23 June, 2025 05:18 PM IST | Mumbai | Laxmi Vanita
પ્રતીકાત્મક તસવીર
અનુષ્કા શર્માએ એક ઇવેન્ટમાં પેરન્ટિંગ પર ચર્ચા કરતાં કહ્યું હતું કે તે અને વિરાટ કોહલી બન્ને પોતાની મમ્મીની વાનગીઓ બનાવીને વારાફરતી તેમનાં બાળકોને ખવડાવે છે. આલિયા ભટ્ટે પણ થોડા સમય પહેલાં જ પોતાની મમ્મી સાથે દીકરી રાહા માટે વાનગી બનાવી હતી જે આલિયા પોતે ખાઈને મોટી થઈ છે. સામાન્ય લાગતી આ વાતની બાળકો, સમાજ અને સંસ્કૃતિ પર કેટલી મોટી અસર થાય છે એ નિષ્ણાતો પાસેથી જાણીએ
અવારનવાર સેલિબ્રિટીઝ તેમની ફેવરિટ રેસિપીની વાત કરતી હોય છે એમાં તેમના કમ્ફર્ટ ફૂડમાં મમ્મીની વાનગીઓ જ સામેલ હોય છે. એવો જ અનુભવ તેઓ તેમનાં બાળકોને પણ આપવા ઇચ્છતી હોય છે. આવી જ પેરન્ટિંગ ટિપ તેઓ શૅર પણ કરતી હોય છે ત્યારે આપણે આજે વાત કરવી છે કે પેઢી દર પેઢી ચાલી આવતી વાનગીઓ આજની પેઢીનાં બાળકોને શીખવવાથી કે ખવડાવવાથી તેમના પર શું અસર થાય છે. આ વિષય પર ઊંડો અભ્યાસ કરનારા નિષ્ણાત સાથે વાત કરીએ કે સાંસ્કૃતિક અને સામાજિક દૃષ્ટિએ પેઢીગત વાનગીઓની શું અસર થાય છે તેમ જ સાઇકોલૉજિસ્ટ અને સેલિબ્રિટી શેફ સાથે વાત કરીએ કે આ વાનગીઓનું બાળકોના વિકાસમાં શું મહત્ત્વ છે.
દેખીતી અસર
પુરાતત્ત્વશાસ્ત્રી અને કલિનરી ઍન્થ્રોપૉલૉજિસ્ટ એટલે કે ખોરાક અને ખાવાની રીતોનો સમાજ અને સંસ્કૃતિ સાથે શું સંબંધ છે એ વિષયના નિષ્ણાત ડૉ. કુરુશ દલાલ કહે છે, ‘ફૅમિલી-રેસિપીની ભાવિ પેઢી પર ઇમોશનલી, સાઇકોલૉજિકલી અને કલ્ચરલી શું અસર થાય છે એ સવાલનો જવાબ ૪ કલાકના લેક્ચર જેટલો લાંબો છે. જોકે ટૂંકમાં કહું તો એ ‘સેન્સ ઑફ કન્ટિન્યુટી’ એટલે કે પરંપરાની સતતતાનો અને ‘સેન્સ ઑફ બિલૉન્ગિંગ’ એટલે કે પારંપરિક સંસ્કૃતિ સાથે જોડાયેલા હોવાનો એહસાસ આપે છે. આ વાનગીઓની અસર દેખીતી અને અદેખીતી એમ બન્ને છે. એક તો એ તમારી ઓળખને મમ્મી, દાદી, નાની એમ મલ્ટિ-જનરેશન સાથે જોડે છે, બાળપણની યાદોમાં લઈ જાય છે. જેમ કે નાનપણમાં ઉનાળાના વેકેશનમાં જ્યારે વધારે ખાવાથી પેટ ખરાબ થતું તો મારી નાની સફરજનની છાલ ઉતારીને અને એની સ્લાઇસ કરીને કેરોસીનના ચૂલા પર ધીમા તાપે એમાં લીંબુ, તજ નાખીને ઍપલ સ્ટુ બનાવતાં હતાં. એનો સ્વાદ આજે પણ મારી જીભ પર છે. હું માનું છું કે વિશ્વમાં મારી મમ્મી જ પર્ફેક્ટ સ્ક્રૅમ્બલ્ડ એગ્સ એટલે કે અંડા બુરજી બનાવે છે. ઘણીબધી વાનગીઓ છે જે મને બાળપણની યાદોમાં ખોઈ નાખે છે. બાળકોને આ ટ્રેડિશનલ વાનગીઓ કમ્યુનિટીની, જીઓગ્રાફીની, ભાષાની, ધાર્મિક ઓળખ આપે છે. આ વાનગીઓ પરિવાર, એનાં મૂલ્યો અને વારસાની નજીક લાવે છે. મજાની વાત એ છે કે દાદી બાળકોને બગાડવાનું કામ કરે છે અને મમ્મી શિસ્ત લાવવાની કોશિશ કરે છે. આ બન્ને પાત્રો બાળકના જીવનમાં એક અલગ પ્રકારનો પ્રેમ લાવે છે એટલે આ બધાં તત્ત્વો આહાર સાથે જોડાયેલાં છે.’
