મુંબઈ પોલીસના કમિશનર ફૉર્જેટે ક્વીન્સ રોડ પર વહેલી સવારે વાઘ માર્યો

07 February, 2026 08:52 PM IST  |  Mumbai | Deepak Mehta

આપણી ભાષામાં એક કહેતી છે: ‘જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ. જ્યાં ન પહોંચે કવિ, ત્યાં પહોંચે અનુભવી.’ પણ આજે આ કહેતી સંભારવાનું કંઈ કારણ? યાદ છે પ્રિય વાચક? ગયા શનિવારે આપણે છૂટા પડ્યા ત્યારે ક્યાં ઊભેલા હુતા?

૧૯મી સદીમાં ક્વીન્સ રોડ (રંગપૂરણી પાછળથી કરેલી છે)

આપણી ભાષામાં એક કહેતી છે: ‘જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ. જ્યાં ન પહોંચે કવિ, ત્યાં પહોંચે અનુભવી.’ પણ આજે આ કહેતી સંભારવાનું કંઈ કારણ? યાદ છે પ્રિય વાચક? ગયા શનિવારે આપણે છૂટા પડ્યા ત્યારે ક્યાં ઊભેલા હુતા? નસરવાનજી માણેકજી પિતીતના બાવલા પાસે. એ બાવલા નીચે તો નાલ્લી તકતી ચોડેલી છે, જેમાં એવનનાં જનમ-મરણની તારીખ આપી છે અને બે-ચાર સોજ્જા બોલ લખિયા છે. ચાલો, જઈએ ગૂગલદેવ કને. ગિયા. ૧૯૬૧માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ગંગા જમના’માં લતા મંગેશકરે ગાયેલું, વૈજયંતીમાલા પર ફિલ્માવાયેલું પેલું ગીત યાદ આવી જાય : ‘ઢૂંઢો ઢૂંઢો રે સાજના ઢૂંઢો, મોરે કાન કા બાલા.’ ગૂગલદેવ પાસેથી માંડ પાંચ-દસ લીટી મલે. ગ્રેટ બ્રિટનની નૅશનલ પોર્ટ્રેટ ગૅલરીમાં P. Vuccinoએ ૧૮૮૯માં તૈયાર કીધેલું પોર્ટ્રેટ છે, પણ નસરવાનજી શેઠ અંગેની કોઈ બી બાબત સાથે લખેલી નથી. રવિ અને કવિ કનેથી ખાલી હાથ આયા. હવે પૂછીએ અનુભવીને, ‘પારસી પ્રકાશ’ને. એના ત્રણ ભાગ. દરેકનાં પાનાં આશરે હજાર-હજાર. એ બી મૅગેઝિન સાઇઝનાં, ડબલ કૉલમમાં ઝીના ટાઇપથી છાપેલાં. કમ્પ્યુટરની મદદ વગરના જમાનામાં દરેક ભાગમાં છેવટે આપેલી સૂચિ એટલે કે ઇન્ડેક્સ માણેકજી પટેલે કઈ રીતે બનાવી હોસે તે તો ખોદાયજી જાને! પન એ ઇન્ડેક્સની મદદથી જઈએ ત્રીજા ભાગના પાના ૩૮૭-૩૮૮ ઉપર. અને વાંચીએ : ૧૮૯૧ના નવેમ્બર મહિનાની ૨૧મી તારીખે પુણેમાં નસરવાનજી શેઠ બેહસ્તનશીન થિયા. તે વારે તેઓની ઉંમર ૬૫ વરસની હતી. તેઓ હુતા મુંબઈના એક નામચીન મિલમાલિક, વેપારી, મોટ્ટા સખાવતી. મુંબઈની પારસી પંચાયતને એ જમાનામાં ૭૫ હજાર રૂપિયાની દેણગી. ૧૮૮૮માં એવનના એકમાત્ર બેટા જમશેદજી નાલ્લી વયમાં બેહસ્તનશીન થિયા તે વારે જબરો ઘા લાગીઓ. બેટાની યાદમાં તેના ઉઠમણાના દિવસે રૂપિયા ૯,૭૫,૦૦૦ની સખાવત જાહેર કીધી (આય, જમશેદજી એટલે ‘માહારી મજેહ’ નામની કવિતાની મોટ્ટી ચોપરી અને બે ભાગમાં દળદાર ‘કહેવત માળા’ના બનાવનાર. એવનની બાબતે આપરે અગાઉ લંબાણથી વાત કીધેલી છે એટલે ફરી નહીં કરીએ). એ રકમમાંથી મુંબઈમાં ‘જમશેદજી નસરવાનજી પિતીત પારસી ઑર્ફનેજ’ ઊભું થિયું. આપરા આય મુંબઈમાં ફ્લોરા ફાઉન્ટન નજીક ઊભેલી જે. એન. પિતીત લાઇબ્રેરી બી નસરવાનજી શેઠની સખાવતનું ફરજંદ. બેહસ્તનશીન થયેલો બેટો જમશેદજી હુતો ચોપરીનો કીડો. એટલે અગાઉની એક ખખડધજ લાઇબ્રેરીને ટેકો આપીને બેઠી કીધી. નામ બી બદલાયું, જે. એન. પિતીત લાઇબ્રેરી થિયું. 
