા આપવાની જરૂર નથી પડતી એ આ ટિફિનના કારણે જ. તે શૅરબજારમાં પોતાની કમાઈ ઘરખર્ચની ચિંતા કર્યા વિના રોકી શકે છે, તું મૉડર્ન કૉલેજમાં ભણે છે એ આ ટિફિનના કારણે જ...’
‘ઓહ... સ્ટૉપ ઇટ મૉમ. તું શું એમ કહેવા માગે છે કે પપ્પા તેમની જવાબદારીથી દૂર ભાગે છે? તેણે તારા પર ધ્યાન નથી આપ્યું? તે તને પ્રેમ તો કરે જ છે. આ ઘર આપ્યું, ખાવાનું આપી શકે છે, પહેરવા કપડાં આપી શકે છે, સાથે રહીને સેફ્ટી આપે છે...’
‘એ બધું તો જેલ પણ આપે છે.’
હું તેને તાકી રહી. તેની મોટી અણિયાળી આંખોમાં મેં પપ્પાની વ્યસ્તતા વિશેની ફરિયાદ ઝાંખવાનો પ્રયત્ન કર્યો; પણ મમ્મીની આંખમાં મને ક્યારેય કશું દેખાતું નથી, સાવ જ કોરી આંખો. તેના સપાટ ચહેરાની રેખાઓમાં પણ કોઈ ફેરફાર નહીં. મારી મમ્મી છે જ એવી. પહેલેથી જ સાવ અણઘડ, અવ્યવસ્થિત, વ્યસ્ત છતાં એક ગુપ્ત કોયડા જેવી. પપ્પાને તો હું એટલા ઓળખું છું કે હવે પછી તે શું કહેવાના છે કે શું કરવાના છે એ હું અગાઉથી જ કહી દઉં.
lll
નાનપણથી ઘરમાં મેં એક રૂટીન જોયું છે. પપ્પા, તો સતત વ્યસ્ત ફોન, અડધી પિવાયેલી સિગારેટ, વાઇટ ગંજી અને બ્લુ લુંગી, ટીવી પરના માર્કેટનો હિસાબ, દુકાન, જમતાં-જમતાં પણ વ્યસ્ત રહેતી દલાલી, રાત્રે મોડેથી પાછા ફરતાં થાકેલા શૅર્સ... ને મારી મમ્મી તો સવાર-સાંજ બે ટાઇમ ૨૦ ટિફિન તૈયાર કરતું કુકર જાણે. દિવસનો ત્રીજો ભાગ રસોડામાં શરૂ થાય અને રસોડામાં પૂરો. ઘણી વાર મને એવું પણ લાગે કે મમ્મીએ જ પોતાની જાતને આમાં કેદ કરી લીધી છે. અણઘડ, ફિક્કી સાડી, કસકસાવીને બાંધેલો અંબોડો, ચહેરા પર ઊડતી સફેદ લટો, પેટની વધી ગયેલી ચરબી અને પરસેવે ગંધાતું વ્યક્તિત્વ. મને યાદ છે કે પહેલાં તો મમ્મી પાંચ ટિફિન જ બનાવતી, પછી ૧૦ અને હવે ૨૦. મેં ટૅબ્લેટ એક બાજુ મૂક્યું અને ટિફિનને કાપડની બૅગમાં પૅક કરવા લાગી. વીસેવીસ ટિફિન તૈયાર થઈ ગયાં અને હું ડ્રૉઇંગરૂમમાં જઈને ચૅટ કરવા બેસી ગઈ. મમ્મી થોડી વારે ત્યાં આવી. તેણે ટીવી ઑન કર્યું અને ચૅનલો ફેરવવા લાગી.
‘મમ્મી, તને નથી લાગતું કે તારે તારી સફેદ લટોને રંગવાની જરૂર છે?’ મેં ચૅટ કરતાં-કરતાં પૂછ્યું.
‘જેવું છે મારે મન સોનાનું છે બધું.’ તે ચૅનલ ફેરવતી હતી કે વચ્ચે રણબીરનું રોમૅન્ટિક સૉન્ગ આવ્યું.
