15 June, 2026 01:31 PM IST | Mumbai | Varsha Chitaliya
પ્રતીકાત્મક તસવીર
ડોમેસ્ટિક હેલ્પરે રોજના બે કલાકના ઘરકામ માટે મહિને ૧૦,૦૦૦ રૂપિયાની માગણી કરી એને પગલે ઍક્ટ્રેસ કીર્તિ કુલ્હારીએ આઘાત વ્યક્ત કર્યો હતો. એક ફિલ્મી વેબસાઇટ સાથેના ઇન્ટરવ્યુમાં કીર્તિએ કહ્યું હતું કે ‘ઝાડુ-પોતાં કરવાના, વાસણ માંજવાના, ડસ્ટિંગ કરવાના કંઈ આટલા રૂપિયા હોય? હું અભિનેત્રી છું એટલે ભાવ વધારી નાખ્યા.’
આ ઇન્ટરવ્યુ વાઇરલ થતાં કીર્તિએ સોશ્યલ મીડિયા પર ભારે ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. કીર્તિની ટિપ્પણીનો પ્રતિભાવ આપતાં ટીવી-હોસ્ટ મિની માથુરે કહ્યું હતું કે ‘બે કલાક કામ કરવાના ૧૦,૦૦૦ રૂપિયા ખરેખર તો વૈશ્વિક સ્તરે લઘુતમ વેતન ધોરણથી નીચે છે. તેઓ ઘરનું સંચાલન કરીને આપણને વ્યાવસાયિક કારકિર્દી ચાલુ રાખવામાં મદદ કરે છે. એ જ બે કલાકમાં આપણે ઘણું વધારે કમાઈ શકીએ.’
સોશ્યલ મીડિયા યુઝર્સે પણ અભિનેત્રીને મેટ્રો શહેરમાં રહેવાની વાસ્તવિકતાઓ જણાવીને કામદારોનો બચાવ કરતાં કહ્યું કે ઘરકામ શારીરિક શ્રમ છે અને મુંબઈમાં ટકી રહેવા માટે આટલી રકમ વધુ ન કહેવાય. આ બાબતે મુંબઈના જુદા-જુદા વિસ્તારોમાં રહેતી ગૃહિણીઓનો પ્રતિભાવ જાણીએ.
મુંબઈમાં ડોમેસ્ટિક હેલ્પરોના ભાવ ચોક્કસ વધી ગયા છે, પરંતુ આસપાસના એરિયામાં સરળતાથી હેલ્પરો મળતા હોય ત્યાં રેટ સરખામણીએ ઓછા છે. તેઓ પણ નજીકમાં કામ મળતું હોય તો પ્રિફર કરે છે. કામના ભાવ એરિયા ઉપરાંત ડિમાન્ડ-સપ્લાય પર આધાર રાખે છે. કાંદિવલીમાં મોટા ભાગે સવાર-સાંજ માટે હાઉસહેલ્પ અથવા બહેનો મળી જાય છે. અમારા બિલ્ડિંગમાં એક કામના ૧૦૦૦ રૂપિયાનો ભાવ ચાલે છે જે વાજબી છે. ખાસ કરીને મને પૈસા વસૂલ જેવી ફીલિંગ આવે છે કારણ કે ૬ જણનો બહોળો પરિવાર છે અને ઢગલો વાસણ થાય છે. કોણ કરે? વાસણ માંજવા માટે સવારે અને સાંજે મળીને ૨૦૦૦ રૂપિયા તેમ જ ઝાડુ-પોતાં માટે ૧૦૦૦ રૂપિયા ચૂકવું છું. મારા હિસાબે ઘરની સાઇઝ અને પરિવારના સદસ્યોની સંખ્યા મુજબ રેટ હોવા જોઈએ. મોંઘવારી બધાને નડે છે. આપણી જેમ ડોમેસ્ટિક હેલ્પરોનો પારિવારિક ખર્ચ પણ વધ્યો છે. તેમની જરૂરિયાતને સમજીએ છીએ છતાં કીર્તિ કુલ્હારી પાસે માગવામાં આવેલા ૧૦,૦૦૦ રૂપિયા મને વધારે લાગે છે.