પણ હવે નસરવાનજીને આરામથી ઊભા રહેવા દઈએ અને પાછા જઈએ પોલીસ-કમિશનર ફૉર્જેટ પાસે. આજે તો દરિયો ખાસ્સો દૂર ગયો છે પણ એક જમાનામાં ક્વીન્સ રોડ પછી BBCI રેલવેના પાટા, પછી લીલા ઘાસવાળી જમીનનો પટ્ટો અને પછી ઘૂઘવે દરિયો. આજના મરીન લાઇન્સ સ્ટેશનની લગભગ સામે, ક્વીન્સ રોડ પર બીજી બાજુએ, સોનાપુર–હિન્દુ સ્મશાનભૂમિ. એ આજે પણ ત્યાં જ છે. એ વખતે આખો વિસ્તાર જંગલ જેવો. એક દિવસ સવારે બૉમ્બે પોલીસનો એક સિપાઈ સ્મશાનની બહાર રસ્તા પર ‘નિગરાણી’ રાખી રહ્યો હતો. એકાએક તેની નજર ગઈ તો સામે થોડે દૂર ઊભેલો એક વાઘ. જી હા. ક્વીન્સ રોડ પર વાઘ. સિપાઈ પાસે હથિયારમાં ફક્ત એક લાકડી. વાઘ સિપાઈ પર હુમલો કરશે, હમણાં. એ જ વખતે બૉમ્બે પોલીસના વડા ફૉર્જેટનું ત્યાંથી પસાર થવું. સવારે ચાલવા નીકળ્યા હતા એટલે બંદૂક તો તેમની પાસે પણ નહોતી પણ કેડે ધારદાર કટારી ખોસેલી હતી. ઝાઝો વિચાર કર્યા વગર કૂદી પડ્યા વાઘ પર. પણ વાઘને થોડી જ ખબર હતી કે સામે ઊભેલો માણસ તો છે મુંબઈ શહેરનો પોલીસ-કમિશનર! એ હવામાં કૂદ્યો. નીચે આવ્યો એવો ફૉર્જેટની કટારી એની છાતીમાં. વાઘ વીફર્યો. પણ તરત કટારીનો બીજો ઘા. હા, વાઘના નખના ઉઝરડા તો ફૉર્જેટના શરીર પર થયા પણ ત્રીજે ઘાએ વાઘ થયો રામશરણ. બીજા દિવસે મુંબઈનાં લગભગ બધાં છાપાંમાં સમાચાર છપાયા કે પોલીસ-કમિશનર ફૉર્જેટે વાઘ માર્યો! કેમ ન છપાય? આજના મિનિસ્ટર કરતાંય વધારે એ વખતે પોલીસ કમિશનરનો રુઆબ હતો – આગળ-પાછળ લાલ લાઇટવાળી જીપ વગર પણ!