‘વાઉ, મમ્મી રહેવા દે, ફેરવતી નહીં...’ તે ચૅનલ ફેરવ્યા વિના ધીમેથી ઊભી થઈ અને ટિફિન-સપ્લાયરની સર્વિસ કરતા ભાનુદાદાની રાહ જોતી દરવાજે ઊભી રહી.
‘નીતુ... હવે થાકી જવાય છે... હવે વધારે ટિફિન નથી કરવાં. છે એટલાં પૂરતાં છે.’ તે સફેદ લટોને કાન પાછળ ગોઠવતાં બોલી. મેં તેના તરફ અછડતી નજર નાખી અને પાછું સૉન્ગમાં કૉન્સન્ટ્રેટ કર્યું. થોડી વાર ડ્રૉઇંગરૂમમાં એક વજન તોળાતું રહ્યું. મને લાગ્યું કે તે મને કશુંક કહેવા માગે છે, પણ અનુસંધાન સાધવા મથે છે.
‘નીતુ, બારી ખોલને... ઘરમાં કેટલું અંધારું લાગે છે!’ મેં બારીની સ્ટૉપર ખોલીને બારીને ધક્કો માર્યો અને હળવા ધક્કા સાથે અજવાળું રૂમમાં પ્રવેશ્યું. ગેટ ખૂલવાનો અવાજ આવ્યો. મેં તસ્દી ન લીધી. કદાચ ભાનુદાદા જ હશે, ટિફિન લેવા આવ્યા હશે; પણ એ તો સાઇકલની ઘંટડી વગાડે જ, તો આ...
lll
‘નમસ્તે... મે આઇ કમ ઇન મૅમ?’ વાઉ! વૉટ અ વૉઇસ, બિલકુલ રણબીર જેવો. મેં ટૅબ્લેટ એક બાજુ મૂકીને બારીમાંથી જોયું.
અંદાજિત પચીસ વર્ષનો એક છોકરો ઘરમાં પ્રવેશ્યો. મમ્મીએ મારી સામે જોઈને ધીમેથી કહ્યું...
‘નીતુ... અંદર જા...’ હું હજી કંઈ વિચારું કે બોલું એ પહેલાં તો તે છોકરો ઘરમાં પ્રવેશી ગયો અને સોફા પર બેઠો. હું તેને તાકતી રહી. ફૉર્મલ બૉડીટાઇટ પર્પલ પાર્ટીવેઅર શર્ટ અને બ્લૅક પૅન્ટ, વ્યવસ્થિત ઓળેલા વાળ, હાથમાં બાંધેલી ફૉર્મલ ઘડિયાળ, માંજરી આંખ, મોટું કપાળ, માપસર નાક, ઉપર પાતળો અને નીચે એનાથી સાઇઝમાં થોડો મોટો હોઠ, સ્માઇલિંગ ટાઇમે લાઇનસર ગોઠવાયેલા દાંત, સ્પામાંથી હમણાં જ નીકળ્યો હોય એવી ચમકતી સ્કિન, પૂરું પાંચ ફુટ છ ઇંચનું પર્ફેક્ટ મૅરેજ મટીરિયલ. હું તેને એકીટશે પાંપણ પલકાર્યા વિના જોતી હતી એ કદાચ તેને ખ્યાલ હોય એમ સ્મિત કરતાં તેણે મને અને મમ્મીને કહ્યું...
‘હેલો, મારું નામ ધ્રુવ મજુમદાર છે. હું એક એન્જિનિયર છું. કાલે જ આ સિટીમાં આવ્યો છું. ૬ મહિના અહીંની કંપનીમાં મારી વિઝિટિંગ ટ્રેઇનિંગ છે.’ હું પેલાને એકીટશે જોઉં છું એ કદાચ મમ્મીને વહેલો ખ્યાલ આવી ગયો હશે. હું બોલવા જ જતી હતી કે...
‘હાય, માયસેલ્ફ નિતલ...’ ત્યાં તો મમ્મી બોલી...
‘નીતુ... પાણી લાવ.’ હું બબડતી-બબડતી રસોડામાં ગઈ. પાછળથી મમ્મી અંદર આવી. હું તેને કંઈ કહેવા ગઈ કે તે સીધી તાડૂકી...
