22 December, 2024 09:06 AM IST | Mumbai | Dr. Dinkar Joshi
ફાઈલ તસવીર
અખબાર વાંચવાની આદત કંઈ આજકાલની નથી. આંખ ચોળતાં-ચોળતાં પથારીમાંથી ઊઠતાં વેંત ‘છાપું આવ્યું કે નહીં?’ આવો સવાલ પિતાજી પૂછતા. કોને પૂછતા એવો કોઈ સવાલ કોઈને પેદા થતો જ નહીં. બે ઓરડીના ઘરમાં તમામ આઠેય દીવાલોને આ સવાલ પૂછ્યો હોય અને આઠેય દીવાલો એકી સાથે જવાબ આપતી હોય. છાપું એક જ હોય. બેત્રણ છાપાં એકસાથે લેવાની જરૂરિયાત હજી ઊભી નહોતી થઈ. અંગ્રેજી છાપાંનો કોઈ સવાલ જ ઊભો થતો નહોતો. આ છાપાંમાં અગ્રલેખ શું લખાયો છે એવો સવાલ સહુને થતો. છાપાંમાં કંઈ છપાયું હોય એ સાચું જ હોય એમ ગળા સુધી સહુ માનતા. છાપાં વિશે જ્યારે કંઈ વાત થતી ત્યારે વડીલો આપસ-આપસમાં એમ કહેતા, ‘અરે, શું વાત કરો છો? આ વાત તો છાપાંમાં આવી ગઈ છે.’ આમ જે છાપાંમાં આવી જાય એ ‘ફાઇનલ’ જ ગણાય એમ સહુ કોઈ માને.
૧૯૪૭-’૪૮નાં છાપાંઓનું એક પોટલું હમણાં મને હાથવગું થયું. આ પોટલું ગાંધીજીની પૌત્રી મનુબહેને મને આપેલું. કોણ જાણે કેમ એની ઉપર નજર ફેરવતાં-ફેરવતાં આજના અખબાર સાથે એની સરખામણી થઈ ગઈ. આજે કોઈ પણ અખબારનાં પાનાં ઊથલાવીએ ત્યારે એમાં ‘એ તો છાપાંમાં આવી ગયું!’ એવો ભરોસો થઈ શકશે ખરો? આથી સાવ ઊલટું છાપાંમાં આવી જાય એટલે એની સચ્ચાઈ વિશે શંકા જાગે એવું જ કાંઈક ઊલટસૂલટ થઈ ગયું છે. અખબારી સમાચાર એટલે શું એવો પ્રશ્ન જો કોઈને થાય તો એનો જવાબ પત્રકારોની દુનિયામાં આમ અપાય છે, ‘કૂતરું માણસને કરડે એ સમાચાર નથી, પણ જો માણસ કૂતરાને કરડે તો એ સમાચાર છે.’ આજના અખબારનાં પાનાં ઊથલાવતાં આ યાદ આવી જાય છે. આજે અખબારના પાને-પાને પુષ્કળ સમાચાર છે. એટલે કે માણસ કૂતરાને કરડે એવા પાર વિનાના પ્રસંગો છે. દુનિયામાં આવું થોકબંધ બને છે એટલે હવે આપણા માટે માણસ કૂતરાને કરડે એ સ્વાભાવિક અને સાવ સહજ થઈ ગયું છે.
હવે આ જુઓ
પચાસ કે સાઠ વર્ષ પહેલાં રાત્રે દસ વાગ્યે આફ્રિકા તથા અન્યત્ર વિદેશમાં વસતા ગુજરાતીઓ માટે દસ મિનિટનું એક સમાચાર બુલેટિન ગુજરાતીમાં રેડિયો પરથી પ્રસારિત થતું. આ દસ વાગ્યાના સમાચાર સાંભળવા ગુજરાતીઓ પોતાના ઘરે જાગતા રહે, સમાચાર સાંભળ્યા પછી જ પથારીમાં પડેલી ચાદરની ગડી ખોલતા. રેડિયોની સંખ્યા બહુ ઓછી હતી પણ જે હતી એના વિશે ગુજરાતીઓમાં ભારે જાગરૂકતા હતી. આ રાતના દસ વાગ્યાના સમાચાર ઉપરાંત બપોરે એક વાગ્યે ગુજરાતી સમાચાર બુલેટિન પ્રસારિત થતું. ગુજરાતી ગૃહિણીઓ રસોડું આટોપાઈ ગયું હોય ત્યારે સાડલાના છેડાથી હાથ લૂછતી-લૂછતી આ સમાચાર સાંભળતી. આજે ટીવી ચૅનલ સો સમાચારોનું બુલેટિન દિવસમાં કોણ જાણે કેટલીયે વાર આપે છે. જે સમાચાર આ સો સમાચારમાં ટોળું બનીને માથે ખડકાય છે એ સમાચારો જરાક ધ્યાન દઈને સાંભળજો. ફલાણા ગામમાં બળદ કૂવામાં પડી ગયો. આ સમાચાર આખી દુનિયા માટે આ સો પૈકી એક બની ગયા. કોણે કોની છેડતી કરી, કયા નેતાએ કોને કઈ ગાળો આપી વગેરે-વગેરે સમાચાર બનીને કડકડાટ બોલાઈ જાય. આ એટલુંબધું તીવ્ર ગતિએ પસાર થઈ જાય કે તમે એને એક આખા વાક્ય તરીકે સાંભળી કે સમજી ન શકો એટલું જ નહીં, સમાચાર પટ્ટીમાં એ અક્ષર બનીને એવું ઝડપથી આંખ સામેથી પસાર થઈ જાય કે એને ક્યારેય વાંચી ન શકાય. આ સો સમાચાર દિવસમાં કોણ જાણે કેટલી વાર આ ચૅનલો પ્રસારિત કરે છે.
