11 March, 2025 07:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
૧૯૦૮માં જ્યારે ૧૫,૦૦૦ સ્ત્રીઓ ન્યુ યૉર્કની સડકો પર ઊતરી આવી ત્યારે જ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઊજવવાનાં બીજ તો રોપાઈ ચૂક્યાં હતાં. ઓછા પગારે લાંબો સમય કામ કરવું પડતું હતું અને મતદાનનો અધિકાર હજી મળ્યો નહોતો. દુનિયાના બીજે છેડે રશિયામાં ૧૯૧૭માં વિશ્વયુદ્ધની વચ્ચે ‘રોટી અને શાંતિ’ માટે ૮ માર્ચે સ્ત્રીઓ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા. દેશવ્યાપી અસર એટલી જોરદાર હતી કે ચાર જ દિવસની અંદર ‘ઝાર`ને દેશ છોડી ભાગવું પડ્યું હતું. આ બન્નેની પણ પહેલાં ૧૯૦૩માં યુકેમાં વિમેન્સ સોશ્યલ ઍન્ડ પૉલિટિકલ યુનિયને સ્ત્રીઓના મતાધિકાર માટે સંઘર્ષ શરૂ કરી જ દીધો હતો. અમેરિકામાં સ્ત્રીઓના હક માટે લડનારાં કાયદાવિદ્ ક્લારા ઝૅટકિને ૧૯૧૦માં કોપનહેગન ખાતે યોજાયેલી કૉન્ફરન્સમાં સ્ત્રીઓની સમસ્યાઓ અને હક માટે દુનિયા આખીનું ધ્યાન દોરાય અને દરેક દેશ કાયદાઓ ઘડે એ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે મહિલા દિવસ ઊજવવાનું સૂચન કર્યું. ૧૭ દેશોની પ્રતિનિધિ સ્ત્રીઓએ સૂચન વધાવી લીધું. ૧૯૧૧થી ઘણા દેશોએ ૧૧ માર્ચે ‘મહિલા દિવસ’ ઊજવવાની શરૂઆત કરી. પછીથી રશિયાની ગરીબ અને યુદ્ધગ્રસ્ત સ્ત્રીઓની ચળવળની સાથે એકતા બતાવવા ૮ માર્ચ તારીખ નક્કી કરવામાં આવી. પણ યુનાઇટેડ નેશન્સ દ્વારા ૧૯૭૫માં અધિકૃત શરૂઆત થઈ. (સ્રોત : BBC).
જબરદસ્તીથી સતી બનાવતી, દેવદાસીના રૂપાળા નામે નગરવધૂ બનાવતી અને દૂધપીતી કરતી પ્રથાનો ભારતનો કલંકિત ઇતિહાસ ભૂલી શકાય એવો નથી. આપણા ધર્મે સ્ત્રીને દેવીનું રૂપ આપી પૂજા કરી છે, પણ પૂજા માટે તો પુરુષ જ હોય એવી વ્યવસ્થા પણ કરી રાખી છે. સ્ત્રીને જ સંપત્તિ ગણી પણ તેને પિતાની સંપત્તિમાં ભાગ કેવી રીતે હોઈ શકે? પણ પિતાનાં દેવાં ફેડવા દીકરીઓનો ઉપયોગ થઈ શકે. રાજ્યની હકદાર નહીં પણ રાજકીય સંબંધો બાંધવા કુંવરીઓનો ઉપયોગ થઈ શકે. દ્યુતસભામાં ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્ય મૌન રહ્યા હતા. વળી મહાભારતના યુદ્ધ માટે દ્રૌપદીને જ જવાબદાર ઠરાવતું પુરુષમાનસ કેવું વરવું ઉદાહરણ છે. ગરીબ બાલિકાઓને શિક્ષણ આપતી સાવિત્રીબાઈ ફુલેના માથે ઈંટોના ઘા કરવામાં આવ્યા છે. દીદી કહીને બળાત્કાર કરનારના અને પિતા દ્વારા જ ચાર-ચાર પુત્રીઓના શોષણના દાખલાની શાહી હજી છાપામાંથી સુકાઈ નથી. મહિલા દિવસની ઉજવણીમાં દરેક પુરુષને સામેલ કરવામાં આવે તો જ સાચી ઉજવણી કહેવાય.
સરોજિની નાયડુનો જન્મદિવસ ૧૩ ફેબ્રુઆરી રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઊજવવાનું નક્કી થયું હતું એની કોઈને ખબર છે? -યોગેશ શાહ