‘કમસે કમ એક દુપટ્ટો સાથે રાખતી તો હો. ટિફિન-સર્વિસ કરીએ છીએ તો ગમ્મે ત્યારે ગમ્મે એટલા છોકરાઓ હિસાબ લેવા-દેવા આવ્યા કરે અને તારા આ કૉલેજના વેકેશન પછી તો બધાના આંટાફેરા વધી ગયા છે.’
‘હોલ્ડ મમ્મી, જસ્ટ હોલ્ડ. તું કામ પતાવીને વળાવી દે તેને જા.’ મારા ચહેરા પર કડવાશ ફરી વળી. મમ્મી છે જ એવી. આખા દિવસમાં ચારસો ને ચાલીસ વાર ઘાંટા ન પાડે તો તેને ચેન જ ન આવે. રસોઈ બનાવતી વખતે વાસણો જોર-જોરથી ખખડે કે કપ-રકાબી તૂટે એટલે મારે સમજી જવાનું કે તે મને રસોડામાં બોલાવે છે. અને તેનું આ રસોડું પણ કેવું યુદ્ધ ખેલાઈ ગયેલી રણભૂમિ જેવું. ક્યારેય કોઈ વસ્તુનાં ઠેકાણાં જ નહીં. હું રસોડાની બારીમાંથી પેલાને જોતી હતી. મારી મમ્મી શાદીડૉટકૉમ વેબસાઇટની વૉલ પર મુરતિયાને જોતી હોય એમ પેલાની તરફ જોઈ રહી હતી. મને અકળામણ થતી હતી કે હજી મારી ઉંમર જ ક્યાં છે અને મારી મમ્મી તો ગમ્મે ત્યાં...
‘બાય ધ વે મૅમ, મારો રૂમમેટ તમારું ટિફિન જમે છે. હું તો કાલે રાત્રે જ આવ્યો. તે બહાર ગયો હતો એટલે તેનું ટિફિન હું જમ્યો, પણ ખરેખર બહુ જ મજા પડી ગઈ. તમારી રસોઈમાં સ્વાદ બહુ જ સારો આવે છે. એમાં પણ બટાટા તો મારા ફેવરિટ છે અને જે તુવેરદાળ હતી એ તો બહુ જ ફાઇન બની હતી. તમારી કઢીનો વઘાર પણ લાજવાબ હતો. યુ નો... હું તો બહુ જ ખુશ થયો છું આવી રસોઈ જમીને. મારાં ભાભી આવી રસોઈ બનાવતાં હતાં. રિયલી વન્ડરફુલ ટેસ્ટ.’
મેં મમ્મી તરફ જોયું તો તેના ચહેરા પર સ્મિત હતું! મારા આશ્ચર્યની વચ્ચે મારી મમ્મીના સપાટ ચહેરાના ગાલ પણ ગુલાબી બની ગયા, તેના કાનની બૂટ લાલ હતી ને આ મને ભણકારા સંભળાયા કે શું કે મારી મમ્મી હસતાં-હસતાં બોલી, ‘થૅન્ક યુ!’ મને તો બહુ જ નવાઈ લાગી. મારી મમ્મીના આ લુકે તો મને ચક્કર લાવી દીધાં. જોકે આ છોકરો ખોટા મસકા તો નથી જ મારતો. નહીંતર ભાનુદાદા જ પાંચમાંથી ૨૦ ટિફિન કેમ કરી નાખે? આ ક્ષણે તરત પપ્પા યાદ આવ્યા. મમ્મી તો ટિફિનની રસોઈથી પણ અલગ કંઈક નવું ફ્રેશ બનાવતી હોય છે. મેં યાદ કરવાનો કેટલોય પ્રયત્ન કર્યો કે હું કે પપ્પા છેલ્લે એવું ક્યારે બોલેલાં કે ‘વાહ, શું રસોઈ છે!’ છેલ્લે મમ્મી ક્યારે હસેલી કે શરમાયેલી. હું વિચારતી જ રહી. ત્યાં પેલાનો અવાજ સંભળાયો...
‘મૅમ, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, તમે મારું ટિફિન રેગ્યુલર બનાવશો? ફક્ત ૬ મહિના માટે જ. પછી તો જરૂર નથી. મને તમારા હાથની રસોઈ બહુ જ પસંદ પડી છે એટલે.’
