૩૮ વર્ષે વેઇટલૉસ કરનારાં ડેન્ટિસ્ટ કઈ રીતે બન્યાં પાવરલિફ્ટર ચૅમ્પિયન?

19 April, 2022 05:47 PM IST  |  Mumbai | Sejal Patel

કઈ રીતે પાવરલિફ્ટર બનવા તરફ દોરી ગઈ એની જર્ની જબરદસ્ત પ્રેરણાદાયી છે. હવે ૮૦ વર્ષ સુધી પાવરલિફ્ટિંગ નહીં છોડવાનો નિર્ધાર કર્યો છે તેમણે

૩૮ વર્ષે વેઇટલૉસ કરનારાં ડેન્ટિસ્ટ કઈ રીતે બન્યાં પાવરલિફ્ટર ચૅમ્પિયન?

મિડલ એજેડ ગુજરાતી મહિલા જેવા ફિગરમાંથી વજન ઉતારીને પાતળાં થવાની ડૉ. ડિમ્પલ મહેતાએ ૧૧ વર્ષ પહેલાં શરૂઆત કરેલી, એ તેમને કઈ રીતે પાવરલિફ્ટર બનવા તરફ દોરી ગઈ એની જર્ની જબરદસ્ત પ્રેરણાદાયી છે. હવે ૮૦ વર્ષ સુધી પાવરલિફ્ટિંગ નહીં છોડવાનો નિર્ધાર કર્યો છે તેમણે

