19 August, 2026 05:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મોરારી બાપુ (સૌજન્ય : મિડ-ડે )
ઈસવીસન ૧૯૨૯ની એક ઘટના છે, જે મેં ડેલ કાર્નેગીના એક ગ્રંથમાં વાંચી હતી.
બાવીસ વર્ષનો એક યુવક હતો. તેનું નામ રૉબર્ટ હતું અને તે શિકાગોમાં રહેતો હતો. તે એટલો ગરીબ હતો કે ભણવા માટે, પુસ્તકો લેવા માટે, ભણવાની ફી ભરવા માટે લાકડાં વેચવાનું કામ કરતો હતો. લાકડાં કાપીને વેચતો. ક્યારેક-ક્યારેક કપડાંનો વિતરક બનતો હતો. એમાંથી જે મળે એનાથી તેનો વ્યહાર ચાલતો હતો. નાનામાં નાનું કામ કરવામાં પણ તેને કોઈ નાનપ નહોતી, કેમ કે તેને ભણવું હતું. ૮ વર્ષ વીત્યાં. તે ૩૦ વર્ષનો થયો ત્યારે ૪ યુનિવર્સિટીઓ, જે અમેરિકાની ખૂબ મોટી અને રીચ, દરેક બાબતમાં રીચ, એમાંથી એક યુનિવર્સિટી ઑફ શિકાગોનો તે પ્રેસિડન્ટ થયો - ૩૦ વર્ષની ઉંમરમાં. અમેરિકામાં ખળભળાટ થઈ ગયો. મોટા વડીલો, શિક્ષણકારોનાં મોં તંગ થઈ ગયાં. ૩૦ વર્ષનો યુવાન અને પ્રેસિડન્ટ ઑફ યુનિવર્સિટી ઑફ શિકાગો? હદ છે હોં! ટીકાઓનો વરસાદ થયો; નિંદા, ખોટા આક્ષેપો, આરોપ થયાં. ‘ટાઇમ’ મૅગેઝિનમાં તેનો રિપોર્ટ છપાયો.
અમેરિકાના ખૂબ મોટા મૅગેઝિન ‘ટાઇમ’એ તેના પર સંપાદકીય લેખ લખ્યો. જોકે જે દિવસે તેનો પ્રેસિડન્ટના રૂપમાં, યુનિવર્સિટીના પ્રેસિડન્ટના રૂપમાં શપથવિધિ પદગ્રહણ સમારંભ થયો એ જ દિવસે અમેરિકાના એક ખૂબ મોટા અખબારના સંપાદકીય લેખમાં તેની આકરામાં આકરી નિંદા-ટીકા કરવામાં આવી. કોઈ લોકો નાની ઉંમરમાં સફળ થાય, પ્રગતિ કરે, ઉપર સુધી પહોંચે એ પચાવવું એ તો જેનામાં સાધુતા હોય તે જ કરી શકે છે સાહેબ; બાકી બહુ અઘરું છે. અથવા આપણે જોઈ ન શકીએ તો દેખાડો કરીશું, દંભને પોષીશું, અંદરથી જલન થશે. આપણે દેશી ગુજરાતી ભાષામાં કહીએ છીએને કે ‘કાલ સવારનું છોકરું...!’
તે ભાઈ, તુંય હતો, કેટલાંક વર્ષો પહેલાં તું પણ કાલ સવારનું છોકરું જ હતો! તેણે સાધના કરી, પુરુષાર્થ કર્યો, અધ્યયન કર્યું, ૩૦ વર્ષમાં પ્રેસિડન્ટ થયો.
રૉબર્ટના પિતાજી પાસે જઈને કોઈએ કહ્યું કે તમારા દીકરાની આ અખબારમાં આકરામાં આકરી અને કડક ટીકાઓ કરવામાં આવી છે ત્યારે રૉબર્ટના પિતાએ તરત કહ્યું, ‘ભાઈ, તમે સારું કર્યું મને સમાચાર આપ્યા; પણ સાંભળો, મરેલા કૂતરાને કોઈ લાત નથી મારતું, જે જીવંત છે એને જ લાત પડશે. જે મરી ગયા છે તેની આલોચના કોણ કરશે? છોડો, અખબારના લેખને ફાડી નાખો.’ આ યુવકે ખૂબ ક્રાન્તિ કરી દીધી છે.
આલોચના તો થશે. ટીકાઓ થાય. તમારી ટીકા થાય એ જ પ્રમાણ છે કે તમે કંઈક શુભમાં પ્રવૃત્ત છો. જો સરખી રીતે ગણતાં આવડે તો ૯૦ ટકા લોકો રાજી થશે, ૧૦ ટકા જ નારાજ થશે અને ૧૦ ટકા નારાજ હોય એની ચિંતામાં આપણી ઊર્જા શું કામ બગાડવી? એને જોયું ન જોયું કરો, સાંભળો જ નહીં! એક વાત યાદ રાખજો કે નિંદા અને આલોચના આ બધું સ્વાભાવિક હોય છે. કાં તો બન્નેમાંથી બહાર અને કાં તો બન્નેનો સ્વીકાર-સહર્ષ.