‘ઓહ, એકવીસમું ટિફિન??’ મને રસોઈ બનાવતી વખતે મમ્મીના સંભળાતા ઘાંટા, ૨૦ ટિફિનનું ગોઠવાવું, ભટકાવું, કાચનાં કપ-રકાબીનું તૂટવું, પરસેવે રેબઝેબ મમ્મીનું સોફા પર હાંફવું એકસાથે યાદ આવી ગયું બધું ને કાનમાં મમ્મીએ કહેલું પેલું વાક્ય...
‘નીતુ, હવે થાકી જવાય છે... હવે વધારે ટિફિન નથી કરવાં, છે એટલાં પૂરતાં છે!’ હું બહાર ના પાડવા માટે ધસી આવી કે તરત મારા પહેલાં મમ્મી સ્મિત સાથે બોલી, ‘કંઈ વાંધો નહીં. ૨૦ ટિફિન તો બનાવું જ છું, એક વધારે. ભાનુદાદાને આજે રાતથી જ તમારું ટિફિન આપતી રહીશ.’ મારાં ભવાં સંકોચાયાં. પેલા છોકરાએ મહિનાના પૈસા આપ્યા અને જતો રહ્યો. મમ્મી પણ પૈસા ગણ્યા વિના કબાટમાં મૂકવા જતી રહી. વચ્ચે હું ઊભી રહી, આખા વર્તુળની બહારનું કેન્દ્ર જાણે.
‘મમ્મી... તને શું થઈ ગયું છે? વૉટ ઇઝ ધિસ?’ હું ધૂંધવાઈ ઊઠી. તે ડ્રૉઇંગરૂમ ઝાપટવા લાગી.
‘શું ફેર પડે છે બેટા... એક વધારાના ટિફિનમાં હું કંઈ મરી તો નથી જવાની.’
‘ઓહ હેલો! હવે છેને રસોડામાં મારા પર રાડો ન પાડતી, કાચનાં વાસણ ન તોડતી. તું જ તારો ભાર વધારી દે છે અને મને તો કહેતી જ નહીં કે નીતુ હવે થાકી જવાય છે.’ મને પણ લાગ્યું કે હું ક્યાંક ઓવરરીઍક્ટ કરું છું. મેં સ્કૂટીની ચાવી લીધી અને ચંપલ પહેરીને ઘરની બહાર નીકળી ગઈ. મેં પાછું વળીને જોયું તો મમ્મી મારી સામે સ્મિત કરીને જોઈ રહી હતી. મને કશુંક ખૂંચ્યું. આ સ્મિત જ કદાચ, કેમ કે આટલાં વર્ષથી આની આદત જ નહોતી.
lll
બસ, આ દિવસથી મમ્મીમાં
ઝીણા-ઝીણા ફેરફારો શરૂ થઈ ગયા. પપ્પાને તો ફુરસદ નહોતી આ બધું જોવાની, પણ મારા ધ્યાનમાં આવ્યા વિના રહેતું નહીં. હવે મમ્મીના ઘાંટા સદંતર બંધ થઈ ગયા હતા. કકળાટ કરતી મમ્મી હવે કશુંક ધીમું તાલબદ્ધ ગણગણ્યા કરે. દરેક ટંકે તેનામાં ટિફિન કરવાનો એક અલગ ઉત્સાહ મને જોવા મળતો. હું ટિફિન ગોઠવતી અને ભરતી, પણ જેવું એકવીસમું ટિફિન ભરાઈ જાય કે મમ્મી તરત બોલે, ‘એક મિનિટ નિતલ, એ ટિફિન બંધ ન કરતી.’ હું બસ જોઈ રહેતી. મમ્મી ડ્રૉઇંગરૂમમાંથી ટેબલ ઘસડતી લાવે અને એના પર ચડે. અભરાઈ પરથી અથાણાની બરણી ઉતારે અને પછી એકવીસમા ટિફિનના બૉક્સમાં ગોળકેરીના અથાણાની બે-ચાર ચીર મૂકે અને પછી સંતોષથી ટિફિનને તાકી રહે. હવે તો બટાટાનું શાક પણ ટિફિનમાં અવારનવાર બનવા માંડ્યું છે અને એ દિવસે એકવીસમા ટિફિનના બૉક્સમાં રોજ કરતાં વધુ શાક ભરાતું. એ ટિફિનની રોટલી પર પણ મમ્મી વધુ ઘી લગાવતી. મને આ બધું બહુ જ બાલિશ લાગતું. એક સ્ટુપિડની જેમ હું બધું જોયા કરતી.