ટિપિકલ ગુજરાતી પરિવારની દીકરી-વહુ માટે ફિટનેસ એટલે વધુમાં વધુ શું હોય? નાજુક અને નમણી કાયા હોય તો ભયોભયો. ફૌલાદી તાકાત ધરાવતો મસલપાવર કદી ગુજરાતી કન્યાઓ કેળવી ન શકે એવું જો તમે માનતા હો તો એમાં એક અપવાદ છે ઘાટકોપરનાં ડેન્ટિસ્ટ-કમ- પાવરલિફ્ટર ચૅમ્પિયન ડૉ. ડિમ્પલ મહેતા. આપણે જોઈને જ હાંફી જઈએ એટલા કિલો વજન ઉપાડવું તેમના માટે રમતવાત છે. હજી દસ દિવસ પહેલાં જ તેમણે નાગપુરમાં યોજાયેલી નૅશનલ પાવરલિફ્ટિંગ ચૅમ્પિયનશિપમાં માસ્ટર કૅટેગરીમાં બે ગોલ્ડ મેડલ અને સુપર માસ્ટર ઑફ ધ યર 2022નું ટાઇટલ પણ પોતાના અંકે કર્યા છે. ૪૦ વર્ષથી મોટી વયની માસ્ટર્સ કૅટેગરીના ૫૭ કિલોના સ્લૉટમાં તેઓ ચૅમ્પિયન બન્યાં છે અને તેમની હાલની ઉંમર છે ૪૯ વર્ષ. 
ઉંમર જોઈને આપણને લાગે કે કદાચ યંગ એજથી ડૉ. ડિમ્પલ પાવરલિફ્ટર હશે, પણ એવું જરાય નથી. ૩૮ વર્ષની ઉંમર સુધી તેઓ એક ગુજરાતી ગૃહિણી જેવાં જ હતાં. હા, ડેન્ટિસ્ટ હોવાથી ઘર-પરિવારને સંભાળવા ઉપરાંત ક્લિનિક જરૂર સંભાળતાં, પણ ડિલિવરી પછી જેમ દરેક મહિલાનું વજન વધી જાય છે એવું જ કંઈક તેમની સાથે થયું. પહેલેથી ફિટનેસ ફ્રીક હોમિયોપૅથ પતિ ઘણી વાર કહેતા કે ડિમ્પલ, તારે પણ ફિટનેસ માટે કંઈક કરવું જોઈએ. સતત પારિવારિક કામો અને ક્લિનિકની વ્યસ્તતા વચ્ચે વજન ઉતારવાની જર્ની વિશે ડૉ. ડિમ્પલ કહે છે, ‘એ વખતે હું ૩૮ વર્ષની હોઈશ. ડિલિવરી પછી શરીર પર જામેલી ચરબીના થરને ઝટપટ દૂર કરવા માટે મેં ક્રૅશ ડાયટિંગ કર્યું અને થોડા જ દિવસોમાં હું પાતળી થઈ ગઈ. લોકોને નવાઈ લાગતી. એવામાં કોઈએ કહ્યું કે વજન ઘટાડ્યું છે તો હવે મૅરથૉનમાં પણ ભાગ લઈ લે. આપણે તો બંદા પહોંચી ગયા. પણ એ ઘટનાએ મારી આંખો ખોલી નાખી. હું લગાતાર બે મિનિટ પણ દોડી નહોતી શકી. એટલો શ્વાસ ફૂલી જતો કે ઊભા જ રહેવું પડતું. મને સમજાયું કે બીઇંગ થિન અને બીઇંગ ફિટ એ બન્ને જુદી બાબત છે. ભલે બહારથી સરસ લાગતી હોઉં, પણ બૉડી અંદરથી પોલંમપોલ છે. એવું તો કેમ ચાલે? સ્ટૅમિના તો વધારવો જ પડે એમ વિચારીને ડેઇલી દોડવાનું શરૂ કર્યું. બીજા જ વર્ષે સ્ટૅમિના સુધર્યો અને હાફ મૅરથૉન દોડવાનું સાહસ પાર પડ્યું.’
મૅરથૉનમાંથી ક્રાવમગા 
હાફ મૅરથૉનની ટ્રેઇનિંગ માટે ડૉ. ડિમ્પલ એકલાં જ દોડવાની પ્રૅક્ટિસ કરતાં જેને કારણે નવી મુસીબત ઊભી થઈ. એની વાત કરતાં તેઓ કહે છે, ‘૨૧ કિલોમીટર દોડવાની પ્રૅક્ટિસ માટે સૂરજનું પહેલું કિરણ ઊગે એ પહેલાં જ ટ્રેઇનિંગ પતાવી દેવાની હોય. સવારે સાડાચાર-પાંચ વાગ્યે દોડવાનું શરૂ કરવાનું હોય. એવામાં બેથી ત્રણ વાર મને કેટલાક બાઇકરોએ મૉલેસ્ટ કરવાનો પ્રયત્ન કર્યો. એ વખતે તો જેમ-તેમ બચી, પણ પછી ડરને કારણે ટ્રેઇનિંગમાં ગાબડાં પડવા લાગ્યાં. 
સેફ્ટી માટે કાં તો કોઈકની કંપની 
ગોતવી પડે કાં સૂરજ ચડે એ પછી ટ્રેઇનિંગ કરવી પડે. મેં વિચાર્યું કે એના કરતાં સેલ્ફી-ડિફેન્સ જ શીખી જાઉં તો કેવું? મેં ઇઝરાયલની માર્શલ આર્ટ ક્રાવમગા શીખવાનું શરૂ કર્યું. એમાં ફર્સ્ટ લેવલ પાર કર્યું જે તમને બેસિક સર્વાઇવલ અને ડિફેન્સ ટેક્નિક્સ શીખવે. જોકે મૅરથૉનની પ્રૅક્ટિસ દરમ્યાન મને પગ અને કમર દુખવાની ખૂબ તકલીફ થવા લાગી. આ 
સમસ્યાએ મને સમજાવ્યું કે સ્ટૅમિના માટે માત્ર રનિંગ જ કાફી નથી, રનિંગ સારું થાય એ માટે મસલની સ્ટ્રૅંગ્થ પણ જરૂરી છે અને એ માટે મેં જિમ 
જૉઇન કર્યું.’
વેઇટલિફ્ટિંગ ટ્રેઇનિંગ 
કોઈ પણ નવી શરૂઆત એક અલગ દિશાની ક્ષિતિજો ખોલે છે એ વાત હવે સાર્થક થવાની હતી. બેસિક વર્કઆઉટની સાથે અઢી-ત્રણ પાઉન્ડ વજન ઊંચકવાની શરૂઆત થયેલી, પણ એમાં મસલ સ્ટ્રેંગ્થ કેળવવા સિવાય બીજો કોઈ આશય નહોતો એમ જણાવતાં ડૉ. ડિમ્પલ કહે છે, ‘મને જિમમાં વર્કઆઉટ કરતી જોઈને મારા ટ્રેઇનર્સને લાગ્યું કે હું વેઇટલિફ્ટિંગમાં કંઈક કાઠું કાઢી શકું એમ છું. મને એ વખતે તેમની વાત પર જરાય વિશ્વાસ નહોતો, પણ ટ્રાય કરવામાં શું વાંધો છે એમ વિચારીને પાવરલિફ્ટિંગ માટે જરૂરી ટ્રેઇનિંગ શરૂ કરી અને નાની-મોટી સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું. એ વખતે મારી ઉંમર હતી ૪૩ વર્ષ. કડક ડાયટિંગ, વિગરસ ટ્રેઇનિંગને કારણે હું જ્યારે ધીમે-ધીમે ગોલ્સ અચીવ કરતી થઈ અને મારા જ રેકૉર્ડ તોડવા લાગી ત્યારે બહુ જ ગમવા લાગ્યું ને ક્યારે પાવરલિફ્ટિંગ મારા જીવનનું અભિન્ન અંગ બની ગયું એની ખબર જ ન પડી. ૨૦૨૦માં લૉકડાઉન આવ્યું એની જસ્ટ પહેલાં હું ઇન્ટરનૅશનલ ચૅમ્પિયનશિપ માટે યુક્રેન ગયેલી. ત્યાં પણ મારી કૅટેગરીમાં બે ગોલ્ડ મેડલ જીતીને આવી.’
લૉકડાઉનનો બ્રેક
ભારત પહોંચ્યા અને એક-બે દિવસમાં જ લૉકડાઉન લાગ્યું અને પાવરલિફ્ટિંગમાં આવેલા મોમેન્ટમ પર અચાનક બ્રેક વાગી. જોકે એક વાર અમુક સ્ટેજ પર પહોંચ્યા પછી બ્રેક પોસાય નહીં એમ કહેતાં લૉકડાઉનની વિકટતાની વાત કરતાં તેઓ કહે છે, ‘જો તમે આમાં બે દિવસ પણ બ્રેક લો તો એનાથી પંદર દિવસ સુધી તમારા પર્ફોર્મન્સમાં અસર વર્તાય અને જો ત્રણ મહિનાનો ગૅપ લો તો લિટરલી ઝીરોથી સ્ટાર્ટ કરવું પડે. એવું તો મારે કદી થવા દેવું નહોતું. બધું જ બંધ હતું ત્યારે ડાયટ ફૉલો કરવામાં વાંધો ન આવ્યો, પણ જિમ બંધ હોવાથી વર્કઆઉટની તકલીફ પડતી. એ વખતે ફર્નિચર ઉપાડીને, કરિયાણાની બૅગો બનાવીને એને ઊંચકતી. પછી તો રેતીની થેલીઓ બનાવી. જેવું થોડુંક લૉકડાઉન ખૂલ્યું એટલે પછી પાવરલિફ્ટિંગ માટે જરૂરી વેઇટ્સ વગેરે ઘરે જ વસાવી લીધાં. બે વર્ષના દરમ્યાન એક પણ કૉમ્પિટિશન નહોતી છતાં મારા વર્કઆઉટમાં એક દિવસની છુટ્ટી નહોતી. એનું જ પરિણામ મને નાગપુરમાં થયેલી પાવરલિફ્ટિંગ ચૅમ્પિયનશિપમાં મળ્યું. આ જે ખુશી છે એને કારણે જ હું કહેતી હોઉં છું કે ૮૦ વર્ષે પણ હું પાવરલિફ્ટિંગ છોડીશ નહીં.’