૧૮૫૭નું વરસ. પૂર્વમાં કલકત્તા, ઉત્તરમાં મેરઠ અને દેશના બીજા ભાગોમાંથી રોજેરોજ ‘બળવો આજે થશે કે કાલે’ એવા સમાચાર સતત આવ્યા કરતા હતા. એમાં વળી ગોરા લશ્કરના કેટલાક અમલદારોને વહેમ આવ્યો કે મુંબઈના અત્યંત પ્રતિષ્ઠિત રહેવાસી, નામદાર જગન્નાથ શંકરશેટ (૧૮૦૪-૧૮૬૫) બળવા સાથે સંકળાયેલા લોકોને આશરો આપી રહ્યા છે. કેટલાક બ્રિટિશ લશ્કરી અફસરોનું કહેવું હતું કે સરકારે તાબડતોબ તેમની ધરપકડ કરવી જોઈએ. પણ એ વખતના ગવર્નર લૉર્ડ એલ્ફિન્સ્ટન આ વાત માનવા તૈયાર નહીં. પણ ગોરા લશ્કરી અફસરોનું દબાણ વધતું ચાલ્યું. ગવર્નરે ફૉર્જેટને બોલાવીને કહ્યું કે તમે જાતે તપાસ કરીને મને જણાવો કે આ વાત સાચી છે કે નહીં. ગિરગામ રોડ પર જગન્નાથ શંકરશેટનો મોટ્ટો વાડો, એટલે કે બંગલો. એની પાછળના ભાગમાં હતી તેમણે જ બંધાવેલી મોટી ધરમશાળા. મુંબઈ ઇલાકાના જ નહીં પણ પરપ્રાંતના સાધુ-બાવા, 
નાના-મોટા વેપારીઓ, નોકરિયાતો, ભિખારીઓ અને ક્યારેક હિન્દુ સૈનિકો પણ મુંબઈ આવે ત્યારે આ ધરમશાળામાં ઊતરે. રાતે નવરા પડે ત્યારે ઓટલે બેસી અલકમલકની વાતો કરે. એમાં ક્યારેક બળવા વિશે પણ વાતો થાય. એમાં વળી શહેરમાં અફવા ફેલાઈ કે જગન્નાથ શંકરશેટ અને નાનાસાહેબ પેશ્વા વચ્ચે કંઈક રંધાઈ રહ્યું છે. હવે તપાસ કર્યા વગર છૂટકો નહોતો. ફૉર્જેટે પોતાના એક ખાસ વિશ્વાસુ બ્રાહ્મણને ભિખારીના વેશે એ ધરમશાળામાં ગોઠવી દીધો. રાતે બધા વાતો કરે ત્યારે એક ખૂણામાં બેસીને તે બધી વાતો સાંભળે. ત્રણ-ચાર દિવસ આ રીતે માહિતી મેળવ્યા પછી ગવર્નરને મળીને ફૉર્જેટે કહ્યું કે જગન્નાથ શંકરશેટને બળવાખોરો સાથે તસુભાર જેટલોય સંબંધ નથી. અને ગવર્નરે તેમની વાત સ્વીકારી લીધી અને લશ્કરના ગોરા અધિકારીઓને બોલાવીને કહ્યું કે જગન્નાથ શંકરશેટ પર શંકા રાખવાનું કોઈ જ કારણ નથી. 
લશ્કરના ગોરા અધિકારીઓ અને ફૉર્જેટ વચ્ચે બીજી એક બાબતમાં પણ મતભેદ હતો. લશ્કરના અધિકારીઓ માનતા કે મોહરમ કે દિવાળીના દિવસો દરમ્યાન મુંબઈના કોટમાં રહેતા ‘દેશીઓ’ બળવો કરશે. અને એટલે કોટ વિસ્તારમાં તેમણે લશ્કરનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવ્યો હતો. પણ ફૉર્જેટ માનતા કે જો મુંબઈમાં બળવો થશે તોય એમાં લોકો પહેલ નહીં લે, અંગ્રેજ લશ્કરના ‘દેશી’ સૈનિકો પહેલ કરશે. એ વખતે મુંબઈમાં ‘દેશી’ સૈનિકોની ત્રણ રેજિમેન્ટ અને ગોરા સૈનિકોની એક. એમાં ચારસો સૈનિકો. ‘દેશી’ સૈનિકોની સંખ્યા ઘણી વધારે. મુંબઈમાંના સૈનિકોનો વડો બ્રિગેડિયર શૉર્ટ ગવર્નરને કહેતો કે મુંબઈમાં ધાક બેસાડવા થોડા ‘દેશીઓ’ની ધરપકડ કરાવો. પણ ફૉર્જેટના મનમાં પાકી ખાતરી કે જો મુંબઈમાં બળવો થશે તો એની શરૂઆત દેશી સૈનિકો કરશે, મુંબઈના પ્રજાજનો નહીં. એટલે તેણે ગવર્નરને ખાનગી પત્ર લખીને પોતાનો અભિપ્રાય જણાવ્યો અને થોડા ‘દેશી’ આગેવાનોને પકડવાની લશ્કરની વાત માનવાની ના પાડી. તેણે કહ્યું કે હા, એક વાર દેશી સૈનિકો શરૂઆત કરે તો પછી થોડા દેશી લોકો એમાં જોડાય એવું બની શકે. એ વખતે મુંબઈ પોલીસમાં ફક્ત ૬૦ અંગ્રેજ અધિકારીઓ હતા. બાકીના બધા ‘દેશી.’ કાનપુરમાં બળવા દરમ્યાન જે બન્યું એ જાણ્યા પછી ફૉર્જેટે ગવર્નરની સંમતિથી મુંબઈ પોલીસમાં પચાસ ગોરા ઘોડેસવાર અફસરોની નિમણૂક કરી. ત્યારે લશ્કરના વડાએ કહ્યું કે તહેવારો દરમ્યાન બૉમ્બે પોલીસે પોતાના ગોરા અમલદારોને શહેરમાં ઠેર-ઠેર ગોઠવી દેવા જોઈએ. ફૉર્જેટે કહ્યું કે હું મારા બધા ગોરા અફસરોને ગોઠવી દઈશ ખરો પણ શહેરમાં નહીં, દેશી સૈનિકોની બૅરૅક્સની આસપાસ. ગવર્નર કહે કે આવા વખતમાં લશ્કરના હુકમનો અનાદર કરવો એ બહુ જ જોખમી પગલું ગણાય પણ મને તમારા પર પૂરો ભરોસો છે એટલે તમને યોગ્ય લાગે એમ કરો. ગોરા લશ્કરના વડાએ શહેરમાં ઠેર-ઠેર પોતાના સૈનિકોને ગોઠવી દીધા, પણ ફૉર્જેટે નહીં. તેણે પોતાના ગોરા અફસરોને ‘દેશી’ સૈનિકોની બરાકની આસપાસ ગોઠવ્યા. 