મહિનો પૂરો થાય કે છેલ્લા રવિવારે પેલું એકવીસમું ટિફિન ઘરે પૈસા આપવા આવતું. હું હવે તેને અજાણતાં જ નિગ્લેટ કરવા માંડી હતી. તે આવે ત્યારે મમ્મી સ્પેશ્યલ આદું નાખીને ચા બનાવે. સાથે કંઈક નાસ્તો તો હોય જ. લગભગ તે કલાક બેસતો. હું તે બન્નેને હસતાં, વાતો કરતાં જોયા કરતી. અંદર-અંદર ગૂંચવાયા કરતી. અને આજકાલ તો તે નવું ગતકડું લઈ આવ્યો છે. મમ્મીને કીધા કરે...
‘મૅમ, આટલી સુપર્બ રસોઈ બનાવો છો તો ઘરની નાની રેસ્ટોરાં સ્ટાર્ટ કરોને. આઇ ઍમ શ્યૉર કે બહુ જ ચાલશે.’ તે ચાનો કપ હોઠે અડાડતો.
‘પણ ૬ મહિના માટે મને રેસ્ટોરાં ખોલવી નહીં પોસાય...’ મમ્મી કમેન્ટ પાસ કરતી. ફરી ખડખડાટ હાસ્ય. મારા માટે આ એક શૉક જેવું હતું કે મારી મમ્મી કમેન્ટ પાસ કરતી થઈ ગઈ? મને મારા પર અને પપ્પા પર દિવસે-દિવસે ગુસ્સો ચડતો જાય છે. બહારની એક વ્યક્તિ આવીને મમ્મીને જડમૂળથી બદલાવી શકે છે, હસાવી શકે છે અને વર્ષોથી અમે સાથે રહેતાં હોવા છતાં કશું જ નહોતાં કરી શક્યાં. મને યાદ છે કે મમ્મી-પપ્પાના કંકાસથી કંટાળીને એક દિવસ મેં મમ્મીને કહેલું...
‘મમ્મી, તને શું થઈ ગયું છે? જ્યારે જુઓ ત્યારે પપ્પા સાથે ઝઘડતી જ હોય છે.’
‘હું જ ઝઘડા કરું છું નીતુ?’ એ વખતે પણ એ જ સપાટ ચહેરો અને ભાવ વિનાની કોરી આંખો.
‘વાત તો એક જ છે મમ્મી. તું થોડું ઢીલું મૂકતાં શીખી જા. બાકી પપ્પા તો પર્ફેક્ટ છે બસ.’ એ વખતે મારા માથા પર હાથ મૂકીને તેની કોરી આંખો બોલેલી...
‘બેટા, તારા માટે તે પપ્પા છે એટલે પર્ફેક્ટ છે, પણ મારા માટે તે એક પતિ છે. પપ્પાને ક્યારેય પતિના પૉઇન્ટ ઑફ વ્યુથી ન મૂલવી શકાય.’ મને એ સમયનો ફિક્કો ચહેરો યાદ છે અને આજે? ફિક્કો જ ક્યાં છે. ક્યારેક હું સૂતી-સૂતી મમ્મી અને ધ્રુવ વિશે વિચાર્યા જ કરું... વિચાર્યા જ કરું... અને મારા બધા જ વિચારો સીલિંગ ફૅનના પાંખડે કપાઈને આખા બેડરૂમમાં વિખરાઈ જાય. હું કશું જ નક્કી નહોતી કરી શકતી. સૌથી મોટો આંચકો તો મને ત્યારે લાગેલો જ્યારે મમ્મી વાળ રંગવા બેઠી હતી. સફેદ લટોને સિફતથી તેણે કાળી બનાવી, પછી અરીસામાં પોતાને જોતાં બોલી...
