15 August, 2026 11:52 AM IST | Mumbai | Deepak Mehta
શ્વેતવસ્ત્રાવૃતા રાજાબાઈ (ટાવર). ૧૪-૧૫ ઑગસ્ટ ૧૯૪૭ની રાતે બંધારણસભામાં ઐતિહાસિક ભાષણ કરતા વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ, કદમ કદમ બઢાએ જા : ૧૯૪૭ની ૧૫ આૅગસ્ટની સવારે નીકળેલું સરઘસ.
‘चंद मिनट में यह एसेम्बली एक आझाद खुदमुख्तार एसेम्बली होगी. और ये एसेम्बली नुमाइन्दगी करेगी एक आझाद खुदमुख्तार मुल्क की.’
રાતના ૧૨ વાગવાને થોડી જ વાર હતી. એ રાતે મુંબઈમાં જેટલાં ઘરોમાં રેડિયો હતો એ બધામાંથી આ એક જ અવાજ આવી રહ્યો હતો. કેટલાક ઉત્સાહીઓએ ઘરની બહાર મોટા ભૂંગળા જેવાં લાઉડસ્પીકર ગોઠવીને આ ભાષણના શબ્દો રસ્તે ચાલતા લોકો સુધી પહોંચાડવાની તસ્દી લીધી હતી. સરકારી આદેશ વગર પણ લગભગ દરેક ઘરની બહાર આઝાદ હિન્દુસ્તાનનો તિરંગો ફરફરતો હતો. ઘણાં ઘરોની બહાર વીજળીના દીવા ઝબૂકતા હતા. સરકારી મકાનો પર રોશની કરવામાં આવી હતી. સરકારે અગાઉથી જાહેરાત કરી હતી કે ૧૪-૧૫-૧૬ ઑગસ્ટના ૩ દિવસ માટે લોકો મુંબઈનાં ટ્રામ-બસ અને લોકલ ટ્રેન જેવાં જાહેર વાહનોમાં મફતમાં મુસાફરી કરી શકશે. એટલે ત્રણે દિવસ રોશની અને બીજા કાર્યક્રમો જોવા જનારા લોકોથી કોટ વિસ્તાર તરફ જતી ટ્રામ-બસ ખીચોખીચ ભરેલી જતી હતી. ઘણા લોકો ટહેલતાં-ટહેલતાં જવાનું પસંદ કરતા હતા, રસ્તે જતાં પિપૂડાં વગાડતા હતા. રાતના બરાબર બારને ટકોરે કોઈ નેતાએ લોકોને અપીલ કરી નહોતી છતાં દરેક ઘરમાંથી
નાના-મોટા સૌકોઈ થાળી વગાડી રહ્યા હતા. આ લખનારને બરાબર યાદ છે : મોટા ભાઈએ ઘરની કાંસાની થાળી લાકડાના વેલણથી એટલી તો જોરથી અને એટલી વાર સુધી વગાડેલી કે એ થાળીના બે કટકા થઈ ગયા હતા! એ રાત હતી ૧૯૪૭ના ઑગસ્ટ મહિનાની ૧૪ તારીખની. એ દિવસની છેલ્લી ઘડીઓ ગણાતી હતી. ચંદ મિનિટોમાં માત્ર તારીખ બદલાવાની નહોતી, તવારીખ બદલાવાની હતી - આખા દેશની, દેશના લોકોની.
રાજાબાઈ ટાવરની ઘડિયાળમાં રાતના બારના ડંકા વાગ્યા. બારમો ડંકો વાગ્યો એ સાથે જ એ ટાવરની ટોચ પરથી હવાઈઓ છોડવામાં આવી. એ જ વખતે બૅલાર્ડ પિયર, ગેટવે ઑફ ઇન્ડિયા અને બીજી ગોદીઓમાં લંગર નાખીને પડેલાં હરકોઈ દેશનાં જહાજોએ ભૂંગળાં વગાડ્યાં. ગિરણગાંવ કહેવાતી પરળની કૉટન મિલોએ પાળી શરૂ અને પૂરી થતાં રોજ જેમ ભૂંગળાં વગાડે એમ રાતે ૧૨ વાગે વગાડ્યાં. ભુલેશ્વર, ગિરગામ, તાંબાકાંટા, ઝવેરીબજાર અને બીજી ઘણી બજારોમાં દુકાનદારોએ પોતાની જણસોની રસ્તા પર કમાન બનાવી એના પર રોશની કરી હતી. મરીન ડ્રાઇવ અને ચોપાટી જેવાં સ્થળોએ લોકો ઊભરાતા હતા. ઘણાએ માથે વિદૂષક જેવી કાગળની ટોપી પહેરી હતી. ઘણાંખરાં બાળકો અને કેટલાંક મોટેરાંના હાથમાં પિપૂડાં હતાં એ
જોર-જોરથી વગાડતાં હતાં. ચર્ચોમાંથી ઘંટનાદ સંભળાતા હતા અને દેશની આઝાદી અને આબાદી માટે ખાસ યોજાયેલા
‘મિડ-નાઇટ માસ’માં શ્રદ્ધાળુ લોકો દેશને માટે દુઆઓ માગી રહ્યા હતા. એ જ વખતે રસ્તા પરથી પસાર થતી હતી ધીમી ચાલે ચાલતી BESTની ત્રિરંગી રોશનીથી શણગારેલી ટ્રામ અને બસ. ૧૨ વાગ્યા પછી રસ્તા પર કે દરિયાકિનારે હતા તે બધા લોકો એકબીજાને કહી રહ્યા હતા : ‘જય હિન્દ’, વંદે માતરમ્’, ‘મહાત્મા ગાંધી કી જય’, ‘પંડિત નેહરુ કી જય.’