અમારા વિસ્તારમાં કલાક પ્રમાણે ભાવ ચાલે છે. આજકાલ બધાના ઘરે વૉશિંગ મશીન હોય છે. કપડાં મશીનમાં ધોઈ લેવાનાં, તેઓ આવીને સૂકવી દે. વાસણ અને ક્લીનિંગ કરે એના ૧૦,૦૦૦ રૂપિયા લે છે. સાંજે આવે એના અલગ ચૂકવવા પડે. હું મહિને ૧૯,૦૦૦ રૂપિયા આપું છું. ૧૦,૦૦૦ રૂપિયા ઘરકામના અને ૯૦૦૦ રૂપિયા એક વારની રસોઈ બનાવવાના. બધાં કામ માટે પુરુષ-હેલ્પર છે. પુરુષો જેવું કામ બહેનો કરી નથી શકતી. વસ્તારી કુટુંબમાં મહારાજને રસોઈમાં મદદ કરાવવા બહેન રાખો એના ૬૦૦૦ રૂપિયા અલગથી આપવા પડે. પુરુષોએ ઘર ચલાવવાનું હોય. દિવસના ચારથી વધુ ઘરનાં કામ કરી ન શકે. મોંઘવારી દિવસે-દિવસે વધી રહી છે એવામાં મહિને ૪૦,૦૦૦ રૂપિયામાં તેઓ માંડ પૂરું કરતા હશે. ડોમેસ્ટિક હેલ્પરો રવિવારે પણ આવે છે એ મોટો ફાયદો કહેવાય. ખાવાના શોખીન ગુજરાતી પરિવારમાં રોટલી બનાવો ત્યાં પાંચ વાસણ નીકળે. કોરોનાકાળમાં ઘરનાં કામ કરીને કેવા થાકી ગયા હતા. મારું તો પાંચ કિલો વજન ઊતરી ગયું હતું. એ દિવસો યાદ કરશો તો હેલ્પરોનો પગાર વધારે નહીં લાગે.
ઘરકામ કરવાની ટેવ છૂટી ગઈ હોય અને સામાજિક કે વ્યાવસાયિક જીવનમાં વ્યસ્ત રહેતા હોઈએ ત્યારે માગે એટલા આપવા પડે છે. અભિનેત્રી પાસેથી ડોમેસ્ટિક હેલ્પર દ્વારા માગવામાં આવેલા ૧૦,૦૦૦ રૂપિયા મને વધુ નથી લાગતા. અમારા વિસ્તારમાં આટલા કામના ૧૫,૦૦૦ રૂપિયા ચાલે છે. બીજું એ કે આજકાલ એક હેલ્પર બધા પ્રકારનાં કામ નથી કરતો. કોઈ ડસ્ટિંગ માટે આવે તો કોઈ વાસણ માટે. કપડાંને ઇસ્ત્રી કરવી, બહારથી ચીજવસ્તુ લાવવી જેવાં છૂટક કામ માટે અલગ હેલ્પરની જરૂર પડે છે. ઘરમાં આખો દિવસ નાનું-મોટું કામ ચાલ્યા કરતું હોય. રસોઈ માટે બહેન, ઘરકામ માટે, છૂટક કામ માટે અને ડ્રાઇવર મળીને પાંચ જણનો સ્ટાફ રાખ્યો છે. મહેમાનો આવે કે વિદેશથી સંતાનો આવે ત્યારે ઘરમાં રસોઈ બનતી નથી. વાસણો ઓછાં થાય છતાં એક હેલ્પરને મહિને ૧૫,૦૦૦ રૂપિયા ચૂકવીએ છીએ. ૧૦ વર્ષ જૂના માણસોને છૂટા કરવાનું મન નથી થતું. એ લોકોને પણ જીવનધોરણ સુધારવાનો પૂરો હક છે. તેમને સારો મોબાઇલ વાપરવો છે, સારાં કપડાં પહેરવાં છે, બાળકોને ભણાવવાં છે. આપણે ડૉક્ટરને એક વિઝિટના ૨૦૦૦થી ૩૦૦૦ રૂપિયા આપી દઈએ છીએ, જ્યારે આ લોકો આખો મહિનો ઘરકામ કરે છે. શારીરિક શ્રમનું મૂલ્ય છે.
સાંતાક્રુઝના સ્ટેશન વિસ્તારમાં કલાકના ૨૫૦૦ રૂપિયાથી ૩૦૦૦ રૂપિયાનો ભાવ ચાલે છે. એસ. વી. રોડ બાજુ જાઓ તો કલાકના ૪૦૦૦ રૂપિયા માગે છે. વાસણ, ડસ્ટિંગ અને ક્લીનિંગના હાઉસહેલ્પને ૫૦૦૦ રૂપિયા ચૂકવું છું. કિચનમાં મદદ જોઈતી હોય તો વધુ પૈસા ચૂકવવા પડે. ૧૦,૦૦૦ રૂપિયામાં અડધા દિવસનો હાઉસહેલ્પ મળી જાય છે. અમારા ઘરે અડધા દિવસનો હાઉસહેલ્પ પણ છે. સવારે ૮ વાગ્યે આવી જાય. મને ફીમેલ હેલ્પર ફાવતી નથી. જોકે અમારે ત્યાં વળી જુદો ટ્રેન્ડ છે. બહેનો કરતાં પુરુષ-હેલ્પરનો રેટ ઓછો છે. તેઓ કામમાં ઝડપી છે અને રાતના સમયે પણ આવે. બહેનો રાત્રે આવે નહીં અને વધારે નાટક કરે છે. અગાઉની જેમ ગૃહિણીઓ ઘરનાં તમામ કામ કરી શકતી નથી. શરીરમાં એટલું જોર નથી. આપણને તેમની ગરજ છે એ તેઓ સમજી ગયા છે. મોંઘવારી ઉપરાંત આપણી જરૂરિયાતને કારણે તેમની માગણી વધતી જાય છે.