‘નીતુ, કેવી લાગું છું?’
lll
જે વસ્તુ મારા આટઆટલા પ્રેશરથી શક્ય નહોતી બની એ પેલાની ૩ મહિનાની આવનજાવનમાં શક્ય બની ગઈ. આમ તો બધા જ છોકરાઓ પેમેન્ટ કરવા આવતા, પણ ધ્રુવ જેટલું કોઈ રોકાતા નહીં. મમ્મી પણ બીજા બધા છોકરાઓ સાથે ભાગ્યે જ લાંબી વાતચીત કરતી. બટ ધ્રુવ ઇઝ રિયલી સ્પેશ્યલ કેસ! હવે મમ્મી ઢળતો અંબોડો રાખતી, રોજ પહેરાતી સાડીની એક-એક ગડ ચીવટથી વાળીને ટાઇટ પિન ખોસીને સાડી પહેરતી. ગમ્મે એટલું કામ હોય પણ કપાળ પર નાની મૅચિંગ બિંદી લગાવવાનું ભૂલે નહીં. રસોઈ કરતાં-કરતાં પણ વાસણોમાં પોતાનો ચહેરો જોઈ લે અને ધીમું મલકાઈ લે. રસોઈ બનાવતી વખતે તે ધીમું તાલબદ્ધ કશુંક ગણગણ્યા જ કરતી હોય. હું ઘણી વખત બરાડી ઊઠતી...
‘મમ્મી, તારું ધ્યાન ક્યાં છે? રોટલી બળે છે!’
‘નિતલ, ઘાંટા શું કામ પાડે છે, મારું ધ્યાન છે જ...’
‘ક્યાં?’ હું તેના તરફ અર્થસભર પ્રશ્ન કરતી ને ત્યાં સુધીમાં તો તે પાછી પોતાનામાં ખોવાઈ જાય. ટિફિન ભરાઈ જાય એટલે ડ્રૉઇંગરૂમમાંથી ટેબલ ખસેડી લાવે અને અથાણાની બરણી ઉતારી ગોળકેરીની બે-ચાર ચીર ટિફિન-બૉક્સમાં મૂકે.
lll
આ દિવસોમાં મેં એક વાત નોંધી છે કે મહિનાના છેલ્લા રવિવારે એટલે કે ‘ધ્રુવ ડે’ના દિવસે મમ્મી નહાવામાં રોજ કરતાં વધુ સમય લગાડે, તૈયાર થઈ જાય તો પણ ક્યાંય સુધી અરીસામાં પોતાને તાક્યા કરતી. તે સોફા પર બેઠાં-બેઠાં ચૅનલો ફેરવતી, પણ તેના કાન તો દરવાજે ડોરબેલ પર જ લાગેલા હોય. જેવી ડોરબેલ વાગે કે તે દોડી જતી. મારાથી ખરેખર આ બધું અસહ્ય થઈ પડ્યું હતું. આ અજવાળાં હવે મને દઝાડતાં હતાં. અને પેલાનાં ગતકડાં પણ કેવાં નવાં-નવાં...
‘મૅમ, માસ્ટરશેફમાં પાર્ટિસિપેટ કેમ નથી થતાં? ઇન્ટરનૅશનલ લેવલે તમારી ડિશીઝ મુકાવી જોઈએ!’
‘મૅમ, વિદેશી રેસિપી પણ તમારે શીખવી જોઈએ. યુ નો, પ્રોગ્રેસ ઇન કુકિંગ.’
‘મૅમ, સરલા દલાલને વાંચો છો?’
હવે હું ઘાંટા પાડતી થઈ ગઈ હતી. ટિફિન ભટકાડતી, કપ-રકાબી તોડતી અને વાત-વાતમાં ગુસ્સે ભરાઈ જતી; પણ મમ્મીને તો જાણે આ આખી વાતની કોઈ પરવા જ નહોતી.
એક દિવસ પેલો ધ્રુવ ‘ધ્રુવ ડે’ પર નહીં પણ વચ્ચેના દિવસે આવ્યો. તેના હાથમાં ગિફ્ટ હતી. મમ્મી સાથે તે બેઠો. ખાસ્સી વાતો થઈ, ચા પીવાઈ, નાસ્તો થયો.