એક બાજુ લોકોનો આ સ્વયંભૂ ઓચ્છવ ચાલી રહ્યો હતો ત્યારે બીજી બાજુ સરકારી કાર્યક્રમ શરૂ થયો હતો બૉમ્બે સિવિલ સેક્રેટરિયેટમાં. આજે એ મકાનમાં સિટી સિવિલ ઍન્ડ સેશન્સ કોર્ટનાં બેસણાં છે. એ રાતે આખી ઇમારતને કેસરી, સફેદ અને લીલા રંગની રોશનીથી શણગારવામાં આવી હતી. એ વખતે હજી રાજ્ય અને શહેર બન્નેનું સત્તાવાર નામ હતું બૉમ્બે અને બૉમ્બે પ્રેસિડન્સી. એ મકાનમાં તો વિધાનસભ્યો અને બીજા આમંત્રિતો જ દાખલ થઈ શકે, પણ થોડે દૂર આવેલા ઓવલના મેદાનમાં હજારોની મેદની આ ઐતિહાસિક ઘટનાની સાક્ષી બનવા ઊભી હતી. બધાની આંખો એ મકાનની ટોચ પરની કાઠી પર ખોડાયેલી હતી. સરકારી સમારંભની શરૂઆત સર્વધર્મ પ્રાર્થનાથી કરવામાં આવી. પ્રાઇમ મિનિસ્ટર (એ વખતે દરેક પ્રેસિડન્સીના સરકારી વડા ‘પ્રાઇમ મિનિસ્ટર’ તરીકે ઓળખાતા, પછીથી અપનાવાયેલા બંધારણમાં એ પદ ‘ચીફ મિનિસ્ટર’ બન્યું) બાળાસાહેબ ગંગાધર ખેરના હાથે તિરંગો ફરકાવવામાં આવ્યો. બ્રિટિશ હકૂમતનો યુનિયન જૅક એક લશ્કરી અધિકારીએ ધીમે-ધીમે ઉતારી લીધો અને થોડી જ ક્ષણોમાં એની જગ્યાએ આઝાદ ભારતનો તિરંગો ફરફરવા લાગ્યો. તિરંગો ફરકાવ્યા પછીના ભાષણમાં તેઓ આટલું જ બોલ્યા હતા : ‘આઝાદ ભારતના નાગરિકો! આજથી તમે સૌ આઝાદ છો!’
સરકારી મકાનો, નગરપાલિકાની મુખ્ય ઑફિસો, રેલવે-સ્ટેશનો, બૅન્કો અને વેપારી પેઢીઓની ઇમારતો, બલ્કે કોટ વિસ્તારની લગભગ એકેએક ઇમારત ઝળાંહળાં થઈ રહી હતી. રાજાબાઈ ટાવર સફેદ બત્તીઓના પ્રકાશમાં ઝળહળી રહ્યો હતો, પણ આ રાજાબાઈ ટાવર પરની રોશનીને કારણે મરાઠીભાષીઓની રીતે કહીએ તો એક ‘મોઠી ગમ્મત ઝાલી.’ રોશની જોવા આવનારા લોકોનાં ટોળાં ક્યારે વીખરાશે એનો અંદાજ કોઈ બાંધી શકતું નહોતું. એટલે ઠરાવાયું એવું કે લોકો વીખરાઈ જાય પછી રાજાબાઈ ટાવરની રોશની બંધ થશે અને એ પછી બીજી બધી ઇમારતોની રોશની બંધ કરવી, પણ ગમ્મત કાય ઝાલી કે રાજાબાઈ ટાવરની રોશની બંધ કરવાનું કામ જેને સોંપવામાં આવેલું તે મેકૅનિકની મળી ગઈ આંખ. સવારે ત્રણેક વાગ્યે ઝબકીને જાગ્યો. જુએ છે તો આસપાસ બધું સૂમસામ. ઝપાટાબંધ ટાવરની લાઇટ બંધ કરી અને પછી સૂમસામ રસ્તાઓ પરની ઇમારતોની રોશની પણ ટપોટપ બંધ થઈ ગઈ.