ઇતની એનર્જી લાતે કહાં સે હો?

૪૯ વર્ષે આજે પણ સવાર-સાંજ ડેન્ટલ ક્લિનિક ચલાવવાનું, રોજનું દોઢેક કલાક વર્કઆઉટ કરવાનું, સ્ટ્રિક્ટ ડાયટ કરવાનું અને સાથે બીજા શોખ પણ પોષવાના. હા, થોડીક પણ નવરાશની પળો મળે તો એમાં બોન્સાઇ પ્લાન્ટ્સ ઉગાડવાના અને લોકોને આપવાના. આ બધું સાંભળીને જરૂર સવાલ થાય કે આટલો સમય મળે છે ક્યાંથી? એના જવાબમાં ડૉ. ડિમ્પલ પાકા મૅનેજમેન્ટ ગુરુની જેમ કહે છે, ‘આમ તો બધા માટે ૨૪ કલાક જ હોય છે પણ જો તમારે શું જોઈએ છે એની ક્લૅરિટી હોય, એમાં પણ પ્રાયોરિટી નક્કી કરી રાખેલી હોય તો તમને ટાઇમ મૅનેજમેન્ટ કરવામાં કોઈ વાંધો નથી આવતો. બીજું, નકારાત્મક વિચારો અને નકારાત્મક ઘટનાઓને વાગોળવાને બદલે એમાંથી બહાર નીકળતાં શીખી જઈએ તો સાચી દિશામાં ફોકસ કરતાં કોઈ રોકી શકે નહીં. મારે શું નથી કરવું એ બાબતે સ્પષ્ટ છું એટલે મારે જે કરવું છે એ માટે પૂરતો સમય ફાળવી શકું છું. પરિવારમાં વડીલોને મારી આ સ્પોર્ટ્સના પૅશન માટે ખાસ લગાવ નથી. જોકે તેમની સામે કોઈ ફરિયાદ નથી. હા, મારા હસબન્ડ ફિટનેસ ફ્રીક હોવાથી તેમને મારું આ પૅશન ગમે.’

columnists sejal patel