કીર્તિ કુલ્હારીનો ફ્લૅટ કેટલો વિશાળ છે એ આપણે જાણતા નથી. બારી-બારણાં લૂછવાથી લઈને બાથરૂમ ધોવા સુધીનાં કામ કરાવો તો પૈસા થાય જ. એક બેડરૂમના ઘરમાં ઝાપટઝૂપટ કરતાં દમ નીકળી જાય છે. કપડાં સૂકવવાનું અને વાસણ ચડાવવાનું કામ પણ થતું નથી. ઘરમાં મહેમાનો આવે કે નાનો પ્રસંગ રાખો ત્યારે જાતે વાસણ માંજવા બેસવાના છો? દિવાળીની સફાઈ કોણ કરશે? કામદારોના વેતનનો કકળાટ સાવ ખોટો છે. વિલે પાર્લે-વેસ્ટમાં બે બિલ્ડિંગ છોડીને જુદા ભાવ જોવા મળશે. જેવો એરિયા, જેવું બિલ્ડિંગ એવો ભાવ. આજકાલ હાઉસહેલ્પ મળતા નથી. ખાસ કરીને પુરુષો નથી મળતા અને બહેનો શારીરિક કામ કરવાની ના પાડે છે. નસીબજોગે અમારે ત્યાં સવારે હાઉસહેલ્પ આવે છે. તેને ૩૫૦૦ રૂપિયા ચૂકવીએ છીએ અને સાંજનાં વાસણો માટે અલગથી બહેન આવે છે તેને ૧૫૦૦ રૂપિયા આપું છું. ડોમેસ્ટિક હેલ્પરો મોટા ભાગે ભાડાના ઘરમાં રહેતા હોય છે. ઘણાને ગામમાં પણ પૈસા મોકલવાના હોય છે. આટલું ન કમાય તો મુંબઈમાં ટકી ન શકે. એ લોકો મશીન નથી, શરીર ઘસે છે. જમાનો બદલાયો છે એ સૌએ સ્વીકારી લેવું જોઈએ.
અમારી સોસાયટીમાં હાલમાં કામના રેટ ફિક્સ છે. ૩ બેડરૂમનો ફ્લૅટ હોય તો એક કામના ૨૦૦૦ રૂપિયા લે છે. બે બેડરૂમનો ફ્લૅટ હોય તો ઝાડુ-પોતાં અને ડસ્ટિંગના ઓછા થાય, પરંતુ વાસણના રેટ એ જ રહે. અમારો પાંચ જણનો પરિવાર છે. વાસણ, ઝાડુ-પોતાં અને ડસ્ટિંગના મહિને ૬૦૦૦ રૂપિયા ચૂકવું છું. બધું કામ કરતાં તેને ૩ કલાક થાય છે. એજન્સીઓ મારફત કલાકદીઠ ઓછા ભાવે કામદારો મળી રહે છે, પરંતુ આજના સમયમાં આર્થિક બચત કરતાં સુરક્ષા મહત્ત્વની છે. વિશ્વાસુ હેલ્પર મળવો મુશ્કેલ છે. સમય પ્રમાણે તેમના ખર્ચા વધ્યા છે. એક હેલ્પર દિવસમાં ત્રણ કે ચાર ઘરનાં કામ કરે ત્યારે મહિને માંડ ૨૦,૦૦૦ રૂપિયાની આસપાસ કમાઈ શકે. સંતાનોનો ભણવાનો ખર્ચ, ઘરનું ભાડું, રાશન સહિત જીવનજરૂરિયાતની વસ્તુઓ મોંઘી થઈ રહી છે. બીજું એ કે નવી પેઢીના હેલ્પરો મૉલ્સ અને ઑફિસ તરફ વળ્યા છે. એ લોકોને ઘરના કામમાં રસ નથી રહ્યો. એવામાં હેલ્પર મળી જાય એ મોટી વાત છે. વિશ્વાસુ અને જાણીતાં બહેનને સાચવી રાખવાં જરૂરી હોવાથી વધુ પૈસા ચૂકવીએ છીએ. એ લોકોને પણ ફાયદો છે. જૂનું કામ હોય તો મેડિકલ ઇમર્જન્સી અથવા અન્ય કટોકટીના સમયે ગૃહિણીઓ તેમને પૈસાની મદદ કરે છે.