બીજા દિવસે ૧૫મીની સવારે આખા શહેરમાં લોકોએ સ્વેચ્છાએ સરઘસો કાઢ્યાં. પાલવા બંદર, ફ્લોરા ફાઉન્ટન, કાલબાદેવી રોડ, ગિરગામ રોડ, પ્રિન્સેસ સ્ટ્રીટ, ઝવેરીબજાર, મરીન ડ્રાઇવ કે ચોપાટી જ્યાં જુઓ ત્યાં લોકોનાં ટોળેટોળાં. હાથમાં તિરંગો, આંખોમાં નવું અજવાળું, હોઠો પર ‘જય હિન્દ’ અને દિલમાંથી ઊઠતી એક જ અરજ : ‘હે ભારત ભાગ્યવિધાતા! અમારી ધરતીને સુજલામ્, સુફલામ્ રાખજો.’ લોકોનાં ટોળાંમાં કોઈ નાચતા હતા, કોઈ ગાતા હતા, કોઈ મીઠાઈ વહેંચતા હતા. આઝાદી માટેની લડત વખતનાં ગીતો હજી લોકજીભે રમતાં હતાં : ‘યહ સર જાવે તો જાવે, પર આઝાદી ઘર આવે.’
પણ હવે આઝાદી ઘર આવી ગઈ હતી. ગઈ કાલ સુધી બૉમ્બે પોલીસના ગોરા સાર્જન્ટો લોકોના હાથમાંથી તિરંગો ઝૂંટવી લેતા અને બદલામાં પગ પર કે વાંસામાં લાકડીઓનો માર આપતા હતા. આજે એ જ તિરંગો પોલીસનાં વાહનો પર ફરફરી રહ્યો હતો. ૧૫મીએ સવારે સાડાનવ વાગ્યે બ્રેબર્ન સ્ટેડિયમ ખાતે એક ખાસ સમારંભ યોજાયો હતો. એમાં બી. જી. ખેરના હાથે બૉમ્બે હોમગાર્ડ્સને નવા ‘કલર્સ’ (એટલે કે નિશાન-ચિહ્ન) આપવામાં આવ્યા. સાંજે છ વાગ્યે લશ્કર અને પોલીસના જવાનોએ ધ્વજવંદન કરીને પરેડ કાઢી હતી.
પહેલવહેલા આઝાદી દિવસ પહેલાં એની ઉજવણી વિશે સરકાર તરફથી જે આદેશો બહાર પાડવામાં આવ્યા હતા એમાંના કેટલાક આજે આપણને આશ્ચર્ય કે રમૂજ ઊપજાવે એવા છે. ૧૯૪૭ની ૨૯ જુલાઈએ એક આદેશ બહાર પાડીને સરકારે દરેક સ્કૂલમાં ૧૫મીની સવારે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવાનો આદેશ આપ્યો હતો. એ વખતે એકઠા થયેલા વિદ્યાર્થીઓને સ્કૂલ તરફથી મીઠાઈ વહેંચવા જણાવાયું હતું, પણ એ પાછળ વિદ્યાર્થીદીઠ છ આના (આજના ૩૭ પૈસા) કરતાં વધુ ખર્ચ ન કરવા પણ જણાવ્યું હતું.
પાંચમી ઑગસ્ટે બહાર પાડવામાં આવેલી એક સરકારી યાદીમાં જણાવાયું હતું કે દેશનો તિરંગો ખાદીનો જ હોવો જોઈએ એવી માગણી કેટલાક લોકોએ સરકાર સમક્ષ રજૂ કરી છે. સરકાર સૈદ્ધાંતિક રીતે એનો સ્વીકાર કરે છે, પણ તિરંગા બનાવવા માટે જરૂરી હોય એટલી ખાદી તાબડતોબ મળવી મુશ્કેલ છે એટલે બને ત્યાં સુધી ઝંડા ખાદીના બનાવવા, પણ ખાદી ન મળે તો બીજા સુતરાઉ કાપડના બનાવવા માટે કલેક્ટર આદેશ આપી શકે છે.