‘મૅમ, મારી ટ્રેઇનિંગ આજે પૂરી થઈ છે. ૬ મહિના તમારી રસોઈમાં ક્યાં પૂરા થઈ ગયા એ તો ખબર જ ન પડી. આ મારા તરફથી તમને કૉમ્પ્લિમેન્ટ ગિફ્ટ.’
મારી છાતીમાં કશુંક જોર-જોરથી ધબકવા લાગ્યું. એટલે કે હવે આ ધ્રુવ અહીં નહીં જોવા મળે? કશું અંદરથી ચૂભવા લાગ્યું. હું તેને એકીટશે જોઈ રહી. મમ્મીએ ગિફ્ટ પરનું રૅપર ખોલીને જોયું તો વિદેશી રેસિપીની બુક હતી. મમ્મીએ તેનો આભાર માન્યો. પછી બન્ને ગુમસુમ ઘડીક બેઠાં. પેલાએ પાણી પીધું અને જવા માટે ઊભો થયો. મને થયું કે હું તેને મૂકવા ગેટ સુધી તો જાઉં જ; પણ બીજી જ ક્ષણે મને વિચાર આવ્યો કે મને ખુદને તો ગમતું નહોતું કે તે અહીં આવે, તો પછી આમ કેમ થાય છે? જતાં-જતાં તેણે પાછા વળીને મારી સામે જોયું અને સ્મિત કર્યું ને ગેટ બંધ થઈ ગયો. મારી અંદર કંઈકેટલાંય કપ-રકાબી તૂટી ગયાં. મને મમ્મીની ચિંતા થવા લાગી. કેટલીયે વાર સુધી તે ડ્રૉઇંગરૂમમાં એમ ને એમ ઊભી રહી. એક હળવો સન્નાટો વાતાવરણમાં હું અનુભવી શકતી હતી. સાંજ ઢળી ચૂકી હતી ને હવે અંધારાં ઊતરી ગયાં હતાં.
રાત્રે રસોડામાં મમ્મી ટિફિન ભરતી હતી ને હું મારી રૂમમાં કપડાં સંકેલતી હતી.
lll
‘નીતુ... ક્યાં મરી ગઈ?’ મમ્મીનો ઘાંટો સંભળાયો. હું કપડાં મૂકીને દોડીને રસોડામાં ગઈ. મમ્મીના હાથમાંથી એંઠી રકાબી ગેંડીમાં મૂકવા જતાં તૂટી ગઈ. મેં જોયું કે મમ્મીએ અંબોડો કસકસાવીને બાંધ્યો છે. આખા ડીલે પરસેવો વળેલો છે અને તે ગૅસ પાસે
ઊભી-ઊભી હાંફે છે. ચહેરા પર કોરી લટ સખત રીતે પરસેવાથી ચોંટી ગઈ હતી. હું ફટાફટ ટિફિનના બૉક્સમાં શાક અને દાળ ભરવા લાગી. મમ્મી બધાં બૉક્સમાં રોટલીઓ ગણી-ગણીને નાખતી હતી. બધાં ટિફિન ભરાઈ ગયાં કે મમ્મી ઉતાવળે ડ્રૉઇંગરૂમમાં ગઈ અને ટેબલ ખસેડી લાવીને ટેબલ પર ચડી. મારી નજર નીચે ખોડાયેલી હતી, પણ આ બધું જોઈ શકતી હતી. મમ્મીએ અભરાઈ પરથી ગોળકેરીના અથાણાની બરણી નીચે ઉતારી ને મેં હોઠ બીડીને ચહેરો નીચો રાખીને કહી જ દીધું, ‘મમ્મી... તું આ... તે તો...’ ને મારી મમ્મી મારી સામે જોઈ રહી. ક્ષણ પૂરતી અમારી મા-દીકરીની આંખો એક થઈ ને હું એ આંખો જીરવી ન શકી, બારી બહાર જોવા લાગી. મમ્મી પણ તરત પડખું ફેરવી ગઈ, પણ મારી આંખોએ નોંધી મમ્મીના સપાટ ચહેરા પરના કપાળની ૩ કરચલી અને આંખોમાં, કોરી આંખોમાં છલકાયેલી કશીક ધૂંધળાશ. અંધારાના ઓળા હવે અમારી મા-દીકરી વચ્ચે ઊતરી આવ્યા હતા.