અદેખીતી અસર
દરેક જનરેશન જે-તે વાનગીમાં થોડોઘણો ફેરફાર કરે છે, સમય અને સીઝન પ્રમાણે અમુક સામગ્રી હોય કે ન હોય એટલે વાનગીની રીત અને સ્વાદ બદલાય છે એમ જણાવતાં ડૉ. કુરુશ કહે છે, ‘એટલે ફૅમિલી-રેસિપી એક રીતે તો શબ્દ ખોટો જ છે. આ હું નકારાત્મક ભાવથી નથી કહી રહ્યો. જેવી રીતે સંસ્કૃતિ સમય સાથે બદલાય એને પણ સંસ્કૃતિ જ કહેવાય એવી રીતે વાનગી પણ સમય સાથે બદલાય એને વાનગી જ કહેવાય છે. હવે જાતીય અસર સમજો. છોકરીઓને શીખવાના હેતુસર મમ્મી, કાકી, મામી, માસી સાથે રસોડામાં સ્થાન હતું. દીકરીઓને આવી રીતે રસોઈ શીખવવામાં આવતી અને આમ જ પેઢી દર પેઢી એક વાનગી પરિવારમાં બનતી રહે છે. કહી શકાય કે છોકરીઓ ભૂતકાળ સાથે એક નહીં ભૂલી શકાય એવી કડીથી જોડાય છે. જોકે છોકરાઓ માટે મમ્મી અને દાદી શું બનાવે છે એની અસર બહુ જ જુદી છે. જેમ કે છોકરી લગ્ન કરીને સાસરે જાય એટલે સાસુના રસોડામાં રસોઈ કરે છે. એટલે છોકરી સાસુની રીત મુજબ રસોડામાં ઢળવાની કોશિશ કરે છે. છોકરીને જ્યારે પોતાનું રસોડું મળે ત્યારે જ તેને પોતાની વાનગીઓ વિકસાવવાની અને નિખારવાની તક મળે છે. હવે આ વાત પુરુષોને સમજ નથી પડતી. પુરુષોનો પ્રતિભાવ કંઈક આવો હોય છે, આ મારી મમ્મીના સ્વાદ જેવી નથી. એ વસ્તુ બદલવાની જરૂર છે, કારણ કે પત્ની પત્ની છે અને મમ્મી મમ્મી છે. ભૂતકાળમાં પત્નીઓ માથું નીચું કરીને બસ એ સ્વાદ કૉપી કરવાની કોશિશ કરતી હતી. હું કંઈ નકારાત્મક દૃષ્ટિએ નથી કહી રહ્યો. આ સમાજમાં નહીં દેખાતી અસર છે. આજના સમયમાં વ્યક્તિ પોતાની વાનગીને લઈને ઘમંડ કરે અને બીજાની વાનગી ચાખે નહીં ત્યારે પણ સંબંધોમાં ખટરાગ ઊભો થાય છે. બીજાનો સ્વાદ કે વાનગી ચાખવાથી તમે તમારી મમ્મી કે દાદી સાથે અન્યાય કે વિશ્વાસઘાત નથી કરી રહ્યા. તમારા મનમાં તેમની વાનગીનું ખાસ સ્થાન છે અને હોવું પણ જોઈએ.’