સરકારના ધ્યાનમાં એક વાત છેક ૧૧ ઑગસ્ટે આવી અને એ જ દિવસે એણે એક આદેશ બહાર પાડ્યો. અગાઉના આદેશો પ્રમાણે દરેક સરકારી સમારંભમાં ‘ગૉડ સેવ ધ કિંગ’ ગાવા કે વગાડવાનું ફરજિયાત હતું. ૧૪ ઑગસ્ટે કે એ પછી કોઈ પણ સરકારી સમાંરભમાં ‘ગૉડ સેવ ધ કિંગ’ ગાવું/વગાડવું નહીં એમ આદેશમાં જણાવવામાં આવ્યું. એ વખતે હજી દેશનું બંધારણ ઘડાયું નહોતું અને એટલે ‘રાષ્ટ્રગીત’ નક્કી થયું નહોતું. એટલે સરકારી આદેશમાં જણાવાયું હતું કે જો સ્થાનિક લોકોની ઇચ્છા કે માગણી હોય તો ‘જન ગણ મન’ કે ‘વંદે માતરમ્’ ગાઈ કે
વગાડી શકાય.
એ વખતે આજના જેવાં સંચારમાધ્યમો નહોતાં. સમાચારનો મુખ્ય આધાર રેડિયો અને છાપાં. એ વખતે ઘણાંખરાં છાપાંની કિંમત બે આના (આજના બાર પૈસા). બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારથી દેશમાં કાળાંબજારે પગપેસારો કર્યો હતો. એટલે કેટલાંક અખબારોએ ૧૪-૧૫-૧૬ ઑગસ્ટના અંકમાં કિંમત છાપીને નીચે મોટા અક્ષરે છાપ્યું હતું : ‘Do NOT pay more.’ ઑગસ્ટની શરૂઆતથી દરેક છાપામાં સૌથી વધુ જોવા મળતી જો કોઈ જાહેરખબર હોય તો એ રેડિયોની. ત્યારે સૌથી સસ્તા રેડિયોસેટની કિંમત હતી ૯૫ રૂપિયા.
પછી આવ્યો ૧૭ ઑગસ્ટનો દિવસ. આખા દેશમાં અંગ્રેજોનું લશ્કર સૌથી પહેલાં ઊતર્યું હતું મુંબઈને કિનારે, ૧૬૬૫માં અને એ જ મુંબઈના કિનારે આવેલા બૅલાર્ડ પિયરથી બ્રિટિશ લશ્કરની પહેલી ટુકડીએ વિદાય લીધી. તેમને વળાવવા માટે ગવર્નર જનરલ લૉર્ડ માઉન્ટબેટન દિલ્હીથી મુંબઈ આવ્યા હતા. વિદાય પહેલાં તેમણે કરેલા ભાષણમાં સૈનિકોની બહાદુરી અને ફરજપરસ્તીની પ્રશંસા કરીને તેઓ સુખરૂપ સ્વદેશ પહોંચે એવી શુભેચ્છા પાઠવી. પછી સૈનિકોની સાથે લૉર્ડ અને લેડી માઉન્ટબેટન સ્ટીમર પર ગયાં અને થોડો વખત સૈનિકો સાથે ગાળીને પાછાં કિનારે આવી ગયાં હતાં.
બ્રિટિશ સૈન્યની પહેલી ટુકડીને જતી જોવા માટે લોકોની ખાસ્સી મેદની એકઠી થઈ હતી. પાંચ-સાત વરસની એક ગરીબ અને ગરીબડી છોકરી પણ ત્યાં ઊભી હતી. વિદાય લઈ રહેલા સૈનિકો તેની બાજુમાંથી જ કૂચ કરી રહ્યા હતા. ટોળામાંથી કોઈએ એક સૈનિકના હાથમાં ખાદીનો નાનકડો તિરંગો પકડાવી દીધો હતો. છોકરીને જોઈને તે સૈનિક ઘડીભર ઊભો રહ્યો અને છોકરીનો ખભો થાબડીને પોતાના હાથમાંનો તિરંગો તેને આપી દીધો અને એ જ ક્ષણે પેલી છોકરીની આંખોમાં કોઈ અજબની ચમક આવી. આસપાસના બધા સાંભળે એમ તે બોલી ઊઠી : ‘સારે જહાં સે અચ્છા, હિન્દોસ્તાં હમારા’.