05 August, 2026 07:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મોરારી બાપુ (સૌજન્ય : મિડ-ડે )
લય જ્યારે તૂટે ત્યારે જ પ્રલય થતો હોય છે. ધરતીકંપ, સુનામી, જ્વાળામુખી, અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતો પણ સૃષ્ટિ જ્યારે લય ચૂકે ત્યારે જ સર્જાતી હોય છે. સાધકની વય ગમે એટલી હોય, એક વાર નક્કી કરે કે મારે લય તૂટવા દેવો નથી તો અચૂક જય સુધી પહોંચી શકે છે.
આ જગતમાં જન્મે છે તે તમામ બ્રહ્મલીન થાય છે, પરંતુ બહુ ઓછા લયલીન થઈ શકે છે. પોતાના લક્ષ્યાંક માટે લયમાં ડૂબી જવું અનિવાર્ય હોય છે. જ્યારે સાચો લય તૂટે છે અને બીજા કોઈ લયમાં લીન થવાય છે ત્યારે સાધકનું અનુસંધાન તૂટે છે અને સાધક અટવાઈ જતો હોય છે.
પોતાના મૂળ લક્ષ્ય કરતાં બીજી જગ્યાએ વ્યસ્ત થવું એનો અર્થ લયભંગ છે. સાધકને લયલીન કરવામાં સદ્ગુરુ, વિદ્યાર્થીને લયલીન કરવામાં શિક્ષક, ખેલાડીને લયલીન કરવામાં કોચ અને કલાકારને લયલીન કરવામાં મુર્શિદનો સિંહફાળો હોય છે. સાધક લયલીન રહે એ જરૂરી છે. જો લયભંગ થશે તો મંઝિલ સુધી પહોંચવાને બદલે ઉતારામાં અટવાઈ જશે.
એક ઘટના કહું.
વિનોબાજી સાબરમતી આશ્રમમાં ગાંધીજીના આવેલા બધા જ પત્રોને જોતા હતા. કમલનયન બજાજ બેઠા છે. એમાં એક ટપાલ વિનોબાજીએ ફાડી નાખી. યુવાન બજાજને સંદેહ થયો. તેમણે કહ્યું, ‘કેમ ફાડી નાખી? એમાં બાપુના હસ્તાક્ષર હતા અને તમારા નામે ટપાલ હતી છતાં ફાડી નાખી?’
યુવાને કાગળના ટુકડાઓ જોડ્યા. હવે એમાં ગાંધીબાપુએ વિનોબાજીને લખ્યું હતું, ‘મારા જીવનમાં અત્યાર સુધીમાં તમારા જેવા મહાન આત્માનો મને સંપર્ક નથી થયો.’
વિનોબાજી આનો બહુ સરસ જવાબ આપે છે, ‘મોટો માણસ ભૂલ ન કરે એવું નહીં માનવાનું. મોટા માણસને તેની ભૂલ સહિત સ્વીકારવાની તૈયારી હોય તે માણસ મહત્ત પુરુષોમાંથી પ્રેરણા લઈ શકે. એને તમે છબિમાં મઢી દો તો તમેય ખોટા પડો અને એને પણ હાનિ થાય. વિશ્વવંદ્ય બાપુએ મારા માટે આ શબ્દો લખ્યા છે એમાંથી મારો લયભંગ થઈ શકે છે અને મારા પતનનો પ્રારંભ થઈ શકે છે.’
આમ માનવી પોતાના જીવનમાં અનુસંધાન ટકાવી રાખે, આળસ છોડે, રસાસ્વાદમાં અટવાય નહીં, જાગૃતિ કેળવે અને લયભંગ ન થાય તો અવશ્ય સફળ થઈ શકે છે. બાકી યાદ રાખજો કે જે લયમાં નથી રહેતો તેનો પ્રલય થઈ જાય છે અને એના માટે ભાગવાની જરૂર નથી, જાગવાની જરૂર છે. ખાલી જાગો, જાગૃત થઈ જાઓ એટલે બેડો પાર.