મમ્મીના હાથની વાનગી
કચ્છી અને કાઠિયાવાડી વાનગીઓનાં નિષ્ણાત, મુંબઈનાં સેલિબ્રિટી શેફ પૂનમ દેઢિયા કહે છે, ‘મારી મમ્મી અને નાની બન્ને ચટોરાં હતાં એટલે કે તેમને ખાવાનો બહુ જ શોખ હતો. બન્નેની રસોઈમાં એક જ નિયમ હતો કે ખાવામાં એક કે બે જ વાનગી બનાવવી અને એટલી સરસ બનાવવી કે પેટ ભરાઈ જાય પણ મન ન ભરાય. હું કચ્છની છું તો ત્યારે ગામડામાં પરિસ્થિતિ એટલી સારી નહોતી એટલે રસોડામાં જે સામગ્રી હોય એમાંથી જ સ્વાદિષ્ટ ભોજન તૈયાર થતું. નાનપણમાં મારી મમ્મી કહેતી કે બટાટાના સ્વાદમાં બટાટાનો સ્વાદ આવવો જોઈએ, પછી ભલે એમાં ટમેટાં અને કાંદાની ગ્રેવી બનાવી હોય. એટલે પહેલેથી જ મારામાં સ્વાદને પારખવાની કળાનો વિકાસ થયો. મારા રોજિંદા આહારમાં આપણી ગુજરાતી દાળ, દાળઢોકળી, કચ્છી દાબેલી, પૂડલા, હાંડવો, ભીંડા કે ટીંડોરાં-બટાટાનું શાક વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે આપણે આપણી ગુજરાતી સંસ્કૃતિના વારસાથી ભાવિ પેઢીને વાકેફ કરાવવી છે ત્યારે ઉનાળામાં બનાવવામાં આવતાં અથાણાંનું બહુ મોટું યોગદાન છે. આપણા ગુજરાતીઓ વિદેશમાં જાય ત્યારે ભલે ત્યાં અથાણાં મળે છે, પરંતુ મમ્મીના હાથનાં અથાણાંનો સ્વાદ તેમને પોતાના ઘરે પાછા બોલાવે છે. મારી નાની બાજરાના ખાખરા અને મગના ખાખરા બનાવતી હતી જેને આજે લોકો એક્ઝૉટિક અને હેલ્ધી ફૂડ માને છે. આપણા વડીલોએ આપણને હંમેશાં આહાર સાથે જોડવાની કોશિશ કરતાં અને ખાતાં શીખવ્યું છે. એ સમયે તેમને માઇન્ડફુલ ઈટિંગ જેવા શબ્દોનો ખ્યાલ નહોતો, પરંતુ તેમણે આપણને સમય પહેલાં જ હેલ્ધી ઈટિંગ અને ફૂડ સાથે કનેક્ટ કર્યા છે. ધર્મ, ઋતુ કે ચોઘડિયાં પ્રમાણે અમુક શાકભાજી જ ખાવાના નિયમ પાછળ પણ બહુ મોટું વિજ્ઞાન છે એ આજે આપણને ખબર પડે છે. આપણે આજની પેઢીને આ જ આદતો આપી રહ્યા છીએ.
બાળકોમાં લૉન્ગ ટર્મ મેમરી અને હેલ્ધી ઈટિંગ હૅબિટ વિકસે છે
ઊર્જા કાઉન્સેલિંગ ઍન્ડ રેમેડિયલ સેન્ટરના ફાઉન્ડર-ડિરેક્ટર અને છેલ્લાં ૧૬ વર્ષથી કાંદિવલીમાં પ્રૅક્ટિસ કરતા સાઇકોલૉજિસ્ટ અને સ્પેશ્યલ એજ્યુકેટર ડૉ. મિહિર પારેખ કહે છે, ‘જે બાળકોને સ્પેશ્યલ મદદની જરૂર હોય તેમની સાથે હું વર્ષોથી કામ કરી રહ્યો છું. બાળકોની વાત આવે ત્યારે આ વિષયમાં સૌથી મજાની વાત એ છે કે દાદી-નાનીની વાનગીઓની બાળકો પર કોઈ નકારાત્મક અસર નથી થતી. પરિવારમાં પેઢીઓથી બનતી વાનગીઓનો એક મોટો ફાયદો એ છે કે બાળકોમાં લૉન્ગ ટર્મ મેમરીનો વિકાસ થાય છે એટલે કે બાળકો હંમેશાં બાળપણની યાદો સાથે જોડાઈ જશે. તેમને સેન્સ ઑફ કમ્ફર્ટ એટલે કે આરામનો અનુભવ થાય છે. આજે જ્યારે ટેક્નૉલૉજીને કારણે લોકોને ચિંતા થાય છે કે બાળકો આપણી સંસ્કૃતિથી દૂર થઈ રહ્યાં છે ત્યારે આ વાનગીઓ બાળકોને પોતાની સંસ્કૃતિ અને પરિવાર સાથે ઊંડું જોડાણ આપે છે. સાદું ઉદાહરણ સમજો કે ગુજરાતી ઘરોમાં કેરીની સીઝન આવે એટલે આપણને તરત જ રસ-પૂરી અને અથાણાં યાદ આવે. આ યાદો આપણને જૂના સમય સાથે જોડે છે. મારું ઉદાહરણ આપું તો મારી મમ્મી અને મારાં સાસુ બન્ને ગૂંદાં અને કેરીનાં અથાણાં બનાવે જે મને બહુ જ ભાવે છે. દર વર્ષે એ બન્ને અથાણાં મોકલે. મને અથાણાં ખાતો જોઈને મારી દીકરીમાં પણ એ જ સ્વાદ ડેવલપ થયો. કહેવાય છે કે ફૂડ સીધું હૃદયને જોડે છે, પણ ફૅમિલી-વાનગીઓ પરિવારમાં બધાનાં હૃદયને એકસાથે જોડે છે. ફૅમિલી વાનગીનું મૅજિક એ છે કે એ બાળકોમાં હેલ્ધી ઈટિંગ-હૅબિટ ડેવલપ કરે છે.’