બીજી બાજુ હિન્દુ અને મુસલમાન નાગરિકોની સભાઓ ગોઠવીને તેમને જણાવ્યું કે જો કોઈ ‘દેશી’ પર સરકારને વહેમ પણ જશે તો તેનું આવી બનશે. બીજી બાજુ તહેવારો દરમ્યાન ફૉર્જેટ પોતે છૂપા વેશે શહેરમાં ફરતો રહ્યો. ક્યાંક પણ લાગે કે કોઈ માણસ પૂર્વ અને ઉત્તરના બળવાખોરોની તરફેણમાં બોલે છે તો તરત જ બૉમ્બે પોલીસ તેમની ધરપકડ કરી લેતી. એ માટે બૉમ્બે પોલીસના ત્રણ-ચાર દેશી અધિકારીઓ પણ સતત છૂપા વેશે ફૉર્જેટની સાથે રહેતા. ફૉર્જેટ થોડીક અમથી વ્હિસલ વગાડે એ ભેગા પ્રગટ થઈ ધરપકડ કરતા. 
અને થોડા જ દિવસમાં ફૉર્જેટ ધારતા હતા એવું જ થયું. એસ્પ્લેનેડ પરની દેશી સૈનિકોની છાવણીમાંના તંબુઓમાંથી બહાર નીકળીને ઢગલાબંધ ‘દેશી’ સૈનિકો રસ્તા પર ઊતરી આવ્યા. આ ખબર મળતાં જ ફૉર્જેટે પોતાનો ઘોડો દોડાવ્યો. પોતાના તાબા હેઠળના મિસ્ટર એડગિન્ટન અને બીજા ગોરા પોલીસોને કહ્યું કે બનતી ઝડપથી તમે પણ ત્યાં પહોંચજો. ફૉર્જેટે જઈને જોયું તો દેશી સૈનિકોનાં ટોળાં બેકાબૂ બન્યાં હતાં અને છાવણીની આસપાસનો ગોરા સૈનિકોનો પહેરો તોડીને બહાર રસ્તા પર ઊતરી આવવા મથતાં હતાં. જે થોડા ગોરા સૈનિકો હતા તે પોતાની તલવારો ઉગામીને તેમને રોકવાનો પ્રયત્ન કરતા હતા. ફૉર્જેટને આવેલા જોઈ દેશી સૈનિકોએ બૂમો પાડી કહ્યું: મિસ્ટર ફૉર્જેટ! તમે તાબડતોબ અહીંથી ચાલ્યા જાઓ. ફૉર્જેટે જવાબ આપ્યો, જો તમે બધા બળવો કરવા માગતા હો તો હું અહીંથી તસુભાર પણ ખસીશ નહીં, મારો જીવ જાય તો ભલે જાય. અને પછી તેમને ધમકી આપનાર ‘દેશી’ સૈનિકોની વધુ નજીક પોતાના ઘોડાને લઈ ગયા. ગોરા સૈનિકોને કહ્યું : ‘દરવાજા ખોલી નાખો. તેમને બહાર આવવા દો. હું તેમને પહોંચી વળીશ.’ આ સાંભળી ‘દેશી’ સૈનિકો ડઘાઈ ગયા અને ધીમે-ધીમે પોતાની છાવણીમાં પાછા જવા લાગ્યા. અને હા, આ કિસ્સો કલ્પિત નથી જ. Gazetteer of Bombay City and Island ના બીજા ભાગનાં પાનાં ૧૫૮-૧૫૯ પર એ નોંધાયેલો છે. હા, પછી ફૉર્જેટે જે કર્યું – કે તેને કરવું પડ્યું – એ આજે આપણને ન ગમે. પણ આપણા ગમા-અણગમા પણ બદલાતા વખત સાથે બદલાતા રહે છે. પણ એ વિશેની વાત હવે પછી.

mumbai news deepak mehta columnists mumbai mumbai guide whats on mumbai