સમાચાર એટલે કયો ધર્મ?
માણસ સમાચાર જાણવા માગે છે અને એટલે અખબારનાં પાનાં ઊથલાવે છે. અખબારી ધર્મ એની પાસે જે કોઈ સારા-નરસા પણ નિયતપણે સમાચાર કહેવાય એવા ખબર આવે છે એમાંથી વીણી-વીણીને એના વાચકને માહિતગાર કરવાનો છે. પોતાના વ્યક્તિગત ગમા-અણગમા અથવા તો માલિકની આજ્ઞા અહીં બહુ મોટો ભાગ ભજવે છે. આમ હોવાથી વાચકો જે વાંચે એ શુદ્ધ અર્થમાં સમાચાર નથી રહેતા. જે કંઈ બન્યું છે એમાં સચ્ચાઈ નથી સચવાતી. માત્ર અંગત લાભાલાભ નાના-મોટા અક્ષરોમાં ગોઠવાઈને વાચક સુધી પહોંચે છે. આનું પરિણામ એ આવે છે કે જે છે એ નથી પહોંચતું પણ જે નથી એ છે બનીને આંખ આગળ ઢગલો થઈ જાય છે. આ ઢગલામાં વાત તો માણસ કૂતરાને કરડે એ જ હોય છે. આજે કોઈ પણ અખબાર ઊથલાવીશું તો એમાં બળાત્કાર, અત્યાચાર, હિંસા, લૂંટફાટ, સૃષ્ટિ વિરુદ્ધનાં દુષ્કર્મો આવા અનેક સમાચારો પ્રત્યેક પૃષ્ઠ પર જોવા મળે છે. અખબારી સમાચારો એ જો સામાજિક પ્રતિબિંબ કહેવાતું હોય તો આજે અખબાર વાંચતાં વેંત કોઈને પણ એવું જ લાગવાનું જાણે સમાજમાં ચારે બાજુ નીતિ, ધર્મ, માણસાઈ આ બધું અલોપ થઈ ગયું છે. અખબારી આલમે યાદ રાખવા જોઈએ એવા બે પ્રસંગો :
૧. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં શરૂ કરેલાં પોતાનાં અખબારો માટે જાહેરખબરો લેવાનું બંધ કરી દીધેલું. જાહેરખબર વિના કોઈ અખબાર ચાલી શકે નહીં આ સચ્ચાઈને સ્વીકાર્યા વિના ચાલે નહીં પણ એ સાથે જ જાહેરખબરો સાવ જુઠ્ઠી હોય છે એ જાણ્યા પછી ગાંધીજીએ જાહેરખબરો લેવાનું બંધ કરી દીધું હતું. એના કારણમાં તેમણે જણાવેલું કે આ જાહેરખબર વાંચીને કોઈ વાચક એને સાચી માનીને જો છેતરાઈ જાય તો આવી છેતરપિંડીમાં અખબારના તંત્રીઓ-માલિકો સુધ્ધાં જવાબદાર કહેવાય. રામદેવ બાબાની પતંજલિની જાહેરાતોને સુપ્રીમ કોર્ટે હમણાં જ રોકી દીધી એ વાતથી હવે આપણે અજાણ નથી.
૨. ગાંધીજીએ ૧૯૪૮માં બ્રહ્મચર્યના જે પ્રયોગો કરેલા એ પ્રયોગો વિશે પોતાની માન્યતાઓ સાથે એક લેખ લખીને તેમણે પોતાના નવજીવનના અખબારમાં પ્રકાશિત કરવા મોકલ્યો હતો. ‘નવજીવન’ (કદાચ ‘હરિજન બંધુ’ હશે) તંત્રી તરીકે ત્યારે કિશોરલાલ મશરૂવાળા હતા. તેમણે ગાંધીજીના આ પ્રયોગને સામાજિક સ્તરે અનુચિત માન્યા અને એટલે આ લેખ છાપવાની ના પાડી. ગાંધીજીના વિચારોને અને પ્રયોગોને તેમનાં જ અખબારોમાં મશરૂવાળાએ પ્રકાશિત કરવાનો ઇનકાર કર્યો એનાથી બાપુ નારાજ થયા. તેમણે મશરૂવાળાને લખ્યું – ‘મારાં આ અખબારો મેં મારાં વિચારો અને કર્મો લોકો સમક્ષ મૂકવા માટે શરૂ કર્યાં છે. તમે એને છાપવા માટે ઇનકારી શકો નહીં.’ દમના વ્યાધિથી પીડિત, ખાંસી ખાતા-ખાતા ગોટો વળી જતા કિશોરલાલે બાપુને વળતો જવાબ લખ્યો છે – ‘બાપુ, અખબારો તમારાં, તમારે એમાં જે છાપવું હોય એ છાપવાનો તમારો અધિકાર પણ એ છાપવા માટે તમારે બીજો કોઈ તંત્રી ખોળી કાઢવો પડશે.’
કિશોરલાલે દાખવેલી આવી પ્રચંડ હામને આજે કોણ સંભારી શકશે?
બસ, બહુ થયું. ‘છાપું આવી ગયું?’ આ સવાલ સાઠ-સિત્તેર વર્ષ પહેલાં પિતાજી ઘરની દીવાલોને પૂછતા. આજે પણ એ સવાલ તો ઊભો જ છે, પણ એનો જવાબ શું અને ક્યાં?